Dark Secrets | ભાગ – ર  | હૃદયનો ટુકડો | એણે ડબ્બો ખોલી એમાંથી એક સૂકાયેલું હૃદય બહાર કાઢ્યુ.

Dark Secrets  વહી ગયેલી વાત….
Dark Secrets  ( જીવી છેલ્લા દસ વર્ષથી લકવાગ્રસ્ત પતિ ગુણવંત અને દસ વર્ષના મુન્નાનુ પેટ ભરી રહી છે. હોળીના દિવસે સાંજે કોઈ ગુણવંતને અને જીવીને બેભાન કરીને એમના દસ વર્ષના દિકરાનું હૃદય કાઢી લે છે. જીવી ઘેલાણીને માહિતી આપે છે કે એમની જ બસ્તીમાં રહેતા રધુ અને રાજી નામના દંપતિને પંદર વર્ષથી સંતાન નથી એટલે તેઓ ભૂવાઓ પાસે અવનવી વિધીઓ કરાવે છે. થોડા દિવસ પહેલા જ એણે એ દંપતિને કોઈ ભૂવા સાથે એવી વાત કરતા સાંભળ્યા હોય છે કે અમાસના દિવસે કોઈ દસ વર્ષના છોકરાના દિલનું હવન કરશો તો જ સંતાન થશે. જીવી આરોપ મૂકે છે કે એના મુન્નાનું ખૂન એ દંપતીએ જ કર્યુ હશે. ઘેલાણી અને નાથુનક્કી કરે છે કે એ લોકો રધુ અને રાજીને અમાસના દિવસે જ રંગે હાથે પકડશે….
 હવે આગળ……  )
Dark Secrets  | અમાસના અંધારાનો અજગર આખીયે બસ્તીને ભરડો લઈને બેઠો હતો. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. બસ્તીના છાપરાં પરથી વહેતા માર્ચ મહિનાના પવનમાં હજુ બપોરની ગરમીના અંશો ડોકિયા કરી રહ્યાં હતા. ઈન્સપેક્ટર ઘેલાણી, નાથુઅને જીવી રધુ અને રાજીના ઘર પર નજર ખોડીને દૂર ઉભા હતા. નાથુ અને ઘેલાણી સિવિલ ડ્રેસમાં હતા.
રઘુના ઘરનો દરવાજો અને બારી બંદ હતા. બરાબર પોણા બાર વાગ્યે એક બાવા જેવો લાગતો માણસ આવ્યો અને બારણું ખખડાવ્યુ. રઘુએ બારણુ અડધું જ ખોલ્યુ. પેલો માણસ સાપ દરમાં સરકે એવી રીતે ઘરમાં સરકી ગયો. બારણું તરત જ બંધ થઈ ગયું.
‘સાહેબ, આ ગ્યો ઈ જ ભુવો લાગે છે!’ જીવીએ ઘેલાણી સામે જોઈને કહ્યુ, ‘જલ્દી ચાલો આપણે એમને પકડી લઈએ. નહીંતર એ છટકી જશે…. મારા મુન્નાનો ભોગ લેનાર એ જ નરાધમ છે… ચાલો સાહેબ!’
‘ફિકર નોટ જીવી! મૈં હું ના ! ગુનેગારને છટકવા નહીં દઉં! ’ નાથુએ જીવી સામે જોતા કહ્યુ અને હસ્યો. પણ ઘેલાણી કે જીવી કોઈએ સામે સ્માઈલ પણ ના આપી.
હોળીને ગયે પંદર દિવસ વિતી ગયા હતા પણ જીવીનું હૃદય હજુ ભડભડી રહ્યું હતું. ઘેલાણીની નજર પણ શિકાર પર સ્થિર હતી. એ મટકું પણ માર્યા વગર રધુના ઘર તરફ જોઈ રહ્યાં હતા. બરાબર સાડા બાર વાગે રધુના ઘરની બારીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. જીવીએ ફરીવાર કહ્યુ, ‘સાહેબ, ચાલો…. આ લોકો વિધી કરી રહ્યાં હોય એવું લાગે છે… ચાલો જલ્દી….’
‘હા, જીવી મને લાગે છે કે હવે એ લોકો રંગે હાથે પકડાઈ જશે, ચાલો! પણ ધ્યાન રાખજે અંદર જઈને હું ના કહું ત્યાં સુધી તારે એક પણ શબ્દ બોલવાનો નથી.’ બોલીને ઈન્સપેકટર ઘેલાણીએ નાથુને કહ્યુ, ‘નાથુ, પેલા ચારેય હવાલદારોને ફોન કરીને સૂચના આપી દે કે રધુ અને રાજીના ઘરની આસપાસ ગોઠવાઈ જાય. કદાચ ઝપાઝપી થાય અને કોઈ ભાગે તો પકડી લેવાય!’
‘ફિકર નોટ સાહેબ! મે કહી જ દીધુ છે.’
ઘેલાણી અને નાથુ આગળ હતા. જીવી એમની પાછળ. અંધારાને ચિરતા એ લોકો રધુના ઘર પાસે ગયા અને બારણું ખખડાવ્યુ. અંદરથી કોઈએ કંઈ જવાબ ના આપ્યો. પણ અંદરના અવાજ પરથી ઘેલાણીએ નોંધ્યુ કે અંદર જરૂર કંઈક ચહલપહલ અને ગૂચપૂચ થઈ રહી છે.
ઘેલાણીએ નાથુને કહ્યુ, ‘નાથુ, દરવાજો તોડી નાંખ!’
નાથુ થોડીવાર એમની સામે જોઈ રહ્યો, ‘સાહેબ, આ ફિલ્મનું શૂટિંગ નથી ચાલતું અને હું હિરો પણ નથી. એમ દરવાજો કેમ તૂટે?’
‘અલ્યા, ડફોળ! તું દરવાજો જો તો ખરો. આ છાપરાનો દરવાજો વળી કેવો હોય? દરવાજાને નામે માત્ર પાતળું પતરું આડુ કર્યુ છે એટલે કહું છું!’
નાથુએ દરવાજા સામે જોયુ. પછી કંઈ બોલ્યો નહીં. ગરીબનું ખોરડું હતું. એને ભાંગતા કેટલી વાર. નાથુએ માત્ર એક જ લાત મારી અને દરવાજો તૂટી ગયો.
દરવાજો તૂટતા જ ત્રણેય અંદર ઘુસી ગયા. એમને જોઈ અંદર બેઠેલા ત્રણ જણ ડઘાઈ ગયા. ખખડધજ ખોરડાંની વચ્ચો વચ્ચ એક હવન કુંડ હતો. એમાં આગ સળગી રહી હતી. ચારે તરફ લોબાન અને ચાલુ અગરબત્તિની  સુગંધ ફેલાયેલી હતી. આસપાસ અબીલ, ગુલાલ, શ્રીફળ અને કોળુ પડેલા હતા.
‘ક..ક…ક કોણ છો તમે? આમ અમારા ઘરમાં કેમ ઘૂસી આવ્યા છો…’ ગભરાઈ ગયેલા રધુએ તૂટેલી હિંમત જેવા જ તૂટેલા આવજે કહ્યુ.
નાથુ જોમમાં આવી બોલ્યો, ‘એય, ચૂપચાપ સાઈડમાં બેસી જા. પોલીસની કામગીરીમાં દખલ ના કર. અમે અકોલી પોલીસ સ્ટેશનથી આવ્યા છીએ. અમે તમને કોઈને કંઈ પૂછીએ નહીં ત્યાં સુધી કોઈએ કંઈ જ બોલવાનું નથી.’ પોલીસનું નામ પડતા જ રધુ ડધાઈ ગયો. બીજા બે જણ તો ચૂપ જ હતા પણ હવે હોઠ પણ સિવાઈ ગયા. ત્રણેય  ફફડતા ફફડતા ખૂણામાં ઉભા રહી ગયા.
ઘેલાણી અને નાથુએ ક્યાંય સુધી ઘરની તપાસ કરી. જીવી ચૂપ જ હતી. તપાસ પછી એ રધુ તરફ ફર્યા, ‘રધુ, બોલ! જીવીના છોકરાને મારીને તેજ એનું હૃદય કાઢી લીધું છે ને?’
‘શું વાત કરો છો સાહેબ! ’ રધુ હેબતાઈ જતા બોલ્યો, ‘અમે તો છોકરાં વગરના છીએ. બાળકો તો અમને જીવ જેવા વાલા લાગે. અમેં એવું શું કામ કરીએ?’
‘કારણ કે તમારે બાળક જોઈતું હતું. આ પાખંડીએ તમને બાળકના હૃદયનું હવન કરીને વીધી કરવાની સલાહ આપી અને તમે જીવીનો ખોળો રોળી નાંખ્યો. બોલો ક્યાં છે મુન્નાનું હૃદય… ’
‘હે…. ભગવાન આ શું થઈ ગયુ? સાહેબ અમે એવું કંઈ નથી કર્યુ. અમે તો ફક્ત પૂજા કરતા હતા.’ રાજીએ પોક મુકતા કહ્યુ. રાજીને નાટક કરતી જોઈને જીવી રહી ના શકી. ઘેલાણીએ ના પાડી હોવા છતા એ તાડૂકી, ‘સાહેબ, આ વાંઝણી નાટક કરે છે. મારા મુન્નાને એણે જ માર્યો છે. મેં મારા સગ્ગા કાને આ ભૂવાને બાળકના હૃદયનું હવન કરવાની સલાહ આપતા સાંભળ્યો છે.’
‘જીવી મેં તને ના પાડી હતી ને કે તારે બોલવાનું નથી. એની પાસે હું કબુલ કરાવી દઈશ. તું ચિંતા ના કર. ચૂપચાપ ઉભી રે…’ ઘેલાણીએ જીવીને ખખડાવી.. પછી રાજી તરફ ફર્યા, ‘ચાલ એય નાટક બંદ કર અને કહે કે મુન્નાનું હૃદય ક્યાં સંતાડ્યુ છે?’ ઘેલાણીએ ડંડો ધુમાવતા કહ્યુ. પણ જીવી કે રધુ કોઈ કશું બોલ્યા નહીં. એમણે ગુનો નહીં કર્યાનું એકનું એક રટણ ચાલુ જ રાખ્યુ.
બાજુમાં ભુવો પણ ઉભો હતો. ઘેલાણીએ એને પૂછ્યુ, ‘એય, પાખંડી! તેં જ આમને આ કતલ કરવા સલાહ આપી હતીને બોલ ક્યાં છે મુન્નાનું હૃદય?’
‘સાહેબ, મેં કોઈ એવી સલાહ નથી આપી. હું તો ફક્ત રાંદલને રિઝવવાની વિધી કરતો હતો.’
‘સાલા, તુ એમ નહીં માને. લોકોને ફોસલાવીને વિધીના નામે કતલો કરાવે છે. હવે વિધી તો હું કરીશ. નાથુ! ત્રણેયને પોલીસ સ્ટેશને લઈ લે… આ ભુવાને મેથીપાકની દક્ષિણા આપીશું પછી જ એ કબુલાતનો મંત્ર બોલશે.’
નાથુએ ત્રણેને હાથકડી પહેરાવી પોલીસ સ્ટેશને રવાના કર્યા અને જીવીને ઘેલાણીએ એના ઘરે રવાના કરી,‘કાલે બપોરે પોલીસ સ્ટેશને આવજે. સવાર સુધીમાં તો આ ત્રણેયે કબુલ કરી લીધું હશે…. તું ચિંતા ના કર! જા જઈને શાંતિથી સૂઈ જા!’
***
જીવી અકોલી પોલીસ સ્ટેશને પહોંચી ત્યારે ઘેલાણી અને નાથુચા પી રહ્યાં હતા. જીવીને જોતા જ ઘેલાણી બોલ્યા, ‘આવ આવ જીવી…. ! બેસ!’ જીવી હળવેકથી ખૂરશીમાં બેસી.
‘જીવી…. તારા મુન્નાના ગુનેગારો પકડાઈ ગયા છે. એ લોકો હજુ માન્યા નથી. પણ હજુ અઠવાડિયુ અમારો મેથીપાક ખાશે એટલે માની જશે. તું ચિંતા ના કર! ’
‘સાહેબ, ચિંતાની ક્યાં વાત કરો છો? હવે તો આખી જિંદગી જ ચિતા બની ગઈ છે. મુન્નો જીવતો હતો એટલે આશાઓ અને સપનાઓ જીવતા હતા. બસ, એના ગુનેગારોને સજા થાય તો મારા દિલને થોડીક ટાઢક થશે. બાકી તો આખી જિંદગી બળવાનું જ છે.’ જીવીની બંને આંખમાંથી બોર બોર જેવડા આંસુ ખર્યા અને ઘેલાણીના ટેબલ પર પડ્યાં. ટેબલ પર પડેલા ચાનો ડાધને જાણે હાથ ફુટ્યા હોય એમ એણે જીવીના આંસુને જીલી લીધા.
‘જીવી, જે થવાનું હતું એ થઈ ગયું. દુઃખ તો મને પણ છે જ. પણ આપણે રહ્યાં પામર માણસો. આપણે શું કરી શકીએ. પણ હું તને વચન આપુ છું કે ગુનેગારોને હું કડકમાં કડક સજા કરાવીશ. જરૂર હોય તો યાદ કરજે. હવે તું જઈ શકે છે.’
જીવી ભાંગેલી ચાલે ઘરે આવી અને ફરીવાર એની ભાંગેલી જિંદગીમાં ગોઠવાઈ ગઈ. બીજા જ દિવસથી ભૂખની ડાકણ સામે લડવાનું ચાલું કરી દીધુ. મુન્નાના ગયા પછી ગુણાની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી. મુન્નો જાણે દુઃખ આપીને ભુઃખ લઈ ગયો હોત. એ આખો દિવસ ખાટલામાં પડ્યો રહેતો. જીવી એકાદ બે દિવસે ખાવાનું લાવતી એ પણ ખાવાની એને ઈચ્છા નહોતી થતી. જિંદગી માથે ભાર થઈને પડી હતી. મોતની ક્રેન એને ઉઠાવતી પણ નહોતી.
***
ઘટના પરથી એક પછી એક દિવસો પસાર થઈ રહ્યાં હતા. લગભગ બે મહિના જેટલો સમય પસાર થઈ ગયો હતો. અમાસનો દિવસ હતો. રાતના આઠ વાગ્યા હતા. ઘેલાણી હજુ હમણા જ ઘરે આવ્યા હતા. હજુ એ બાથરૂમમાંથી બહાર નીકળી રહ્યાં હતા ત્યાંજ એમનો મોબાઈલ રણક્યો. સ્ક્રિન પર યાસીનનું નામ ઝળકી રહ્યુ હતું. એનું નામ જોતા જ ઘેલાણી ઉત્સાહમાં આવી ગયા. એમણે અધિરતાથી ફોન રિસિવ કર્યો , ‘હા, બોલ યાસીન! શું ખબર છે?’
‘સર, મને આજે સાંજથી જ કંઈક ગરબડ જેવું લાગે છે. લાગે છે કે તમારો શક સાચો છે. તમે આવી જાવ તો સારુ.’
‘હું હમણા જ આવું છું!’ બોલીને ઘેલાણીએ ફોન મુકી દીધો. તરત જ એમણે નાથુને ફોન કર્યો, ‘નાથુ, જલ્દી તૈયાર થઈ જા……. આપણે પેલી બસ્તીમાં જવાનું છે. મારો શક સાચો પડ્યો છે.’
અડધો જ કલાકમાં ઘેલાણી અને નાથુએ બસ્તીના છેવાડે ઉભા હતા. એમનો ખબરી યાસીન પણ એમની સાથે ઉભો હતો. સાડા આઠે ઘેલાણી અને નાથુઅહીં આવ્યા હતા. અત્યારે સાડા બાર થયા હતા. છેલ્લા ચાર કલાકથી એ અહીં તપ કરી રહ્યાં હતા પણ કંઈક ચહલ પહલ નહોતી થતી.
આખરે બીજા અડધા કલાક પછી યાસીને ઘેલાણીનું ધ્યાન દોર્યુ, ‘સર, ત્યાં જુઓ….’ ઘેલાણીએ યાસીને ચિંધેલી દિશામાં જોયુ. અંધારુ ઘટ્ટ હતું. ખાસ કંઈ કળાયુ નહીં. પણ બે વ્યક્તિઓ માથે ચાદર ઓઢીને હળવે હળવે બસ્તીની પાછળના ભાગ તરફ જઈ રહ્યાં હતા. ઘેલાણીની ત્રીપુટી પણ એમની પાછળ ચાલી. આગળ બે ઓળા જઈ રહ્યાં હતા એનાથુી પૂરતું અંતર રાખીને ઘેલાણી, નાથુઅને યાસીન ચાલી રહ્યાં હતા. ઘેલાણીએ એમની રિવોલ્વર એમના હાથમાં લઈ લીધી હતી.
પેલા બંને વ્યક્તિઓ કોણ હતા એ હજુ કળાયુ નહોતું. બંનેએ કાળી ચાદર ઓઢી રાખી હતી. થોડીવારમાં તેઓ બસ્તીની પાછળ આવેલા અવાવરૂ જંગલ જેવા રસ્તે ફંટાયા. આ ત્રણેય પણ એ તરફ ચાલ્યા. જંગલ જેવા વિસ્તારમાં લગભગ એકાદ કિલોમીટર સુધી ચાલ્યા બાદ પેલા બંને વ્યક્તિઓ ઉભા રહ્યાં. ઘેલાણાની ત્રીપુટી એમનાથુી દસેક ફૂટ દૂર એક ઝાડ પાછળ સંતાઈ ગઈ. થોડી જ વારમાં પેલી બે વ્યક્તિમાંથી એક વ્યક્તિએ બેટરી ચાલુ કરી અને એક ઝાડ પાસે એનો પ્રકાશ પાથર્યો. બીજી વ્યક્તિ નીચે બેસી ગઈ અને ચાદરમાં છુપાવી રાખેલી ખૂરપી કાઢીને ત્યાં નાનકડો ખાડો ખોદવા લાગ્યો. ઘેલાણી એન્ડ ત્રિપુટીની નજર ત્યાંજ ખોડાયેલી હતી. થોડી જ વારમાં એ વ્યક્તિએ નાનકડાં ખાડામાંથી એક ડબ્બો કાઢ્યો અને ઉભો થયો. બેટરીનો પ્રકાશ તેના પર પડી રહ્યો હતો. એણે ડબ્બો ખોલી એમાંથી એક સૂકાયેલું હૃદય બહાર કાઢ્યુ. ઘેલાણી અને નાથુનો શ્વાસ અધ્ધર થઈ ગયો. પછી પેલી બંને વ્યક્તિઓ નીચે બેસી ગયા અને કંઈક વિધી કરવા લાગ્યા.
બીજી જ મિનિટે ઘેલાણી અને નાથુ ત્યાં પહોંચી ગયા અને ઘેલાણીએ એક વ્યક્તિના માથા પર રિવોલ્વર ધરી દીધી, ‘હેન્ડ અપ! તમારો ખેલ ખત્તમ થઈ ગયો છે! યૂ આર અન્ડર એરેસ્ટ! ’
બંને વ્યક્તિએ ચોંકીને પાછળ જોયુ. નાથુએ એક વ્યક્તિના ચહેરા પરથી ચાદર હટાવી દીધી. એક કાળો વિકૃત ચહેરો એમની આંખ સામે તરવરી ઉઠ્યો. પછી એણે બીજી વ્યક્તિના ચહેરા પરથી ચાદર હટાવી. અને જાણે આંખોમાં એસીડ રેડાયુ. ઘેલાણીનો શક સાચો ઠર્યો હતો. એ બીજી વ્યક્તિ બીજી કોઈ નહીં પણ મુન્નાની મા જીવી જ હતી.
***
જીવી અને એની સાથેનો માણસ હાથમાં હથકડી પહેરેલી હાલતમાં ઘેલાણી સામે ઉભા હતા. પેલા માણસનું નામ ભવાનીશંકર હતું. એ ભુવો હતો. સગ્ગી જનેતાએ એના હૃદયના ટુકડાનું હૃદય કાઢી લીધું હતું એ વાત જાણી ઘેલાણીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. જીવી રડતા રડતા બોલી રહી હતી, ‘હા, સાહેબ! હું છું મારા કાળજાના ટૂકડાને મરાવી નાંખનારી. ગરીબીથી હું તંગ આવી ગઈ હતી. અઠવાડિયા અઠવાડિયા સુધી ભુખ્યા રહેવું પડતું હતું. ભુખ મને જીવવા નહોતી દેતી અને મરવાની હિંમત નહોતી. એવામાં મને ભવાનીશંકર મળી ગયો. એણે મને કહ્યુ કે મારે જો કરોડપતિ બનવું હોય તો મુન્નાનો ભોગ આપવો પડશે. મારા પેટના ખાડાએ મને પેટના જણ્યાનો ભોગ લેવા રાજી કરી દીધી. રધુ અને રાજીને સંતાન નહોતું. એકવાર હું એના ઘર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એ ભૂવા સાથે અમાસના દિવસે કોઈ વિધી કરવાની વાત કરતા હતા. એ વાત જાણતી હોવાનો લાભ લઈને મેં અને ભાવનીશંકરે યોજના કરી. એક રાત્રે એ મારા ઘરે આવ્યો અને મારા પતિને ઘેનની દવા સુંઘાડી સુવાડી દીધો. પછી મારી જ સામે મારા મુન્નાને પણ ખતમ કરી દીધો. પૈસાની ભુખી અને ભુખથી દુઃખી હું કંઈ ના કરી શકી. પછી ભવાનીએ મને પણ ઘેનની દવા સુંધાડી સુવરાવી દીધી અને એ ચાલ્યો ગયો. જેથી કોઈને શક ના જાય.’ જીવીએ રડતા રડતા કહ્યુ. ઘેલાણીને એના આંસુઓનું કોઈ મોલ નહોતુ. એ બોલ્યા, ‘જીવી, ખોટાં પેપડાં પાડવાના રહેવા દે. તને તો હું એવી સજા કરાવવાનો છું કે આખી દુનિયા જોતી રહી જશે. તું તો જનેતાના નામ પર લાગેલો કલંક છે! ’
બોલીને એ બહાર નીકળી ગયા. અને જીવી અને એનો સાથીદાર ભૂવો હંમેશાં માટે અંદર થઈ ગયા.
***
ઘટનાને બે ત્રણ દિવસ વિતી ગયા હતા. જીવી અને એનો સાથી ભવાની શંકર હજુ જેલમાં જ બંદ હતા. કેસ હવે કોર્ટમાં ચાલવાનો હતો. આ ઘટનાએ ઘેલાણીને હચમચાવીને મૂકી દીધા હતા. સાંજનો સમય હતો. એ ઉદાસ ચહેરે બેઠા હતા. નાથુએ એમને પૂછ્યુ, ‘સર, હજુ તમે મને એ નથી કહ્યુ કે તમને જીવી પર શક કેવી રીતે ગયો?’
બીજી કોઈ ઘટના હોત તો ઘેલાણી ઉત્સાહથી જવાબ આપત પણ આ વખતે ઘેલાણી ઉત્સાહવિહીન બોલ્યા, ‘બહું સરળ વાત છે નાથુ! આમ તો મને એના પર શક ના જાત. પણ તને ખબર હોય તો જીવીના પતિ ગુણવંત અને જીવી બંનેને ઘેનની દવા સુંધાડી હોવાથી આપણે બંનેને હોસ્પિટલ મોકલ્યા હતા. અને મુન્નાની લાશનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યુ હતું. મેં મુન્નાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યો. રાત્રે પોણા બે વાગે એનુ ખૂન થયુ હતું. પછી મેં ગુણાને ઘેનની દવા અપાયાનો સમય જોયો. રિપોર્ટ કહેતો હતો કે અંદાજે સવા એક વાગે એને ઘેનની દવા સુંધાડી હશે. એ જ રીતે મેં જીવીનો રિપોર્ટ પણ વાંચ્યો પણ એમાં એમ લખ્યુ હતું કે જીવીને અઢીથી પોણા ત્રણ વચ્ચે ઘેનની દવા સુંધાડી હશે. એનો અર્થ એવો થયો કે પહેલા ગુણાને બેભાન કર્યો, પછી મુન્નાનું કતલ કરવામાં આવ્યુ અને પછી જીવીને બેભાન કરવામાં આવી. એટલે કે મુન્નાનું ખૂન થયું ત્યારે જીવી બેભાન નહોતી. અને ખૂની આવે તો એ જાગી જવી જોઈએ. બસ ત્યારથી મને એમના પર શક ગયો. ખરેખર તો આપણે રધુ અને રાજીને ફક્ત નાટક ખાતર જ પકડ્યા હતા. એ બંને લોકો વિધી નહોતા કરતા પૂજા કરતા હતા. અને એમને ત્યાંથી મુન્નાનું હૃદય પણ મળ્યુ નહોતુ. એવું ના કરત તો જીવી રંગે હાથે પકડાત નહીં. રધુ અને રાજીએ પણ આમા આપણો સાથ આપ્યો એ તો તને ખબર જ છે. મેં છેલ્લા બે મહિનાથી યાસીનને જીવી પર નજર રાખવા ગોઠવી દીધો હતો.  જીવીને આપણે એવું ઠસાવી દીધુ કે રધુ અને રાજીવ જ ગુનેગાર છે એટલે આજે બે મહિના પછી આ કૃત્ય કરવા પ્રેરાઈ અને પકડાઈ ગઈ.’
‘યુ આર જિનિયસ સર!’ નાથુએ કહ્યુ. પણ જુસ્સો તો આ વખતે એના અવાજમાંય નહોતો. આ વખતે જશ મળે એમ હતો પણ બેમાંથી એકેયને સાલી જશ ખાંટવાની ઈચ્છા જ ના થઈ.
સમાપ્ત
ભાગ ૧ વાંચવા અહીં ક્લિક કરો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *