પ્રેમ નિષ્ફળ જઈ શકે છે, નફરત કદી નિષ્ફળ નથી જતી. નફરત કરનારા જીવનમાં કદી સફળતા નથી મેળવી શકતા.
જીવનમાં માણસોને પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે. પણ પહેલી નજરની નફરત ભાગ્યે જ કોઈ ભાન વિનાનાને થતી હશે. એટલે કે પહેલી નજરના પ્રેમ જેમ પહેલી નજરની નફરત થતી નથી. ઘણીવાર પ્રેમ કરવા પાછળ કોઈ કારણો હોતા નથી. પણ નફરતની અંદર ઉતરીશું તો ક્યાંક ને ક્યાંક કારણોના થર જામેલા દેખાશે ખરા. પ્રેમ અને નફરતમાં એક બહું મોટો ભેદ એ છે કે, પ્રેમ નિષ્ફળ જઈ શકે છે. નફરત કદી નિષ્ફળ જતી. તમે ક્યારેય કોઈ પાસે એવું સાંભળ્યુ છે કે, યાર! હું બહું જ ટેન્શનમાં છું. અમારી નફરત નિષ્ફળ થઈ ગઈ.
પ્રેમ અને નફરત વચ્ચે ભેદ એ પણ છે કે માણસ આખી જિંદગી નફરત નિભાવી જાણે છે પણ પ્રેમ નથી નિભાવી શકતો. નફરત કરતાં પ્રેમ નિભાવવાનું કામ અઘરું છે. પ્રેમમાં તો ડગલેને પગલે બલીદાન આપવા પડે છે અને નફરતમાં તો બીજાને પીડા આપવાની હોય છે. અને પીડા આપવી એ માણસનો મુળભુત સ્વભાવ છે, એટલે એ આખી જિંદગી નફરત નિભાવી શકે છે. નફરત એ એકલો માણસ પણ નિભાવી શકે છે અને પ્રેમ કરવા માટે બે જણ આવશ્યક છે. એક તરફી પ્રેમ એ પ્રેમનું પૂર્ણ સ્વરૂપ નથી. નરફત તમે તમારી રીતે કરી શકો છો પણ પ્રેમ તમે તમારી રીતે નથી કરી શકતા. એમાં તમારે બીજાની મરજીનો વધારે ને વધારે ખ્યાલ રાખવો પડે છે.
નફરત કરનારા જીવનમાં કદી સફળતા નથી મેળવી શકતા.
નફરત સિવાય પણ કરવા જેવા ઘણા કામ છે
એક ચિંતકે સરસ વાત કરી છે કે, ‘તમે કોઈને પ્રેમ ન કરી શકો તો કાંઈ નહીં પણ જિંદગીમાં કોઈને નફરત ના કરતાં. કારણ કે પ્રેમથી તમે કોઈને સુખી કરી શકો છો અને નફરતથી દુઃખી. આપણે કોઈને સુખી ભલે ના કરી શકીએ પણ દુઃખી કરવાનો તો આપણને કોઈ અધિકાર જ નથી.’
ક્યારેક આપણે વગર કારણે નફરત કરીને લોકોને દુઃખી કરીએ છીએ. અને ક્યારેક એવું બને છે કે આપણે એવું ધારતા હોઈએ છીએ કે આપણી નફરતથી સામે વાળી વ્યક્તિ દુઃખી દુઃખી થઈ રહી છે. પણ હકિકતમાં તો સામે વાળી વ્યક્તિ નહીં, આપણે ખુદ જ દુઃખી થઈ રહ્યાં હોઈએ છીએ. પ્રેમમાં તમારે સંવેદના સમજવી પડે છે અને નફરતમાં વેદના ગ્રહવી પડે છે. તેમ છતાં આપણે નફરતની પાછળ ભાગીને વેદનાને ભેટીએ છીએ.
આ દુનિયામાં મોટા ભાગના લોકો એવા છે જે દુનિયામાં કોઈ ને કોઈને નફરત કરતાં હોય છે. અને એને પાઠ ભણાવવા માટે કે એને દુઃખી કરવા માટે કંઈક ને કંઈક કરતાં હોય છે. પણ એમને ખબર નથી કે એ નફરત કરીને એ એમની જિંદગીનો મહત્વનો સમય વેસ્ટ કરતાં હોય છે.
નફરત તમારી શક્તિઓને ક્ષીણ કરી નાંખે છે. નફરતથી તમારામાંથી સારા વિચારો દૂર થઈ જાય છે. એ નફરત તમારી સફળતા આડેથી મોટી આડખીલી છે. પણ લોકોને આ ખબર જ નથી. એ તો દેઠોક નફરત કરે રાખે છે અને સફળતાના શ્રેષ્ઠ મુકામથી દૂર રહે છે. અવિરત રીતે.
મિત્રો, આ જિંદગીમાં નફરત સિવાય પણ ઘણા કામ કરવા જેવા છે. એ કરો. નફરત ના કરો.