Dark Secrets
‘માય ડિયર નાથુ, તું વિચાર તો ખરો. જેના ઘરમાં સારા વાસણ
પણ નથી એવી ગરીબડી અમથી ડોશીના ઘરમાં કોઈ શું કામ
ચોરી કરવા આવે? શું ચોરી કરવા આવે?’
આજે ઘેલાણી અને નાથુની નાઈટ ડ્યુટી હતી. દિવસે પણ ઉંઘ ખેંચી લેતા ઘેલાણી આજે બરાબર ઉંઘ ખેંચી નહોતા શક્યા. એમને ઝુલાબ થઈ ગયો હતો એટલે વારે ઘડીએ એમને ટોઈલેટમાં દોડવું પડતું હતું. બરાબર આંખ ઘેરાઈ હોય ત્યાંજ કોઈ પાછળનું બારણું ધમધમાવવા માંડતું. એમને ઉભા થયા વગર છુટકો નહોતો.
આ બધી ભાંજગડમાં નાથુપણ ડિસ્ટર્બ થઈ રહ્યો હતો. રાતે આઠ વાગે ડ્યુટી પર જોઈન થયા ત્યારથી અત્યારે સવારના પાંચ સુધી ઘેલાણી આ અગિયારમી વાર ટોઈલેટ રિટર્ન થઈ રહ્યાં હતા. નાથુએ એમને પૂછ્યુ, ‘સાહેબ, બઉં કરી! તમે તો નથી ઉંઘતા પણ મને પણ નથી ઉંઘવા દેતા.’
‘ડોબા, અહીં ઉંઘવા આવે છે તું!’
‘તો તમે અત્યારે જે કરી રહ્યાં છો એ કરવા આવો છો.’
‘હવે બહું દોઢ ડાહ્યો થા માં…!’
‘એમ નહીં સાહેબ, દવા લઈ લોને… આમ ક્યાં સુધી તનને દુઃખ આપ્યા કરશો.’ નાથુએ વાત ફેરવી.
‘દવા તો લીધી છે નાથુ…. પણ કંઈ ફેર પડતો નથી….’
‘તે તેમ કોઈ પરેજી નહીં પાળતા હો! ડોક્ટરે કીધી એ પરેજી પાળો છો ખરા?’
‘એય… પાળુ છુ…. પણ ફેર નથી પડતો…’
‘ફેર ના પડતો હોય તો વધારે એક પરેજી પાળજાે સાહેબ… સવારે પૂજા કરતી વખતે શંખ ના વગાડતા. બાજી બગડી જશે.’
શંખ વગાડવાની વાત પર સાહેબ ગુસ્સે થઈ ગયા. એ ગાળ કાઢવા જ જતા હતા ત્યાંજ ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. નાથુએ હસતા હસતા ફોન ઉપાડ્યો, ‘અકોલી પોલીસ સ્ટેશન …..’
‘નમસ્તે સાહેબ, હું રામપુરા ગામથી હિરાજી ઠાકોર બોલું છું. તમે જલ્દી આવી જાવ. અહીં એક ચોર પકડાયો છે…..’
‘આવું છું….’ નાથુએ કંટાળાના ભાવ સાથે કહ્યુ. અને ફોન મુક્યો.
‘સાહેબ, બહું આરામ થયો હવે ઉભા થાવ. રામપુર ગામમાં એક ચોર પકડાયો છે.’
‘અરે નાથુમને ઝાડા થયા છે… મારાથી નહીં અવાય…..’
‘ફિકર નોટ સાહેબ મૈ હું ના! ડબલું ભરી આપીશ….. ચાલો.’
‘તું ડબલું ભરી આપીશ, ધોઈ થોડો આપીશ.’
‘શું તમેય સાહેબ, આ તમને શોભે છે.. ચાલો છાનામાના.’ કેટલીયે ચર્ચાને અંતે આખરે ઘેલાણી કમને નાથુને લઈને રામપુર જવા ઉપડ્યા.
***
ઈન્સપેકટર ઘેલાણી અને નાથુની ગાડી રામપુરના પાદરમાં પહોંચી એ સાથે જ ગામલોકોનું ટોળું ઘેરી વળ્યુ. બંને નીચે ઉતર્યા. ઘેલાણીએ એકદમ કડક અને મોટા અવાજે પૂછ્યુ, ‘કોણે ફોન કર્યો હતો? ક્યાં છે ચોર?’ ઘેલાણીને આ રીતે મોટેથી બોલતા સાંભળી નાથુહળવેકથી એમના કાનમાં ગણગણ્યો, ‘સાહેબ! આમ મોટેની ના બોલો…. ધીમાં સૂરે વાત કરો નહીંતર સૂરસૂરીયુ થઈ જશે. તમને ઝુલાબ છે.’
ઘેલાણીએ લાલ આંખે નાથુસામે જાેયુ. ત્યાંજ એક યુવાન એમની સામે આવીને ઉભો રહ્યો,
‘સાહેબ, મેં ફોન કર્યો હતો.’
ઘેલાણી કંઈ બોલ્યા નહીં. આગળની બાજી નાથુએ સંભાળી લીધી, ‘શું નામ છે તારુ?’
‘હિરો સાહેબ!’
‘હિરો? મને તો તું જ વિલન જેવો લાગે છે.’ નાથુની ટીખળથી ટોળામાંના કેટલાંક લોકો હસ્યા. કેટલાંક ગંભીર જ રહ્યાં. એ વાત ઘેલાણીની નજરમાં નોંધાઈ ગઈ.
‘હિરાજી ઠાકોર નામ છે મારુ સાહેબ!’
‘ચોર ક્યાં છે!’ નાથુસીધો પોઈન્ટ પર આવ્યો. નાથુના પ્રશ્નથી ટોળુ થોડીવાર માટે મુંઝાઈ ગયું. આખરે એક આધેડ માણસ બોલ્યા, ‘સાહેબ, ચોર તો મરી ગયો!’
‘હેં… હેં…’ નાથુસાથે સાથે ઘેલાણીની પણ હેં નીકળી ગઈ. નાથુએ ફરી પાછું સાહેબ સામે જાેયુ. અને ધીમેથી બોલ્યો, ‘સાહેબ, કંઈક સમજો. પરિસ્થિતી તમારા હાથમાં નથી. રાડો ના પાડો. મૈં હું ના.’
પણ સાહેબ હવે ચૂપ રહી શકે એમ નહોતા. એમણે પેલા માણસને પૂછ્યુ, ‘એમ કેવી રીતે મરી ગયો? ક્યાં છે એની લાશ?’
‘સાહેબ, ત્યાં અમથી ડોશીના ઘર પાંહેની દિવાલે એની લાશ પડી છે. ચાલો તમને બતાવું.’
ઘેલાણી અને નાથુબંને સ્તબ્ધ હતા. એમ ચોર મરી કેવી રીતે જાય. નક્કી દાળમાં કંઈક કાળુ લાગે છે. ઘેલાણીએ પેલા આધેડ માણસને પૂછ્યુ, ‘તમારું નામ શું છે?’
‘સાહેબ, હું જેરામ પટેલ. આ ગામનો સરપંચ છું. તમે એક વાર મારી સાથે ચાલો. હું તમને માંડીને બધી વાત કરું છુ.’
ઘેલાણી અને નાથુજેરામ પટેલની સાથે સાથે અમથી ડોશીના ઘર તરફ ચાલી નીકળ્યા. લોકોનું ટોળું પણ પાછળ પાછળ ચાલ્યુ. થોડે આગળ જતા નાથુએ પાછળ ફરીને કરડાં અવાજે કહ્યુ, ‘એય, તમે બધાં કેમ પાછળ પાછળ આવો છો. અહીં કંઈ ભવાઈ થઈ રહી છે. ચાલો ભાગો અહીંથી નહીંતર અંદર કરી દઈશ…’
નાથુની વાત સાંભળી ટોળાંમાંના જ પાંચ સાત લોકોએ બીજા લોકોને ખખડાવ્યા, ‘એય, હાલો ભાગો આંયાંથી… ખબરદાર જો વાંહે આયા છો તો…. હાલો ભાગો…’ એ સાથે જ ટોળાંમાંથી ફોગટનો તમાશો જાેવા આવેલા લોકો ચપોચપ ગાયબ થઈ ગયા. પેલા પાંચ સાતેય માણસો એમની સાથે જ રહ્યાં. નાથુમનમાં હસ્યો. જબરા લોકો છે. એમને કોણે સાથે આવવાનો પરવાનો આપી દીધો. પણ એ કંઈ બોલ્યા વગર આગળ વધ્યો.
દસેક લોકો ગામના છેવાડે આવેલા અમથી ડોશીના ઘર પાસે પહોંચ્યા. અમથી ડોશીના ઘરની પાછળ લગભગ અડધો કિલોમીટર દૂર એક મોટી દિવાલ હતી. સરપંચ એમને ત્યાં લઈ ગયા. અને દિવાલના છેડે પડેલી લાશ બતાવતા કહ્યુ, ‘સાહેબ, આ રહ્યો તમારો ચોર… એટલે કે એની લાશ…’
ઘેલાણી અને નાથુની નજર લાશ પર સ્થિર થઈ. ઘેલાણી એ લાશ સામે તાકી રહ્યાં. દિવાલની બરાબર પાસે જ ચોરની લાશ ચતિપાટ પડી હતી. લાશના માથાના પાછળના ભાગમાંથી ભયંકર લોહી નીકળીને જમીન પર ઢોળાયુ હતું. સુકી માટીમાં ભળીને લોહી ગઠ્ઠો થઈ ગયું હતું. એની આંખો ફાટેલી જ હતી. હાથમાં કંઈ જ વસ્તુ નહોતી. ઘેલાણી એ એની આંખો, પગ, નાક, કપડાં, બુટ વગેરે તમામ પર એમની અનુભવી નજર ફેરવી લીધી. એને ટચ પણ કર્યા વગર ક્યાંય સુધી લાશનું નિરિક્ષણ કર્યા કર્યુ અને અગત્યની ચીજાે એમના દિમાગના કોમ્પ્યુટરમાં ફિટ કરતા ગયા.
‘સાહેબ, વાત એમ છે કે….’ ઘેલાણી નિરક્ષણ કરી રહ્યાં હતા ત્યાંજ એક દોઢ ડાહ્યો માણસ વચ્ચે બોલ્યો. પણ ઘેલાણીએ એને વચ્ચે જ અટકાવતા કહ્યુ, ‘પ્લીઝ કીપ મમ… હું તમને પુછું પછી જ કહેજાે.’
ડોઢ ડાહ્યો તરત જ ડાહ્યો થઈ ગયો. ઘેલાણીએ નાથુને હુકમ કર્યો, ‘નાથુ, ફટાફટ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ અને ફોરેન્સીક લેબની ટીમને પણ બોલાવી લે. આ કેસ બહું ગંભીર છે. ’
અડધા કલાકમાં જ ફોરેન્સીક લેબની ટીમ અને પોસ્ટમોર્ટમ માટેની ટીમ આવી ગઈ. ફોરેન્સીક લેબની ટીમ આવતાં વેંત કામે લાગી ગઈ. સાયન્ટીફિક રીતે લાશની ચકાસણી થવા લાગી. તપાસ દરમિયાન. લાશ વાળી વ્યક્તિના ખિસ્સામાંથી એક કાગળનો ફાટેલો ટુકડો મળી આવ્યો. બાકી એની પાસે કંઈ જ નહોતું. પૈસા, લાયસન્સ વગરે કશું જ ના મળ્યુ. ખાલી પર્સ પણ નહીં માત્ર અને માત્ર આ કાગળનો ટુકડો હતો એની પાસે.
ટીમના એક સભ્યએ એ કાગળ ઘેલાણીને બતાવ્યો. ઘેલાણીએ કાગળ પર નજર ફેરવી અને મર્માળુ હસ્યા. એની એક ઝેરોક્ષ કરાવીને પણ એમની પાસે રાખી લીધી. નાથુએ એમને પૂછ્યુ, ‘સાહેબ, શેનો કાગળ છે.’
‘માય ડિયર નાથુ, જલ્દી શું છે, બધું જ કહીશ… અત્યારે કામ કર.’ ઘેલાણી ફરીવાર મર્માળુ હસ્યા. એમને ખરબ પણ નહોતી રહી કે અત્યારે એ આ કેસમાં એવા ડુબી ગયા હતા કે એમને જુલાબ થયો હતો એ ભુલી ગયા હતા.
***
લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઈ. ફોરેન્સીક લેબની ટીમ પણ જરૂરી ચીજો લઈને ચાલી ગઈ હતી. હવે રહી ગયા હતા માત્ર ઘેલાણી-નાથુની જાેડી, સરપંચ અને બીજા આઠ દસ વ્યક્તિઓનું ટોળું. થોડીવાર પહેલા વચ્ચે ખાબકી પડેલા માણસ સામે જાેતા ઘેલાણીએ વાત આગળ ચલાવી, ‘હાં, તો હવે કહો મહાશય આપ શું કહેવા માંગતા હતા. ’
‘સાહેબ, મારું નામ ખીમો છે. અમથી ડોશીએ વહેલી સવારે ચોર ચોરની બુમો પાડી ત્યારે હું જ પહેલો જાગ્યો હતો અને ચોર પાછળ પડ્યો હતો.’
‘પછી શું થયું. જરાક માંડીને વાત કરો તો ખબર પડે. ચોર મરી કેવી રીતે ગયો?’
જવાબ ખીમા ને બદલે સરપંચ જેરામ પટેલે જ આપ્યો. ‘સાહેબ, હું જ તમને કહું છું. બન્યુ એવું કે અમારા ગામમાં એક વિધવા ડોશી રહે છે. એનું નામ અમથી છે. વહેલી સવારે આ ચોર એમના ઘરમાં ચોરી કરવા પેઠો હશે. અચાનક ઘરમાં ખખડાટ થતા ડોશી જાગી ગઈ. એણે ચોર ચોરની બુમો પાડવા માંડી. એની બુમો સાંભળી ચોર નાઠો. પણ ડોશીની બુમો સાંભળીને એની બાજુના જ ખોરડાંમાં રહેતો ખીમો જાગી ગયો હતો. એ પણ બુમો પાડતો પાડતો આ ચોરની પાછળ દોડ્યો. ખીમાની બુમથી ગામના બીજા લોકો પણ ઉઠી ગયા. બધા લાકડીઓ લઈને ચોરની પાછળ દોડ્યા. ગામ આખામાં દોડમ દોડી થઈ ગઈ. આખરે ચોર આ દિવાલ પાસે આવ્યો. અમે બધા થોડા પાછળ હતા. અમે એની પાસે પહોંચીએ એ પહેલા જ એ દિવાલ ચડી ગયો. પણ ઉતાવળમાં એનો પગ લપસી ગયો અને એ ઉંધા માથે પછડાયો. જમીન પર પડેલા પથ્થરમાં એનું માથુ પછડાયું અને એ ત્યાંને ત્યાંજ મરી ગયો. બસ આટલી વાત છે સાહેબ! ’
‘હંઅ…. ’ ઘેલાણીએ માથુ ધુણાવતા કટાક્ષમાં કહ્યુ, ‘બહું સારૂ થયું. પાપીઓની આ પૃથ્વી પર કોઈ જગ્યા નથી. ચાલો મને અમથી ડોશીનું ઘર બતાવો. ’
બધાં થોડી જ વારમાં અમથી ડોશીના ઘરે બેઠા હતા. ઘેલાણીએ અમથી ડોશીના આખા ઘરની જીણવટ પૂર્વક તપાસ કરી. એમની પુછપરછ પણ કરી. અમથી ડોશીને કોઈ સંતાન નહોતું. એમના પતિ પણ વર્ષો અગાઉ મરી ગયા હતા. એ સાવ એકાકી જીવન જીવી રહ્યાં હતા. આગળ – પાછળ કોઈ નહોતુ. જે વાત સરપંચે કરી હતી એ જ વાત અમથી ડોશીએ પણ કરી. બધાનું બયાન લઈને નાથુઅને ઘેલાણી જીપમાં બેઠા.
‘સાહેબ, સાવ સાદો કેસ છે. ખોટો ધકકો થયો નહીં.’ નાથુએ રસ્તામાં વાત કરી. ઘેલાણી એની સામે જાેઈને એની દયા આવતી હોય એવું હસ્યા, ‘માય ડિયર નાથુ, એટલે જ તું હવાલદાર છે અને હું ઈન્સપેકટર. મુર્ખા આ કેસ તને સાદો લાગે છે? અરે તું વિચાર તો ખરો. જેના ઘરમાં સારા વાસણ પણ નથી એવી ગરીબડી અમથી ડોશીના ઘરમાં કોઈ શું કામ ચોરી કરવા આવે? શું ચોરી કરવા આવે? બીજુ કે એની પાસેથી પણ કંઈ ચીજ મળી નથી. એની પાસે પર્સ પણ નહોતું. માત્ર એક કાગળ હતો. એમાં કંઈક ગરબડ ભરેલા આંકડાઓ લખ્યા હતા. મતલબ કે આખી દાળ જ કાળી છે. આ કેસ સાદો કેસ નથી. બહું પેચીદો કેસ છે. આમા જરૂર કંઈક મોટો ખેલ પડ્યો છે. પણ આ બધું તારા ખાલી ભેજામાં નહીં ઉતરે… તું તારે ઉંધી ખા…’
‘ઓ… સાહેબ! મેં તો ખાલી તમારો મત જાણવા માટે આવું કહ્યુ હતું. બાકી એક નિરિક્ષણ તો મેં પણ કર્યુ છે….’
‘એમ…’ ઘેલાણીએ લાલચુ નજરે નાથુસામે જાેતા પૂછ્યુ, ‘શું નિરિક્ષણ કર્યુ છે તે હેં…?’
‘એ હું તમને અત્યારે નહીં કહું…. એ કહીશ તો તમારો અડધો કેસ સોલ્વ થઈ જશે, હા… હા… હા…’ નાથુહસ્યો. ઘેલાણી એને તાકી રહ્યાં. એમને ખબર હતી કે નાથુને એમણે મુર્ખો કહ્યો હતો એટલે એ હમણા તો વાત નહીં જ કરી. એટલે એમણે નાથુને આગળ કંઈજ ના પુછ્યુ.
એ આખા રસ્તે આ કેસ પર વિચારતા રહ્યાં. એમની નજર સામે પેલા ચોરના ખિસ્સામાંથી નીકળેલા કાગળના આંકડાઓ તરવરી રહ્યાં હતા. અચાનક એમને કંઈક લાઈટ થઈ. એમણે તરત જ ખિસ્સામાંથી એમનો મોબાઈલ કાઢ્યો અને એક ચોક્કસ નંબર ડાયલ કર્યો.
‘હેલ્લો, અનિકેત! હું ઈન્સપેકટર ઘેલાણી બોલું છુ. તારી અરજન્ટમાં જરૂર પડી છે. ફટાફટ પોલીસ સ્ટેશનમાં આવી જા. અત્યારે હું બહાર છું. દસ જ મીનીટમાં પોલીસ સ્ટેશને પહોંચું છુ. તું પણ આવી જા.’
‘ઓ.કે સર!’ સામેથી જવાબ આવ્યો અને ફોન કટ થઈ ગયો.
(Dark Secrets – શુ રાઝ હશે આ ચોરનું? શું એ ખરેખર ચોરી કરવા આવ્યો હશે કે કોઈ બીજા મક્સદથી? શું એ અકસ્માતે મર્યો હશે કે એનું મર્ડર થયું હશે? શું એના ખિસ્સામાંથી મળેલા કાગળના એકમાત્ર પુરાવા પરથી ઘેલાણી અને નાથું રહસ્યો પરથી પરદો ઉંચકી શકશે ખરા? આ બધા જ પ્રશ્નોના જવાબ આવતા અંકે.)