પતિ-પત્ની | મહેશ અને માલતીનું લગ્ન જીવન સુંદર રીતે ચાલી રહ્યું છે. બંને પોત પોતાની ફરજો નિભાવતા જાય છે. કોઈને કોઈની સાથે કોઈ જ પ્રકારની ફરિયાદ નથી. બંને સુખેથી ખાય છે, પીવે છે, ફરે છે અને જીવે છે. પણ કોણ જાણે કેમ બંનેના જીવનમાં કોઈ ઉષ્મા જ નથી. બંને ક્યારેક એકલાં બેઠાં હોય ત્યારે વિચારે છે કે, સાલું કોઈ મુશ્કેલી કે મન મોટાવ નથી તેમ છતાં જિંદગીમાં રોમાંચ કેમ નથી આવતો? બંને વિચારોના ચકરાવે ચડી જાય છે પણ કોઈને ઉત્તર જડતો નથી.
આવામાં એક દિવસ મહેશનો એક મિત્ર એના ઘરે રહેવા આવે છે. રાત્રે બંને મિત્રો અને માલતી વાતો કરતાં બેઠા હોય છે ત્યારે મહેશ એને લગ્ન જીવનની આ મુંઝવણ કહે છે, ‘દોસ્ત, અમારી વચ્ચે પ્રેમ ખૂબ છે અને કોઈ તકલીફ પણ નથી, છતાં અમને જીવનમાં રોમાંચ નથી આવતો. અમે બહું વિચાર્યુ પણ કારણ જડતું નથી.’
મિત્ર બહું જ વિચારશીલ હતો. એણે કહ્યુ, ‘હું બે જ દિવસમાં તમને આનો જવાબ આપી દઈશ. તમે બંને જે રીતે જીવો છો એ જ રીતે જીવજો. તમારા જીવનમાંથી જ મને આનો જવાબ મળી જશે.’
બીજા દિવસથી બંને પતિ પત્ની પોત – પોતાની રૂટીન લાઈટ જીવવા માંડ્યા. મિત્ર આનંદ એક રૂમમાં રહી પોતાનું કામ કરતો હતો. જાણે એ છે જ નહીં એમ બંને જીવવા લાગ્યા. મહેશ રોજ જેમ ઓફિસ જવા-આવવા લાગ્યો. માલતી સુંદર ભોજન બનાવી એને જમાડતી. બંને એકબીજાનો પડ્યો બોલ જીલતા અને જીવતા.
ત્રણ દિવસ પછી આનંદ સાથે બંને બેઠા, ‘બોલો મિત્ર કંઈ જવાબ મળ્યો આપને!’
‘હા, મળ્યો!’
‘તો જણાવો!’
આનંદે ખોંખારો ખાઈને બંને સમક્ષ રજુઆત કરી, ‘દોસ્ત તમને એક બીજા માટે પ્રેમ ખૂબ જ છે. પણ તમારા જીવનમાં આભારની કમી છે એટલે તમને રોમાંચ નથી આવતો.’
બંને પતિ પત્નીએ આશ્ચર્યથી કહ્યુ, ‘આભારની કમી? એ વળી કઈ બલાનું નામ છે?’
આનંદે સમજાવ્યુ, ‘જો મહેશ, તું રોજ સવારે સાડા સાત વાગે ઉઠે. એટલાં વાગે પાણી ગરમ હોય, તું સાડા આઠ વાગે ચા પીવા ટેબલ પર બેસે તરત જ ચા-નાસ્તો આવી જાય. એ પછી તું નહાવા જાય ત્યારે તારા કપડાં, મોજા, બૂટ, બેગ બધું જ જે તે સ્થાને તૈયાર હોય અને તું નીકળે એટલે તારા હાથમાં ભોજનનું ટીફીન પણ આવી જાય. ભાભી વરસોથી આ સેવા કરે છે. પણ તારા ધ્યાનમાં જ નથી. વરસો સુધી આ રીતે અવિરત ભુલ્યા વિના, કે ચુક્યા વિના એણે તારુ કામ કર્યુ. પણ તને એમ છે કે એ તો કરે, એમાં વળી શું? એ તો એની ફરજ છે! હા, ફરજ ચોક્કસ પણ એનો ય આભાર માનવાનો હોય. તેં કદી રોમેંટિક મુડમાં એને થેંક યુ કહ્યુ નથી. એટલે સામેથી પણ રોમાંચ નથી ઉદ્ભવતો.
એવી જ રીતે તું થોડા દિવસ પહેલાં ભાભી માટે સાડી લાગ્યો હતો. ભાભીએ કહ્યુ, સરસ છે. અને મુકી દીધી. ન તો એમણે ઉત્સાહિત થઈને તારો આભાર માન્યો કે ન તો કોઈ રોમાંચ બતાવ્યો. એના કારણે તારા તરફથી પણ કોઈ રોમાંચ નથી આવતો.
રસોઈ બનાવવી અને સાડી લાવવી એ માત્ર નિમિત છે. આવી તો દરેક પતિ-પત્નીની ફરજ છે. પણ એ ફરજનો પણ આભાર હોય. જીવનસાથીને એમ લાગે કે પોતે ગધા વૈતરું નથી કરી રહ્યાં એ માટે એમને આભારથી ચાર્જ કરવા પડે. તમારા જીવનમાં પ્રેમ છે પણ આભારની લાગણી નથી એટલે જીવન નિરસ છે.’
આનંદની વાત બંનેએ સ્વીકારી લીધી. એ પછી બંને તરફથી આભારના ઝરણાં વહેતા થયા અને જીવન રસમય બની ગયું.
આભારમાં ભલે ‘ભાર’ હોય પણ એનો કદી ભાર નથી લાગતો