નામ એટલે શું? નામ બધું જ છે છતાં નામ કશું જ નથી

 

નામ એટલે શું? વોટ ઈઝ ધેર ઈન ધી નેઈમ – શેક્સપિયર

માણસ જેનાથી ઓળખાય છે એ નામ છે, માણસ જેનાથી વખણાય છે એ પણ નામ હોય છે અને માણસ જેનાથી વહેરાય છે એ પણ નામ જ હોય છે.

જન્મ પછી માનવીના ગળે લટકાવેલુ પરિચય કાર્ડ નામ છે, માણસના કપાળે લાગેલું એની ઓળખનું બોર્ડ એનું નામ છે. જેના માટે માણસ સખત દોડધામ કરે છે એ નામ છે અને જેના માટે માણસ ધામધૂમ કરે છે એ પણ નામ હોય છે.

જે આત્માને ઢાંકીને આવરણ રૂપે માનવી પર છવાઈ જાય છે એ નામ હોય છે અને જેના માટે માનવી ખવાઈ જાય છે એ પણ નામ હોય છે. ક્યારેક જે જીવાડે છે એ પણ નામ હોય છે અને ક્યારેક જે પાડે છે એ પણ નામ હોય છે. ક્યારેક જે જીવનને તારે છે એ પણ નામ હોય છે અને ક્યારેક મઝધારે જ મારે છે એ પણ નામ હોય છે.

નામ માનવના શરીરને લાગેલુ લેબલ છે, નામ માનવીને અન્ય માનવી સાથે જોડતો કેબલ છે. નામ શરીર પર અદૃશ્ય વસ્ત્રો છે અને નામ ચીરી નાંખતો અસ્ત્રો પણ છે. નામ એ છે જે તમને સ્ટાર બનાવે છે અને નામ જ એ છે જે તમને બેકાર બનાવે છે.
નામ માણસનો મોહ છે અને નામ માણસનો છેહ પણ છે. નામ એ છે જે ક્યારેક મોકાણ સર્જે છે અને જો નામની લાલચ જાગે તો નામ કાણ પર સર્જે છે.

એની પરવા ના કરતો તો અજવાળી દે એ નામ હોય છે અને એની પાછળ પડો તો અંધારા બતાવી દે એ પણ નામ જ હોય છે. નામ એ છે જે માણસની ગેરહાજરીમાં પણ એની હાજરી પુરી શકે છે. નામ એ છે જે માણસ મરી જાય પછી પણ એની યાદ બનીને રહી જાય છે. નામ જિંદગીની ઓળખ છે.

નામ બધું જ છે છતાં નામ કશું જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *