‘સાચું કહું સાહેબ… આમા સ્વાર્થ એટલો જ હતો કે એકલી અમથી ડોશીના લીધે અમે અમારી ખુદની જમીનના પૈસા નહોતા મેળવી શકતા. આમાં અમારે એની જમીન કે પૈસા પડાવી લેવાનો કોઈ ઈરાદો નહોતો.’
રીકેપ…..
(Dark Secrets – નાઈટ ડ્યુટી કરી રહેલા ઈન્સપેકટર ઘેલાણી અને નાથુપર ફોન આવે છે કે પાસેના રામપુર ગામમાં એક ચોર પકડાયો છે. એ લોકો ત્યાં પહોંચે છે. ભાગવા જતા ચોર દિવાલ પરથી પટકાયો હોય છે અને મરી ગયો હોય છે. એના ખિસ્સામાંથી માત્ર એક કાગળનો ફાટેલો ટુકડો મળે છે. જેના પર ‘સર્વે નંબર’ લખ્યુ હોય છે. ઘેલાણી વિચારે છે કે એક ગરીબ ડોશી જેના ઘરમાં ખાવાના પણ ફાંફાં છે ત્યાં કોઈ ચોરી કરવા શું કામ જાય? વળી એના ખિસ્સામાંથી મળેલા કાગળ પરથી એમને કંઈક સ્પાર્ક થાય છે અને એ અનિકેત નામના કોઈ વ્યક્તિને ફોન કરીને બોલાવે છે… હવે આગળ…..)
***
ઈન્સપેક્ટર ઘેલાણી, નાથુઅને જમીન દલાલ અનિકેત અકોલી પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. અનિકેતના હાથમાં ચોરના ખિસ્સામાંથી મળેલા કાગળના ટૂકડાની ઝેરોક્ષ હતી. એની નજર એના પર સ્થિર હતી અને ઘેલાણી બોલી રહ્યાં હતા, ‘અનિકેત, રામપુરમાં એક ચોર ભાગતા ભાગતા મરી ગયો છે. એના ખિસ્સામાંથી અમને માત્ર અને માત્ર આ ફાટી ગયેલા કાગળનો ટુકડો મળ્યો છે. આમા ‘સર્વે નંબર’ એટલું જ લખ્યુ છે. આ ટુકડો કોઈ મોટા કાગળમાંથી ફાટી ગયો હોય એમ લાગે છે. એટલે મેં તને બોલાવ્યો છે. તું આ કેસમાં અમારી શું મદદ કરી શકે?’
રામપુરનું નામ સાંભળતા જ અનિકેત બોલ્યો, ‘સાહેબ, આમ માત્ર ‘સર્વેનંબર’ એવું લખેલા કાગળના ટૂકડા પરથી તો બહું અનુમાન ના લગાવી શકાય. નંબર હોય તો પણ કંઈ ખબર પડે. પણ શહેરના મોટા બિલ્ડર જે.એમ. પટેલ એક વર્ષથી રામપુરની જમીનના સોદામાં રસ ધરાવે છે. એમને મળીએ તો કંઈક મદદ મળે.’
‘અરે,… આટલી વિગત તો બહું થઈ ગઈ. આપણે આવતી કાલે જ એ બિલ્ડરને મળવા જઈશું. આજે સાંજ સુધીમાં લાશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા ફોરેન્સીક લેબનો રિપોર્ટ આવી જાય એટલે એ જોઈને જઈએ..’
***
‘નાથુ, તું કંઈક નિરિક્ષણની વાત કરતો હતો. શું વાત હતી.’ અનિકેત ચાલ્યો ગયો પછી ઘેલાણીએ નાથુને પૂછ્યુ. પણ નાથુને સવારે એમણે મુર્ખો કહ્યો હતો એટલે એ એમનાથુી નારાજ હતો. એ બોલ્યો, ‘સાહેબ, હું તો મૂર્ખ છું. હું શું નિરિક્ષણ કરવાનો હતો….’
‘ગાંડા જેવી વાત કરે છે.. એ તો મેં ખાલી અમસ્તું જ કહેલું. સ્લીપીંગ ઓફ ટન્ગ, યુ નો!’ ઘેલાણીએ એમના પલાળેલા પર માટી વાળી.
આખરે નાથુની નારાજગી દૂર થઈ. એ બોલ્યો, ‘સાહેબ, ચોર દિવાલ પરથી પટકાઈને મરી ગયો એવું આપણે જોયું. પણ આપણે એ ના જાેયું કે દિવાલ વીસ ફુટ ઉંચી હતી અને એ પ્લાસ્ટર વાળી હતી. દિવાલ પર ચડી શકાય એવો કોઈ સ્કોપ જ નહોતો. વળી ત્યાંથી મને એક કપાયેલી રસ્સીનો એક નાનકડો ટુકડો પણ મળી આવ્યો છે. એટલે મારા મત મુજબ કોઈક વ્યક્તિએ જરૂર ચોરને ભગાડવામાં મદદ કરી હશે.’
‘વેરી ગુડ નાથુ. તારું નિરિક્ષણ હવે વોટસન જેવું થઈ ગયું છે. ’
‘થેંક યુ સર, પણ તમારુ શેરલોક હોમ્સ જેવું નથી થયું હોં…’
‘જો પાછો વાયડો થયો..’ ઘેલાણીએ બનાવટી ગુસ્સા સાથે કહ્યુ, ‘કામ કર ફટાફટ, આપણે જો સ્હેજ મોડુ કરીશું તો કેસ બગડી જશે.’
‘ફિકર નોટ સાહેબ મૈં હું ના…..’
***
પોસ્ટમોર્ટમ અને ફોરેન્સીક લેબનો રિપોર્ટ આવી ગયો હતો. પછડાવાથી માથાના ભાગે થયેલી ઈજાને કારણે જ ચોરનું મૃત્યુ થયું હતું. એટલે બીજો કોઈ પ્રશ્ન જ નહોતો. હવે માત્ર પેલા કાગળના ટુકડા અને બિલ્ડર જે. એમ. પટેલના સહારે આખી ગેમનો પર્દાફાશ કરવાનો હતો. ઘેલાણીએ ફટાફટ અનિકેતને લઈને બિલ્ડરને ત્યાં પહોંચી ગયા.
ઘેલાણીએ બિલ્ડરને આખીયે ઘટના ટૂંકમાં સમજાવી. પછી બિલ્ડરે કહ્યુ, ‘હું જેટલુ જાણું છું એટલું તમને કહું છું. આ ગામની રોડ ટચ જમીનમાં મારે મોલ વિથ થિયેટર બનાવવા હતા. એક નાનકડો દલાલ મેરું ઘણા સમયથી આ જમીનના સોદામાં પડ્યો હતો. એ મને આ જમીન મેળવી આપવાનો હતો. જોકે કાયદેસર કામ જ હતું. પણ ઘણા સમયથી એ કાગળિયા લાવી શક્યો નહોતો. પણ આખરે ગઈ કાલે ગામના જ બે લોકોએ મને ખૂટતા કાગળ લાવી આપ્યા અને અમારો સોદો નક્કી થઈ ગયો. આજે પાંચ કરોડ ચુકવીને અમે એનો દસ્તાવેજ પણ કરવાના છીએ.’
‘તમે મને એ કાગળો બતાવો જે તમને ગામના ખેડુંતોએ કાલે લાવી આપ્યા.’
બિલ્ડરે તરત જ એ કાગળીયા બતાવ્યા. એ હાથમાં લેતા જ ઘેલાણી મુસ્કુરાયા. એ કાગળિયાઓમાંથી એક કાગળનો ખૂણો ફાટેલો હતો. ઘેલાણીએ ખિસ્સામાંથી એક કાગળનો ટુકડો કાઢ્યો અને એની સાથે જાેડી દીધો.
‘લો, સાહેબ! તમારો એક કાગળ ખૂણેથી ફાટેલો હતો એ હું પુરો કરી આપુ. ’ એમણે બિલ્ડર સામે એ કાગળ મુકતા કહ્યુ. બિલ્ડર ચોંકી ગયા, ‘સાહેબ, આ ટુકડો તમારી પાસે ક્યાંથી આવ્યો?’
‘ત્યાંથી ચોરી કરીને ભાગતા ચોરના ખિસ્સામાંથી મળ્યો એે ટુકડો છે આ. અને જો હું ખોટો ના હોંઉં તો આ ચોર પેલો મેરું નામનો જમીન દલાલ જ છે. ’ બોલીને એ નાથુતરફ ફર્યા, ‘નાથુ, સાહેબને ચોરની લાશનો ફોટો બતાવ.’
નાથુએ તરત જ એની બેગમાંથી ચોરની લાશનો ફોટો કાઢ્યોે અને બિલ્ડર સામે ધર્યો. ફોટો જોતા જ એ બોલ્યા, ‘યેસ, આ તો એ જ જમીન દલાલ છે જે મને આ ગામની જમીન મેળવી આપવાનો હતો.’
ઘેલાણી મર્માળું હસ્યા, ‘એ તો હવે ગયો પણ તમે અમારી સાથે ચાલો અને અમને ગુનેગારો મેળવી આપો.’
‘મને કંઈ સમજણ નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે.’ બિલ્ડરે કન્ફ્યુશન વ્યક્ત કર્યુ.
‘એ બધું હું તમને સમજાવું છું. તમે અત્યારે અમારી સાથે રામપુર ચાલો અને ગઈ કાલે તમને આ કાગળીયાઓ લાવી આપનારા બંનેને ઓળખી બતાવો.’
‘વાય નોટ ચાલો..’
***
અડધા કલાક પછી ઘેલાણી, નાથુ, બિલ્ડર જે.એમ.શાહ અને અનિકેતની ચોકડી રામપુર ગામમાં હતી. એ સીધા જ સરપંચના ઘરે ગયા. સરપંચે બારણું ખોલ્યુ એ સાથે જ બિલડર બોલ્યા, ‘ઈન્સપેકટર સાહેબ આજ હતો એ માણસ જેણે મને ખૂટતા કાગળો લાવી આપ્યા છે.’
ઈન્સપેકટરે તરત જ સરપંચને પકડી લીધા. એ તો બિલ્ડરને જાેતા જ ઢીલા ઢફ્ થઈ ગયા હતા. ઘેલાણીએ એમને કડકાઈથી પૂછ્યુ, ‘બીજુ કોણ છે તારી સાથે આ ગુનામાં બોલ!’
‘હિરાજી ઠાકોર એક જ! બીજુ કોઈ નહીં.’
તરત જ હિરાજી ઠાકોરને પણ પકડી લેવામાં આવ્યો. બંનેને અકોલી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા. પુછપરછમાં સરપંચે આખી વાત પોપટ જેમ કહી દીધી, ‘સાહેબ, અમારા ગામની રોડ ટચ જમીન એક સાથે ખૂબ જ ઉંચા ભાવે વેચાય એમ હતી. ગામના બધા જ લોકો વેચવા તૈયાર હતા પણ એક અમથી ડોશી માનતી નહોતી. અમે એને ખૂબ મનાવી. કહ્યુ કે ખૂબ પૈસા આવશે. આખી જિંદગી આમ ચિંથરે હાલ ભુખે કાઢી છે તો છેલ્લે છેલ્લે થોડી સારી જિંદગી ગુજારીને ખાઈ-પીને જા. પણ એ માનવા તૈયાર જ નહોતી. કહેતી હતી કે આ જમીન મારા પતિની આખરી નિશાની છે. એમણે રાત દિવસ પરસેવો પાડીને એ ખરીદી હતી. એને હું કોઈ પણ ભોગે નહીં વેચું.
આખરે અમારે બીજો દાવ રમવો પડ્યો. મેરુ ભરવાડ નામનો એક જમીન દલાલ પણ ઘણા વખતથી અમારી સાથે જ હતો. આખરે મેં, હિરાજીએ અને મેરુએ એક યોજના ઘડી. યોજના મુજબ મેરુંએ કહ્યુ કે એ અમથી ડોશીના ઘરમાંથી જમીનના કાગળિયા ચોરી લેશે. પછી અમે અમથી ડોશી પાસે કાગળિયાની ચોરીનો કેસ કરવાનું બહાનું કરીને જમીન વેચાણના દસ્તાવેજોમાં અંગુઠો મરાવી લેશું. પણ અમારા બધા પાસા અવળા પડ્યા. મેરું કાગળિયા લઈને ભાગવા જતો હતો ત્યાંજ ડોશી જાગી ગઈ. એણે બુમા બુમ કરી. પછી ખીમો જાગી ગયો. ધીમે ધીમે આખુ ગામ જાગી ગયું. બધા ચોર પાછળ પડ્યા. એ ભાગદોડમાં જ મેં અને હિરાએ બીજી એક રમત રમી. હિરાએ ફટાફટ પેલી દિવાલની પાછળ જઈ એક રસ્સી આ તરફ નાંખી અને મેં મેરુંને દોડતા દોડતા કહી દીધું કે તું દિવાલ તરફ ભાગ ત્યાં તારા માટે માટે રસ્સી તૈયાર છે. મેરુ એ તરફ ભાગ્યો. દોરડા પર ચડી પણ ગયો પણ ઉપર જતા જ ઉતાવળમાં દોરડું તુંટી ગયું અને એ નીચે પટકાઈને મરી ગયો. હું ફટાફટ એની પાસે ગયો અને સિફત પૂર્વક એના ખિસ્સામાંથી અમથી ડોશીની જમીનના કાગળિયાઓ લઈ લીધા. પછી તમને બોલાવ્યા અને તમે તપાસ શરૂ કરી. તમે ગયા પછી હું અને મેરું અમથી ડોશી પાસે ગયા અને ચારીના પોલીસ કેસના બહાને એની જ જમીનના વેચાણ દસ્તાવેજ પર એનો અંગુઠો લઈ લીધો. પછી તરત જ અમે બિલ્ડર પાસે ગયા અને અમથી ડોશીના કાગળિયાઓ એમને આપી દીધા અને જમીનનો સોદો કરી નાંખ્યો. આજે તો એ અમને પાંચ કરોડ ચુકવીને દસ્તાવેજ પણ કરી આપવાના હતા અને તમે અમને પકડી લીધા. પણ સાચું કહું સાહેબ… આમા સ્વાર્થ એટલો જ હતો કે એકલી અમથી ડોશીના લીધે અમે અમારી ખુદની જમીનના પૈસા નહોતા મેળવી શકતા. આમાં અમારે એની જમીન કે પૈસા પડાવી લેવાનો કોઈ ઈરાદો નહોતો. મેરું મર્યો એ પણ ખરેખર અકસ્માત જ છે… હવે તમારે અમને જે સજા કરવી હોય એ કરો…. ’
‘હંઅ….’ ઘેલાણીએ આંખો જીણી કરી, ‘તમારી યોજના તો સારી હતી. પણ એ કાગળીએ જ તમને ફસાવી દીધા. તમે ઉતાવળમાં મેરુના ખિસ્સામાંથી કાગળીયા કાઢ્યા એમાં એક પાનાનો ખુણો ફાટીને એના ખિસ્સામાંજ રહી ગયો હતો. એમાં માત્ર ‘સર્વે નંબર’ એવું જ લખ્યુ હતું. એટલે મને શક ગયો કે માનો ના માનો મામલો જમીનનો છે. અને આખરે એ કાગળ તમારા માટે કાળ બની ગયો… ગુનો કર્યો છે સજા તો ભોગવવી જ પડશે.. ’
ઘેલાણી બહાર નીકળી ગયા. નાથુપણ એમની પાછળો પાછળ જ નીકળી ગયો. બહાર આવી બંને આરામથી ખૂરશીમાં બેઠા અને ચાની ચુશ્કી ભરવા લાગ્યા. નાથુએ સાહેબને કહ્યુ, ‘સાહેબ, તમે કમાલ છો હો. એક કાગળના નાનકડા ટુકડા પરથી ગુનેગારોને શોધી કાઢયા. ’
ઘેલાણી એ ખૂશ થતા જવાબ આપ્યો, ‘નાથુ, આમા માત્ર કાગળના ટુકડાનો જ કે મારા દિમાગનો જ ફાળો નથી. ફોરેન્સીકનો રિપોર્ટ આવ્યો એમાં એવી નોંધ હતી કે એ માણસના બુટમાં ખેતરની માટી અને બાજરીના કણો ચોંટેલા હતા. અને બહું ઘણા સમયથી ચોંટેલા હતા. કાગળ પરથી તો મને શક થયો હતો કે આ મામલો જમીનનો છે. પણ ફોરેન્સીકનો રિપોર્ટ આવ્યા પછી યકિન થઈ ગયું હતું કે આ માણસ સોએ સો ટકા જમીન દલાલ છે. પછી તો જે.એમ.પટેલને મળ્યા એટલે મામલો દિવા જેવો સાફ થઈ ગયો. જમીનના સોદામાં જે કાગળો ખૂટતા હતા એ અમથી ડોશીની જમીનના જ હતા. બસ ખેલ ખતમ! પણ નાથુસાચુ કહું મને તારું નિરિક્ષણ પણ બહું જ ગમ્યુ. તે દિવાલ પાસે પડેલા કપાયેલી રસ્સીના ટુકડાની વાત કરી એ શબ્દશઃ સાચી પડી. કહેવું પડે ભાઈ….’
‘સાહેબ, અહો રૂપમ અહો ધ્વની થઈ રહ્યું છે. એ વાત છોડો. હવે ઘરે જઈએ, બહું થાક લાગ્યો છે. હવે આ લોકોનું શું કરવાનું છે એ કહી દો. ’
‘કાલે અમથી ડોશીને બોલાવીને આખી વાત સમજાવીને એમના પર જડબેસલાક કેસ કરાવીશું. અત્યારે કમિશ્નર સાહેબ પણ અહીં નથી. એમના બદલામાં જે ટેમ્પરરી સાહેબ છે એ બહું ભલા છે. એ આપણને જરૂર જશ આપશે…. ડિયર નાથુ, આપણે એક ગરીબ ડોશીની આખરી નિશાનીને નષ્ટ થતા બચાવી છે અને દલાલો કેવા કેવા કરતુતો કરે છે એનો પર્દાફાશ કર્યો છે. તું જાેજે આપણા ફોટા સાથે છાપા-મેગેઝિનોમાં ફિચર સ્ટોરી થશે..’
‘હા, સાહબે… આ વખત તો આપણને જરૂર જશ મળશેે’ નાથુએ ઉત્સાહથી જવાબ આપ્યો અને બંને છુટા પડ્યા.
***
બજા દિવસે બપોરે અમથી ડોશી અકોલી પોલીસ સ્ટેશનમાં બેઠા હતા અને કહી રહ્યાં હતા, ‘સાહેબ, મારે કોઈ કેસ નથી કરવો. ગમે તેવા હોય એ બંને મારા ગામના છે. છોડી મુકો એમને… ’
ઘેલાણી અને નાથુનિરાશ થઈ ગયા. અમથી ડોશીને બહું સમજાવ્યા પણ એ એકના બે ના થયા. એમણે કેસ ના કર્યો. ચાલ્યા ગયા.
ઘેલાણી નિરાશ થઈને ખૂરશીમાં બેસી રહ્યાં. નાથુપણ નિરાશ હતો છતાં એણે નકલી ઉત્સાહ દાખવતા કહ્યુ, ‘ફિકર નોટ સાહેબ, મૈં હું ના! આપણે આપણી રીતે કેસ કરીને એમને સજા અપાવીશું. આપણે છાપાંમાં જરૂર ચમકીશું.’
‘છોડ નાથુ. એ બધી લમજાઝીંકમાં નથી પડવું. મેં કહ્યુને કે આપણા હાથમાં જશ રેખા નથી. એમ કરતા ઉલ્ટાના લેવાના દેવા પડી જશે… છોડ એમને.. મારે આરામ કરવો છે. ’ ઘેલાણીએ આંખો મીંચી દીધી અને નાથુએ હોઠ.
(સમાપ્ત) Dark Secrets