
બોધકથા । સાત પેઢીનું અઢળક ધન હોવા છતાં રાજા કેમ બીમાર પડ્યા? જાણો સંતોષનું અદભૂત રહસ્ય! Bodh katha Santosh
એક અત્યંત ધનિક રાજા હતો. એના ત્યાં સોના-ચાંદી અને હિરા – ઝવેરાતના ઢગલાં હતા. મહેલની પાછળના ભાગમાં આ બધી વસ્તુઓ એણે સાચવી રાખી હતી અને એક ખજાનચી એનો હિસાબ કિતાબ જાેતા હતા.
એક દિવસ રાજા એ ખજાનો જાેવા માટે ગયા. અઢળક ધન સંપતિ જાેઈને એ પોરસાઈ ગયા. ખજાનચી ત્યાંજ હતા. એમણે ઠાવકાઈથી એમને પૂછ્યુ, ‘ખજાનચી! મારી જેટલી સંપતિ આસપાસના બીજા કોઈ રાજા પાસે હશે ખરી?’
‘ના, મહારાજ ના જ હોય!’
‘તમને શું લાગે છે, આ સોનું, આ ચાંદી, આ હિરા-ઝવેરાત અને ધન મારે પેઢી દર પેઢી ચાલશે ને? મારી કોઈ પેઢીએ કમાવા નહીં જવું પડે ને!’
ખજાનચી તો હિસાબનો માણસ હતો. એણે કહ્યુ, ‘મહારાજ, આ ધન અને સંપતિ પેઢી દર પેઢી ચાલશે ખરી પણ માત્ર સાત જ પેઢી ચાલશે. તમારે જાે તમારી પેઢીને ખરેખર જાહોજલાલીથી રાખવી હોય તો આ ધન અને સંપતિ સાત પેઢીથી વધારે ના જ ચાલે!’
ખજાનચીની વાત સાંભળી રાજાને અત્યંત ચિંતા થઈ આવી. એ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા. એ રાત્રે એમને ઉંઘ પણ ના આવી. એમને સતત એ જ વિચારો આવતા હતા કે, એમની આઠમી પેઢી પાસે ધન નહીં હોય. એ અસંતોષથી પીડાવા લાગ્યા. શું કરવું શું ના કરવું એ કંઈ એમને સમજાતું નહોતું. આટ આટલું ધન હોવા છતાં હવે એને ધનનો અસંતોષ પીડવા લાગ્યો હતો.
આ અસંતોષ દિવસો સુધી રહ્યો. રાજા ધીમે ધીમે આ અસંતોષને કારણે ગળવા લાગ્યા. અનેક વૈદ્યોની દવા છતાં એમને આરામ ના આવ્યા. આખરે એક મહાત્માને બોલાવ્યા. એ જાણી ગયા કે એમની ચિંતાનું કારણ એમનો અસંતોષ છે. એમણે એક ઉપાય શોધી કાઢ્યો.
બીજા દિવસે સંત એમને લઈને એક જંગલમાં ગયા. રસ્તામાં એક ભીખારી જેવો આદમી બેઠો હતો. એ અત્યંત ખૂશ હતો અને ગીત ગાઈ રહ્યો હતો. સંતે રાજાને કહ્યુ, ‘રાજા એને પૂછો કે એ આટલો બધો ગરીબ છે તો પણ આટલો બધો ખૂશ કેમ છે?’
રાજાએ એને પૂછ્યુ, ‘અરે, ભાઈ! તું તો ખૂબ ગરીબ છે. ભુખ્યો હોય એવું પણ લાગે છે અને પૂરતાં વસ્ત્રો પણ નથી. તારી પાસે રહેવા માટે માત્ર આ એક છાપરી જ છે. તેમ છતાં તું આટલો બધો ખૂશ કેમ છે? તને તારા જીવનની બિલકુલ ચિંતા નથી?’
પેલા ગરીબ ભીખારીએ કહ્યુ, ‘રાજાજી, મને ચિંતા જરૂર છે પણ વાજબી ચિંતા છે. મારે એટલી જ ચિંતા કરવાની કે મારો પરિવાર ભુખ્યો ના રહે. અને હું ધીમે ધીમે પ્રગતી કરું. કોઈને દુ:ખ ના પહોંચાડું. બાકી હું મારી જિંદગીમાં ખૂશ છું. ધન એ જ કંઈ ખૂશીનું કારણ ના બની શકે. જિંદગીનો ખરો આનંદ અને ખરું સુખ તો સંતોષ છે. હું સંતોષી છું, મારી પાસે જે કાંઈ છે એનો મને સંતોષ છે એટલે હું ખૂશ છું. અને તમારી પાસે અઢળક હોવા છતાં , તમે રાજા હોવા છતાં અસંતોષી દેખાવ છો. ચિંતીત દેખાવ છો.’
એ ગરીબ માણસના શબ્દોએ રાજાની આંખ આડે રચાયેલો પરદો હટાવી દીધો. એમને ખ્યાલ આવી ગયો કે જીવનમાં સંતોષ કેટલો જરૂરી છે. જાે સંતોષ ના હોય તો ગમે તેટલું ધન હોય તો પણ ઓછું પડે. તેઓએ એજ ઘડી પોતાની ચિંતા અને અસંતોષ ત્યાંજ ત્યજી દીધા. એ જ ઘડીએ એ સ્વસ્થ થઈ ગયા અને એમની બીમારી ભાગી ગઈ.
બોધ: જીવનનું સાચું સુખ અને શાંતિ અઢળક સંપત્તિમાં નહીં, પણ ‘સંતોષ’માં રહેલી છે. અસંતોષ એ સૌથી મોટો રોગ છે, જ્યારે સંતોષ એ સૌથી મોટું ધન છે.