શત્રુની ઓળખ | છેલ્લે ઘુવડની વાત વાંચવા જેવી છે! । bodhkatha in gujarati shatru ni olakh

ઘટાદાર મોટું જંગલ હતું. જંગલની વચ્ચે એક તળાવ હતું. તળાવમાં બે કાચબા રહેતા હતા.

તળાવની આજુબાજું મોટું વન હતું. આ વનમાં બે શિયાળ રહેતાં હતાં. બંને પાકા ભાઈબંધ. સાથે રહે અને સાથે જ શિકાર કરવા જાય. ફરતાં ફરતાં એક દિવસ પેલા તળાવને કિનારે ગયા. એ સમયે પેલા બંને કાચબા કિનારા પર હતા. તેમણે શિયાળને જોયો. શિયાળે પણ કાચબાને જોયો.

એક શિયાળે બીજાને કહ્યું : ભાઈ ભારે મજા થઈ. પેલા રહ્યાં કાચબા, દોડો આપણે પકડી લઈએ. તે પાણીમાં પહોંચી શકશે નહિ.

બંને શિયાળ દોડ્યા.

હવે કાચબા ગભરાયા. દોડીને જાય તો પણ પાણીમાં જઈ શકે એમ નથી ત્યાં સુધીમાં શિયાળ આવી પહોંચે એમ છે.

શું કરીશું ભાઈ ? એક કાચબો બોલ્યો.

બીજો કહે : આપણે ગભરાવાની જરૂર નથી. આપણી ઉપર ઢાલ છે. આપણે પગ અને મોઢું સંકોડીને બેસી જઈએ.

બંને કાચબાએ પગ અને મોઢું પોતાની ઢાલમાં સંકોડી લીધા. ઢીમચાની પેઠે પડી રહ્યા. શિયાળ આવ્યા. કાચબાની ઉપર બચકા ભરે છે પણ બચકા ભરી શકતા નથી. કારણકે કાચબાની પીઠ લોઢા જેવી કઠણ હોય છે. તેમાં દાંત બેસે નહિ. તલવારનો ઘા પણ વાગે નહિ.

એક શિયાળે કહ્યું : ચાલો પાછા આ કાચબાની પીઠમાં આપણા દાંત વાગતા નથી. નકામી મહેનત નથી કરવી.

શિયાળ પાછા ચાલ્યા. તેઓ બાજુમાં જ એક ઝાડ પાછળ સંતાઈને બેસી ગયા. વિચાર કર્યો કે, થોડીવારમાં કાચબા મોઢું બહાર કાઢશે. પગ ખુલ્લા કરશે. તળાવમાં જવા ચાલશે કે પકડી પાડીશું. પગ કે મોઢું બહાર હશે. તો આપણે પકડી લઈશું.

હવે કાચબાને થયું કે શિયાળ જતા રહ્યા છે. આપણે તળાવમાં ચાલ્યા જઈએ.

એક કાચબો બોલ્યો : ના ભાઈ ! હજી રાત છે.

શિયાળ ક્યાંક છુપાઈ રહ્યા હોય તો શું કરીએ ? શત્રુનો હુમલો થઈ શકે એવી શંકા હોય ત્યાં સુધી ચેતતા રહેવું જોઈએ.

બીજો બોલ્યો : એ તો કહેતા હતા કે, હવે ચાલ્યા જઈએ. એ નક્કી જતા રહ્યા હશે !

પહેલો કાચબો બોલ્યો : શત્રુ કહે તે વાત કદી ન માનવી. પોતાના વિરોધીને ફસાવવા માટે શત્રુ સદાય જૂઠી વાતો કહેતા હોય છે. માટે સવાર થવા દો.

બીજો કાચબો કહે : એવી શંકા કરવી નહીં. એ તો ચાલ્યા જ ગયા.

આમ વિચારીને તેણે પોતાની ડોક બહાર કાઢી. ધીમેથી પગ બહાર કાઢ્યા.

પહેલો કાચબો બોલ્યો : રહેવા દે ને ભાઈ ! શત્રુ અને અવગુણ બંને સરખા, એને છુટા કરીએ તો કોઈને કોઈ વાતમાં ફસાઈ જઈએ. માટે એનાથી તો ચેતતા જ રહેવું. સવાર થવા દે પછી જોયું જશે !

બીજો કાચબો કહે : તું ડરપોક છે.

પહેલો કાચબો એમને એમ પડી રહ્યો. બીજા કાચબાએ પગ અને ડોક બહાર કાઢ્યા અને ચાલવાની તૈયારી કરી. ત્યાં તો શિયાળ નીકળી પડયા. એ તો રાહ જોઈને જ બેઠા હતા. કૂદીને આવ્યા. કાચબા ઉપર પડયાં. કાચબાની ડોક પકડી લીધી. ઘસડીને લઈ ગયા. બીજો કાચબો એમને એમ પડી રહ્યો તે બચી ગયો.

એક ઘુવડ આ બધું જોઈ રહ્યું હતું તે બોલ્યું : શાબાશ ! કાચબાભાઈ ! ખોટી લાલચમાં ફસાતા નથી તે માર ખાતા નથી. તમારી પેઠે મનને વશમાં રાખીને રહે છે તે સદાય બચતા રહે છે. તમારો ભાઈબંધ શત્રુની જાળમાં ફસાઈ ગયો.

આમ બોલીને ઘૂવડ ઉડી ગયું. સવાર થયું ત્યારે પહેલો કાચબો તળાવમાં ચાલ્યો ગયો. શત્રુની ઓળખ થાય તે જ શાંતિથી જંગલમાં રહી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *