લૂંટ – તમે કમાયેલી આ મિલકત કોઇ એટલે કોઇ લૂંટી શકતું નથી

એક રાત્રે યુરોપના એક ગામમાં લૂંટારુઓ ત્રાટક્યા. ભરી બંદૂકે આવેલા લૂંટારુઓએ ગામ તબાહ કરવા માંડ્યું. અમીરો તો ઠીક પણ ગરીબોને પણ ના છોડ્યા. મોટા મહેલમાં રહેતા માણસથી માંડીને નાનકડા છાપરામાં રહેતા માણસ સુધી એકે એકના ઘરમાંથી નાનામાં નાની ચીજ પણ લુંટીને ચાલ્યા ગયા.

 

વહેલી સવારે રાજધાનીમાં ખબર પડી કે એમનું ગામ લુંટાયુ છે. સેનાપતિ ડીમેટ્રિયસ મારતે ઘોડે સૈનિકો સાથે ગામમાં આવ્યો. પણ એ આવ્યો ત્યાં સુધી તો બધું જ ખતમ થઈ ગયું હતું. લૂંટારુઓ બધું જ લૂંટીને ચાલ્યા ગયા હતા. ગામમાં ચારે તરફ માતમ છવાયેલું હતું. રસ્તામાં ઘરો સળગી રહ્યાં હતા. લોકો આક્રંદ કરી કરીને રડી રહ્યાં હતા. ડીમેટ્રિયસ ગામમાંથી પસાર થયો. એની ચાલ ભાંગી પડી હતી. હૈયુ તૂટીને ટૂકડા થઈ ગયું હતું. જે ઘર આગળથી એ પસાર થતો એ ઘરના લોકો પોક મુકીને રડી રહ્યાં હતા. ધીમે ધીમે એણે આખુ ગામ પસાર કરી દીધું. એક પણ ઘર એવું નહોતું જેના ઘરમાં પીડા ના હોય.

ગામના પાદરે આવીને સેનાપતિ ઉભો રહ્યો. ત્યાંજ એની નજર એક માણસ પર ગઈ. એ રડી નહોતો રહ્યો. એ સાવ ચીથરે હાલ હતો પણ એના ચહેરા પર અપાર તેજ હતું. સેનાપતિને આશ્ચર્ય થયું. આખુ ગામ લુંટાયુ છે અને રડી રહ્યું છે ત્યારે આ માણસ કેમ આમ ઉભો છે? એણે એને બોલાવ્યો અને પૂછ્યુ, ‘કેમ ભાઈ તું આ ગામનો નથી લાગતો? તારુ કંઈ લૂંટાયુ નથી લાગતું?’

પેલાએ સ્મિત સાથે જવાબ આપ્યો, ‘સેનાપતિજી, હું આજ ગામનો છું અને મારી આખી જિંદગીની બચત લૂંટારાઓ લૂંટીને ચાલ્યા ગયા છે.’

‘તો પછી તું રડતો કેમ નથી? તારા ચહેરા પર એનો જરાય રંજ નથી. બધું જ લૂંટીને ભેગુ કર્યુ હતું કે શું?’

પેલા માણસે કહ્યુ, ‘હા, થોડું દુઃખ જરૂર થયું છે. પણ મેં જિંદગીમાં જેટલું પણ વાંચ્યુ છે એ પરથી એટલું શીખ્યો છું કે જીવનમાં ક્યારેક કશું છીનવાઈ જાય ત્યારે એના વિચારો કરી કરીને રડ્યા કરવા કરતાં નવું શું કરવું એના વિચારો વધારે કરવા.

અને સાચુ કહું લુંટારુઓ જે લુંટી ગયા છે એ મારી પ્રત્યક્ષ મિલકતો હતી. વાંચન થકી મેં જે અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે એ તો એ લોકો નથી લૂંટી શક્યા. એટલા માટે જ મારા ચહેરા પર તેજ છે. હું એ જ્ઞાન થકી ફરીવાર બધું જ પ્રાપ્ત કરી શકીશું. આ આખુ ગામ અભણ છે એટલે એમને વધારે પડતું દુઃખ થાય છે.’

માણસની વાત સાંભળી સેનાપતિએ એને ગર્વથી શાબ્બાશી આપી.

આજનો જમાનો જુદો છે. આપણે આટલા બધા ઉદાર તો ના બની શકીએ. પણ વાતનું તાત્પર્ય એટલું જ છે કે, વાંચન દ્વારા આપણે જે જ્ઞાન મેળવી શકીએ છીએ એ કદી કોઈ છીનવી શકતું નથી. એ જ આપણી શક્તિ છે.

પુસ્તકોનો એકે એક ચાવી ચાવીને હજમ કરી જાવ તો જ ખરું વાંચન થયું ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *