Bodh katha Gujarati | આંધળો અનુભવ – જ્યારે શિવજીએ એક ગરીબ વૃદ્ધની મદદ કરવાની ના પાડી!?

 

Bodh katha Gujarati । જ્યારે પાર્વતીજીએ ભગવાન શિવને કહ્યું કે આ ગરીબની મદદ કેમ નથી કરતા? ત્યારે શંકર ભગવાને જે જવાબ આપ્યો તે દરેકે વાંચવા જેવો છે

 

Bodh katha Gujarati । એક વખત ભગવાન શંકર અને પાર્વતીજી અકાશ માર્ગે જઈ રહ્યાં હતા. પુષ્પક વિમાનમાં બેઠા બેઠા પાર્વતીજી પૃથ્વી પરના લોકોને જાેઈ રહ્યાં હતા. અચાનક એમની નજર જંગલમાંથી પસાર થઈ રહેલા એક ગરીબ વૃદ્ધ માણસ પર પડી.

એ વૃદ્ધ માણસ ચીંથરેહાલ હતો. ઘણા દિવસથી એણે ખાધુ ના હોય એવું લાગતું હતું. એને જાેઈને પાર્વતીજીને દયા આવી ગઈ. એમણે ભગવાન શંકરને કહ્યુ, ‘ભગવાન, આ માણસ બહું જ ગરીબ લાગે છે. એ ભુખ્યો પણ લાગે છે. મહેરબાની કરી એને કોઈક મદદ કરો.’
શંકર ભગવાને કહ્યુ, ‘ના, પાર્વતીજી એને કોઈ જ પ્રકારની મદદ કરાય તેમ નથી.’

પાર્વતીજીએ પૂછ્યુ, ‘પણ શા માટે એને મદદ ના થઈ શકે?’

ભગવાને સમજાવ્યુ, ‘પાર્વતીજી, સુખ, દુઃખ, સંપતિ એ બધું જ માણસના નસીબ મુજબ જ મળે છે. અને નસીબ કામ કરે છે કર્મના આધારે. એના કર્મો એવા ખરાબ હશે એટલે જ એના આવા નસીબ લખાયા હશે. કર્મ કરે એના જ નસીબ ખુલે છે. બાકી ક્યારેય કોઈ ચમત્કાર એને કામ લાગતો નથી. આ માણસ એક નંબરનો કામચોર છે. એણે આખી જિંદગી આળસ જ કરી છે. માટે આજે એ ગરીબી અને ભુખ સહન કરી રહ્યો છે. હું એને કશું જ આપી નહીં શકું. આપીશ તો પણ એના નસીબમાં નહીં લખેલું હોય તો એ નહીં જ ભોગવી શકે. નસીબથી વધારે અને સમયથી પહેલાં કદી કોઈને કંઈ મળી શકતું નથી. અને નસીબ ઘડાય છે કર્મથી.’

ભગવાન શંકરનું લાંબુ લચ્ચ ભાષણ સાંભળીને પાર્વતીજી ગુસ્સે થઈ ગયા, ‘આ બધી તમારી સુફિયાણી વાતોથી મને ભરમાવો નહીં. બસ એની મદદ કરો જ કરો. મારે બીજું કાંઈ નથી સાંભળવું. હું પણ જાેઉં છું કે એને કેમ નથી મળતું. તમે એક કામ કરો. એક સાચુ રત્ન એના રસ્તામાં ફેંકી દો. જેથી એ માણસનું નસીબ બદલાઈ જાય. એ રત્ન વેચીને એ એની જિંદગીના બાકીના દિવસો શાંતિથી વિતાવી શકે. તમે પણ જુઓ. એના નસીબ હું કેવા ચમત્કારથી બદલું છું. ’

ભગવાન શંકરે મર્માળુ હસતા એમની વાત સ્વીકારી લીધી અને પેલો ગરીબ જ્યાંથી ચાલ્યો જતો હતો ત્યાંજ થોડે જ દૂર એક સારુ રત્ન ફેંક્યુ. કરોડોની કિંમતનું એ રત્ન એના નસીબ ફેરવી નાંખવાનું હતું.

એ ગરીબ એ રત્નથી માંડ દસેક ડગલાં જ દૂર હતો. પણ એકલા ચાલતા ચાલતા એને વિચાર આવ્યો કે, આ દુનિયામાં આંધળા માણસોને તો બહું તકલીફ પડતી હશે. એ લોકો બીચારા કેવી રીતે અવર જવર કરતાં હશે. લાવને જાેઉં તો ખરો કે આંધળા બની કેવી રીતે ચલાય છે. આમ વિચારીને એણે આંખો બંદ કરી આંધળાની જિંદગીનો અનુભવ કરતાં ચાલવા માંડ્યું. એ વીસેક ડગલાં એવી રીતે ચાલ્યો. એના કારણે રસ્તામાં પડેલું પેલું રત્ન એના ધ્યાનમાં ના આવ્યુ.

પાર્વતીજી આધાતથી દિગ્મૂઢ બની ગયા. ભગવાન શંકર મર્માળુ હસતા બોલ્યા, ‘દેવી, જાેઈ લીધું ને. જે નસીબમાં નથી હોતું એ નથી જ મળતું. કર્મ કર્યા વિના નસીબ પણ સાથ નથી આપતું. માટે દુનિયામાં જેટલાં દુઃખી જીવો છે એ પોતાના કર્મના અધારે છે. નસીબના અધારે નહીં. એ લોકો જાે કર્મ કરે તો નસીબ તો અજવાળુ બનીને ઉભુ જ છે.’

આખરે પાર્વતીજીએ પણ એમની વાત માનવી પડી.

સાર એ છે કે નસીબ કર્મથી ઘડાય છે.

નસીબથી વધારે અને સમયથી પહેલાં કદી કોઈને કાંઈ જ મળતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *