Dark Secrets | ભાગ – ૧ । હૃદયનો ટુકડો | કોઈએ જીવીના છોકરાની છાતીમાંથી હૃદય કાઢી લીધું હતું.

Dark Secrets | બચપણમાં તો મા એમ શિખવાડતી હતી કે જિંદગી રામજણી છે. પણ સાલી જિંદગી તો ખંજરની અણી નીકળી
Dark Secrets | કોઈએ જીવીના છોકરાની છાતીમાંથી હૃદય કાઢી લીધું હતું. ગઈ રાત્રે ઠરી ગયેલી હોળી હવે જિંદગીભર માટે જીવીની છાતીમાં ભડભડી ઉઠી હતી.
ત્રણ દિવસના ભુખ્યા પેટે આખો દિવસ ગટર લાઈન ખોદવાની મજુરી કર્યા બાદ સાંજે સાડા છએ જીવીએ કોન્ટ્રાક્ટર જોડે મજુરી માંગી, ‘સાહેબ, મારી મજુરી આલો તો હું ઘર ભેગી થાઉં!’
કોન્ટ્રાકટર ગુસ્સે થયો, ‘આજે નહીં! પાંચ દિ મજુરી કર પછી.
‘પણ સાહેબ, મારે પૈસાની બઉં જરૂર છે! ઘરે ઘણી અને દિકરો ભુખ્યા છે.’
‘એકવાર ના પાડીને, ચાલ ઉપડ!’ કોન્ટ્રાકટર ગુસ્સે થયો.
‘સારુ દહ રૂપિયા તો આલો!’ જીવીએ ખોળો પાથર્યો. કોન્ટ્રાકટર દાન કરતો હોય એમ દસ રૂપિયાની નોટ જીવી તરફ ફેંકી. એ દસની નોટ લઈને ચાલતી થઈ. રસ્તામાંથી દસ રૂપિયાના ચોખા લઈ સાડીના છેડે બાંધ્યા.
એનું ઘર રેલ્વે ફાટકની બીજી સાઈડ એક અવાવરૂ બસ્તીમાં હતુ. જીવી હળવે હળવે રેલ્વેનો ઢાળ ઉતરી રહી હતી. એના એક હાથમાં તગારું હતું અને બીજા હાથમાં ત્રિકમ. ભુખ અને દુઃખને લીધે એનું શરીર સાવ કૃષ થઈ ગયું હતું. એવું લાગી રહ્યું હતું જાણે હાડપીંજર સાડી પહેરીને રસ્તો ઓળંગી રહ્યું છે. પાટો ઓળંગતા એને ઠેબુ આવ્યુ અને એ ગડથોલીયુ ખાઈ ગઈ. હાથ અને ફાટી ગયેલી સાડી ખંખેરતા એ ઉભી થઈ. એની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા. બચપણમાં તો મા એમ શિખવાડતી હતી કે જિંદગી રામજણી છે. પણ સાલી જિંદગી તો ખંજરની અણી નીકળી હતી. ઉંડી ઉતરી ગયેલી આંખો, ઉંડુ ઉતરી ગયેલુ પેટ ઉંડા ઉતરી ગયેલા સુખના જળ લઈને એ ઉંડા ઉંડા નિસાસા નાંખતી ઘર તરફ ચાલી.
ઘરે પહોંચી ત્યારે કોહવાઈ ગેયેલી કાથી વાળા ખાટલામાં પડેલો એનો લકવા ગ્રસ્ત પતિ ગુણો ભુખે લાળ ટપકાવતો ટગર ટગર આશાએ એના તરફ તાકી રહ્યો. ખુણામાં બેઠલો એનો દસ વર્ષનો નાનકડો દિકરો પણ દોડીને એને વળગી પડ્યો, ‘મા, ખાવાનું!’
જીવી કંઈ બોલી નહીં. નાવણીમાં હાથ ધોઈને એણે ફટાફટ ચુલો સળગાવ્યો અને ચોખા મુક્યા. ચોખા થતા જ ગુણો અને એનો દિકરો એના પર તૂટી પડ્યા. એના માટે ફક્ત બે કોળીયા ભાત જ રહ્યાં હતા. એ આંસુનું પાણી પીને  આડી પડી. ઉંઘ તો ક્યાંથી આવે.  હવે આ ગરીબીના દલદલમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. દિકરો ભણી ગણીને મોટો થાય, સારી નોકરી કરે અને પૈસા કમાઈ લાવે ત્યારે જ ધરાઈને ખાવા મળે. એણે બાજુમાં સૂતેલા દિકરા મુન્ના સામે જોયુ. એ શાંતિથી સૂતો હતો. ભવિષ્યની આશા સમાન દિકરાને ફાટેલા પાલવના આગોશમાં લઈને એણે આંખો મીંચી દીધી. બંને આંખોમાંથી નીકળેલું ગરમ પાણી ગાલ પરથી સરકતું સરકતું ગોદડીમાં સોસાઈ ગયું.
***
સાંજનો સમય હતો. હોળીનો દિવસ હતો. પણ જીવી માટે તો આજે જાણે ધૂળેટી હતી. દસ દિવસની મજૂરી સાથે લઈને એ આજે ઘર તરફ આવી રહી હતી. રસ્તામાં ઠેર ઠેર હોળી સળગી રહી હતી એકે એક જગ્યાએ એ ચપલ કાઠીને પગે લાગતા લાગતા ઘરે આવી. આજે ઘણા દિવસે જીવીના કૂટુંબે પેટ ભરીને ખાધુ હતું. બધા પડ્યા એવા જ ઉંઘી ગયા. આમ તો કલાકેક ઉંધ્યા પછી રોજ ઉંઘ ઉડી જતી. અવનવા વિચારો આવતા. પણ આજે એની ઉંઘ ના ઉડી. સાતેક વાગે એની આંખો જેવી તેવી ખુલી. પણ એ પોંપચાં ઉઘાડી ના શકી. આંખો ફરી ઘેરાઈ ગઈ અને એ ઉંઘી ગઈ. એ પછી સાડા નવ વાગ્યા સુધી એ ઉંઘતી રહી. સાડા નવે ફરી આંખ ખુલી. ઘેન જેવું તો હજુંય લાગી રહ્યુ હતું છતાં એણે મહાપરાણે આંખો ખોલી રાખી. અચાનક એની નજર એનાથી થોડે જ દૂર પડેલા બિસ્તર પર પડેલા એના દિકરા મુન્ના પર પડી. અઘખુલ્લી બારીમાંથી અને છાપરાંના કાણામાંથી સૂરજનું આછું આછું અજવાળું એની પથારી પર પડી રહ્યું હતું. એણે આંખો ચોળતા ચોળતા ચાદર પર જોયુ. ચાદર પર નજર પડતા જ એ છળી ઉઠી. આખુ બિસ્તર લોહીથી તરબોળ હતું. એના દસ વર્ષના મુન્નાની છાતી ચીરાયેલી હતી અને છાતીમાંથી બીસ્તર પર ખાબકેલું લોહી થીજી ગયુ હતું. મુન્નો ચીરનિંદ્રામાં પોઢી ગયો હતો. એને જોતા જ એ ફાટી પડી, ‘ઓય… મા! મારો મુન્નો …….હે ભગવાન…’
એની ચીસ એટલી ભયાનક અને ધ્રુજાવી દેનારી હતી કે આસપાસના ઘરના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા. જીવી લોહીથી લથબથ મુન્નાને પોતાની છાતી સરસો ચાંચીને હૈયાફાટ આક્રંદ કરી રહી હતી. પણ જીવીનો પતિ હજુ હલતો નહોતો. એ બેભાનાવસ્થામાં બિસ્તરમાં જ પડ્યો હતો.
દૃશ્ય આંખો ફોડી નાંખે એવું હતું. લોકોને કંપારી છુટી ગઈ હતી. કાચા પોચા માણસો તો બીજી જ ઘડીએ આંખો મીંચીને રવાના થઈ ગયા. મહોલ્લાના એક છોકરાએ પોલીસ સ્ટેશને ફોન કરી દીધો. મહોલ્લાની સ્ત્રીઓએ પણ મરણ પોક મુકી. આખો મહોલ્લો શોકમાં ગરકાવ થઈ ગયો. કોઈએ જીવીના છોકરાની છાતી ચીરીને અંદરથી હૃદય કાઢી લીધું હતું. રાત્રે ઠરી ગયેલી હોળી હવે જિંદગીભર માટે જીવીની છાતીમાં ભડભડી ઉઠી હતી.
***
ઈન્સપેકટર ઘેલાણી અને નાથુની ગાડી મહોલ્લામાં પહોંચી ત્યારે જીવીના ઘર આગળ ભારે ભીડ હતી. જીપ ઉભી રહેતા જ આસપાસની ભીડ વિખેરાવા લાગી. ઘેલાણી અને નાથુભીડને ચીરતા છાપરાંમાં દાખલ થયા. જીવીનું આક્રંદ હજુ ચાલું જ હતું. મહામુસીબતે જીવીને એના મુન્નાથી અળગી કરી.
મુન્નાની હાલત જોઈ ઘેલાણી અને નાથુપણ કંપી ગયા. હત્યા એટલી કરપીણ હતી કે એ જડ બની ગયા હતા.  જીવીને જોઈને લાગતું હતું કે એ હજુ ઘેનમાં હતી. ઘેલાણીએ બિસ્તરમાં પડેલા ગુણા સામે જોયુ. એ બેભાન હતો. શું થયું હશે એની કલ્પના એમને આવી ગઈ. નાથુએ એમ્બ્યુલેન્સને ફોન કર્યો. એ પછી નાથુચુપચાપ એનું કામ કરવા લાગ્યો. આસપાસનું બીસ્તર ચેક કર્યુ, એના ફોટા પાડ્યા. મુન્નાની લાશના જુદા જુદા એંગલથી ફોટા પાડ્યા. થોડી જ વારમાં  બે એમ્બ્યુલેન્સ આવી ગઈ. જીવી અને ગુણાને હોસ્પીટલ મોકલવામાં આવ્યા અને મુન્નાની લાશને પોસ્ટમોર્ટમ માટે.
થોડીવારમાં ફિંગરપ્રિન્ટ એકસપર્ટ પણ આવી ગયા. એમણે ઘરના બારી બારણાથી લઈને અંદરના તમામ સામાન પરની ફિંગર પ્રિન્સ લીધી.
કેસ ફાઈલ કરીને ઘેલાણી અને નાથુજવા માટે રવાના થયા. બે ત્રણ કલાક બાદ જીવી અને ગુણાને સિવિલ હોસ્પિટલની જીપ ઘરે મુકી ગઈ. સાથે ઘેલાણી અને નાથુ પણ હતા. સિવિલનો રિપોર્ટ એમના હાથમાં હતો. રાત્રે કોઈએ એમને ઘેનની દવા સુંઘાડી દીધી હતી. એના કારણે બંને બેભાન બની ગયા હતા. એ તકનો લાભ લઈને કોઈએ મુન્નાની હત્યા કરી લીધી હતી.
સાંજે મુન્નાની લાશ એના મા-બાપને સોંપાઈ ગઈ. એની સ્મશાન યાત્રામાં આસપાસના મહોલ્લાના લોકો પણ જોડાયા હતા. બધાની જીભના ટેરવેથી એક જ પ્રશ્ન ખાબકી રહ્યો હતો, ‘આ ગરીબડા મા – બાપની આંખના રતનને કોણે ઓલવ્યુ હશે? અને શા માટે?’
***
ઘટનાના બે ચાર દિવસ પછી ઘેલાણી અને નાથુજીવીના ઘરે ગયા. ગુણો એ વખતે ખાટલામાં જ બેઠો હતો અને જીવી એના મુન્નાની હાર ચડાવેલી તસવીર પાસે ભીની આંખે બેઠી હતી. બંનેની આંખો રડી રડીને લાલ ટામેટા જેવી થઈ ગઈ હતી.
‘બેટા જીવી, મને ખબર છે કે તારા પર આભ તૂટી પડ્યુ છે. પણ તપાસ કરવી મારી ફરજ છે. મને બને એટલો સહકાર આપજે.’
‘હા, સાહેબ!’ જીવીએ ધીમા અવાજે કહ્યુ.
ઘેલાણીએ એને એના માતા-પિતા, લગ્ન વગેરે વિશે ડિટેઈલ પૂછપરછ કરી. જીવીએ એની આખી જીવન કહાની ઘેલાણીને કહી સંભળાવી. એના જન્મથી લઈ એના એના લગ્ન, ગુણવંતનો પેરેલિસિસ, માતા-પિતાનું મૃત્યુ, ભુખે વિતાવેલા દિવસો, કાળી મજૂરી અને એકના એક દીકરામાં સજાવીને રાખેલા સુખી ભવિષ્યના સપનાઓ. જીવીની કહાની સાંભળી ઘેલાણી અને નાથુ પણ હચમચી ગયા. ગરીબી આવી કારમી હશે એવી એમને કલ્પના પણ નહોતી.
આખીયે વાત સાંભળ્યા પછી ઘેલાણીએ જીવીને કહ્યુ,
‘જીવી આ ઘટના બની એના અઠવાડિયા કે મહિના પહેલા તારે કોઈ સાથે ઝઘડો થયો હતો ખરો? તમારે સગા-સંબંધીઓમાં કે અહીં મહોલ્લામાં કોઈની સાથે દુશ્મની હોય તો મને કહે.’
‘સાહેબ, સગા તો આમેય ઓછા હતા અને જે હતા એમણે ગરીબીને કારણે સંબંધ રાખ્યો નથી. રહી મહોલ્લાની વાત, તો અહીં તો બધા શેર લાવે અને શેર ખાય. કોઈને નથી દોસ્તીનો ટાઈમ કે નથી દુશ્મનીનો. પણ મને ખબર છે કે આ કામ કોણે કહ્યુ છે?’
‘વ્હોટ?’ ઘેલાણીએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ.
‘હા, સાહેબ! પેલી વાંઝણીએ જ મારા દિકરાનો ભોગ લીધો છે?’
‘જીવી, કોઈના માટે એવા શબ્દો ના વપરાય. સભ્યતાથી વાત કર?’
‘સાહેબ, મારા કાળજાના ટુકડાની છાતીમાંથી એ વાંઝણી કાળજુ કાઢી ગઈ અને તમે મને કહો છો કે હું શાંતિથી વાત કરું? મારું હૈયુ કેમ હાથમાં રહે? બાર દી, થાવા દો સાહેબ! હું જાતે જ એને ખતમ કરી દઈશ.’ જીવી ગુસ્સામાં  બોલી. એની જીભ અને આંખમાંથી જાણે હોળીની જ્વાળાઓ નીકળી રહી હતી.
ઘેલાણીએ ખાટલામાં પડેલા ગુણા સામે જોયુ. એના ઈશારા પરથી લાગી રહ્યું હતું કે એ પણ જીવીની વાત સાથે સંમત હતો. એના પરથી નજર ફેરવી ઘેલાણીએ જીવીને કહ્યુ, ‘કંઈક માંડીને વાત કર તો સમજ પડે. જાે તારી વાત સાચી હશે તો તારે કંઈ કરવાની જરૂર નહીં પડે. હું પોતે જ એને કડકમાં કડક સજા કરાવીશ.’
‘સાહેબ, મારા ઘરથી ત્રણ મકાન છોડીને રઘલો અને એની બાયડી રાજી રે છે!  રાજી અને રધુના લગ્નને પંદરેક વર્ષ થઈ ગ્યા છે. પણ હજુ એમના ઘરે પાયણું નથી બંધાયું. બઉં દવા કરાવી, બાધા આખડીઓય બઉં રાખી પણ કાંઈ ફેર નો પડ્યો. એ બેય હવે છોકરા માટે ભુરાંયા થયા હતા. આખો મહોલ્લો જાણે છે કે એ લોકો હવે ગમે તે ભોગે સંતાન મેળવવા માંગે છે. હમણા હમણાથી એ ભુવા – ભરાડાંના સંગે ચડ્યા હતા. દર મંગળ અને રવિવારે એમના ઘરમાં કંઈકને કંઈક વિધી ચાલતી જ હોય. ક્યારેક વળી કોળું વધેરીને હવન કરે. ક્યારેક બોકડો વધેરે તો ક્યારેક વળી મુરઘો. સાવ, હલકા છે સાહેબ! આમ મુંગા જીવને મારનારાને વળી ભગવાન ક્યાંથી સંતાન આલવાનો હતો.? થોડા દિ અગાઉ રાત્રે હું એના ઘર આગળથી નીકળતી હતી ત્યારે પણ ત્યાં કાંઈક વિધી ચાલતી હતી. બારીમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. અચાનક ભુવાના શબ્દો મારા કાનમાં પડ્યા. ભુવો કહી રહ્યો હતો કે તમારે સંતાન જોઈતું હોય તો દસ વરસના છોકરાંનો ભોગ આલવો પડશે. અમાસના દિવસે રાત્રે બાર વાગે દસ વરસના છોકરાનું દિલ કાઢીને હવન કરશો તો જ તમને દિકરો થશે. અને….  ’ આટલું બોલતા બોલતા જીવી પોક મુકીને રડી પડી. ખાટલામાં પડેલો ગુણો પણ ભીંજાઈ ગયો.
ઘેલાણીએ એને રડવા જ દીધી. થોડીવારે એનો ભાર હળવો થયો. એણે સાડીના છેડા વડે આંખો લુંછી. થોડીવાર મૌન રહ્યાં પછી એણે ફરી જોર જોરથી રડતા રડતા ગાળો સાથે રાજીને ભાંડવાનું શરૂ કર્યુ, ‘સાહેબ, તમે તપાસ કરો! એ સાલી… રાં… નછોરવી એ જ મારા કુમળા દિકરાનું દિલ કાઢી લીધું હશે. તમે તપાસ કરો અને એને ફાંસીએ લટકાવી દો. હાળી ડાકણ મારા દિકરાને ભરખી ગઈ. ભગવાન આ જન્મે તો શું એકેય જન્મે એની કુખ નહીં ભરે…….હે ભગવાન! ….. ’
‘જીવી તું શાંત થા અને હું પુંછું એ વાતનો જવાબ આપ!’ ઘેલાણીએ જીવીને શાંત પાડતા કહ્યુ. જીવી ચુપ થઈ એટલે એમણે પુછ્યુ, ‘રધુ અને રાજી અત્યારે અહીં છે કે ક્યાંય ચાલ્યા ગયા છે!’
‘જાય ક્યાં? અહીં જ ગુડાયા છે! ’
‘ઓહ ગોડ…..’ જીવીની વાત સાંભળીને નાથુતાવળીયા અવાજે બોલ્યો, ‘સર, મને તો લાગે છે કે એ દંપતિએ જ મુન્નાનું કતલ કર્યુ હશે? આપણે અત્યારે જ જઈને એમને પકડી લઈએ.’
પણ ઘેલાણીએ જરાય ઉતાવળ ના બતાવી. એમણે એમની ઠરેલ બુદ્ધિનો પરિચય આપતા કહ્યુ, ‘નાથુ, જેમ ઉતાવળે આંબા નથી પાકતા એમ ઉતાવળે ખૂની પણ નથી પકડાતા. એ લોકોનું ધ્યાન અત્યારે આ બધી ચહલ પહલ પર જ હશે. એમને જાે ખબર પડી જશે કે આપણને એમના પર શક છે તો પછી તો એ લોકો ચેતી જશે. અને આમેય અત્યારે આપણે એમને પકડીશું તો પુરાવા નહીં મળે અને એ લોકો છુટી જશે. માટે આપણા માટે એ જ બહેતર છે કે આપણે અમાસ સુધી રાહ જાેઈએ અને એમને રંગે હાથે પકડીએ. ’
ઘેલાણીની વાતથી નાથુને સંતોષ થયો. જીવી પણ કંઈ બોલી નહીં. ઘેલાણીએ જતા જતા કહ્યુ, ‘જીવી તને રઘુ અને રાજી પર શક છે એ વાત અમાસ સુધી કોઈને ના કરીશ. આપણે એમને રંગેહાથે પકડવાના છે એ યાદ રાખજે. હું આજે જ એમના પર વોચ ગોઠવી દઉં છું.’
‘ભલે, સાહેબ! ’ જીવીએ માથુ ઝુકાવતા ભીના અવાજે કહ્યુ. ઘેલાણી અને નાથુ બહાર નીકળી ગયા. બહાર નીકળતા નીકળતા એમણે નાથુને સૂચના આપી, ‘નાથુ, આપણા ખબરીઓને કહી દે કે રાજી અને રધુ ઉપર વોચ ગોઠવી દે. તથા બે ત્રણ માણસો આ મહોલ્લામાં પણ ગોઠવી દેજે. આ મહોલ્લાના એક એક વ્યક્તિની જન્મકુંડળી મને જોઈએ છે સમજ્યો. જેણે પણ આ કામ કર્યુ હશે એને હું ફાંસીના માંચડે લટકાવીને જ રહીશ.’
જીપ પુરપાટ વેગે અકોલી પોલીસ સ્ટેશન તરફ દોડી રહી હતી. જીપમાં બેઠેલા ઘેલાણી મુન્નાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ વાંચી રહ્યાં હતા. રિપોર્ટ વાંચીને એમણે સાઈડમાં મુક્યો. પછી એમણે નાથુને પૂછ્યુ, ‘નાથુઅમાસને કેટલા દિવસની વાર છે?’
‘અંઅં…..’ નાથુએ બે મિનીટ વિચારીને કહ્યુ, ‘સાહેબ, અમાસને તો હજુ પંદર દિવસની વાર છે?’
‘એટલેકે ખૂનીને પકડવા માટે આપણે હજુ આવતા પંદર દિવસ રાહ જોવી પડશે એમજ ને?’
‘હા, સર! ’ નાથુએ જવાબ આપ્યો.
(ક્રમશઃ)
( શું રધુ અને રાજી અમાસના દિવસે વિધી કરશે ખરા? અને કરશે તો પકડાશે ખરા? શું ખરેખર એમણે જ મુન્નાનુ કતલ કર્યુ હશે? આ બધા રહસ્યો જાણવા માટે વાંચો ભાગ – ૨ )
ભાગ – ૨ વાંચવા અહીં ક્લિક કરો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *