કિનારે ઊછળતા મોજાં ક્યારેક પોતાની સાથે જીવન પણ ખેંચી લાવે છે અને ક્યારેક વિનાશ પણ. એક દિવસ દરિયામાં જોરદાર તોફાન આવ્યું. રાક્ષસી મોજાંઓ કિનારા સાથે અથડાયા અને જ્યારે તે પાછા વળ્યા, ત્યારે હજારોની સંખ્યામાં નાની-મોટી માછલીઓ રેતી પર તરફડતી રહી ગઈ.
સવારનો સૂરજ તપવા લાગ્યો હતો. જો આ માછલીઓ જલ્દી પાણીમાં નહીં પહોંચે, તો ગરમી અને ગૂંગળામણને કારણે તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. આ દ્રશ્ય જોઈ ત્યાંથી પસાર થતા લોકો અરેરાટી તો વ્યક્ત કરતા હતા, પણ કોઈ કંઈ કરી રહ્યું નહોતું. બધાને લાગતું હતું કે આટલી બધી માછલીઓને બચાવવી અશક્ય છે.
ત્યાં જ એક દસેક વર્ષનો નાનકડો છોકરો આવ્યો. તેણે વગર વિચારે રેતીમાં તરફડતી માછલીઓને એક-એક કરીને પોતાના નાનકડા હાથમાં પકડવાનું શરૂ કર્યું અને પૂરી તાકાતથી દરિયાના પાણીમાં ફેંકવા લાગ્યો. તે દોડી-દોડીને એક પછી એક માછલી બચાવી રહ્યો હતો.
આ જોઈ કિનારે ઉભેલા લોકો હસવા લાગ્યા. એક વડીલે પાસે જઈને કહ્યું, “બેટા, તારી મહેનત નકામી છે. જો તો ખરો, માઈલો સુધી ફેલાયેલા આ કિનારા પર લાખો માછલીઓ છે. તું ગમે તેટલી મહેનત કરીશ તો પણ સો-બસોથી વધારે નહીં બચાવી શકે. આટલી બધી માછલીઓમાં તારા આ કામથી શું ફરક પડશે?”
છોકરો એક ક્ષણ માટે અટક્યો. તેના હાથમાં એક નાનકડી માછલી હતી જે જીવન માટે તરફડી રહી હતી. તેણે વડીલની આંખોમાં જોઈને અત્યંત માસૂમિયત પણ મક્કમતાથી કહ્યું, “આ માછલીને તો ફરક પડશે ને!” અને તેણે એ માછલીને પાણીમાં પધરાવી દીધી. માછલી પાણીમાં જતા જ જીવતદાન પામીને તરવા લાગી.
છોકરાનો જવાબ સાંભળી પેલા વ્યક્તિ સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું કે આપણે ઘણીવાર “મોટું પરિવર્તન” લાવવાની લ્હાયમાં નાના અને અત્યંત જરૂરી પગલાં લેવાનું ચૂકી જઈએ છીએ.
બોધ – બધુ કરવાની જરૂર નથી, થાય એટલુ કરો તો પણ ફરક પડશે. જેને મદદ કરશો તેનો તો ફરક પડશે જ! ટૂંકમાં થાય એટલી મદદ કરો! Bodh katha in Gujarati
