Dark Secrets | પ્રકરણ – 2 | એક કા તીન…

Dark Secrets |‘ઘેલાણી અંદર દોડી ગયા અને ઝપટ મારી એના હાથમાંથી બટકુ પાડી નાંખ્યુ, ‘ખબરદાર જાે કોઈએ જમવાનું મોંમાં મુક્યુ છે તો! આમા ઝેર છે…’

 

રીકેપ

Dark Secrets | Raj Bhaskar (ઈન્સપેકટર ઘેલાણીના પોલીસ સ્ટેશનમાં બપોરના ટાઈમે એક ફોન આવે છે. કોઈ ડાહ્યાલાલ નામનો માણસ એમને કહે છે કે એની સોસાયટીમાં કોઈ પતિ-પત્ની ઝઘડી રહ્યા છે. આવીને છોડાવો. ઘેલાણી ખિજાઈને ફોન મુકી દે છે. રાત્રે સાડા પોણા નવે ફરી પાછો એક ફોન આવે છે. એક મેડિકલવાળો એમને માહિતી આપે છે કે એક માણસ ઉંદર મારવાની દવા લઈ ગયો છે અને એ કોઈ સાથે ફોન પર વાત કરતો હતો એ પરથી એવું લાગે છે કે એ પરિવાર સહિત આત્મહત્યા કરવાનો છે. એ માણસનું નામ ખબર નથી, સરનામું ખબર નથી તો એનેે શોધવો કેવી રીતે? ઘેલાણી વિચારમાં પડી જાય છે. અને થોડીવારે અચાનક નાથુને કહે છે કે, નાથુ, આઈ હેવ ગોટ ઈટ! જાે મારો તર્ક સાચો હશે તો આપણે એને આત્મહત્યા કરતો અટકાવી શકીશું… હવે આગળ…..)

***

 

નાથુ અચંબિત હતો. સાહેબે પાંચ મિનિટમાં શું શોધી કાઢ્યુ હશે કે એક અતા પતા વગરના અનામી માણસને આ શહેરમાંથી શોધી કઢાશે. એણે ઘેલાણીને જ પૂછી લીધું, ‘સાહેબ, તમે એવું તે વળી શું શોધી કાઢયુ કે આટલી જલ્દી……’

એનુ વાક્ય અડધેથી કાપતા ઘેલાણી બોલ્યા, ‘સમજાવું છું એ જ સમજાવું છું. તને ખબર છે બપોરે કોઈ ડાહ્યાલાલનો ફોન આવ્યો હતો. ’
‘હાસ્તો, એનું વળી શું છે? એ તો કોઈ પતિ-પત્નીના ઝઘડાની વાત કરતો હતો. ’

‘નાથુ, મારી તર્ક શક્તિ એમ કહે છે કે મેડિકલ વાળાની વાત અને આ વાતને ક્યાંક લાગેવળગે છે.’

‘એ કઈ રીતે? મને તો એવું કાંઈ લાગતું નથી! ક્યાં એ પતિ – પત્નીનો સામાન્ય ઝઘડો અને ક્યાં એક આત્મહત્યાને આરે પહોંચી ગયેલો માણસ!’

‘તને એવું ના લાગે એમાં મારો નહીં તારા મા-બાપનો વાંક છે. જેટલું કુવામાં હોય એટલું હવાડામાં આવે સમજ્યો. તર્ક માટે બુદ્ધિ જોઈએ અને એમાં તો તું સાવ કંગાળ છે. પણ વાંધો નહીં હું તને સમજાવું. ’

‘ઓ.કે સમજાવો! ’ નાથુએ મોં બગાડ્યુ.

‘જાે, બપોરે ડાહ્યાલાલનો ફોન આવ્યો ત્યારે એ એમ કહેતા હતા કે, આ બંને પતિ પત્ની બહું જ ઝઘડે છે. કોઈનું માનતા નથી. હું એમને છોડાવવા ગયો તો એ માણસે એમ કીધું કે બસ હવે તમે ચીંતા ના કરો. આ છેલ્લો ઝઘડો છે. આજે રાતે જ તમે આ રોજ રોજની બબાલથી છુટ્ટા થઈ જશો. હું આજે જ આ બબાલની દવા કરી નાંખવાનો છું.’

‘હા, તો એનું શું? એને અને પેલા ઉંદરની દવાવાળાને શું લેવા દેવા?’

‘છે, લેેવા દેવા છે! કારણ કે આવી જ વાત મને પેલા મેડિકલ સ્ટોરવાળાએ પણ કરી. જે માણસ ઉંદર મારવાની દવા લઈ ગયો એ કોઈ સાથે ફોન પર એવી વાત કરી રહ્યો હતો કે, બસ, હું દોઢ બે કલાકમાં ઘરે જ આવું છું. પછી બધો ખેલ ખતમ. આ રોજ રોજની માથાકુટમાંથી છુટકારો મળી જશે. મેં એ તકલિફમાંથી હંમેશાં છુટકારો મળી જાય એવી દવા લઈ લીધી છે.’

નાથુને હવે થોડો થોડો તાળો મળી રહ્યો હતો. એણે ભવાં ઉંચા કર્યા. ઘેલાણીનું બોલવાનું ચાલું હતું, ‘….. હવે તું ધ્યાનથી જાે. પેલા પતિએ પણ એમ કહ્યુ કે આજે છેલ્લો દિવસ, આ બબાલની આજે હું દવા કરી નાંખવાનો છું. એવી જ રીતે પેલા માણસે પણ એમ કહ્યુ કે બસ આજે માથાકુટમાંથી છુટકારો મળી જશે. મેં આ તકલિફમાંથી છુટકારો મળી જાય એવી દવા લઈ લીધી છે. એનો અર્થ એમ થયો કે કદાચ આ બંને વ્યક્તિ એક જ હોઈ શકે. આપણે ડાહ્યાલાલને ફોન કરીને એ ઘરનું એડ્રેસ લઈએ અને ત્યાં પહોંચી જઈએ તો કદાચ એ કુટુંબને આત્મહત્યા કરતું બચાવી શકાય!’

‘ઓહ માય ગોડ! ઈટ્સ સો સીમ્પલ…. ’ નાથુએ અચંબિત થઈ અંગ્રેજીમાં જાડ્યુ. ઘેલાણીએ કોલર ઉંચા કરતા કહ્યુ, ‘માય ડિયર નાથુ! મેં કહી દીધું પછી તને બધું સરળ જ લાગવાનું. પણ હવે તું એક કામ કર. ઝડપથી ફોનનું ડબલું ઉઠાવ. બપોરના રિસિવ્ડ કોલમાંથી ડાહ્યાલાલનો નંબર શોધી કાઢ અને ફટાફટ સરનામુ મેળવી લે..’

નાથુતરત જ કામે લાગી ગયો. બપોરેના ટાઈમે એ એક જ કોલ આવ્યો હતો એટલે ડાહ્યાલાલનો નંબર શોધતા બહું વાર ના લાગી. એણે ડાહ્યાં લાલને ફોન જાેડ્યો. એમની પાસેથી સરનામું લીધું અને તરત જ ઘેલાણી સાહેબ અને એ બંને એ સરનામાની દિશામાં જીપ લઈને દોડી ગયા.

***

સરનામા વાળુ સ્થળ માત્ર દસ કિલોમિટર જ દૂર હતું. મેડિકલવાળો કહેતો હતો કે એ દોઢેક કલાકમાં ઘરે પહોંચવાનો છે. એ સાડા આઠે નીકળ્યો. મોડામાં મોડો દસ વાગે ઘરે પહોંચે. ઘેલાણી અને નાથુએ સરનામે પહોંચ્યા ત્યારે દસમાં પાંચ કમ હતી. એ પહેલા ડાહ્યાલાલના ઘરે ગયા ત્યાંથી એમને લઈને પેલા ભાઈના ઘરે ગયા.

એનું ઘર બહું જુનુ હતું. બહાર નાની જાંપલી હતી. એ માત્ર આડી કરેલી હતી. પછી ઓસરી હતી અને પછી એક રૂમ. ત્રણેય હળવેકથી ઓસરીમાં પ્રવેશ્યા. ઘેલાણીએ બારીમાંથી જોયુ. અંદર એક પુરુષ, એક સ્ત્રી અને બે બાળકો જમવાની તૈયારી કરી રહ્યાં હતા. પુરુષ અને સ્ત્રીની આંખમાં અજંપો અને આંસુ હતા. આખા ઓરડાનું વાતાવરણ ભારે ભરખમ હતું. સ્ત્રીએ ચુપચાપ જમવાનું પીરસ્યુ. બાળકોને થાળી આપતા એનાથુી ડુસકુ મુકાઈ ગયુ.

ઘેલાણીનો તર્ક એકદમ સાચો નીકળ્યો હતો. નક્કી આ લોકોએ જમવામાં ઉંદર મારવાની ગોળીનું ઝેર ભેળવી દીધુ છે અને આત્મહત્યા કરવા જઈ રહ્યાં છે. એક બાળકે રોટલીનું બટકું ભાંગ્યુ અને મોંમા મુકવા જતો હતો ત્યાંજ ઘેલાણી અંદર દોડી ગયા અને ઝપટ મારી એના હાથમાંથી બટકુ પાડી નાંખ્યુ, ‘ખબરદાર જો કોઈએ જમવાનું મોંમાં મુક્યુ છે તો! આમા ઝેર છે…’

આખો પરિવાર ડઘાઈ ગયો. બંને બાળકો રડવા લાગ્યા હતા. ઘેલાણીએ પહેલા પેલી સ્ત્રીને શાંત પાડી અને બાળકોને શાંત પાડવા કહ્યુ. થોડીવારે સ્ત્રી બંને બાળકોને શાંત પાડી બાજુના રૂમમાં મુકી આવી. પુરુષ ખુરશીમાં બેઠો હતો, સ્ત્રી નીચે અને ઘેલાણી, નાથુઅને ડાહ્યાલાલ પલંગ પર. ઘેલાણીએ વાત શરૂ કરી, ‘ભાઈ, આ જમવામાં તે ઉંદર મારવાની દવા મેળવી હતી એ સાચી વાતને?’

‘હા, ’ પેલાને નીચી નજરે જવાબ આપ્યો, પછી પુછ્યુ, ‘પણ સાહેબ તમને કેવી રીતે ખબર પડી?’

‘એ બધું જાણવાની તારે જરૂર નથી. હું પુંછું એટલો જ જવાબ આપ! ’

‘જી, સાહેબ!’
‘તારુ નામ શું છે?’
‘કાન્તીભાઈ મનહરભાઈ પટેલ!’

‘પટેલ ભાયડો થઈને આત્મહત્યા કરવા નીકળ્યો છે? શરમ નથી આવતી. તને તારા નાના નાના બાળકો પ્રત્યે પણ દયા ના આવી? તને ખબર છે આ કૃત્ય માટે તારા પર આત્મહત્યા અને હત્યાનો પ્રયાસ એવા બેવડા ગુના લાગુ પડી શકે છે?’

‘જી સાહેબ! ’

‘શું જી સાહેબ! કાંઈ ભાન બાન તો પડતી નથી. પતિ – પત્નીના ઝઘડા જેવી સામાન્ય બાબતમાં તું આખા કુટુંબનો જીવ લેવા બેઠો હતો એ ભાન છે કે નહીં?’

‘ના સાહેબ, માત્ર પતિ – પત્નીનો ઝઘડો નહોતો. વાત બીજી હતી… અમારુ જીવવું અઘરુ થઈ ગયું હતું એટલે આ રસ્તો અપનાવ્યો હતો.’ પેલો માણસ ઘ્રુસકે ને ઘ્રુસકે રડી પડ્યો.

‘એવું તે શું થયું છે? માંડીને વાત કર! હું કદાચ તારી કોઈ મદદ કરી શકું?’

‘સાહેબ! તમને કહીશ તો તમેય કંઈ નહીં કરી શકો. વાત એમ છે કે મારી આર્થિક પરિસ્થિતી બહું ખરાબ છે. મારે ગમે તે રીતે પૈસા કમાવા હતા. મારી પત્ની અને બાળકોને સારુ જીવન આપવું હતું. એવામાં એક દિવસ સવારના છાપામાં એક પત્રિકા આવી. એક કા તીનની સ્કિમની જાહેરાત હતી. એમાં લખ્યુ હતું માત્ર ત્રણ મહિનામાં પૈસા ત્રણ ગણા કરો. નીચે ફોન નંબર લખ્યો હતો. મે એ નંબર પર ફોન કર્યો. સામે એક સ્ત્રી હતી. એણે મને એક સરનામું આપ્યુ. હું માત્ર ચેક કરવા પુરતા પાંચ હજાર રૂપીયા લઈને ગયોે. અને એની સ્કિમમાં રોક્યા. ત્રણ મહિના પછી એ લોકોએ મને પંદર હજાર રૂપિયા આપી દીધા. મારી ખુશીનો પાર ના રહ્યો. એ પંદર હજારમાં બીજા પાંચ ઉમેરીને મેં ફરી એની પાસે એક કા તીનની સ્કિમમાં મુકી દીધા. ફરીવાર ત્રણ મહિના પછી મને સાઈઠ હજાર રૂપિયા મળી ગયા. મારી લાલચ વધી. હવે નાની રકમમાં મને મજા નહોતી આવતી. એક દિવસ હું પાંચ ટકા વ્યાજે દસ લાખ રૂપિયા લઈ આવ્યો. અને મારું આ મકાન ગીરવે મુકીને બીજા પંદર લાખ. એમ કરીને કુલ પચ્ચીસ લાખ રૂપિયા મેં આ સ્કિમમાં રોક્યા. અને હું બરબાદ થઈ ગયોે. પેલો માણસ ઓફિસ બંદ કરીને ક્યાંક ચાલ્યો ગયો. હવે, દસ લાખ લાવ્યો હતો એ માણસ રોજ અહીં આવીને મારી નાંખવાની ઘમકી આપે છે, મકાન ગીરવે મુક્યુ હતું એના પૈસા પણ બાકી છે. એ પણ ઘમકીઓ આપે છે. આમા ને આમા અમારે રોજ ઝઘડા થતા હતા. અને આખરે અમે આ બબાલથી છુટવા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. હું ઉંદર મારવાની દવા લઈ આવ્યો અને જમવામાં ભેળવી દીધી. તમે જો આજે ના આવ્યા હતો તો. અમે ક્યારના શાંતીથી મરી ચુક્યા હોત….. ’

કાન્તીએ વાત પૂરી કરી ત્યારે એનો શર્ટ આંસુથી ભંજાયેલો હતો. ઘેલાણી, નાથુઅને ડાહ્યાલાલની આંખો પણ ભીની હતી. શું બોલવું એ જ એમને તો નહોતું સમજાઈ રહ્યુ. ઘેલાણી ઉભા થયા, ‘જાે, ભાઈ! લાલચના ફળ આવા જ હોય છે. પણ એનો અર્થ એ નથી કે જીવન જ ટુંકાવી દેવું. હું આર્થિક રીતે તારી કોઈ મદદ તો કરી શકું એમ નથી. પણ એક બીજી મદદ કરી શકું છું. ખરેખર તો તને મારે આ ગુના બદલ એરેસ્ટ કરવો પડે. પણ હું દાઝયા ઉપર ડામ દેવામાં માનતો નથી. આ આખો કેસ રફેદફે કરું છુ. બાકી તો ઉપરવાળાની દયા!’
‘આભાર સાહેબ!’

‘પણ ધ્યાન રાખજે હવે કદી આવું ગાંડપણ ના કરતો. તારા ગુનાની સજા તારા છોકરાઓને ના આપ. રાત દિવસ મહેનત કર અને દેવું ભરી દે. તને છેતરનાર એક કા તીન વાળી પાર્ટીને શોધવાનો હું પ્રયત્ન કરું છું પણ શક્યતાઓ ઓછી છે. કારણ કે એના માથે અચ્છા અચ્છા લોકોના આશિર્વાદ હશે. મને તો લાગે છે કે કદાચ એ વિદેશ ભેગો પણ થઈ ગયો હોય. પણ હા, ફરી મરવાનું નામ ના લેતો….’
‘હાંજી સાહેબ! વચન આપુ છું તમને!’ પેલાએ ઘેલાણીને ખાતરી આપી. પછી ઘેલાણી અને નાથુત્યાંથી રવાના થયા.

***

બીજા દિવસે પોલીસ સ્ટેશને આવ્યા ત્યારે ઘેલાણીના મનમાં કાન્તીના જ વિચારો રમી રહ્યાં હતા. પોલીસ સ્ટેશનમાં આવતા વેંત એમણે નાથુને કહ્યુ,

‘નાથુ, કોણ જાણે કેમ કાન્તીને મરતા બચાવ્યો છતાં એક અજંપો હૃદયને કોરી ખાય છે?’

‘ફિકર નોટ સાહેબ, મૈં હું ના! હમણા એક કડક ચા લઈ આવું છું તમારા માટે. બધો અજંપો દૂર થઈ જશે. અને, સાહેબ, તમારે તો ખૂશ થવું જોઈએ. તમે એક પરિવારને આત્મહત્યા કરતા રોક્યો છે. જીવનદાન દીધુ છે. તમારા માટે જશ ખાંટવા જેવી વાત છે આ સાહેબ!’

નાથુની વાતથી ઘેલાણીનો અજંપો દૂર થઈ ગયો. નાથુતરત જ એક કડક મીઠી ચા લઈ આવ્યો. બંને વાતો કરતા બેઠા હતા ત્યાંજ ડોક્ટર ડાહ્યાલાલ હાંફળા ફાંફળા અંદર પહોંચ્યા, ‘સાહેબ ગજબ થઈ ગયો. કાન્તીએ ગઈ કાલે રાત્રે જ સામુહિક આત્મહત્યા કરી લીધી. આજે સવારે અમને પાડોશીઓને ખબર પડી. એ તમારા માટે એક પત્ર મુકી ગયો છે. કવર બંદ છે. એ આપવા અને જાણ કરવા આવ્યો છું.’
ઘેલાણીને લાગ્યુ જાણે માથા પર કોઈએ ઘણનો ઘા મારી દીધો છે. નાથુપણ હેબતાઈ ગયો હતો. ઘેલાણી એ પત્ર કાઢી વાંચવા લાગ્યા. કાન્તી લખતો હતો, ‘આદરણિય સાહેબ શ્રી, તમે કાલે મને બચાવ્યો એ બદલ આપનો આભાર! પણ સાહેબ સાચુ કહું અમે હવે જીવી શકીએ એમ નથી. એક પચ્ચીસો રૂપરડી કમાતા માણસ માટે પચ્ચીસ લાખનું દેવું ભરવું અશક્ય છે. હું તમને આપેલું વચન તોડું છું. મારે રોજ રોજ મારી પત્ની અને બાળકોને મરતા નથી જોવા એટલે એક જ વાર મારી રહ્યો છું. માફ કરશો. આપનો કાન્તી….’

ઘેલાણીએ આંખો મીંચી દીધી. બે ત્રણ આંસુ બહાર દડદડી આવ્યા, એ ધીમેથી બબડ્યા, ‘નાથુ, મેં તને કહ્યુ હતું ને કે આપણા હાથમાં સાલ્લી જશ રેખા જ નથી. આમા મારે ક્યાં મેડલો લઈ લેવાના હતા. બસ એક પરિવારને મરતો બચાવવાનો હતો. પણ એય કદાચ ભગવાનને ના ગમ્યુ…!’

સમાપ્ત

ભાગ એકની લિંક…..

https://gujjulogy.com/dark-secrets-raj-bhaskar-3/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *