બીચની નગરી જામનગરનાં જોવાલાયક સ્થળો – આ સ્થળો જોશો તો જામનગરના પ્રેમમાં પડી જશો…

 

જામનગર – Jamnagar જિલ્લાના જોડિયા તાલુકાથી લઈને પોરબંદર જિલ્લાના ખાંચાખૂંચીવાળા કિનારાને આવરી લેતા અને ૩૨૦ કિ.મી. લાંબા દરિયાઈ વિસ્તારમાં ૩૨ જેટલા ટાપુઓ આવેલા છે. એ જ રીતે જામનગરથી કચ્છ તરફ દરિયાકિનારે જાવ તો લગભગ ૪૨ જેટલા નાના-મોટા બીચ છે. જામનગર દરિયાની દૃષ્ટિએ અન્ય શહેરો કરતાં વધારે ભાગ્યશાળી છે. પીરાટોન ટાપુ, માઢી, લાગૂન, પોસિત્રા, બાલાછડી, બેડી બંદર વગેરે જામનગરમાં દરિયાકાંઠાનાં સ્થળો જોવા લાયક છે. અહીંનું એકાંત તમારું દિલ જીતી લેશે.

ખીજડિયા પક્ષી અભયારણ્ય – khijadiya bird sanctuary

જામનગર શહેરથી આશરે ૧૨ કિ.મી. રાજકોટ તરફ આવો એટલે ખીજડિયા પક્ષી અભયારણ્ય વચ્ચે આવે. આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્ય તેનાં વૈવિધ્યસભર પક્ષીઓના કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. ૧૯૨૦ દરમિયાન બનાવવામાં આવેલા આ અભયારણ્યમાં બે માનવ નિર્મિત ડેમ પણ છે. એકમાં તાજું પાણી અને બીજામાં સમુદ્રનું પાણી છે. વિશ્ર્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે જેમાંથી ગુજરાતમાં ૪૫૩ જાતનાં પક્ષીઓ અને જામનગર જિલ્લાના આ અભયારણ્યમાં ૨૫૨ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન અહીં બહારથી પ્રવાસી પક્ષીઓ આવતાં હોય છે. અહીં કાળી કાંકણસાર, ગજપાંઉ, કપાસી, ભગવી સમળી, ઢોર બગલો, પતરંગો, તેતર, શાટી ઝુંપસ, દેવ ચકલી જેવાં પક્ષીઓ ઉપરાંત પ્રવાસી પક્ષીઓ કાળીપૂંછ ગડેરો, નકટો, કુંજ, નાની મુરધાબી, પાનપટ્ટાઈ જેવાં પક્ષીઓ પણ જોવા મળે છે.

ખીજડિયા પક્ષી અભયારણ્ય – khijadiya bird sanctuary

જામનગરનું મોક્ષધામ

જામગરનું સ્મશાન દેશનાં બિહામણાં સ્મશાનો કરતાં કાંઈક અલગ છે, જ્યાંનું વાતાવરણ દુ:ખમાં પણ અધ્યાત્મ અને સાંત્વના પૂરી પાડે છે.
આજથી પચાસેક વર્ષ પહેલાં રેલવેનો પ્રારંભ થતાં, વિક્ટોરિયા પુલ (હાલનો નેતાજી સુભાષ પુલ)થી નાગનાના નાકા સુધી આવેલી સ્મશાનભૂમિને ખસેડી, નાગમતીના કિનારા ઉપર લઈ જવામાં આવી. આ માટે રાજ્ય તરફથી જમીન આપવામાં આવી હતી. નગરના ભાટિયા વેપારી વેરશીભાઈ કરમશીભાઈનાં પત્ની શ્રીમતી માણેકબાઈએ ૭૧૦૧ કોરીની સખાવતથી હાલની મોક્ષપુરીને નંદનવનમાં પલટાવવાના પ્રયાસો કર્યા હતા.

ત્યારબાદ સેવાભાવી સ્વ. ગોકળદાસ હીરજી ઠક્કર સ્મશાનભૂમિને મુલાકાતીઓ માટેનું સ્થળ બનાવવા અને યાત્રાસ્થળ બનાવવામાં સફળ થયા હતા. અહીં આવનાર લોકોને દેવી-દેવતાઓનાં મંદિરો અને વિશ્ર્વવિભૂતિઓના પુનિત સંદેશાઓ સાંભળવા મળે છે. સ્વ. મેઘજી પેથરાજ ટ્રસ્ટે ત્યારબાદ સ્મશાનમાં પાણી માટે કૂવો વગેરે જેવી અનેક સુવિધાઓ ઊભી કરી. સ્મશાનનું સંચાલન મહાવીર દળ નામની સમિતિ આજે વર્ષોથી કરે છે.

ભૂજિયો કોઠો : નગરની બીજી ઓળખ – Bhujio Kotho

જામ રણમલ બીજાના સમયમાં ઉપરાછાપરી ૧૮૯૦, ૧૮૯૫ અને ૧૯૦૨માં જામનગરમાં દુષ્કાળ પડ્યા. આમ, દુષ્કાળમાં પ્રજાને રોજી-રોટી આપવાના હેતુથી રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવેલાં. લાખોટા તળાવ, લાખોટા કોઠો અને ભૂજિયો કોઠો. ભૂજિયા કોઠાનું કામ સંવત ૧૮૮૨માં શરૂ થયેલું અને ૧૩ વર્ષ તેને બાંધતાં લાગેલા. લાખોટા તળાવના દક્ષિણ કિનારે આવેલો આ વિરાટ અને ભવ્ય કોઠો અતીતની અનેક યાદને સંઘરીને ઊભો છે. ફતેહપુર સિક્રીના બુલંદ દરવાજાની જેમ જિલ્લા અને કોઠાના બાંધકામની બાબતમાં આખા દેશમાં ભૂજિયો કોઠો એના ઘેરાવા અને ઊંચાઈને કારણે અજોડ ગણાય છે. કોઠાના બાંધકામમાં કુલ ૪ લાખ, ૨૫ હજાર કોરીનું ખર્ચ થયું હતું. કોઠા ઉપર ચઢીને જામનગર શહેરનું મનોહર દૃશ્ય જોઈ શકાય છે. ઘણા લોકો એવું માને છે કે, છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે.

રણજીત સાગર ડેમ

જામનગર શહેરની શાન રણજીત સાગર ડેમ છે. સાંજે અહીં લોકો હરવાફરવા આવે છે. જામનગરનું પ્રખ્યાત સ્થળ છે. મહત્ત્વની વાત એ છે કે આ ડેમ આખા જામનગર શહેરને પાણી પૂરું પાડે છે. બાજુમાં એક સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે. સીઝન દરમિયાન અહીં અનેક પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે. પિકનિક માટેનું આજે આ સુંદર સ્થળ બની ગયું છે.

પ્રતાપ વિલાસ પેલેસ – Pratap Vilas Palace

ગુજરાતનો અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહેલ એટલે જામનગરનો પ્રતાપ વિલાસ પેલેસ. ઈ.સ. ૧૯૧૪માં જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પેલેસનું બાંધકામ કરાવ્યું હતું જે યુરોપીય સ્થાપત્યો તથા ભારતીય કોતરણી કામનો સુંદર નમૂનો છે. આ પેલેસ સ્પેશિયલ ગ્લાસ ટેક્નિકથી સજાવાયો છે. તેના બાંધકામમાં યુરોપિયન ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેલેસની ઉપર ત્રણ ડોમ બનાવાયા છે. મહેલનો પ્રવેશદ્વાર બે વાઘોના શિલ્પ સાથે શણગારવામાં આવ્યો છે. દરબાર હોલ મોઝેક ફ્લોર, સાત ડોમ, બાર બારીઓ, બાલ્કની દ્વારા સજાવવામાં આવ્યો છે. આ મહેલ ૭૨૦ એકરમાં ફેલાયેલો છે.

લાખોટા તળાવ તથા લાખોટા કિલ્લો – Lakhota Lake

જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ (લાખોટા તળાવ) પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રય-સ્થાન પૂરું પાડે છે. નગરનું જૂનામાં જૂનું વર્ણન ઈ.સ. ૧૫૮૨-૮૩માં સ્થાપેલા જામવિજય સંસ્કૃત કાવ્યમાં જોવા મળે છે. કાવ્યના સર્જક વેણીનાથ યા વાણીનાથે એક શ્લોકમાં જામનગરનું વર્ણન કાંઈક આવું કર્યું છે. નગર વેલ, વૃક્ષ અને પુષ્પોથી લચી પડેલી વાટિકાઓ અને કમળથી શોભતાં તળાવ અને તરેહ તરેહનાં ભવનોથી શોભતી આ નગરી અમરાવતી જેવી લાગે છે. કવિએ જામનગરને અમૃતથી ભરપૂર તળાવની નગરી કહ્યું છે.

હાલનું રણમલ અથવા લાખોટા તળાવ ઈ.સ. ૧૮૨૦થી ૧૮૫૨ વચ્ચે જામ રણમલજી બીજાએ બંધાવ્યાનું કહેવામાં આવે છે. જામનગરની ધરતી ઉપર ઈ.સ. ૧૮૪૦માં ભીષણ દુષ્કાળની આંધી ઊતરતાં, જનતા ભૂખમરાનો ભોગ બની. પશુઓ ટપોટપ મરવા લાગ્યાં. આ ભયંકર આફત વેળાએ રાજવી રણમલજીએ નગરને દ્વારે લાખોટા તળાવ અને લાખોટા કોઠાનું બાંધકામ શરૂ કરાવી, હજારો માનવીઓને રોજી-રોટી આપવાનો ધર્મ બજાવ્યો હતો. જામનગરના ઐતિહાસિક લાખોટા સંગ્રહાલયની સ્થાપના ૧૯૪૬માં નવાનગર રાજ્યે કરી હતી. સૌરાષ્ટ્રના ચાર પૈકીનું આ મ્યુઝિયમ સંગ્રહાયેલી વસ્તુઓ તો ઠીક, પરંતુ તેના ભવનનિર્માણની વાસ્તુકલા માટે પણ અજોડ છે.

આ કિલ્લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯થી ૧૮મી સદી દરમિયાનના સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્ત્રાગાર અને અન્ય યુદ્ધસામગ્રીનો સંગ્રહ થયેલો છે. લાખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લાખોટાનો કિલ્લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્ત્રો માટે જાણીતું છે આ કિલ્લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહીંનું મુખ્ય આકર્ષણ કૂવા છે, જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે. આ લાખોટા મિનાર તરીકે પણ ઓળખાય છે, જે દુર્લભ સંગ્રહ અને કલાકૃતિઓના એક અજાયબ ઘરમાં ફેરવાઈ ગયું છે. જામ રણમલજીના આદેશ પર દુષ્કાળમાં રાહત મેળવવા માટે મિનારનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં વર્ષ ૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૪૬માં આ ક્ષેત્રમાં વરસાદ નહોતો થયો. આ સંગ્રહાલય લોકોને જોવા માટે સવારે ૧૦-૩૦થી સાંજે ૫-૩૦ સુધી ખુલ્લું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *