Annabelle Doll True Story । એનાબેલ ડોલ એક ભૂતિયા ઢિંગલી તરીકે પ્રખ્યાત છે અને તેના પર હોલિવુડમાં ચારેક હોરર ફિલ્મો બની ચુકી છે. માનો યા ના માનો પણ પોતાની અંદર આત્મા ધરાવતી ભૂતિયા ઢિંગલી ‘એનાબેલ ડોલ’ હકિકતમાં છે.
એનાબેલ ડોલ – ( Annabelle Doll ) આ શબ્દ હોરર ફિલ્મો જોનારા માટે જરાય નવો નથી. એનાબેલ ડોલ એક ભૂતિયા ઢિંગલી તરીકે પ્રખ્યાત છે અને તેના પર હોલિવુડમાં ચારેક હોરર ફિલ્મો બની ચુકી છે. માનો યા ના માનો પણ પોતાની અંદર આત્મા ધરાવતી ભૂતિયા ઢિંગલી ‘એનાબેલ ડોલ’ હકિકતમાં છે. હાલમાં અમેરિકાના મ્યૂઝિયમમાં મુકાયેલી આ ભૂતિયા ડોલની અસલી કહાની અત્યંત રોચક છે. લેખક જોની ગ્રુએલે સૌથી પહેલાં પોતાના એક પુસ્તકમાં આ ડોલની સત્ય ઘટના લખી હતી અને એનાબેલ ડોલનો અસલી ફોટો પણ છાપ્યો હતો. એ વાત લેખકની આપવીતી જ હતી. બન્યુ હતું એવું કે લેખક જોની ગ્રુએલ તેમની પત્ની અને માર્સેલા નામની એક નાની દીકરી સાથે રહેતાં હતા. એક દિવસ તેમના ઘરની પાછળના વાડામાંથી તેમને એક ડોલ મળી આવી. તેમણે એ ડોલ પોતાની દીકરી માર્સેલાને રમવા માટે આપી દીધી અને એનું નામ રાખ્યુ એનાબેલ. લેખક જોની ગ્રુએલે જોયુ કે થોડા જ સમયમાં દીકરી એનાબેલ ડોલની ભયંકર આદી થઈ ગઈ હતી. એના વિના ખાતી પણ નહીં કે સુતી પણ નહીં. આખરે દીકરી ૧૩ વર્ષની થઈ ત્યારે અચાનક ડોલ ઘરમાંથી ગાયબ થઈ ગઈ. પછી થોડા જ સમયમાં માર્સેલાનું પણ મૃત્યુ થઈ ગયું. દીકરીના મોતથી દુઃખી જોનીએ પછી ‘રેજડી અન્ન સ્ટોરીઝ’ નામની પોતાના પુસ્તકોની સિરિજમાં આ ડોલનો ઉલ્લેખ કરી ટાઈટલ પર ફોટો છાપ્યો. એ વખતે આ કહાની જાણી અમેરિકામાં હાહાકાર થઈ ગયો અને એનાબેલ ડોલ એક ભૂતિયા ડોલ તરીકે પ્રસિદ્ધ થઈ ગઈ.
એ પછી ઘણા વરસો વીતી જાય છે અને કહાનીનો નવો ભાગ શરૂ થાય છે. ૧૯૭૦નો સમય હતો. ડોના નામની એક નર્સીંગની એક સ્ટૂડેન્ટની મમ્મી એક એન્ટિક શોપમાંથી આ ડોલ ખરીદીને દીકરીને ભેટમાં આપે છે. આ એ જ એનાબેલ ડોલ હતી જે વરસો પહેલાં લેખક જોની ગ્રુએલના ઘરમાંથી ગાયબ થઈ હતી. એ ડોલ એન્ટિક શોપમાં કેવી રીતે આવી એ કોઈ નહોતું જાણતું. ડોના આ ડોલને જાેઈને આનંદિત થઈ ગઈ અને એણે પણ સંજોગાવશાત એનું નામ એનાબેલ જ રાખ્યું. ડોના એ ડાલને સાથે જ રાખવા માંડી. એ પછી થોડા જ સમયમાં ડોનાને અવનવા અનુભવો થવા માંડ્યા. એને લાગતું કે ડોલ રાત્રે ચાલે છે અને બોલે પણ છે. પછી એવું બનવા માંડ્યુ કે એનાબેલ એનું સ્થાન પણ બદલવા માંડી. ડોના એને કિચનમાં મુકીને જાય તો એ રૂમમાંથી મળે અને ટેબલ પર મુકીને જાય તો કબાટમાંથી મળે. એક વખત તો ડોના એનાબેલને કબાટમાં મુકીને તાળુ મારીને કોલેજ ગઈ હતી પણ પાછી આવી ત્યારે એ ડોલ બહાર હતી તો એક વખત એનાબેલે ડોનાની ફ્રેન્ડ લૂ ઉપર હુમલો પણ કર્યો હતો. એક વખત ડોના કોલેજથી પરત આવીને રૂમમાં જોયું તો એક ચામડાના કાગળ પર ‘હેલ્પ મી’ લખ્યુ હતું અને એનાબેલની પીઠ અને છાતી પર લોહીના ડાઘા પણ હતા.
એ વખતે અમેરિકામાં એડવર્ડ વોરેન અને લોરેન વોરેન નામનું દંપતિ પેરાનોર્મલ એક્ટિવિટી માટે ખૂબ પ્રખ્યાત હતું. એટલે કે ભૂત, પ્રેત વગેરે બાબતોમાં સંશોધન કરતાં હતા. ડોના એમને મળી. દંપતિ એના ઘરે આવ્યુ અને એનાબેલની તપાસ કરીને કહ્યુ,‘આ ડોલમાં એક ભૂત છે. એ એક માનવ શરીર ઈચ્છે છે. તું વધારે સમય એને સાથે રાખીશ તો એ તારા શરીરમાં ઘર કરી લેશે.’
ડોના ગભરાઈ ગઈ અને ડોલને ત્યાંથી લઈ જવા જણાવ્યુ. વોરેન દંપતિ પછી ડોલ ( Annabelle Doll ) ને પોતાને ત્યાં લઈ ગયા. એ લોકો જ્યારે એનાબેલને લઈને કારમાં જઈ રહ્યાં હતા ત્યારે આ ભૂતિયા ડોલની આસૂરી શક્તિને કારણે એમની કારની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. પણ દંપતિ જાણકાર હતું એટલે મંત્રોથી ડોલને શાંત કરી દીધી અને બચી ગયું. આખરે એ દંપતિએ એ ડોલને એક કાચના બોક્સમાં મુકીને પોતાની શક્તિઓથી એને કેદ કરી દીધી. એ પછી એ બોક્સને અમેરિકાના ઓકલટ મ્યૂઝિયમમાં મુકી દીધું. આ ભયાનક ભૂતિયા ડોલ એટલે કે એનાબેલ ડોલ- ( Annabelle Doll ) આજે પણ એ મ્યૂઝિયમમાં છે અને તેના પર સૂચના લખી છે કે, ‘ભુલે ચૂકે પણ આને ખોલશો નહીં! નહીંતર એ સક્રિય થઈ જશે.’
તમે એનાબેલની બધી યે ફિલ્મમાં અવનવી કહાની જોઈ હશે. પણ આ કહાની એનાબેલ ( Annabelle Doll ) ની હકિકત છે.