ગરીબ । દુનિયામાં લાખો કરોડો ગરીબો છે, પણ આપણને દેખાતા નથી. કારણ કે આપણી ઈચ્છા નથી!
બહું જ જુના જમાનાની વાત છે. એક સામાન્ય માણસ હતો. બહું ધનવાન પણ નહીં અને સાવ ગરીબ પણ નહીં. એ દાન – ધર્મમાં ખૂબ જ માનતો હતો. એ કમાય એનો વીસ ટકા હિસ્સો એ દાનમાં આપી દેતો હતો. પોતાને સુખ-સગવડોનો બહું મોહ નહોતો.
એક દિવસ એ કેટલાંક ગરીબોને રૂપિયા દાનમાં આપી રહ્યો હતો. એની આસપાસ ભારે ભીડ હતી. લોકો એક એક રૂપીયા માટે એની સામે હાથ લંબાવી રહ્યાં હતા. એ માણસે બધાને એક તરફ ઉભા રાખી દીધા અને દાન આપવા માંડ્યો.
એક પછી એક વ્યક્તિને એ દાન આપી રહ્યો હતો. ત્યાંજ ત્યાંથી એ નગરનો રાજા પસાર થયો. આ ફકિર જેવા માણસે રાજાને ઉભો રાખ્યો અને એના હાથમાં પણ રૂપીયાના સિક્કા મુકી દીધા. રાજાને ગુસ્સો પણ ચડ્યો અને આશ્ચર્ય પણ થયું.
રાજાએ ફકિરને ઉભો રાખ્યો અને પૂછ્યુ, ‘ભાઈ, તને ખબર છે હું કોણ છુ?’
ફકીરે કહ્યુ, ‘હા, તમે આ નગરના રાજા છો.’
‘તો પણ મને તું આ રૂપીયાના ચંદ સિક્કાઓ દાનમાં આપે છે? તને ખબર છે મારી સંપતિ કેટલી છે? મારી પાસે આવા સોનાના સિક્કાઓના ઓરડાં ભર્યા છે. હું આ નગરનો જ નહીં પણ આસપાસના તમામ નગરનો ધનવાનમાં ધનવાન વ્યક્તિ છું. આ રીતે મને આ રૂપીયાઓ આપીને તે જાણી જોઈને મારું અપમાન કર્યુ હોય એવું લાગે છે. આ માટે તને સજા કરવી પડશે.’
ફકિર જેવો માણસ બોલ્યો, ‘આપની વાત સાચી છે! મેં જાણી જાેઈને જ આ સિક્કાઓ તમને દાનમાં આપ્યા છે. કારણ કે આપને ભ્રમ છે કે તમે ધનવાનમાં ધનવાન વ્યક્તિ છો. તમે ધનવાન નથી રાજન! તમે તો આ નગર અને આસપાસના તમામ નગરના ગરીબમાં ગરીબ વ્યક્તિ છો. ’
રાજા ગુસ્સે ભરાયો, ‘અરે, ગુસ્તાખ ફકીર! તું ચાલ મારી સાથે, તને હું મારા રૂપીયા બતાવું.’
ફકીર હસ્યો, ‘રાજા, તમારી પાસે રૂપીયા ભલે હોય. પણ તમે એમાંથી એક પણ રૂપીયો કદી કોઈને દાનમાં આપ્યો નથી. તમારી પાસે ભલે ગમે તેટલું ધન હોય, પણ તમે હજુ તૃપ્ત થયા નથી એટલે તમે ગરીબ જ કહેવાવ. તમારી સંપતિ ગમે તેટલી હોય પણ તમને હજુ લોભ અને લાલચ છે, માટે તમે ગરીબ છો. રાજન તમારી તૃષ્ણાએ તમને ગરીબ કરી મુક્યા છે. જે માણસનું ધન દાન ધર્મમાં નથી વપરાતું અને જે માણસને અતિશય ધન હોવા છતાં પણ એ બીજાને દાન નથી આપતો એ ગરીબ છે. માટે મેં તમને પણ દાન આપ્યુ.’
ફકીરની વાત સાંભળીને રાજા શરમાઈ ગયો. એની માફી માંગી અને કહ્યુ, ‘ફકીર આજે તમેં મારી આંખો ખોલી દીધી છે. આજથી હું સંકલ્પ કરું છું કે ધનની લાલચ છોડી દઈશ અને દાન ધર્મમાં રૂપીયા વાપરીશ.’
ફકીર બોલ્યો, ‘તો હવે તમે ખરા ધનવાન!’
દુનિયામાં લાખો કરોડો ગરીબો છે, પણ આપણને દેખાતા નથી. કારણ કે આપણી ઈચ્છા નથી!