અનુભવ નો એક વાંચવા જેવો પ્રસંગ…ઘી ભરેલું તળાવ

અનુભવ | સાર એ છે કે ઘરડાં એટલે કે અનુભવી. અનુભવીઓને કદી અપમાનિત ન કરવા. અનુભવી જ તમારી મુશ્કેલીમાંથી સાચો ઉપાય શોધી આપી શકે છે.

આપણે ત્યાં એક કહેવત કથા છે. ‘ઘૈડા ગાડા પાછાં વાળે!’ એ કહેવત પાછળ એક અનુભવની કથા છુપાયેલી પડી છે.
એક વખત એક ગામમાં એક યુવાની જાન જોડવામાં આવી હતી. એ ગામમાં ઘરડાં માણસો થોડાં વધારે હતા. યુવાન અને એના બાપાને ઘરડાં ડોસલાંઓ બહું ગમતા નહીં.

એમણે નક્કી કર્યુ કે, આપણે એકેય ઘરડાંને જાનમાં લઈ જવો નથી. જાનમાં તો જુવાનિયાઓ શોભે. ઘરડાં આવીને બીડીઓ ફૂંક્યા કરે અને વાહિયાત વાતોના વડાં કર્યા કરે એ કરતા ના લઈ જવા સારા.

આમ નક્કી કરી એ લોકોએ તો એક પણ ઘરડાં વિના જાન કાઢી. ઘરડાં ડોસલાંઓને પણ જાનનો બહું શોખ. પાંચ ઘરડાંઓએ નક્કી કર્યુ કે, એ લોકો નથી લઈ ગયા તો શું થયું. આપણે આપણી રીતે જઈશું. ત્યાં જઈએ પછી જે થાય એ જાેયુ જશે.

જુવાનીયાઓને લઈને જાન તો નીકળી અને ઘરડાંઓ પોતાની રીતે પાછળ ગયા. જાનનો મંડપ હતો ત્યાં પાછળ એક મોટુ મકાન હતું. એ મકાન પાછળના ભાગે ઘરડાંઓ છુપાઈ ગયા અને શું થાય એ ખેલ જોવા લાગ્યા. એમનો ઈરાદો હતો હમણા જમણવાર શરૂ થશે પછી જઈને બેસી જઈશું.

જાન માંડવે પહોંચી. ગોર મહારાજે છડી પોકારી, કન્યા પધરાવો સાવધાન!

ત્યાંજ કન્યાને બદલે કન્યાનો બાપો આવીને માંડવે ઉભો રહ્યો અને તરત વરના બાપા સામે શરત મૂકી કે, ‘અમારા ગામનું તળાવ ઘીથી ભરી દો તો જ તમને મારી કન્યા આપું.’

વરના બાપા મુંઝાઈ ગયા. હવે શું કરવું? છોકરાની જાન માંડવેથી પાછી આવે તો બીરાદરીમાં પોતાનું નાક કપાઈ જાય. એમણે ખૂબ આજીજી કરી પણ વેવાઈ માન્યા નહીં. એમની એક જ જીદ હતી, અમારુ તળવા જો ઘીથી નહીં ભરાય તો લગ્ન નહીં.
જાનના ગાડા પાછા વળવાની તૈયારીમાં હતા. જાનૈયાઓમાં ઉદાસી છવાઈ ગઈ. આ બધો તમાશો પેલી દિવાલ ઓથે છૂપાઈને બેસેલાં ઘરડાંઓ જાેઈ રહ્યાં હતા.

હવે એમનાથી રહેવાયું નહીં. આખરે એમના ગામની ઈજ્જતનો સવાલ હતો. ગાડા પાછા વળી જ રહ્યાં હતા ત્યાંજ પાંચે પાંચ ઘરડાંઓ બહાર આવ્યા અને મંડપ વચ્ચે આવીને ઉભા રહ્યાં. એમણે કહ્યુ, ‘અલ્યા, ગાડાં પાછા વાળો. ક્યાંય નથી જવાનું. લગ્ન થઈને જ રહેશે.’
વરનો બાપ એમને જાેઈ અચંબામાં પડી ગયો અને પછી એમના પગમાં, ‘ભાભા, આમને કંઈક સમજાવો. મારી ઈજ્જત લેવા બેઠા છે. કહે છે કે તળાવ ઘીથી ભરી દો!’

એક ઘરડાં બાપાએ કહ્યુ, ‘હા, તેં ભરી દઈએ એમાં શું!’

બાપાની વાત સાંભળી બધા જ ચોંકી ગયા. કન્યાનો બાપ પણ આંખો ફાડી જાેઈ રહ્યો.

એ જાેતો હતો એટલે એક ઘરડાં ભાભા એની પાસે ગયા અને બોલ્યા, ‘વેવાઈ, અમે તમારા ગામનું આખું તળાવ ઘીથી ભરવા તૈયાર છીએ. પણ પહેલાં જઈને એ તળવા ખાલી કરાવી દો. એમાં પાણી ભર્યુ છે એ બધું જ કાઢી આવો એટલે અમે ઘીથી ભરી દઈએ.’
જાનૈયાઓમાં ઉત્સાહ ફરી વળ્યો.

બધાએ ઘરડાં બાપાને ઉંચકી લીધા. આખરે કન્યાના બાપાએ માફી માંગી અને લગ્ન લેવાયા. ત્યારથી કહેવત પડી ગઈ છે કે, ‘ઘૈડા ગાડા પાછાં વાળે!’

સાર એ છે કે ઘરડાં એટલે કે અનુભવી. અનુભવીઓને કદી અપમાનિત ન કરવા. અનુભવી જ તમારી મુશ્કેલીમાંથી સાચો ઉપાય શોધી આપી શકે છે.

મારી પાસે એક દીવો છે, તે મને રાહ બતાવે છે. અને તે છે મારો અનુભવ! – પેટ્રિક હેન્ની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *