Dark Secrets | પ્રકરણ – ૧ | એક કા તીન…

 

Dark Secrets – ‘બસ, હું દોઢ બે કલાકમાં ઘરે જ આવું છું. પછી બધો ખેલ ખતમ.
આ રોજ રોજની માથાકુટમાંથી છુટકારો મળી જશે. મેં એ તકલિફમાંથી હંમેશાં છુટકારો મળી જાય એવી દવા લઈ લીધી છે.’

 

 

આખુયે શહેર ત્રણ સળંગ રજાઓની મજા માણી ફરી પાછું કામે ચડી ગયુ હતું. ૧૩મી ઓગસ્ટે રક્ષાબંધન હતી, ૧૪મીએ રવિવાર અને ૧૫મી ઓગસ્ટે પંદરમી ઓગસ્ટ, એટલે કે સ્વાતંત્ર્ય દિવસ. એક મિની વેકેશને પબ્લિકની ભાગદોડ ભરી જિંદગીમાં જરાક આરામ આપ્યો હતો. પણ ઘેલાણી અને નાથુ વધારે થાકી ગયા હતા. રક્ષાબંધનના મેળાઓમાં અને પંદરમી ઓગસ્ટના ધ્વજ વંદનના કાર્યક્રમોમાં બંને વીસ વીસ કલાક ખડે પગે રહ્યાં હતા. પબ્લિકને વેકેશન અને આ લોકોને ટેન્શન.

ત્રણ દિવસમાં ઠેર ઠેર બંદોબસ્તમાં જવાનું થયું હતું. હવે થાક ગળતો હતો. રજા તો આમેય મળે એમ નહોતી એટલે બંને એમની જૂની અને જાણીતી અકોલી પોલીસ સ્ટેશનની ખૂરશીમાં લાંબા થઈને પડ્યા હતા. જાેકે એ બંને માટે એ ખૂરશી કરતા બેડ વધારે હતી. કારણ કે જેટલો સમય એ બંને એના પર બેઠા નહોતા એના કરતા વધારે સમય એના પર સૂતા હતા.

ઘેલાણીનીના બંને હાથ એમની ફાંદ પર હતા અને નાથુના બંને હાથ તૂટી ગયેલી ખૂરશીના છેડે એવી રીતે લટકી રહ્યાં હતા જ્યારે ઉજ્જડ થઈ ગયેલા ઝાડ પર સૂકાઈ ગયેલી સરગવાની સીંગ.

અચાનક ટેલીફોનની ઘંટડી રણકી. બંનેની નિંદરમાં ખલેલ પડી. આમ પણ હંમેશાં એમને ટેલીફોનની રીંગ જ ખલેલ પાડતી. બાકી કોઈની દેન નહોતી. ઘેલાણીએ જરાક આંખ ખોલી નાથુસામે જાેયુ. નાથુએ પણ એમની સામે જાેયુ અને તરત જ આંખ મીંચી દીધી. ઘેલાણી બરાડ્યા, ‘ડોબા, ઉભો થા અને ફોન ઉપાડ!’

પણ નાથુએ ઉભો ના થયો. આખરે રીંગના કર્કશ અવાજથી કંટાળી ઘેલાણીએ ફોન ઉપાડ્યો, ‘હેલ્લો, અકોલી પોલીસ સ્ટેશન!’
સામેથી કોઈ માણસ તરત જ બોલવા માંડ્યો, ‘સાહેબ, અહીં મારી સોસાયટીમાં બે પતિ – પત્ની ક્યારના ઝઘડી રહ્યાં છે. તમે આવીને એમને શાંત પાડો. અમારુ તો નથી કોઈ માનતું જ નથી..’

‘અરે ભાઈ તમે કોણ બોલો છો એ તો કહો પહેલા!’ ઘેલાણી અકળાઈ ગયા.

‘સાહેબ, હું એક જાગૃત નાગરિક બોલું છું!’

ઘેલાણીને લાગ્યુ કે એ જાગૃત નાગરિક અત્યારે સામે હોત તો એ અજાગૃત થઈ જાત. એમણે કટાક્ષ કર્યો, ‘ઓહ… જાગૃતનાગરિકભાઈ… મને એ કહેશો કે જાગૃત નાગરિક એટલે શુ?’

‘સાહેબ, આ પતિ પત્નીના રોજના ઝઘડામાં ઉંઘ નથી આવતી એટલે જાગૃત રહેવું પડે છે. એટલે મારી દૃષ્ટીએ હું જાગૃત નાગરિક થયો કે નહીં?’

ઘેલાણીનું મગજ તપી ગયુ, ‘જાગૃતવાળી, સૂઈ જા છાની માની. નહીંતર એવા ડંડા પડશે કે તારે જાગતા રહેવાની સાથે સાથે ઉભા પણ રહેવું પડશે… ડોઢ ડાહ્યા તેમા! ચાલ ફોન મુક…’

‘દોઢ ડાહ્યો નહીં સાહેબ ડાહ્યો… મારું નામ ડાહ્યો છે. ડોક્ટર ડાહ્યાલાલ ડબ્બાવાલા…! સાહેબ ખરેખર આ બંને પતિ પત્નીનો ખૂબ જ ત્રાસ છે. ઘણી વાર તો આખી આખી રાત ઝઘડ્યા કરે છે. રાતની ઉંઘ હરામ થઈ જાય છે. ગઈ રાતનો ઝઘડો ચાલે છે અત્યારે બપોરના બાર વાગ્યા હજુ ચાલું જ છે. આજે તો હદ થઈ ગઈ. હું એમને છોડાવવા ગયો તો એ માણસે એમ કીધું કે બસ હવે તમે ચીંતા ના કરો. આ છેલ્લો ઝઘડો છે. આજે રાતે જ તમે આ રોજ રોજની બબાલથી છુટ્ટા થઈ જશો. હું આજે જ આ બબાલની દવા કરી નાંખવાનો છું. પછી અમેય ચેનથી સૂઈ જઈશું અને તમે બધા પણ ચેનથી સૂજાે. ’

‘હા, પણ ડબ્બાભાઈ એમાં હું શું કરું. અમે કંઈ આ બાયડી – ભાયડાઓના ઝઘડાઓ બંદ કરાવવા માટે નોકરી નથી કરતા. સમજ્યો. ચાલ મુક… એ તો હમણા પતિ જશે…..’

ઘેલાણીએ પછાડીને ફોન મુકી દીધો. એની લાંબી લાંબી વાત સાંભળીને નાથુની ઉંઘ પણ ઉડી ગઈ હતી. એમણે બગાસુ ખાત ખાતા પૂછ્યુ, ‘કોણ હતું સાહેબ? કોની સાથે આટલી બધી લમણા જિંક કરી રહ્યા હતા?’

ઘેલાણીને ખબર હતી કે આ ત્રણ દિવસમાં એમણે તો થોડોક પણ આરામ કર્યો હતો પણ બિચારો નાથુતો રિતસર ખડેપગે જ રહ્યો હતો. એટલે અત્યારે એ સૂઈ રહ્યો એ વાત પર ગુસ્સે થયા વગર એમણે કહ્યુ, ‘હતો કોઈક દોઢ ડાહ્યો! કહેતો હતો કે એની સોસાયટીમાં કોઈંક પતિ – પત્ની ઝઘડી રહ્યાં છે. આવીને છોડાવો. આપણી તો સાલી કોઈ વેલ્યુ જ નથી. આપણું કામ કંઈ આવા હુતો -હુતીના ઝઘડાઓ શાંત પાડવાનું છે? લોકો હાળા સમજતા જ નથી. આપણે તો શહેરમાં ક્રાઈમ થતા હોય એને અટકાવવાના છે…..શું કહેવું છે તારુ નાથુ? ’
‘સાચી વાત છે સાહેબ તમારી!.. આવી નાની બાબતોમાં આપણે ના જ પડવાનું હોય. દુનિયાના દરેક પતિ – પત્નીને ઝઘડાઓ તો થતા જ રહે છે. એમાં આપણે થોડા દોડી જવાનું હોય. પણ સાહેબ દિલની વાત કહું. આ બધી બબાલો પત્નીની જ હોય છે. પત્નીઓ હોય છે જ માથાનો દુખાવો. મારી જ વાત કરું. હમણા થોડા દિવસ પહેલા મારી તબિયત થોડી ખરાબ હતી. હું મારી પત્ની સાથે ડોક્ટર જાેડે ગયો. ડોક્ટરે દવાનું પડીકું મારી પત્નીના હાથમાં આપતા કહ્યુ, ‘ઉંઘની દવા છે. તમારા પતિને આરામની જરૂર છે.’ મારી પત્નીએ ડોક્ટરને પૂછ્યુ કે, ‘આ દવા એમને ક્યારે ક્યારે પીવરાવુ?’ તો ડોક્ટરે જવાબ આપ્યો કે, ‘એ દવા તમારા પતિને નથી પીવરાવવાની. તમારે પીવાની છે. તમે ઉંઘો તો એમને આરામ થાય!’

‘હા.. હા… હા…’ ઘેલાણી જાેરથી હસી પડ્યા.

એ પછી બે માંથી એકેને ઉંઘ ના આવી. બંને ચાની ચુશ્કીઓ સાથે વાતોના વડા ખાતા ખાતા ત્યાંજ બેસી રહ્યાં.

***

રાતના સાડા આઠ થયા હતા. વરસાદ ઝરમર ઝરમર ચાલી રહ્યો હતો. એક મેડિકલ સ્ટોરવાળો વસ્તી કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાંજ એક બાઈક આવીને એની સામે ઉભુ રહ્યુ. બાઈક પરથી એક આધેડ માણસ નીચે ઉતર્યો અને મેડિકલ સ્ટોર પાસે આવ્યો, ‘બોસ, ઉંદર મારવાની દવાના ત્રણ પેકેટ આપોને… ’

મેડિકલવાળાએ ત્રણ પેકેટ લાવીને એને આપ્યા. પેલા એ પૈસા ચુકવ્યા અને પાછો વળી ગયો. ત્યાંજ એનો મોબાઈલ રણક્યો. મોબાઈલ રિસિવ કરતા જ એ જાેરથી બરાડ્યો, ‘શું છે તારે? વારંવાર ફોન શેની કરે છે…’

એનો ઘાટો સાંભળતા જ મેડિકલ વાળાનું ધ્યાન એના પર કેન્દ્રિત થયું. થોડીવારે પેલાએ વધારે જાેરથી ઘાટો પાડ્યો, ‘બસ, હું દોઢ બે કલાકમાં ઘરે જ આવું છું. પછી બધો ખેલ ખતમ. આ રોજ રોજની માથાકુટમાંથી છુટકારો મળી જશે. હવે પછી તને મારા તરફથી કોઈ તકલિફ નહીં રહે. મેં એ તકલિફમાંથી હંમેશાં છુટકારો મળી જાય એવી દવા લઈ લીધી છે.’

મેડિકલવાળો ચોંક્યોે. એને અંદાઝ આવી ગયો કે દાળમાં કંઈક કાળુ છે. આ માણસે ઉંદર મારવાની દવા ખરીદી અને આવી તકલીફમાંથી છુટકારો મેળવવાની વાત કરે છે એટલે નક્કી એણે આત્મહત્યાનો વિચાર કર્યો હોવો જાેઈએ. મેડિકલવાળાએ તરત એને બુમ મારી, ‘ઓ, ભાઈ ! ઉભા રહો.. તમે શા માટે ઉંદર મારવાની દવા ખરીદી છે એ હું સમજી ગયો છું. પાછી લાવો દવા ….’

પેલા માણસે મેડિકલવાળા તરફ જાેયુ. એ એના તરફ આવી રહ્યો હતો. પેલાએ એની સામે એક કરુણ સ્મિત આપ્યુ અને બાઈકની કિક મારી. મેડિકલવાળો એની પાસે પહોંચે એ પહેલા તો એ ત્યાંથી ભાગી છુટ્યો. એણે બાઈકનો નંબર જાેવાનો પ્રયત્ન કર્યો પણ એ જાેઈ ના શક્યો. હતાશ થઈ એ પાછો આવ્યો અને એની ચેરમાં ગોઠવાયો. એને કંઈ સમજ નહોતી પડતી કે શું કરવું. પેલો માણસ તકલિફમાં હતો અને એટલે જ એ આત્મહત્યા કરી રહ્યો હોય એમ લાગતું હતું. એને બચાવવો તો પડે જ. બહું વિચારને અંતે મેડિકલવાળાએ એક નંબર જાેડ્યો…..

***

‘ચાલ નાથુહવે નીકળીએ…! બહું મોડું થઈ ગયું છે. અને પાછી આજે જીપ પણ સર્વિસમાં ગઈ છે.’

‘ફિકર નોટ સાહેબ! મૈં હું ના! હું મુકી જઈશ તમને મારી બાઈક પર….’

‘એ ખખડધજ બાઈક પર બેસીને ઘરે જતા જેટલી વાર થાય એના કરતા તો હું ચાલીને ઝડપથી પહોંચી જાઉં… મારે નથી આવવું તારી સાથેે!’

‘સાહેબ, એમા બાઈકનો વાંક નથી. તમારી ભારે ભરખમ કાયાનો વાંક છે. બકરી પર હાથી બેસી જાય પછી બકરી બેં જ થઈ જાયને….’
‘હાથી તો ઠીક… બકરી પર રોજ ગધેડો બેસે છે એટલે બકરી બગડી ગઈ છે, સમજ્યો. વાયડો થયા વગર બહાર નીકળ…’
ઘેલાણી ઉભા થયા ત્યાંજ ફોન ની ઘંટડી રણકી. નાથુએ કમને ફોન ઉપાડ્યો, ‘હેલ્લો… અકોલી પોલીસ સ્ટેશન….. પ્લીઝ.’
‘નમસ્તે સાહેબ, હું મનન મેડિકલ સ્ટોરમાંથી જીગરભાઈ પંડ્યા બોલું છું.’

નાથુને એમ કહેવાનું મન થયું કે, ‘હા, ફાટો.’ પણ એણે આંતરમનની ઈશ્છાને બહાર ના આવવા દીધી અને બાહ્યમનની બનાવટી વાત કરી, ‘હા, જી બોલો જીગર ભાઈ!’

‘સાહેબ… વાત એમ છે કે હમણા જ મારી મેડીકલેથી એક માણસ ચાર પેકેટ ઉંદર મારવાની દવાના લઈ ગયો છે…’
નાથુએ કંટાળાથી કહ્યુ, ‘અરે, ભાઈ ચાર પેકેટ ઉંદર મારવાની દવા ચોરાઈ એમાં પોલીસને ફોન કરો છો. શરમ નથી આવતી. ’
ઘેલાણી નાથુસામે જાેઈ રહ્યાં હતા. નાથુએ રિસીવર પર હાથ મુકીને કહ્યુ, ‘સાહેબ, ઉંદર મારવાની દવા ચોરાઈ ગઈ એમાં ફોન કર્યો છે બોલો શું કરવાનું આવા લોકોનું.’

ઘેલાણીનું મગજ ફાટી ગયું. એમણે ગુસ્સે થઈ નાથુના હાથમાંથી ફોન લઈ લીધો. અને બરાડ્યા, ‘ઓ મારા ભાઈ! શું કરવા માથુ ખાવ છો. ઉંદર મારવાની દવા ચોરાઈ ગઈ એમાં અમારી ઉંઘ શુ કરવા ચોરો છો.’

સામેના માણસે કહ્યુ, ‘અરે સાહબે! મારી પૂરી વાત તો સાંભળો. દવા ચોરાઈ નથી. એણે ખરીદી છે. પણ એ પછી એ કોઈક સાથે જાેર જાેરથી વાતો કરતો હતો કે, ‘બસ, હું દોઢ બે કલાકમાં ઘરે જ આવું છું. પછી બધો ખેલ ખતમ. આ રોજ રોજની માથાકુટમાંથી છુટકારો મળી જશે. હવે પછી તને મારા તરફથી કોઈ તકલિફ નહીં રહે. મેં એ તકલિફમાંથી હંમેશાં છુટકારો મળી જાય એવી દવા લઈ લીધી છે.’ સાહેબ મને તો લાગે છે કે એ જરૂર કોઈ તકલિફમાં છે અને એ ઉંદર મારવાની દવા ખાઈને આત્મહત્યા કરવાનો છે. સાહેબ તમે કંઈક કરો પ્લીઝ…’

‘સારુ, એ માણસનું નામ કહે…’ ઘેલાણીને વાત થોડી સિરિયસ લાગી એટલે એણે નામ પૂછ્યુ.
‘સાહેબ, નામ તો ખબર નથી… ’
‘કેમ બીલ નથી બનાવ્યુ. સરનામું નથી લખ્યુ..’
પેલો માણસ ગેં ગેં ફેં ફેં થઈ ગયો. એને થયું આ તો ઉલમાંથી ચુલમાં પડ્યા. એના માટે ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે એવો ઘાટ થયો હતો. એ કંઈ બોલી ના શક્યો.
ઘેલાણી તાડુક્યા, ‘ભાઈ, બીલ નથી બનાવ્યુ. નામ કે એડ્રેસ પણ ખબર નથી અને તારે એને બચાવવો છે. અમે કાંઈ ત્રીકાળ જ્ઞાની છીએ! ’
‘સોરી સાહેબ…..’ મેડિકલવાળાએ કહ્યુ.
‘સોરીથી નહીં પતે.. એ કોઈ વાહન લઈને આવ્યો હોય તો એનો નંબર જણાવ.’
‘સાહેબ, ઉતાવળમાં એ પણ નથી જાેવાયો…’

‘તો ભાડમાં જા…. ’ ઘેલાણીએ પછાડીને ફોન મુકી દીધો. અને એમની ખૂરશીમાં ગોઠવાઈ ગયા.
‘ફિકર નોટ સાહેબ! મૈં હું ના! આવા ગાંડાઓના ફોન તો આવતા રહે એમાં આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી…..’ નાથુએ તરત જ કહ્યુ.
‘નાથુ, બાબત સિરિયસ જ છે. એક માણસ આત્મહત્યા માટે ઉંદર મારવાની ગોળીઓ લઈ ગયો છે. એનું નામ શું છે, સરનામું શું છે, એનો બાઈક નંબર કશું જ ખબર નથી. પણ આપણે એને બચાવવો જ જાેઈએ. પેલા મેડિકલ સ્ટોરવાળાએ એને ફોન પર એવી વાત કરતા સાંભળ્યો છે કે, હું દોઢ બે કલાકમાં ઘરે આવું છું. અને એવી દવા લઈને આવું છું કે પછી બધી તકલીફો દૂર થઈ જશે. એટલે કે આપણી પાસે એને શોધવા અને બચાવવા માટે માંડ બે કલાક છે.’

‘સર, તમેય આવી વાત કરો છો. જેનું નામ, સરનામું કાંઈજ ખબર નથી એને આવડા મોટા શહેરમાં આટલા ઓછા સમયમાં કેવી રીતે શોધી શકાય?’

ઘેલાણી હવે પોલીસ મટીને ડિટેક્ટીવની અદામાં આવી ગયા હતા. એ શૂન્યમાં નજર રાખીને બોલ્યા, ‘શોધી શકાય નાથુ, જરૂર શોધી શકાય.. મને વિચારવા દે… કોઈક ઘટના સાથે આનો મેળ જરૂર થાય છે. પ્લીઝ કીપ સાયલન્સ…..’

ઘેલાણી આંખ મીંચીને બેસી ગયા. બે, પાંચ, સાત, પંદર અને વીસ મીનીટ એમને એમ જ બેસી રહ્યાં અને અચાનક એકવીસમી મીનીટે એ આંચકા સાથે ઉભા થયા, ‘યેસ… આઈ હેવ ગોટ ઈટ…’

નાથુબોલ્યો, ‘શું થયું સાહેબ! શું યાદ આવ્યુ…’

ઘેલાણી બોલ્યા, ‘જાે મારો તર્ક સાચો હશે તો આપણે જરૂર એ માણસને આત્મહત્યા કરતો અટકાવી શકીશું. તું ફટાફટ હું કહું એમ કરતો જા…..’

ક્રમશઃ

Dark Secrets – (શું ધેલાણી અને નાથુઆ માણસને આત્મહત્યા કરતો બચાવી શકશે? બચાવશે તો કઈ રીતે? એમને એનું નામ, સરનામુ કઈ રીતે મળ્યુ હશે? એ માણસ શા માટે આત્મહત્યા કરી રહ્યો હશે? એ બધા જ રહસ્યો પરથી પરદો ખુલશે બીજા ભાગમાં.)

One thought on “Dark Secrets | પ્રકરણ – ૧ | એક કા તીન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *