
આર્થિક સંકટના એંધાણ: હવે તો ‘મફતની લહાણી’ પર કાતર ચલાવવી જ પડશે
પશ્ચિમ એશિયાના રણમેદાનમાં ફૂંકાઈ રહેલા યુદ્ધના પવનો માત્ર ભૂ-રાજકીય નકશા જ નથી બદલી રહ્યા, પરંતુ સાત સમંદર પાર આપણા ભારતીય અર્થતંત્રના પાયા પણ હચમચાવી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારત જે વળાંક પર આવીને ઊભું છે, તેને જો માત્ર ઉપરછલ્લી નજરે જોઈએ તો એવું લાગશે કે મુશ્કેલી માત્ર ડોલર સામે ઘટતા રૂપિયાની છે. પરંતુ, હકીકત એનાથી ઘણી વધારે ઘેરી અને ચિંતાજનક છે. બજારના આંતરિક પ્રવાહો અને આંકડાઓ સાફ ઈશારો કરી રહ્યા છે કે ભારત અત્યારે ૧૯૯૧ જેવા જ એક મોટા આર્થિક સંકટના આરે આવીને ઊભું છે. જો સમયસર કડક અને પાયાના સુધારાઓ નહીં કરવામાં આવે, તો દેશ આર્થિક ચક્રવ્યૂહમાં એવો ફસાશે કે બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે.
આ વખતની મુશ્કેલી ભૂતકાળના સંકટો જેવી નથી, તે સાવ અલગ છે. સામાન્ય રીતે જ્યારે પણ રૂપિયો નબળો પડતો, ત્યારે દેશની ‘ચાલુ ખાતાની ખાધ’ (કરંટ એકાઉન્ટ ડેફિસિટ) જવાબદાર ગણાતી. પરંતુ નવાઈની વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી આપણી આ ખાધ બિલકુલ કાબૂમાં છે. અસલી પંચર તો આપણા ‘મૂડી ખાતા’ (Capital Account) માં પડ્યું છે. વર્ષ ૨૦૨૪થી ભારતમાં વિદેશી રોકાણ (FDI) નો પ્રવાહ સાવ સુકાઈ ગયો છે. અમેરિકાના સરકારી બોન્ડના વધતા વ્યાજદરો વૈશ્વિક રોકાણકારોને ભારત તરફ જોવા જ નથી દેતા. જ્યારે આપણી સરખામણીમાં વિયેતનામ જેવા નાનકડા દેશો વૈશ્વિક તોફાન વચ્ચે પણ મોટું વિદેશી રોકાણ આકર્ષી રહ્યા છે, ત્યારે આપણે આપણી નીતિઓ અને વૈશ્વિક બજારમાં આપણી પકડ સામે સવાલો ઉઠાવવા જ પડે.
બીજી તરફ, પશ્ચિમ એશિયાના તણાવને લીધે કાચા તેલ અને ખાતરની આયાત કિંમતો બમણી થઈ ગઈ છે. હોર્મુઝની સામુદ્રધુની પર જો આગામી ત્રણ મહિના પણ અવરોધ રહેશે, તો દેશનો વિકાસ દર ૬ ટકાની નીચે સરકી જશે અને મોંઘવારી રિઝર્વ બેંકની નક્કી કરેલી મર્યાદાને વટાવી જશે. પરિણામે વ્યાજદરો વધારવા પડશે, જે દેશના આર્થિક વિકાસની ગતિને બ્રેક મારી દેશે. આવા સમયે વડાપ્રધાન દ્વારા મંત્રીઓને સરકારી ગાડીઓ મૂકીને મેટ્રો કે ઈલેક્ટ્રિક કાર વાપરવાની સલાહ આપવી એ માત્ર દેખાડો કે પ્રતીકાત્મક પગલું બનીને રહી જાય છે. આવા ગતકડાં આર્થિક દર્દની સાચી દવા નથી બની શકતા. ખરી જરૂરિયાત તો દેશમાં વર્ષોથી ઘર કરી ગયેલી ‘મફતની લહાણી’ અને બેલગામ સબસિડીની સંસ્કૃતિ પર કાતર ચલાવવાની છે.
આપણી સબસિડી વ્યવસ્થા કેવી રીતે દેશના ખજાનાને ઉધઈની જેમ કોતરી રહી છે, તેનું સૌથી મોટું ઉદાહરણ ખાતર ક્ષેત્ર છે. ભારત પોતાની જરૂરિયાતનું ચોથા ભાગનું યુરિયા બહારથી મંગાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જે યુરિયા આપણને આશરે $૯૩૫ પ્રતિ ટન મળે છે, તે ભારતના ખેડૂતોને માત્ર $૭૦ પ્રતિ ટનમાં (આશરે ૯૦% સરકારી સબસિડી સાથે) વેચવામાં આવે છે. આ આંધળી સબસિડી દેશમાં મોટા ભ્રષ્ટાચાર અને કાળાબજારને જન્મ આપે છે. સરકારના પોતાના આંકડાઓ જ સાક્ષી પૂરે છે કે બિહાર જેવા રાજ્યોમાં જેટલો ખાતરનો પુરવઠો મોકલવામાં આવે છે, તેની સરખામણીમાં ખેતરોમાં વાસ્તવિક વપરાશ અડધો જ છે! તો પછી બાકીનું અડધોઅડધ ખાતર જાય છે ક્યાં? ભારતની સરહદો ઓળંગીને આ સબસિડી વાળું ખાતર નેપાળ અને બાંગ્લાદેશમાં ગેરકાયદેસર સ્મગલિંગ થઈ રહ્યું છે. ભારતના કરદાતાઓના લોહી-પરસેવાના પૈસાથી વિદેશી બજારો સમૃદ્ધ થઈ રહ્યા છે! ચાલુ વર્ષે ખાતર સબસિડીનું બિલ અઢી લાખ કરોડ રૂપિયાને આંબી જાય તેવી આશંકા છે. આ કિંમતે અર્થતંત્રને ચલાવવું એ આત્મઘાતી પગલું છે.
આનો એકમાત્ર કાયમી ઉકેલ એ છે કે રાસાયણિક ખાતરો પરની સબસિડી સંપૂર્ણ નાબૂદ કરીને, જમીનના કદના આધારે સીધા ખેડૂતોના બેંક ખાતામાં જ નાણાં ટ્રાન્સફર (DBT) કરવામાં આવે. જેમ દેશે ‘જનધન-આધાર-મોબાઈલ’ ની ત્રિપુટી દ્વારા મોટી ક્રાંતિ કરી, તેવી જ ઈચ્છાશક્તિ અહીં બતાવવી પડશે. આનાથી સરકારના વાર્ષિક ૫૦,૦૦0 કરોડ રૂપિયા બચશે અને ખાતરની ચોરી અટકશે.
આવો જ વિરોધાભાસ આપણી અન્ન સબસિડીમાં પણ જોવા મળે છે. ચાલુ વર્ષે અન્ન સબસિડીનું બજેટ ૨.૨૮ લાખ કરોડ રૂપિયા છે. એક તરફ નીતિ આયોગ અને વર્લ્ડ બેંકના અહેવાલો દાવો કરે છે કે ભારતમાં અત્યંત ગરીબી ઘટીને સાવ સિંગલ ડિજિટમાં આવી ગઈ છે, તો બીજી તરફ દેશના ૮૦ કરોડથી વધુ લોકોને મફત અનાજ આપવાની યોજના વર્ષોવર્ષ લંબાવવામાં આવે છે. આ કેવો તર્ક છે? ગરીબી ઘટી રહી હોય તો મફત અનાજ મેળવનારાઓની સંખ્યા કેમ નથી ઘટતી? દેખીતી રીતે જ, અહીં આર્થિક ગણિત પર રાજકીય નફા-નુકસાનનું ગણિત હાવી થઈ ગયું છે. જો ગરીબી રેખાથી ઉપરના લોકો માટે અનાજના ભાવમાં સામાન્ય વધારો કરવામાં આવે, તો પણ દેશના બીજા ૫૦,૦૦૦ કરોડ રૂપિયા બચાવી શકાય તેમ છે, જેનો ઉપયોગ દેશના વિકાસ અને રોજગાર નિર્માણમાં થઈ શકે.
આજે દેશ જે કટોકટીના ઉંબરે ઊભો છે ત્યાં શાસકોએ કડવા નિર્ણયો લેવા જ પડશે. ચૂંટણીઓ જીતવા માટે મફતની યોજનાઓ વહેંચવી એ કદાચ રાજકીય મજબૂરી હોઈ શકે, પરંતુ દેશહિતથી મોટી કોઈ મજબૂરી ન હોવી જોઈએ. જો સરકાર આગામી ચૂંટણીઓમાં વોટ બેંક તૂટવાના ડરથી આ સબસિડી સુધારાઓથી પીછેહઠ કરશે, તો ઇતિહાસ તેને આર્થિક સમજદારી કે સાવચેતી નહીં, પરંતુ ‘નીતિગત ડરપોકતા’ તરીકે ઓળખશે. સમય આવી ગયો છે કે દિલ્હીની ગાદી પર બેઠેલા શાસકો માત્ર દેખાડાની રાજનીતિ છોડીને આર્થિક વાસ્તવિકતાનો સ્વીકાર કરે અને ૧૯૯૧ની જેમ જ સાહસિક પાયાના સુધારાઓના પંથે આગળ વધે. અર્થતંત્રની સ્થિરતા બચાવવા માટે આ જ એકમાત્ર આખરી બ્રહ્માસ્ત્ર છે.