
એકવાર ગીધોનું એક ટોળું સમુદ્રની વચ્ચે આવેલા એક ટાપુ પર જઈ ચડ્યું. ત્યાં ખાવા-પીવાની પુષ્કળ સુવિધા હતી અને શિકારી પ્રાણીઓનો કોઈ ડર નહોતો. યુવાન ગીધો આ આરામદાયક જીવન જોઈ ખૂબ ખુશ થયા અને તેમણે હંમેશ માટે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.
થોડા દિવસો પછી, ટોળાના એક અનુભવી વૃદ્ધ ગીધે ચેતવણી આપી કે, “આપણે આ જગ્યા છોડી દેવી જોઈએ. જો આપણે આમ જ બેઠું ખાવાની આદત પાડીશું, તો આપણે ઊડવાનું, શિકાર કરવાનું અને આપણું રક્ષણ કરવાનું ભૂલી જઈશું.” પણ યુવાન ગીધોએ તેની મજાક ઉડાવી અને જંગલમાં પાછા જઈ મહેનત કરવાની ના પાડી દીધી. અંતે વૃદ્ધ ગીધ એકલું જ જંગલ તરફ ઉડી ગયું.
મહિનાઓ વીત્યા પછી, જ્યારે વૃદ્ધ ગીધ પોતાના સાથીઓને મળવા પાછું આવ્યું, ત્યારે તેણે જે દ્રશ્ય જોયું તે કાળજું ધ્રુજાવી દે તેવું હતું. ચારે તરફ તેના યુવાન સાથીઓની લાશો પડી હતી. માત્ર એક જ ગીધ છેલ્લા શ્વાસ ગણી રહ્યું હતું.
વૃદ્ધ ગીધે પૂછ્યું, “આ શું થયું?” ત્યારે પેલા ગીધે રડતા રડતા કહ્યું, “તમારા ગયા પછી અમે ખૂબ આળસમાં રહ્યા. બેઠા બેઠા ખાવાથી અમે ઊડવાની અને લડવાની શક્તિ ખોઈ બેઠા. જ્યારે જંગલી પ્રાણીઓએ અમારા પર હુમલો કર્યો, ત્યારે કોઈ ગીધ ઉડી શક્યું નહીં અને સ્વબચાવ ન કરી શકવાને કારણે બધા શિકાર બની ગયા.”
બોધ:
આ વાર્તા આપણને શીખવે છે કે ‘કમ્ફર્ટ ઝોન’ (આરામદાયક સ્થિતિ) માણસની અસલી ક્ષમતાઓને નષ્ટ કરી દે છે. જીવનમાં પ્રગતિ કરવા અને ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવા માટે હંમેશા સંઘર્ષશીલ અને તૈયાર રહેવું જોઈએ. Bodh Katha Gidh ni Shikhaman