
અકબરને બુદ્ધિની કસોટી કરે તેવા સવાલો પૂછવાનો ઘણો શોખ હતો. બાદશાહ એવા એવા સવાલો પૂછતા કે ભલભલા બુદ્ધિશાળી એકબીજાના મોં સામે તાકી રહેતા.
એક દિવસ દરબારમાં અકબરે દરબારીઓને પ્રશ્ન પૂછ્યો : “હાથીનું વજન થાય કે ના થાય ? જો થાય તો શી રીતે થાય ?”
દરબારીઓ મૂંઝાયા. જવાબ આપી શક્યા નહિ. ત્યાં દરબારમાં બીરબલ આવ્યો. એટલે અકબરે તેને સીધો જ પ્રશ્ન પૂછયો : “બીરબલ, હાથીનું વજન થાય કે ના થાય ?”
બીરબલ ના કહેવાનું શીખ્યો જ નહોતો. તેણે કહ્યું : “હાથીનું વજન ચોક્કસ થઈ શકે.”
“પણ તે કેવી રીતે થઈ શકે ?” બાદશાહે પૂછ્યું.
બીરબલે કહ્યું : “હાથીનું વજન કરીને.”
બાદશાહે પૂછ્યું : “પણ વજન શામાં કરવું ?
ત્રાજવામાં થઈ શકે ?”
બીરબલે કહ્યું : “હા, ત્રાજવામાં થઈ શકે.” ઉતાવળમાં બીરબલથી બોલતાં તો બોલાઈ જવાયું પણ પછી તે એકદમ વિચારમાં પડી ગયો.
દરબારીઓ આ સાંભળી હસી પડયા. અંદરોઅંદર વાતો કરવા લાગ્યા: “હાથીનું વજન ત્રાજવામાં શી રીતે થઈ શકે ? બીરબલની બુદ્ધિએ દેવાળું કાઢ્યું લાગે છે. જેમ ફાવે તેમ જવાબ દઈ દે છે.”
અકબરને પણ નવાઈ લાગી. બીરબલના આવા ઉડાઉ જવાબથી તે ગુસ્સે થઈ ગયા. બીરબલને કહ્યું : “તારે સાબિત કરવું પડશે. હાથીનું વજન કરવા માટે કેટલું મોટું ત્રાજવું જોઈએ?”
હવે બીરબલ સમજી ગયો. તે ધારતો હતો તેટલું આ કામ સહેલું નથી. તેણે કહ્યું : “મહારાજ, મને પાંચ દિવસનો સમય આપો. હું હાથીનું વજન કરી આપીશ.”
‘બીરબલ હાથીનું વજન કરી આપવાનો છે’ આ વાત આખા દિલ્હીમાં ફેલાઈ ગઈ. બધા આ જોવા આતુર થઈ ગયા.
બીરબલ રાત-દિવસ આ બાબત વિચારવા લાગ્યો. છેવટે એને ઉપાય મળી ગયો. તેણે બાદશાહને કહીને ઢંઢોરો પિટાવડાવ્યો કે, ‘આવતી કાલે બીરબલ હાથીનું વજન કરશે. જેને આ જોવા આવવું હોય તેઓ સવારે નદીકિનારે આવે.’
બીજા દિવસે સવારે લોકો નદીકિનારે જવા લાગ્યા. અકબર પણ બીરબલ સાથે હાથી ઉપર બેસીને ત્યાં આવ્યા.
બીરબલે એક હોડી તૈયાર રાખી હતી. હાથીને પણ લાવીને ઊભો રાખવામાં આવ્યો હતો. મોટા મોટા પથ્થરોનો ઢગલો પણ એક બાજુ કરી રાખ્યો હતો. એક મોટું ત્રાજવું લાવ્યો હતો. બીરબલે માછીમાર પાસે એક મોટી હોડીને નદીમાં તરતી મુકાવી. હોડી નદીમાં ડૂબી હતી, તે પાણીની સપાટીની નોંધ લેતી નિશાની તેણે હોડી ઉપર કરી. પછી બીરબલે પાટિયું મૂકીને હાથીને હોડીમાં ઉતાર્યો. હાથી કેળવાયેલ હતો. તે શાંતિથી હોડીમાં ઊભો રહી ગયો.
હાથી હોડીમાં આવ્યો, એટલે હોડી પાણીમાં વધારે ડૂબી. બીરબલે ફરીથી પાણીની સપાટીનું નિશાન હોડી ઉપર કર્યું. આ પછી હાથીને હોડીમાંથી ઉતારી લીધો.
ત્યારબાદ બીરબલે મજૂરોને હોડીમાં પથ્થરો નાખવાનું કહ્યું. મજૂરો ઝડપથી હોડીમાં પથ્થરો નાખવા લાગ્યા. જેમ જેમ પથ્થરો નાખતા ગયા તેમ તેમ હોડી પાણીમાં ડૂબતી ગઈ. હોડી બીજા નિશાન સુધી ડૂબી ગઈ, એટલે બીરબલે મજૂરોને પથ્થરો નાખવાનું બંધ કરાવ્યું.
થોડીવાર પછી મજૂરો પાસે હોડીમાં બધા પથ્થરો બહાર કઢાવી એક બાજુ ઢગલો કરાવ્યો. આ બધા પથ્થરોનું થોડે થોડે ત્રાજવામાં વજન કરાવ્યું. પછી આ બધા વજનનો સરવાળો કરવામાં આવ્યો.
આ બધા પથ્થરોનું કુલ વજન જ હાથીનું વજન થયું. આમ બીરબલે હાથીનું વજન પુરવાર કરી બતાવ્યું.
અકબરે બીરબલને શાબાશી આપી. નગરજનો, દરબારીઓ અને અકબર બાદશાહ ખુશ થઈ ગયા.