Chain Snatchers | હવે સોનાની ચેઈન ખેંચનારોની ખેર નથી…!!
Chain Snatchers | સોનાની કિંમત વધી રહી છે, લોકો તેની ખરીદી પણ કરી રહ્યા છે પણ તેને પહેરતા આજે ડર અનુભવે છે. એનું કારણ સૌ જાણે છે. ખાસ કરીને મહિલા સોનું પહેરતા ડરી રહી છે. કેમ કે ચેઇન સ્નેચીંગના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે. આપણે આ સંદર્ભના અનેક વીડિઓ સોશિયલ મીડિયામાં જોયા પણ છે. બે બાઈક સવાર આવે છે અને ટાર્ગેટ કરી, પીછો કરી સોનાનો દોરો ખેંચીને, તોડીને, આંચકીને લઈ જાય છે. ઘણીવાર આ લૂંટફાટમાં ગંભીર ઇજા પણ થાય છે. આથી મહિલાઓમાં એક ચોક્કસ પ્રકારનો ડર વ્યાપી ગયો છે. મોટા ભાગે હવે મહિલાઓ સોનું પહેરવાનું ટાળતી હોય છે.
ગુનેગારો, આરોપીઓ પકડાય છે અને થોડી સજા પછી છૂટી પણ જાય છે. આ ચેઇન સ્નેચરોનો આતંક ઓછો થતો નથી. આ બધાની વચ્ચે અમદાવાદની ભદ્ર સેશન્સ કોર્ટે એક ખૂબ મહત્વનો કહી શકાય એવો ચુકાદો આપ્યો છે. ચેઇન સ્નેચીંગના ગુનામાં ભદ્ર સેશન્સ કોર્ટે આરોપી મોહમંદવાકીફ ઉર્ફે બાબુને ૧૦ વર્ષની સખત સજા ફટકારી છે.
સમાજમાં ચેઈન સ્નેચિંગના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધર્યા બાદ કોર્ટ દ્વારા પણ નોંધનીય ચુકાદો આપવામાં આવ્યો છે.
જો સમયસર આવા ઉદાહરણ રૂપ દાખલાઓ બેસાડવામાં આવે તો ચેઇન સ્નેચરોનો આતંક સમી શકે છે.