Dark Secrets : પ્રકરણ – ૨ । રહસ્ય એક દારૂડિયાનું

 

Dark Secrets : ‘તમે અહીં જ ઉભા રહો અમે ચેક લઈને આવીએ છીએ. બહું બહું તો અડધો કલાક થશે.. બધું સેટીંગ છે જ ચીંતા ના કરશો… આપણે અડધો કલાક પછી કરોડપતિ હોઈશું.’  (Inspector Ghelani । Constable Nathu )

 

 

 

રીકેપ

(ઈન્સપેકટર ઘેલાણી (Inspector Ghelani) ના પોલીસ સ્ટેશનમાં એક દારૂડિયો આવીને બબડવા લાગે છે કે , સાહેબ મને બચાવી લો. મારે દારૂ નથી પીવો. ત્યારે તો નાથુ (Constable Nathu)એને કાઢી મુકે છે. પણ થોડા દિવસ પછી ફરીવાર એ જ દારૂડિયો બાબુ એમને ભટકાય છે. ફરી એજ વીનંતી કરે છે અને બેભાન થઈ જાય છે. ઘેલાણી અને નાથુ એને લઈને હોસ્પીટલ જાય છે. ત્યાં ખબર પડે છે કે એના નામે તો કરોડ રૂપિયાનો વીમો છે. બધાં સ્તબ્ધ થઈને ઉભા હોય છે ત્યાંજ નર્સ આવીને ખબર આપે છે કે કદાચ બાબુ ગુજરી ગયો છે. તરત જ ઘેલાણી અંદર દોડે છે….)

***

નાથુ, ડો.જયેશ અને સંજય ઓપરેશન થિયેટરની બહાર સ્તબ્ધ બનીને ઉભા હતા. ઘેલાણી ઓપરેશન થિયેટરમાં ગયા એ વાતને એક કલાકથી પણ વધારે સમય વીતી ચુક્યો હતો.

બાબુનું શું થયું એ જાણવા સૌથી વધુ આતુર હતો નાથુ. એને ખબર હતી કે બાબુ ગુજરી જશે તો આ આખો કેસ હેન્ડલ કરવામાં બહું મુશ્કેલી પડવાની છે. એની એક આંખ સામે બાબુનો પીધેલો ચહેરો તરવરી રહ્યો હતો અને બીજી આંખ ઓપરેશન થિયેટરના દરવાજા પર મંડાયેલી હતી.

આખરે બે કલાકે દરવાજાે ખુલ્યો. ઈન્સપેકટર ઘેલાણી અને એક ડોકટર બહાર આવ્યા. એમના ચહેરા વિલાયેલા હતા. નાથુએ નજીક જઈને પુછ્યુ, ‘સાહેબ શું થયું બાબુનું? જીવે છે કે મરી ગયો?’
‘હી ઈઝ ડેડ, ગુજરી ગયો એ.’ ઘેલાણીએ વીલે મોઢે જવાબ આપ્યો.

***

બાબુ ગુજરી ગયો. એની આગળ પાછળ કોઈ હતું જ નહીં. નાથુ એના મહોલ્લામાં જઈને ખબર આપી આવ્યો. બીજા દિવસે છાપામાં તસવીર સાથે જાહેરાત અપાઈ. બે દિવસ રાહ જાેઈ. પછી કોઈ વારસ ના થતા આખરે સરકારી રાહે અગ્ની સંસ્કાર કરાઈ ગયો.
બહું જ ઝડપથી બધું બની ગયું હતું. ઘેલાણી હજુ આ મુદ્દા પર શાંતિથી વિચાર કરે એ પહેલા જ બાબુ ચાલ્યો ગયો. કિસ્સો ખતમ થઈ ગયો. એનું રાઝ પણ એની સાથે જ ચિતામાં સળગીને રાખ બની ગયું. ઘેલાણી અને નાથુ ફરીવાર એમની ખખડધજ ફાંદ, ઉંઘ અને અપજશની દુનિયામાં ગુમ થઈ ગયા.

***

ઘટનાના પરથી ત્રણ મહિના તો હવાની લહેરખી જેમ ઉડી ગયા. રાતના સાડા બાર થયા હતા. અમદાવાદના પરા વિસ્તારમાં આવેલા એક બંગલાના ટેરેસ પર પાર્ટી ચાલી રહી હતી. વચ્ચો વચ્ચ એક મોટું ટેબલ પડ્યુ હતું. ટેબલ પર ત્રણ દારૂની બોટલ્સ, બિયરની પાંચ બોટલ્સ અને કાજુનું મંચિંગ પડ્યુ હતું. ટેબલની ફરતે છ લોકો બેઠા હતા. પાંચ પુરુષો અને એક સ્ત્રી. છમાંથી ત્રણ જુદા જુદા દારૂના અડ્ડાના માલિકો હતા. એકનું નામ ચીમન ચોટી, બીજાે હતો કરશન કાણિયો અને ત્રીજો હતો છોટુ છારો. સ્ત્રી હતી એ કરશનની પત્ની મીના હતી. બાકીના બે એક મોટી કંપનીના વીમા એજન્ટો હતા. ભુપેન્દ્ર સોલંકી અને કિરણ પટેલ. છ એ છ દારૂના નશામાં ચકચુર હતા.
છોટુ છારાએ એક ઝાટકે બીયરની આખી બોટલ ગટગટાવતા કહ્યુ, ‘દોસ્તો, કલ અપના કામ હો જાયેગા. કલ સે હમ લાખો પતિ હો જાયેંગે. વો બાબુ દારૂડિયે કા એક કરોડકા વીમા પાસ હો ગયા હૈ. કલ ચેક લેને જાના હૈ.’

‘સબ, તેરે ગંદે ભેજેકી કમાલ હૈ, તુને અગર યે ગેઈમ નહીં ખેલા હોતા તો અખ્ખી જિંદગી મેં દસ રુપયે કી પોટલી બેચતા રહેતા… કમાલ હૈ તેરા ભેજા…. ક્યાં દિમાગ ચલાયા હે.. બાબુકા વીમા ઉતરવા કે ઉસે મુફ્ત મેં દારૂ પીલા પીલા કે માર દીયા. ઔર કીસી કો પતા ભી નહીં ચલા, વાહ!’ કરશન કાણીયાએે લથડાતા શબ્દે કહ્યુ.

છોટુને મજા તો આવી પણ એ નવી દુલ્હન જેમ શરમાઈ ગયો, ‘અરે… યાર! ઠીક હૈ સબ! ઈસમેં મૈને કુછ નહીં કિયા. સબ કમાલ હમારે ભાઈ ભુપેન્દ્ર ઔર કિરનકા હૈ. અગર યે વીમા એજન્ટ નહીં હોતે ઔર હમારી ગેઈમમેં સાથ નહીં દેતે તો કુછ નહીં હોતા.’
ભુપેન્દ્ર અને કિરણે પણ નશામાં બકવાનું શરૂ કર્યુ, ‘અરે, ભાઈ યે સબ હમ સબકી મહેનત કા કમાલ હૈ. હમને અપના પેટ કાટકે દો સાલ તક એક એક લાખ કા પ્રિમિયમ ભરા હૈ વો ક્યુ ભુલ જાતે હો? દો સાલ કે ઈન્તજાર કે બાદ યે પૈસા મીલા હૈ.. જશ્ન મનાઓ યારો.. નાચો ગાઓ, એશ કરો… ’

ભુપેન્દ્ર અને કિરણ માથે બોટલ મુકીને ઉભા થઈને નાચવા લાગ્યા. બાકીના ચારે પણ એમની નકલ કરી… એમના દારૂથી ગંધાતા મુખમાંથી શબ્દો શરી રહ્યાં હતા, ‘હુડ..હુડ…. દબંગ..દબંગ …દબંગ…દબંગ…હુડ… હુડ દબંગ દબંગ દબંગ…..’

 

***

એક મોટી વીમા કંપનીના કાર પાર્કિંગમાં એક મોટી કાર આવીને ઉભી રહી. એમાંથી છ જણ નીચે ઉતર્યા. પાંચ પુરુષો અને એક સ્ત્રી. ચીમન, કરશન, છોટુ, ભુપેન્દ્ર, કિરણ અને મીના. ભુપેન્દ્રએ ઉતરતા વેંત ફરી વખત સમજાવ્યુ, ‘જાે જાે ભુલ ના થાય… કરશન તું બાબુનો મોટો ભાઈ છે અને મીના તું એની નાની બહેન. તમે એના વીમાની રકમના વારસદાર છો. ચેક તમને જ મળશે. આમ તો બધું જ સેટીંગ થઈ ગયું છે એટલે વાંધો નહીં આવે… પણ છતાંય ધ્યાન રાખજો’

પછી કિરણે ચીમન અને છોટુને સૂચના આપી, ‘તમે અહીં જ ઉભા રહો અમે ચેક લઈને આવીએ છીએ. બહું બહું તો અડધો કલાક થશે.. બધું સેટીંગ છે જ ચીંતા ના કરશો… આપણે અડધો કલાક પછી કરોડપતિ હોઈશું.’ કિરણ આંખ મિંચકારીને આગળ વધી ગયો.

કિરણ અને ભુપેન્દ્રએ ખરેખર ખુબ ઉંચા સેટીંગ કરી રાખ્યા હતા. વીસ જ મીનીટમાં એનુ તમામ કામ પતિ ગયુ અને કરોડ રૂપિયાનો ચેક કરશનના હાથમાં આવી ગયો. ચેક હાથમાં આવતા જ ચારેય ના ચહેરા પર ગજબની શાંતિ ફરી વળી.

ખુશીને મનમાં જ ધરબી દઈ એ લોકો સાવ હળવેથી પગથિયા ઉતરવા લાગ્યા. પહેલું, બીજુ અને ત્રીજુ પગથિયુ ઉતરતા જ એમનો તમામ ઉન્માદ ખતમ થઈ ગયો. એમની આગળ ઘેલાણી અને નાથુ રિવોલ્વર તાકીને ઉભા હતા, ‘દોસ્તો તમારો ખેલ ખતમ થયો. યુ આર અન્ડર એરેસ્ટ!’

ચારેયના પગ તળેથી જમીન સરકી ગઈ. બહાર પણ એવી જ હાલત હતી. ગાડી પાસે ઉભા રહીને આ લોકોની રાહ જાેતા ચીમન અને છોટુની પણ પોલીસે ઘરપકડ કરી લીધી હતી. થોડીવાર પહેલા કરોડપતિ બની ગયેલા છએ છ જણ અત્યારે કોટડી-પતિ બની ગયા હતા. અકોલી પોલીસ સ્ટેશનની કાળ કોટડીમાં છ એ છ જણ કેદ હતા.

ઘેલાણીએ ડંડા મારી મારીને એમની પાસેથી બધી જ કબુલાત કરાવી લીધી હતી. એમણે કબુલી લીધું હતું કે આ આખી ગેઈમમાં એ છ એ છ જણ ભાગીદાર હતા. દારૂના અડ્ડા ચલાવતા ચીમન, કરશન અને છોટુએ બાબુનો વીમો ઉતરાવીને એને દારૂ પાઈ પાઈને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. બે વીમા એજન્ટો ભુપેન્દ્ર અને કીરણે એમને સાથ આપ્યો હતો. ખોટા ડોક્ટરી સર્ટીફિકેટ્સ અને વારસદારો ઉભા કરવાનું કામ એમણે કર્યુ હતુ. ઉપરાંત વીમા કંપનીના બીજા કેટલાંક લોકો પણ આ કૌભાંડમાં સંડોવાયા હતા. આ છએ લોકોએ બે વર્ષ પહેલા બાબુનો વીમો લીધો હતો. બે વખત લાખ લાખ રૂપિયાનું પ્રિમિયમ બાબુના નામે એમણે જ ભર્યુ હતું. બધા પૈસાદાર નહોતા. કોઈએ પોતાનું સ્કુટર વેચીને, કોઈએ સોનાની ચેઈન વેચીને તો કોઈએ મજુરી કરીને ભાગે પડતા પ્રિમિયમના પૈસા આપ્યા હતા. એમને હતું બે જ વર્ષનો પ્રશ્ન છે પછી કમસે કમ વીસ લાખ રૂપિયા ભાગે આવવાના હતા. પ્લાન મુજબ બાબુને મફતમાં દારૂ પીવરાવી પીવરાવીને મારી નાંખવાનો હતો. બાબુએ શરૂઆતમાં તો બહુ દારૂ પીધો પણ પછી એને ક્યાંકથી એમના બદ્ઈરાદાની ખબર પડી ગઈ એટલે એ દારૂ પીવાનો ઈન્કાર કરતો હતો. પણ આ લોકો જબરદસ્તી એને દારૂ પીવરાવતા એટલે બાબુ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. બસ ત્યારથી આ લોકોના પ્લાનીંગમાં પહેલી તિરાડ પડી અને આખરે ઘેલાણીના તેજ દિમાગને કારણે એ લોકો અત્યારે પકડાઈ ગયા.

ધેલાણી ખુબ ખૂશ હતા. કબુલાત ચોપડે નોંધી એ બહાર નીકળ્યા ત્યાંજ છોટુ છારાએ એમને ધમકી આપી, ‘એય ઈન્સપેકટર, તું ઐસા મત સમજના કી હમ કોર્ટમેં ભી સબ કુબુલ કર લેંગે… એક બાત યાદ રખના… ઈસકા કોઈ ગવાહ નહીં હૈ, ઔર હમારે હાથ બહુત લંબે હૈ… બહુત લંબે સમજા! હા… હા….હા..’

ઘેલાણી મર્માળુ હસીને બહાર નીકળી ગયા.

***

ઘેલાણી અને નાથુ આ ખૂશ ખબર આપવા અને આગળની કાર્યવાહી કરવા માટે કમિશ્નર સાહેબની ઓફિસે જઈ રહ્યાં હતા. નાથુએ ગાડી ડ્રાઈવ કરતા કરતા પૂછ્યુ , ‘સાહેબ, હવે તો કહો કે આખરે તમે કઈ રીતે આ લોકોને પકડ્યા. આમ અચાનક તમને કેવી રીતે ખબર પડી ગઈ કે આ લોકો આજે બાબુનો ચેક લેવા જવાના છે?’

‘નાથુ, ડાબી તરફ લઈ લે… એક માણસને આપણે કમિશ્નર સાહેબની ઓફિસે સાથે લઈ જવાનો છે.’ ઘેલાણીએ મોજમાં માથુ ધુણાવતા ધુણાવતા કહ્યુ. નાથુએ ગાડી ડાબી સાઈડ લઈ લીધી પછી બોલ્યો, ‘કહો ને સાહેબ! શું ગેઈમ પ્લાન હતો તમારો.’

ઘેલાણીએ એમના કોલર સ્હેજ ઉંચા કર્યા અને મૂંછને તાવ દેતા બોલ્યા, ‘નાથુ, એના માટે દિમાગ જાેઈએ. અને એય પાછુ અડધી કીકે ચાલું થઈ જાય એવું. તે દિવસે તમે મને કહ્યુ કે બાબુનો એક કરોડ રૂપિયાનો વીમો છે. આપણે વાતો કરતા હતા ત્યાંજ નર્સે આવીને કહ્યુ કે કદાચ બાબુ ગુજરી ગયો છે. બસ એ અડધી કીકે મારુ દિમાગ દોડતું કરી દીધું. મેં વિચાર્યુ બાબુ મરી જશે પછી તો જેણે વીમો ઉતરાવ્યો હશે એ લોકો ક્લેઈમ કરશે જ અને પૈસા લેવા આવશે. પણ હું અંદર ગયો ત્યારે બાબુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. આખરે કલાક પછી ડોક્ટરે કહ્યુ કે બાબુ હવે જોખમથી બહાર છે.

એ જ વખતે મારા દિમાગમાં આઈડિયા આવ્યો. મે ડોક્ટરને આખો કેસ સમજાવીને બાબુને મૃત જાહેર કરવા વિનંતી કરી. કારણ કે મને શક હતો કે જાે બાબુ જીવશે અને આપણે તપાસ કરીશું તો નક્કી ગુનેગારો ચેતી જશે. ડોકટરે મારા પ્લાનમાં સાથ આપ્યો. બીજા દિવસે આપણે છાપામાં જાહેરાત આપી જેથી ગુનેગારોને યકીન થઈ જાય કે એ મરી ગયો છે. અને એ લોકો ક્લેઈમ કરે.’

‘હેં … એટલે કે બાબુ જીવતો છે એમ? તો પછી પેલી લાશ?’

‘અરે ગાંડા, પાડોશીઓ સાથે મળીને બાળી એ તો નકલી લાશ હતી. બાબુ હજુ જીવતો છે. આપણે અત્યારે એને લેવા જ જઈ રહ્યાં છીએ.’
‘જાેરદાર હોં સાહેબ! તમે નક્કી શિર્સાસન કરવાનું ચાલું કર્યુ લાગે છે.’

‘હા, મારો મેળ એમા પડી જાય.. પણ તારે તો શિર્સાસન કરે ય મેળ પડે એમ નથી…. તું રોંગ સાઈડમાં ઘુસી રહ્યો છે ડોબા….’
નાથુએ ગાડી રાઈટ સાઈડ લીધી. અને કહ્યુ, ‘સાહેબ, આ વખત તો કમિશ્નર સાહેબ તમને જરૂર શાબ્બાશી આપશે.’
‘હા, કેમ નહીં વળી. આપણે કામ જ એવુ કર્યુ છે. અને હા, પેલા નાલાયકો ધમકી આપતા હતા ને કે કોઈ સાક્ષી નથી. હું ખુદ બાબુને જ એમની સામે ઉભો કરી દઈશ… એમના તો મોતિયા મરી જશે.. હા…હા…હા…’ એમની સાથે નાથુ પણ હસી પડ્યો.
***
ઘેલાણી, નાથુ અને બાબુ કમિશ્નર પી.કે. પંડ્યાની ઓફિસમાં બેઠા હતા. આખીયે વાત સાંભળ્યા પછી પણ કમિશ્નર સાહેબના ચહેરાનો રંગ નહોતો બદલાયો. ઘેલાણીને હતું કે એ ઉભા થઈને એમને ભેટી પડશે અને એમની પીઠ થાબડશે. પણ એના બદલે કમિશ્નર સાહેબ ઉકળી ઉઠ્યા,

‘ઘેલાણી તમેય યાર જ્યારે આવો છો ત્યારે માથાનો દુખાવો લઈને આવો છો.’

‘કેમ શું થયુ સાહેબ! આટલો મોટો કેસ સોલ્વ કર્યો તોયે તમે આમ કેમ બોલો છો?’

‘ધૂળ મોટો કેસ સોલ્વ કર્યો? તમારા કરતુતો માટે મને ઉપરથી ક્યારનોયે ફોન આવી ગયો. તમને ખબર છે તમે જેને પકડયા છે એ ત્રણેય છારા નગરના મોટા ડોન છે . વર્ષોથી એ લોકો છારા નગરમાં દેશી દારૂના અડ્ડાઓ ચલાવે છે. આટલા વર્ષોમાં કંઈક કમિશ્નરો અને પોલીસો આવીને ગયા, પણ દેન છે કોઈની કે એ અડ્ડાઓ બંદ કરાવે. લાખ્ખોના હપ્તાઓ છેક ઉપર સુધી પહોંચે છે. વીમા કંપની સાથે મારે વાત થઈ ગઈ છે. એ લોકો સાથે વહેવાર થઈ ગયો છે. કોઈ કેસ નથી કરવાનો. હવે તમે એમને છોડી દો એટલે વાત પતે..’
‘પણ સર, આ લોકોને પકડવા મેં રાત દિવસ એક કર્યા છે.’ ઘેલાણીની આંખમાં ઝળઝળિયા આવી ગયા.

કમિશ્નર સાહેબ તાડુક્યા, ‘તે મેં તમને કહ્યુ તું કે રાત દિવસ એક કરો. સરસ ખૂરશી આપી છે, પંખો આપ્યો છે. અને ભગવાને ફાંદ પણ આપી છે. એના પર હાથ મુકીને ઉંધ્યા કરોને. શા માટે અમારી ઉંઘ ખરાબ કરો છો.’ પછી કમિશ્નર સાહેબ બાબુ તરફ ફર્યા, ‘ભાઈ, તારે પણ જીવવું હોય તો આ શહેર છોડીને ચાલ્યો જા…. સમજ્યો.’ બાબુએ માથુ ધુણાવી હા પાડી. ઘેલાણી અને નાથુ સલામ ઠોકી બહાર નીકળી ગયા, આખા રસ્તે ઘેલાણી એક જ વાત બબડતા રહ્યાં, ‘સાલુ, ભગવાને આપણા હાથમાં જશની રેખા જ નથી દોરી….’

સમાપ્ત

Dark Secrets । Raj Bhaskar । Inspector Ghelani । Constable Nathu । Part 2

ભાગ – ૧

https://gujjulogy.com/dark-secrets-raj-bhaskar-darudiyo/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *