Akbar Birbal Story । બિરબલની ચતુરાઈના કાણે ડોશીમાંને તેનું ખોવાયેલું ધન મળ્યું

 

 

 

Akbar Birbal Story (Gujarati) | એક વખત એક સ્ત્રી બિરબલ પાસે આવી અને રડતાં રડતાં ફરિયાદ કરવા લાગી કે, ‘બેટા, એક સાધુએ મારી સાથે ઠગાઈ કરી છે. મને ન્યાય અપાવ.’

 

બિરબલે માંડીને વાત કરવાનું કહ્યું . એટલે માજી માંડીને વાત કરવા માંડ્યા, ‘બેટા, વાત એમ બની કે મારે જાત્રાએ જવું હતું. મારી પાસે તાંબાના એક હજાર સિક્કા હતા. ઘરમાં મૂકીને જાઉં તો ચોરાઈ જાય એટલે હું આપણા નગરના પાદરે આવેલા સાધુના આશ્રમે ગઈ અને એમને એ સાચવવા અરજ કરી. પણ સાધુએ કહ્યુ કે, ‘હું તો ધનને હાથ પણ લગાડતો નથી. હું મોહ-માયા, ધનસંપતિથી પર છું. હું તારા સિક્કાઓની થેલી નહીં રાખી શકું. પણ તું એક કામ કર. મારા આશ્રમમાં ક્યાંક ખાડો ખોદીને દાટી દે અને પછી આવીને લઈ જજે.’ મેં એમની સૂચના મુજબ કર્યુ અને પછી જાત્રાએ ચાલી ગઈ. આવીને જોયું તો મેં જે જગાએ પૈસાની થેલી દાટી હતી ત્યાં નહોતી. મને વિશ્વાસ લે કે એ સાધુએ જ એ લઈ લીધી છે.’

માજીની વાત સાંભળી બિરબલ વિચાર કરવા લાગ્યા. થોડું વિચારીને એમણે માજીને બીજા દિવસે બોલાવ્યા. બીજા દિવસે નિશ્ચિત સમયે માજી આવ્યા. બિરબલ એક લાકડાની પેટી લઈને માજીને સાથે લઈને પેલા સાધુના આશ્રમે ગયા. બહાર ઉભા રહી એમણે માજીને કહ્યુ, ‘હું સાધુ પાસે જાઉં છું. હું બીજીવાર પ્રણામ કરું ત્યારે તમે ત્યાં આવીને પૈસાની માંગણી કરજો. જોજો જરાય મોડુ કે વહેલું ના થાય.’

માજીને સમજાવીને બિરબલ પેલી લાકડાની પેટી લઈને સાધુ પાસે પહોંચ્યા અને પ્રણામ કર્યા, ‘મહારાજ પ્રણામ!’

‘પ્રણામ બેટા!’ સાધુએ પણ પ્રણામ કર્યા.

બિરબલ બોલ્યા, ‘અહીંથી નીકળતો હતો. આપનો આશ્રમ જાેયો. થયુ લાવો મહારાજના દર્શન કરતો જાઉં.’ બિરબલ બોલતાં બોલતાં વારે ઘડીયે પોતાની પેટી સામે જોતો હતો. એ જોઈને સાધુની નજર પણ એના પર પડી. એ લાલચુને ખબર પડી ગઈ કે નક્કી આમાં કંઈક કિંમતી સામાન છે.

સાધુની નજર પેટી પર જ હતી. એ સમજી ગયા કે બિરબલ પેટી મુકવા જ આવ્યો હશે. એટલે એમણે કહ્યુ, ‘બેટા! કોઈ સેવા હોય તો કહે. તારુ કામ કરવા, રક્ષણ કરવા જ બેઠો છું.’

આખરે બિરબલે કહ્યુ, ‘મહારાજ, હું અજમેર મારા ભાઈને ત્યાં જવા નીકળ્યો છું. આ પેટીમાં સોનાના દાગીના અને હિરા – ઝવેરાત છે. થયું આપને ત્યાં મુકતો જાઉં પણ….’ બિરબલ અટક્યા તરત જ સાધુ બોલી ઉઠ્યા, ‘બેટા, ચિંતા ના કર. હું તો ધનને હાથ નથી લગાડતો, પણ તું મારા આશ્રમમાં ક્યાંક ખાડો ખોદીને મુકી દે.’

બરાબર એ જ વખતે બિરબલે બીજા નમસ્કાર કરી પેલી ડોશીને ઈશારો કર્યો. એ તરત જ દોડી આવી અને ધન માંગવા લાગી. સાધુને થયું આના હજાર ત્રાંબાના લોભમાં સોનાના દાગીના અને હીરા જશે. એટલે એ બોલી ઉઠ્યા, ‘માજી, આપ ખોટી જગાએ ખોદતા હતા. મને લાગે છે કે તમે સિક્કા ડાબી તરફ દાટ્યા હતા. તમે ત્યાં શોધો.’ માજીએ સાધુને સૂચવેલી દિશામાં ખોદ્યુ તો સિક્કા મળી ગયા. સાબિત થઈ ગયુ કે સાધુ જ ચોર હતો. તમે છતાં માજી કંઈ બોલ્યા વિના ત્યાંથી ચાલી ગઈ.

બરાબર એ જ વખતે એક સેવક અંદર આવ્યો અને બોલ્યો, ‘મહારાજ, આપના ભાઈ આપને મળવા આવ્યા છે.’

બિરબલે ચોંકીને કહ્યુ, ‘અરે, વાહ! મારા મોટાભાઈ આવ્યા છે. સારુ થયું લો! તો તો હવે મારે અજમેર નહીં જવું પડે.’ આમ બોલી એ પણ પોતાની પેટી લઈને મહારાજને વંદન કરી ચાલતો થયો. સાધુ માથુ કૂટતો રહ્યો. લુચ્ચી ચાલાકીથી એણે ડોશીનું ધન પડાવ્યુ હતું પણ એ ચાલકી જ એને ભારે પડી ગઈ. સોનું પણ ખોયુ, તાંબુ પણ અને ઈજ્જત પણ. જ્યારે બિરબલે નિઃસ્વાર્થ ચતુરાઈથી માજીનું ધન મેળવી આપ્યુ. આ છે ચતુરાઈની કમાલ અને ચાલકાની ધમાલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *