કુદરત એટલે શું? કુદરતનો ન્યાય એટલોં જ છે કે જે લૂંટે છે તે લૂંટાય છે.

 

કુદરત એટલે શું? કુદરત એટલે આ સમગ્ર સૃષ્ટી. કુદરત એટલે અતિવૃષ્ટી અને કુદરત એટલે અનાવૃષ્ટી પણ.

 

હિમાલયની ટોચ પરથી ખાબકતી ગંગા કુદરત છે. પવિત્રજળ ધારી કાંચનજંઘા કુદરત છે. ઋતુઓ કુદરત છે. ઋજુતા કુદરત છે.
ખળખળ વહેતી નદીઓ કુદરત છે, વહી જતી સદીઓ કુદરત છે. તોફાની બાળક જેમ દોડાદોડ કરતાં ઝરણાઓ કુદરત છે, અને ડુંગરની છાતી પર કુદતા તરણાઓ કુદરત છે.

વહેલી સવારે પૂર્વદિશામાં ઉગતો સૂરજ કુદરત છે, અને સમી સાંજે પશ્ચિમ દિશામાં આથમતો સુરજ પર કુદરત છે. લાખો જાેજન દૂર પૃથ્વી પર પડતા સૂરજના કિરણો કુદરત છે અને લાખો જોજન દૂર સુધી ફેલાયેલા સુકા ભઠ્ઠ રણ પણ કુદરત છે.

કુદરત એટલે વિશાળ સમુદ્રમાં નદીઓનું ભળી જવું, કુદરત એટલે લીલાછમ્મ ખેતરોમાં બીજનું ગળી જવું અને કુદરત એટલે આગિયા બનીને અંધારામાં બળી જવું. કુદરત પતંગિયાની પાંખ છે, કુદરત ઘુવડની આંખ છે, અને કુદરત એ ફિનિક્સ પંખીની રાખ પણ છે. જીવન કુદરત છે, જીવના શ્વાસો શ્વાસ ચલાવે છે એ કુદરત છે. જીવનું જનમવું એ કુદરત છે અને જીવનું મરી જવું એ પણ કુદરત છે. ખુદ ઈશ્વર પણ કુદરત છે અને નશ્વર પણ કુદરત છે. ખુદ માનવ પણ કુદરત છે અને દાનવ પણ કુદરત છે.

કુદરત કોયલનો ટહૂકો છે, કુદરત મોરનો ગહેકાટ છે અને કુદરત કાગડાની કર્કશ વાણી પણ છે. કાળા ડિબાંગ જંગલો પણ કુદરત છે અને દુષ્કાળથી તરડાયેલી ધરતી પણ કુદરત છે.

કુદરત બાગ છે, કુદરત ફુલ છે અને કુદરત ફોરમ પણ છે. કુદરત રાત છે, દિવસ છે અને સૂરજ અને ચંદ્ર પણ છે.
આ બ્રહ્માંડનો એક એક કણ કુદરત છે.

કુદરતી સૌદર્યથી મોટું સ્વર્ગ બીજે ક્યાંય નથી.

માર્ટીન બ્યુબર કહેતા હતા કે, ‘આ જગત સ્વયં નંદનવન છે. એમાં મ્હાલો, એમાં આરામ કરો, એનો હાથ પકડીને સાથો સાથ રહો પણ એને નષ્ટ ના કરો.’

માત્ર માર્ટીન જ નહીં સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, મહાત્મા ગાંધી જેવા અનેક મહાપુરષો અને મહાત્માઓએ આપણને ડગલે ને પગલે એક જ સલાહ આપી છે કે પ્રકૃતિને જાળવો. સ્વર્ગ જો ક્યાંય હોય તો એ આ ધરતી પર જ છે. કુદરતી સૌદર્યથી મોટું સ્વર્ગ બીજે ક્યાંય પણ નથી. એના સાનિદ્યમાં રહીને જ માણસ પોતાનું શ્રેય સાધી શકે છે.

પણ નાનું બાળક જેમ એને ના પાડીએ એમ એ જ વસ્તુ કરે, એમ આપણે કુદરતના સુંદર ઉપવનને ઉજાડવામાં જ પડ્યા છીએ. કુદરતી સૌંદર્યને નષ્ટ કરીને આપણે વિકાસ સાધવાના ખોટા ઘોરી માર્ગ પર જઈ રહ્યાં છીએ. એની મંજિલ મોત જ છે એ જાણીએ છીએ તેમ છતાં આપણે અટકતા નથી. નહીં, અટકીયે તો છેવટે કાળના કાળા માચડે લટકવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *