Dark Secrets | Crime Stories in Gujarati । કેસ સોલ્વ થઈ ગયા બાદ વિખ્યાત ડિટેક્ટીવ શેરલોક હોમ્સ જેવું મર્માળુ હસે એવું જ ઈ.ઘેલાણી હસ્યા
રીકેપ
( એક લાશ પાસેથી મળેલા પાકીટમાં ઈન્સપેકટર ઘેલાણી અને હવાલદાર નાથુના નામ સરનામા હોય છે. બંને ગભરાઈને ઘરે જ જતા હોય છે ત્યાંજ એ જ મરી ગયેલો માણસ એમની જીપ ચોરવાનો પ્રયાસ કરતો દેખાય છે. બંને એનો પીછો કરે છે પણ એ છટકી જાય છે. આખાયે રહસ્ય વિશે બંને વિચાર કરતા હતા ત્યાંજ નાથુને પાકીટ જોઈને યાદ આવે છે કે આવુ પાકીટ તો આખા શહેરમાં ફક્ત એક જ જણ બનાવે છે. અને તરત જ બંને એ પાકીટ બનાવનાર ગફુરના સરનામે દોડી જાય છે.)
***
ઘેલાણી અને નાથુજીપમાંથી નીચે ઉતર્યા ત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા. વાતાવરણ ઘણા દિવસથી તંગ હતું પણ આજે આ બંનેના માથે વીજળી પડી હતી એટલે એમને વધારે તંગ લાગી રહ્યું હતું. ગફુરની દુકાન બહુ અંદરની ગલીમાં હતી. ત્યાં છેક સુધી જીપ જઈ શકે એમ નહોતી એટલે બંને ચાલતા જ અંદર ગયા. નાથુએ દુકાન જોઈ હતી. એ આગળ હતો અને ઘેલાણી પાછળ. ઘટ્ટ અંધકારને માથે ઓઢીને બેઠેલી એક પછી એક સાંકડી ગલીમાં થઈને બંને પસાર થઈ રહ્યાં હતા. જેમ જેમ દુકાન નજીક આવતી ગઈ એમ એમ ચામડાની ગંધ નાકમાં પ્રવેશતી ગઈ.
બંને દુકાન પાસે જઈ ઉભા. અલમસ્ત હાથી જેવો ગફુર લુંગી અને ગંજી પહેરીને દુકાનના થડા પર બેઠો હતો.નાથુએ થડા પર લાકડી ઠપકારી. પહેલા તો પોલીસને જોઈને ગફુર થોડો ગભરાઈ ગયો. પણ ગભરામણનું પોટલું સંકોરીને એણે પૂછ્યુ, ‘આઈએ… આઈએ સહાબજી! બોલીયે ક્યા ખીદમત કરું?’
ઈન્સપેક્ટરનું ધ્યાન દુકાનમાં પડેલા પર્સ જાેવામાં હતું. લાશ પાસેથી મળેલા પાકીટ જેવા બીજા કેટલાય પાકિટ દુકાનમાં પડ્યા હતા. નાથુએ ગફુરને પૂછ્યુ,‘ગફુર, આ પાકીટ તારા ત્યાંજ બનેલું છે ને?’
ગફુરે પાકીટ હાથમાં લીધું અને તરત જ બોલ્યો,‘હા, સહાબ! આપકો પતા તો હૈ કી પૂરે શહેરમાં ઐસે પાકીટ સિર્ફ અપણે યહાં હી બનતે હૈ.. આપકો દુકાન મેં સે જાે ભી પાકીટ ચાહીએ વો લે લીજીયે..’ ઘેલાણીએ ડોળા કાઢ્યા,‘અમે પાકીટ લેવા નથી આવ્યા. આ પાકીટ લઈ જનારને શોધવા આવ્યા છે. જરા ધ્યાનથી આ પાકીટ જો અને કહે કે આ પાકીટ તારી પાસેથી કોણ લઈ ગયું હતું?’
‘ અરે, સહાબ! યહાં પે તો રોજ ડર્ઝનો લોગ પાકીટ લેણે આતે હૈ! અબ અપુણ કો ક્યા પતા કી યે પાકીટ કોણ લે ગયા હોગા?’
‘જરા ધ્યાનથી જો! આ પાકીટથી અમે કોઈ ભયંકર ગુનેગારને પકડી શકીએ એમ છીએેે…’
ગફુરે વધારે દલીલ ના કરી. એણે પાકીટ હાથમાં લીધું અને ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષીની અદાથી ફેરવી ફેરવીને પાકીટ જોવા માંડ્યો. અચાનક પાકીટની અંદરના ખાનામાં એક ચીજ પર એની નજર ગઈ, એણે તરત જ ઘેલાણી અને નાથુને પાકીટ બતાવીને કહ્યુ,‘બાવા કુછ દીખ રીયા હૈ?’
‘બાવો હશે તારો બાપ! સાહેબ કે સાલા!’ નાથુછંછેડાઈ ગયો.
ગફુરે ભુલ સુધારી,‘સહાબ યે દેખીયે.ઈસ પાકીટ કે અંદર કે ખાનેમે થોડી નુકસાની હૈ. ઔર ચમડે કી સીલાઈ ભી બરાબર નહીં આયી હૈ. ચમડા આડા ટેઢા કટા હુઆ હૈૈ. મુજે યાદ હૈ કી યે પાકીટ કોન લે ગયા થા. ક્યું કી ઈસ નુકસાન કે બારેમે ઉસ આદમીને બહુત કીચકીચ કીયા થા…’
ઘેલાણીની આંખમાં ચમક આવી, ‘કોણ હતું એ? નામ શું હતું એનું?’
‘ નામ તો નહીં માલુમ, સહાબ! લેકીન દો લોગ થે.’
‘ગઘેડા તે પાકીટનું બીલ બનાવ્યુ હશે એમાં નામ અને સરનામુ નહીં લખ્યુ હોય? બીલ બુક લાવ તારી.’ ઈન્સપેક્ટરે કડક અવાજમાં કહ્યુ. ગફુર ઢીલો થઈ ગયો, ‘ગલતી હો ગયા સહાબ! લેકીન ઉણ લોગો કો બહુત જલ્દીથી ઈસ લીયે તો યે નુકસાની વાલા પર્સ લેકે ચલે ગયે.’ આટલું બોલીને ગફુર ચુપ થઈ ગયો. પછી પાછું તરત જ કંઈક યાદ આવ્યુ હોય એમ ચિલ્લાઈને બોલ્યો, ‘ અરે હા સહાબ યાદ આયા! મૈને બીલ તો નહીં બનાયા લેકીન મુજે ઉસમેં સે એક કા નામ યાદ હૈ. દો આદમી થે. ઉસમે સે એક આદમી પાકીટ કે નુકસાન કે બારે મેં કીચકીચ કર રહા થા તભી દુસરા આદમી બોલા થા. અસ્લમભાઈ જાને દેને યાર! યે કહાં તેરે કો અખ્ખી જિંદગી વાપરનેકા હૈ! ઘર પે ભાઈ રાહ દેખ રહે હોંગે….’
ગફુરની વાત સાંભળીને ઘેલાણી ઉત્સાહમાં આવી ગયા. પેલી લાશ જોઈ ત્યારથી એમના મગજમાં કંઈક ઘુમરાઈ રહ્યુ હતુ. એ તરત જ બોલ્યા, ‘એ અસ્લમના ચહેરા પર મસો હતો?’
‘હા, સહાબ, જમણે ગાલ પે એક બડા મસા થા. એકદમ દુબલા પતાલા આદમી થા.’
કેસ સોલ્વ થઈ ગયા બાદ વિખ્યાત ડિટેક્ટીવ શેરલોક હોમ્સ જેવું મર્માળુ હસે એવું જ ઘેલાણી હસ્યા અને બોલ્યા, ‘ થેંક યુ ગફુર! અબ હમ ચલતે હૈં…’ પછી એ નાથુતરફ ફર્યા અને બોલ્યા, ‘ ચાલ નાથું! અડધો કલાકમાં ગુનેગાર પકડાઈ જશે.’
‘ સાહબે શું થયું એ તો કહો? આપણે ક્યાં જઈએ છીએ.?’ નાથુઈન્સપેક્ટર પાછળ દોડતા બોલ્યો પણ સાહેબ કંઈ ના બોલ્યા.
***
અડધા કલાક પછી ઘેલાણી અને નાથુમામુની ચાલમાં આવેલા અસ્લમના ઘરે ઉભા હતા. અસ્લમના ઘરે લોક હતું. પાડોશીઓએ કહ્યુ કે એ કોઈ રિસ્તેદારની શાદીમાં ગયા છે. નાથુએ પાછા એના લક્ષણ ઝળકાવ્યા, ‘ સાહેબ, આ મામુની ચાલવાળો તો તમને મામુ બનાવીને નીકળી ગયો!’
પણ ઘેલાણી અત્યારે મજાકના મુડમાં નહોતા. એ ઉંડા વિચારોમાં ખોવાયેલા હતા. એમણે નાથુને સૂચના આપી. નાથુફટાફટ ગાડી ખોજા શેરી લઈ લે. નાથુને સમજાતું નહોતું કે સાહેબ શું કરી રહ્યાં છે. પણ એને ખબર હતી કે સાહેબનું બંધ મગજ હવે ચાલવા માંડ્યુ છે. એટલે એ સાહેબ કહેતા ગયા એમ કરતો ગયો. ઘેલાણીએ પોલીસ સ્ટેશને ફોન કરીને બીજા બે ચાર હવાલદારોને પણ ખોજા શેરી બોલાવી લીધા.
પંદર મીનીટમાં બંને ખોજાશેરીએ હતા. ગાડીમાંથી ઉતરતા જ ઈન્સપેક્ટરે કહ્યુ,‘જો મારો તર્ક સાચો હશે તો અહીંથી અંદર ચોથી ગલીમાં આવેલા ત્રીજા મકાનમાં આપણો ગુનેગાર છુપાયેલો હશે? બીજા ચાર હવાલદારો પણ આવી ગયા હતા. છએ જણ અંદર ગયા. પણ અફસોસ સાહેબે વાત કરી હતી એ ગલીના એ મકાનને પણ તાળુ હતુ. સાહેબ નીરાશ થઈ પાછા વળવા જતા હતા ત્યાંજ એમના કાને એ જ ઘરના ઉપરના માળેથી બોલાયેલી ગાળ સંભળાઈ. નાથુઅને એ બંને ચોંકી ગયા. તરત જ એમણે જાળીમાં જોયુ. અંદર ત્રણ જાેડી ચપ્પલો પડ્યા હતા.
એમણે તરત જ નાથુને કહ્યુ, ‘ નાથુ! ગુનેગાર અંદર જ છે. લોકોને ઉલ્લુ બનાવવા એણે બહાર અમસ્તુ જ તાળુ લટકાવી રાખ્યુ છે. ત્રણ જોડી ચપ્પલ પડ્યા છે એટલે ત્રણ માણસો જ હોવા જોઈએ. આપણે કુલ છ જણ છીએ. આપણે એમને રંગે હાથ પકડી પાડીએ.’
થોડી જ વારમાં છએ જણ બહારનું તાળુ ખોલીને હાથમાં રીવોલ્વર લઈને ઉપર ચડી ગયા. ઉપર જતા જ ઘેલાણીએ રીવોલ્વર તાકી દીધી, ‘ હેન્ડસ અપ! કોઈએ હલવાની કોશીશ કરી છે તો ગોળી મારી દઈશ.’
ઓરડા બેઠેલાં ત્રણે જણનું નૂર ઉઠી ગયું. ઘેલાણીએ એમને ગીરફ્તાર કરી લીધા અને ત્યાં પડેલા બધા જ કાગળો અને બીજા પુરાવાઓ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા.
***
ઘરપકડ કરાયેલા ત્રણ જણમાં એક અસ્લમ હતો. એ જ અસ્લમ જેણે મરવાનું નાટક કર્યુ હતું અને પોલીસની જીપ ચોરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. બીજા બે એના ભાઈઓ જ હતા. એકનું નામ હતું મહેબુબ અને બીજાનું નામ યુસુફ. ત્યાંથી જપ્ત થયેલા કાગળોમાં પોલીસ સ્ટેશનોના અને એકસો આઠના સેન્ટરોના નામ હતા. અને દરેક પર જુદા જુદા સમય લખેલા હતા.
સ્ટેશને આવીને ત્રણેની પૂછપરછ થઈ. પહેલા તો ત્રણેએ ગલ્લાં તલ્લાં કર્યા. પણ આખરે ડંડા આગળ હારી ગયા. અસ્લમે જ આજીજી સાથે બધી કબુલાત કરી લીધી. ‘સહાબ અબ મારના નહી! મૈં આપકો સબ બતાતા હું. દર અસલ મૈં દારૂકા ધંધા કરતા હું. શહરમેં લઠ્ઠાકાંડ હુઆ ઈસ લીયે દારૂકી શોટેજ આ ગઈ થી. પોલીસ બંદોબસ્ત કી વજહ સે દારૂ લાના મુશ્કીલ હો ગયા થા. પીને વાલો કી ડિમાન્ડ બઢતી જાતી થી ઔર મુજસે બડે દો બુટલેગર ભી દારૂ નહીં પહુંચા શકતે થે.
ઐસેમે મૈને સોચા કી અગર મૈં કુછ તરકીબ કર કે શહરમેં દારૂ લા શકું તો નંબર વન બુટલેગર બન જાઉંગા. મેં શહરમેં દારૂ ઘુસાનેકી તરકીબ સોચને લગા. સોચતે સોચતે મુજે ઐસા આઈડિયા આયા કી એકસો આઠ એમ્બ્યુલેન્સ ઓર પોલીસ જીપ ચુરાકે ઉસમે હિ દારૂકા જથ્થા લાના અચ્છા રહેગા. આપકે પુલીસ સ્ટેશન સે જીપ ચુરાને કે લીયે હિ મૈને આપકે પાસ મરનેકા નાટક કિયા થા ઔર પાકીટમેં આપકે સરનામે વાલા વો કાગજ રખ્ખા થા. મુજે યકીનથા કી ઘરકા નામ પઢતે હી આપ તુરંત ભાગેંગે ઔર ટ્રાફિક કી વજહ સે ગાડી ભી નહીં લે જાયેંગે… લેકીન થોડી ગલતી હો ગયા….એકસો આઠ તો મૈંને ચુરાહી લી થી. બસ આપકી જીપ ચુરા પાતા તો કામ હો જાતા. એકસો આઠ મેં દારૂકા સપ્લાય કરતા. આગે જીપ રહેતી ઔર ઉસમે હમ નકલી પુલીસ બન કર બેઠ જાતે. લેકીન સારા પ્લાન ચોપટ હો ગયા.’
ઘેલાણી રંગમાં આવી ગયા,‘નાથુઆ સ્ટેટમેન્ટ નોંધી લે. હું કમિશ્નર સાહેબને ફોન કરું છું. અને શાબ્બાશી માટે તૈયાર રહેજે. આજે આપણે બહું મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.’
ઘેલાણી ખૂરશીમાં ગોઠવાયા. તરત જ નાથુએમની સામે આવીને પૂછવા લાગ્યો, ‘ સાહેબ! હવે તો કહો કે તમને આ ગુનેગારની કેવી રીતે ખબર પડી કે તમે સીધા જ એના ઘરે જઈને પકડી લાવ્યા.’
‘ બેસ, નાથુહું તને સમજાવું! મારી નીરીક્ષણ શક્તી જાેજે તું!’
સાહેબ રંગમાં હતા. એમણે કમિશ્નર સાહેબને ફોન કરવા ઉઠાવેલું ક્રેડલ પાછુ મુકી દીધુ અને બોલવા લાગ્યા,‘ હું તને કહેતો હતો ને કે ગાલ પર મસાવાળા એ માણસને મેં ક્યાંક જાેયો છે. મને યાદ નહોતું આવતું પણ ગફુર નામ બોલ્યો તરત જ મને યાદ આવી ગયુ. હકિકતમાં એક દિવસ હું મારા એક પોલીસ મિત્રને મળવા શાંતિનગર પોલીસ સ્ટેશને ગયેલો. એ દિવસે આ યુસુફ કોઈ ગુના સબબ ત્યાં બંદ હતો અને એનો ભાઈ અસ્લમ એની જમાનત કરાવવા ત્યાં આવેલો. મેં આખીયે વાત સાંભળેલી. એ દિવસે એણે એનું અને એના ભાઈનુ સરનામુ પણ આપેલું. એ બંને એડ્રેસ મને યાદ રહી ગયેલા. બસ પછી તો એને અહીં જાેયો ત્યારનું મનમાં ઘોળાયા કરતું હતું અને ગફુરે કીધું પછી આખો ખેલ પુરો થઈ ગયો.’
નાથુઅહોભાવથી સાહેબને જોતા જોતા બોલ્યો,‘બહું જોરદાર હો સાહેબ! કહેવું પડે તમારુ દિમાગ!’
‘અરે નાથુઆ તો કાંઈ નથી, કાલે જાેજેને આપણા બંનેના નામનો જય જયકાર થઈ જશે. કમિશ્નર સાહેબ તો આપણી પીઠ થાબડી થાબડીને તોડી નાંખશે અને પ્રમોશન આપશે એ નફામાં.’
***
એક મોટા સંભવિત ગુનાનો પર્દાફાશ થઈ જવાથી શહેરનો માહોલ એ દિવસે હળવો થઈ ગયો હતો પણ અકોલી પોલીસ સ્ટેશનનો માહોલ ઉદાસીન હતો. ટેબલ પર છાપુ પડ્યુ હતું. એમાં કમિશ્નર સાહેબ અને પેલા ત્રણ ગુનેગારોના ફોટા હતા. હેડ લાઈન હતી, ‘શહેરના જાંબાજ કમિશ્નરે એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો. ત્રણ જબ્બે’
નાથુક્યારનો બળાપા કાઢી રહ્યો હતો, ‘ સાહેબ, જાેખમ આપણે લીધુ અને છાપામાં ક્યાંય આપણો ફોટો કે નામ પણ નથી.’
ઈન્સપેકટર ઘેલાણીએ કરુણ સ્મિત આપ્યુ, ‘ નાથુ, મેં તને કહ્યુ ને કે આપણા હાથમાં જશ રેખા નથી. સુવા દે મને…’ બોલીને એમણે ઉંઘ નહોતી આવતી તોયે આંખો મીંચી દીધી. નહીંતર ભીનાશ બહાર ઢોળાઈ જાત…
સમાપ્ત…
Dark Secrets – સર, આ તો મરી ગયો છે. લાશ છે આ લાશ !
Dark Secrets – ભાગ – ૨ ‘ ઓત્તારી… આ તો પેલી લાશ છે..!’ – ઈન્સપેક્ટર