
એક તપસ્વી પોતાના ઉપદેશમાં શિષ્યોને વારંવાર કહેતા હતા કે, ‘કણેકણમાં ભગવાનનો વાસ હોય છે, સંસારમાં એવી કોઈ વસ્તુ અને સ્થાન નથી, જ્યાં ભગવાન ન હોય, પ્રત્યેક જીવને ભગવાન માની તેને નમન કરાવાં જોઈએ.’
એક દિવસ તેમનો એક શિષ્ય ક્યાંક જઈ રહ્યો હતો. થોડે દૂર સામેથી એક હાથી દોડતો આવી રહ્યો હતો. તેનો મહાવત બૂમો પાડી બધાને ચેતવી રહ્યો હતો કે, ‘ચેતજો, હાથી ગાંડો થઈ ગયો છે.’ પરંતુ શિષ્ય તો ગુરૂના પેલા વચનને જ યાદ કરી ત્યાં જ ઊભો રહી ગયો. અને વિચારવા લાગ્યો કે, ‘ગુરુજીએ કહ્યા પ્રમાણે આ હાથીમાં પણ ભગવાનનો વાસ છે. અને ભગવાનનો તો વળી ડર કેવો?’
મહાવત ગુસ્સે થઈ રાડો પાડી પાડીને કહી રહ્યો હતો, ‘ભાઈ આઘો હટી જા. શું કામ મરવા માગે છે’ પરંતુ શિષ્ય પોતાના સ્થાનેથી એક આંગળી પણ ન હટ્યો. છેવટે પેલા ગાંડા હાથીએ તેને સૂંઢમાં ભેરવી ફેરવીને ફંગોળી દીધો. ગંભીર રીતે ઘાયલ શિષ્ય જેમ તેમ કરતાં આશ્રમે પહોંચ્યો અને ગુરુ સામે બળાપો કાઢવો લાગ્યો કે, ‘આપનો ઉપદેશ ખોટો છે કે, પ્રત્યેક જીવમાં ભગવાન હોય છે.’
ગુરુએ કહ્યું ‘મારો ઉપદેશ બિલકુલ સાચો જ છે, વત્સ, હાથીમાં પણ ભગવાનનો વાસ હતો, પરંતુ તેં મહાવતને કેમ ન સાંભળ્યો? તેનામાં પણ તો ભગવાનનો વાસ હતો. તેની ચેતવણી સાંભળી તારે રસ્તામાંથી હટી જવું જોઈતું હતું.’
ગુરૂની વાત સાંભળી શિષ્યને પોતાની ભૂલ સમજાઈ કે, કોઈપણ જ્ઞાનને અડધું-પડધું સમજી તેને પ્રયોગમાં લાવવું એ બુદ્ધિમાની નહિ, મૂર્ખતા છે.