Dark Secrets : પ્રકરણ – ૧ | રહસ્ય એક દારૂડિયાનું

Dark Secrets : ઘેલાણી (Inspector Ghelani ) અને નાથુ (Constable Nathu ) ચાની કીટલીએ ઉભા હતા ત્યાંજ પેલો દારૂડિયો આવીને એમની સામે ખડો થઈ ગયો, ‘સાહેબ, સાહેબ ! મને બચાવી લો! મારે મરવુ નથી… મારે દારૂ નથી પીવો… એ લોકો મને મારી નાંખશે….!’

Dark Secrets  darudiya nu rahasya

બપોરના અઢી વાગ્યા હતા. આકાશમા કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. અકોલી પોલીસ સ્ટેશના ઈન્સપેકટર ઘેલાણી અને નાથુ વામકુક્ષી પછીની નીંદર માણી રહ્યાં હતા. ત્યાંજ ઘડામ દઈને એક અવાજ આવ્યો અને ઘેલાણી અને નાથુની નીંદર ઉડી ગઈ. બંનેએ ચીડાઈને અવાજની દિશામાં જોયુ.

એક લઘરવઘર માણસ દરવાજામાં પછડાયો હતો. નાથુ ગાળ કાઢવા જતો હતો ત્યાંજ પેલો માણસ ઉભો થયો અને દેવદાસના શાહરૂખ ખાનના અવાજમાં હસતા હસતા બોલ્યો અને લથડાતી ચાલે અંદર આવ્યો, ‘ગીર ગયે… ગીર ગયે…’

નાથુ (Constable Nathu )થી રહેવાયુ નહિ, ‘ગીર ગયે વાળી…! કોણ છે તું….? સાલા દારૂ પીને અંદર આવે છે, અંદર કરી દઈશ!’ પણ ત્યાં સુધી એ ઓલરેડી અંદર આવી ચુક્યો હતો. જાણે નાથુ પી બબડાટ કરી રહ્યો હોય એમ એણે એની સામે દયામણા ચહેરે જાેયુ અને એની વાતને કાનસરો આપ્યા વગર જ ઘેેલાણીના ટેબલ પર આવીને સામેની ખૂરશીમાં બેસી ગયો. તરત જ ઘેલાણીએ અમિતાભનો ફેમસ ડાયલોગ ફટકારી દીધો, ‘જબ તક બૈઠનેકે લીયે ન કહા જાયે શરાફત સે ખડે રહો…’

પેલો માણસ અદબવાળી ઉભો રહી ગયો. ઘેલાણીએ આંખ લાલ કરી, ‘કોણ છે? સાલા…દારૂ પીને પોલીસ સ્ટેશનમાં આવે છે… ખબર નથી પડતી, ગુજરાતમાં દારૂ બંદી છે?’

દારૂડિયાએ સાહેબ સામે જોયુ અને બે હાથ જોડીને કરગરી પડ્યો, ‘ સાહેબ, એટલે જ આવ્યો છું. મારે દારૂ નથી પીવો. તમે કંઈક કરો, હું વધારે દારૂ પીશ તો…… ’

ઘેલાણી (Inspector Ghelani ) નો પિત્તો ફાટી ગયો હતો. એમણે પેલાને તમાચો જડી દીધો, ‘સાલા, આ તે કંઈ દારૂ છોડાવવાની દુકાન છે. ચાલ ભાગ અહીંથી!’ પછી એમણે બાજુમાં ઉભેલા નાથુ તરફ જોયુ, ‘નાથુ, આ બદમાશને અહીંથી લઈ જા. મારે આવા નાના નાના કેસોમાં નથી પડવું નહીંતર આને બરાબરનો સબક શીખવાડત.’

‘ફિકર નોટ સાહેબ! મૈં હું ના! ’ નાથુ એ પેલાને કોલરેથી પકડ્યો. એના મોંમાંથી ભયંકર દુર્ગંધ આવતી હતી. એણે એટલો બધો દારૂ પીધો હતો કે એ સરખી રીતે ઉભો પણ નહોતો રહી શકતો. નાથુએ એને બહાર ઘસડ્યો. એ જોર જોરથી બબડી રહ્યો હતો, ‘સાહેબ, મારી વાત તો સાંભળો. મારે દારૂ નથી પીવો… મારી મદદ કરો… નહીંતર હું મરી જઈશ.. એ લોકો મને મારી નાંખશે…….’

દારૂડિયો ગયો એ વાતને દસેક મિનિટ થઈ ગઈ હતી પણ હજુ એના શબ્દો ઘેલાણીના કાનમાં પડધાઈ રહ્યાં હતા, ‘સાહેબ, મારી મદદ કરો… નહીંતર હું મરી જઈશ…. એ લોકો મને મારી નાંખશે..’

નાથુ એમની સામે જ બેઠો હતો. એમણે નાથુને કહ્યુ , ‘ નાથુ, પેલો દારૂડિયો એમ કહેતો હતો કે એને કોઈ મારી નાંખશે. મને દાળમાં કંઈક કાળુ લાગે છે.’

નાથુએ કહ્યુ, ‘ફિકર નોટ સાહેબ! આ દાળનો નહીં દારૂનો મામલો છે. દારૂડિયાઓના બબડાટ પર બહું વિશ્વાસ ના કરવો. આ લોકો કદી સુધરવાના નથી. તાજેતરની જ વાત કરુ. આપણા નવાનગર પોલીસ સ્ટેશના ઈન્સપેકટર શર્માએ થોડા સમય પહેલા દારૂડિયાઓને સુધારવાનુ એક અભિયાન ચલાવેલુ. એક દિવસ પાંચ સાત દારૂડિયાઓને લઈને એમણે એક પ્રયોગ કર્યો. એક ગઘેડો લાવ્યા. એની સામે એક ડોલમાં દારૂ મુક્યો અને બીજી ડોલમાં પાણી મુક્યુ. ગઘેડાને પહેલા દારૂની ડોલ ધરી. પણ એ દારૂ સુંઘીને જ દૂર હટી ગયો. એણે દારૂ ના પીધો. પછી પાણીની ડોલ મુકી. એ તરત જ બધું જ પાણી પી ગયો.

પ્રયોગ બાદ ઈન્સપેકટર સાહેબે દારૂડિયાઓને પુછ્યુ, ‘બોલો તમે આમાંથી શું શીખ્યા?’ પાંચે પાંચ દારૂડિયાઓ એક અવાજે બોલ્યા, ‘સાહેબ અમે સમજી ગયા કે ફક્ત ગધેડા હોય એ જ દારૂ પીતા નથી. અમે તો માણસ છીએ અમારે તો પીવો જ જોઈએ.’
નાથુની વાત સાંભળી ઘેલાણી ખડખડાટ હસી પડ્યા. અલબત પેલા દારૂડિયાના શબ્દો તો એમના આંતર મનમાં હજુ જેમના તેમ અંકાયેલા જ હતા, ‘સાહેબ મને મદદ કરો… આ લોકો મને મારી નાંખશે.’

***
સાંજનો સમય હતો. વરસાદની ઝરમર ચાલુ હતી. ઘેલાણી અને નાથુ ચાની કીટલીએ ઉભા હતા ત્યાંજ પેલો દારૂડિયો આવીને એમની સામે ખડો થઈ ગયો, ‘સાહેબ, સાહેબ ! મને બચાવી લો! મારે મરવુ નથી. મારે દારૂ નથી પીવો. એ લોકો મને મારી નાંખશે…. મહેરબાની કરો સાહેબ!’

એને જાેઈને નાથુ ચોંકી ઉઠ્યો, ‘અરે, સાહેબ! આ તો પેલો ચાર દિવસ પહેલા આવ્યો હતો એ જ દારૂડિયો છે!’ અને પછી એનુ બાવડુ પકડીને બોલ્યો, ‘એય, સાલા! તુ પાછો આવી ગયો? લાગે છે હવે તારા હાડકા ખોખરા કરવા જ પડશે.’

પણ એણે બાવડુ જાલ્યુ એ સાથે જ પેલો ઢગલો થઈને નીચે પડી ગયો. નાથુ અને ઘેલાણી બંને નીચે ઝુક્યા, એને ઢંઢોળ્યો. પણ એ ઉભો ના થયો. એના મોઢામાંથી દેશી દારૂની ભયંકર વાસ આવી રહી હતી. કપડાં ફાટી ગયા હતા. એ બેભાન થઈ ગયો હતો.

નાથુએ બાજુની કીટલી પરથી પાણી મંગાવી એના પર છાંટ્યુ, પણ એ ભાનમાં ના આવ્યો. એની છાતી રેલ્વેના એન્જિન જેમ હાંફી રહી હતી. એ રીતસરનો તરફડી રહ્યો હતો.

ઘેલાણીએ એની હાલત જાેઈને કહ્યુ, ‘નાથુ લાગે છે કે આ માણસ હવે બહુ નહીં જીવે. તું ફટાફટ એના ખિસ્સા ફંફોસ. એનું સરનામું – બરનામુ મળે તો એના ઘરે જાણ કરી દઈએ. હું એકસો આઠમાં ફોન કરુ છું. દારૂડિયો તો દારૂડિયો આખરે એ માણસ તો છે ને.’
નાથુએ તરત જ એના ખિસ્સા ફંફોસવા માંડયા અને ઘેલાણીએ એકસો આઠમાં ફોન કર્યો. ખિસ્સામાંથી એક જુની ચોપડીવાળુ એક્સપાયર થઈ ગયેલું લાયસન્સ નીકળ્યુ. નાથુએ નામ-સરનામુ વાંચ્યુ, ‘બાબુભાઈ ભીખાભાઈ પરમાર, રોહિતદાસની ચાલી, કુબેરનગર, છારાનગર પાસે , અમદાવાદ. ’

થોડી જ વારમાં એકસો આઠ પણ આવી ગઈ અને એને લઈને સિવીલ હોસ્પીટલ ભણી દોડી ગઈ. એકસો આઠ ગઈ એટલે નાથુએ કહ્યુ, ‘ચાલો સાહેબ! આપણે આપણુ કામ પતાવીએ. પેલા દારૂડિયાના ઘરે કોઈકને મોકલી આપુ છું. આપણે આવા નાના કેસમાં નથી પડવું.’
પણ ઘેલાણીના મગજમાં અત્યારે કંઈક બીજુ જ ચાલી રહ્યુ હતુ. એ બોલ્યા, ‘ના.. નાથુ. આ કેસ મને નાનો નથી લાગતો. જરૂર એ દારૂડિયા માણસની પાછળ કોઈક પડ્યુ છે. હું સીવીલ જાઉં છુ અને તું ફટાફટ એના ઘરે જાણ કરીને ત્યાં આવી જા.’ અને બંને છુટા પડ્યા.

***

ધેલાણી સિવિલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં ઉભા હતા. ડોકટરે બાબુને તપાસીને કહી દીધુ હતુ કે અતિશય દારૂ પીવાને કારણે એનું લીવર ફેઈલ થઈ ગયુ છે. કિડનીઓને પણ બહું નુકસાન થયુ છે. એના બચવાના ચાન્સ બહું ઓછા છે.

એટલી વારમાં નાથુ બાબુના ઘરે તપાસ કરીને આવી ગયો. એણે ઘેલાણીને માહિતી આપી, ‘સર, બાબુના ઘરે તો કાગડા ઉડતા હતા. પાડોશી પાસેથી જાણવા મળ્યુ કે એની આગળ પાછળ કોઈ નથી. પાંચ વર્ષ પહેલા પત્ની અને બાળકો એક અકસ્માતમાં ગુજરી ગયા ત્યારથી એ દારૂની લતે ચડી ગયો છે. પહેલા તો ઓછું પીતો હતો. પણ હમણા છ મહિનાથી એ બહું દારૂ પીવા લાગ્યો હતો. સવારે ઉઠે ત્યારથી જ દારૂ પીવાનું શરૂ કરી દે છે.’

‘ઓ.કે, પણ એની હાલત બહું ગંભીર છે. ડોક્ટરો પ્રયત્ન કરી રહ્યાં છે. બચી જાય તો સારુ!’

‘સાહેબ, બિચારો એકલો છે. દુઃખી છે. જીવશે તોયે મોતથી બદતર જિંદગી ગુજારવી પડશે. એ કરતા….’ નાથુ અટકી ગયો.
‘એવુ નથી નાથુ! તે સાંભળ્યુ નહીં. આપણને એ બે વખત મળ્યો ત્યારે બંને વખત એ કહેતો હતો કે સાહેબ, મારે દારૂ નથી પીવો… મારે મરવું નથી. .. એ લોકો મને મારી નાંખશે … મને બચાવી લો…! એનો અર્થ એ થયો કે એને જીવવું છે પણ કોઈ એને મારી નાંખવા માંગે છે. મારે જાણવું છે કે એને કોણ મારી નાંખવા માંગે છે અને એમાં એનો શું ફાયદો હોઈ શકે… કદાચ કોઈ મોટુ રેકેટ હોય તો આપણ જીત થાય અને એનો જીવ બચે..’

‘ કહેવુ પડે હોં સાહેબ!’ નાથુ એ ટુંકમાં જ પતાવ્યુ. ઘેલાણી મર્માળુ હસ્યા અને બોલ્યા, ‘નાથુ, તું અહીં બેસ! હું જરા અંદર ડોકટરને મળીને આવુ છું. ’

‘ઓ.કે સર! તમને વાંધો ના હોય તો હું પણ મારા એક ઓળખીતા ડોકટર અહીં છે એમને મળતો આવુ. બસ પાંચ મીનીટ હાય હલ્લો કરીને આવું છુ.’
‘ઓ.કે જલ્દી આવજે…’

***

ડો.જયેશ અને એમના મિત્ર એમની કેબીનમાં બેઠા હતા ત્યાંજ નાથુ અંદર પ્રવેશ્યો. ડો.જયેશે નાથુને આવકાર્યો અને બાજુમાં બેઠેલા એમના મિત્રનો પરિચય પણ કરાવ્યો, ‘નાથુ, આ છે મારા મિત્ર સંજયભાઈ શર્મા. સંજયભાઈ અમદાવાદના સૌથી મોટા વીમા એજન્ટ છે.’ બંને એ શેહહેન્ડ કર્યુ.

ડો. જયેશે કહ્યુ, ‘નાથુ એક પાંચ મીનીટ. હું મારુ કામ પતાવી લઉં.’

‘ચોક્કસ! નેવર માઈન્ડ! ’ નાથુએ કહ્યુ એટલે ડો. જયેશ એમના કામમાં પરોવાયા. એમણે એમના મિત્ર સંજયભાઈને ઉદેશીને કહ્યુ, ‘એક છેલ્લુ નામ ચેક કરી લો. મિ. ધનરાજ જોગીદાસ શેઠ.. આંબાવાડી, અમદાવાદ.. એમનો કેટલો વિમો છે જરા ચેક કરી આપો. પછી આપણે ત્રણે શાંતિથી ચા પીએ.’

‘સંજયભાઈએ તરત જ કોમ્પ્યુટર પર નામ એન્ટર કર્યુ અને બોલ્યા,‘ ધનરાજ શેઠને પચાસ લાખ રૂપિયાનો વીમો છે.’

નાથુને થોડી નવાઈ લાગી. એણે કુતુહલ વશ જ પુછી લીધુ, ‘સાહેબ, આ કંઈ નવી સાઈટ શરૂ થઈ છે કે શું? તમે નામ નાંખો અને એ વ્યક્તિને કેટલા રૂપિયાનો વિમો છે એ ખબર પડી જાય… ’

ડો. જયેશ એના તરફ ફર્યા, ‘ના ભાઈ ના, એવી કોઈ સાઈટ શરૂ નથી થઈ. આ તો સંજયભાઈ જેવા મોટા વિમા એજન્ટોને એવી ફેસેલિટી મળે છે કે તેઓ ગમે ત્યારે ગમે તેનુ નામ નાખીને એનો કેટલો વિમો છે એ જાણી શકે.’

‘એ તો બહું સરસ કહેવાય મારુ જાણી શકાય?’

‘હાસ્તો બોલ… કેમ નહીં બોલો તમારુ નામ?’ જવાબ જયેશને બદલે સંજયભાઈએ જ આપ્યો. નાથુએ એનું નામ કહ્યુ એટલે તરત જ સંજયભાઈ એ કોમ્પ્યુટરમાં એન્ટર કર્યુ અને થોડી જ વારમાં કહી દીધુ, ‘નાથુ સાહેબ, તમારે પાંચ લાખનો વીમો છે. થોડો વધારે ઉતરાવી લો. અત્યારે પાંચ લાખમાં તો સારી કાર પણ નથી મળતી. ’

નાના બાળકને થપ્પો રમવાની મજા આવે એવી જ મજા નાથુને આવી રહી હતી. એને મજાક કરવાનુ મન થયુ. એ બોલ્યો, ‘સંજયભાઈ મારા એક મિત્ર છે. બાબુભાઈ ભીખાભાઈ પરમાર.. એનું જરા જુઓ તો.’

નાથુએ જાણી જાેઈને પેલા દારૂડિયા માણસનું નામ કહ્યુ. સંજયભાઈએ તરત જ નામ એન્ટર કર્યુ અને બોલ્યા, ‘તમારા મિત્ર તો કરોડપતિ લાગે છે. પૂરા એક કરોડ રૂપિયાનો વિમો છે એમનો.’

અને જાણે કોઈએ કાનની બીલકુલ પાસે પાંચસો પંચાવનના બોમ્બનો ધડાકો કર્યો હોય એમ નાથુ ચોંકી ગયો, ‘વ્હોટ? એક કરોડનો વિમો અને બાબુનો. ઈટ્સ ઈમ્પોસિબલ..’

ડો.જયશે અને સંજયભાઈને કંઈ સમજાયુ નહીં. એમણે પુછ્યુ, ‘અરે, ભાઈ કેમ ના હોય? કરોડ રૂપિયા અત્યારે સાવ સામાન્ય વાત છે.’
નાથુ બોલ્યો,‘સામાન્ય વાત છે પણ કોઈ દારૂડિયા માટે નહીં. અરે મેં તમને જે નામ કહ્યુ એને તો ખાવા ના પણ સાંસા છે. આગળ પાછળ કોઈ છે નહીં. છારાનગર પાસેની ઝુંપડ પટ્ટીમાં રહે છે અને દારૂડિયો છે. અત્યારે એ આ જ હોસ્પીટલમાં જીવન – મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.’
નાથુની વાત સાંભળી ડો.જયેશ અને સંજયભાઈ પણ ચોંકી ઉઠ્યા. વાત ગંભીર હતી. કંઈક જરૂર રંધાઈ રહ્યુ હતુ. ત્રણેય તરત જ ઈન્સપેકેટર ધેલાણી પાસે આવ્યા. આ વખતે સંજયભાઈના બદલે નાથુએ ઘેલાણી સાહેબના કાન આગળ બોમ્બ ફોડ્યો, ‘સાહેબ, તમને એક અદ્ભુત માહિતી આપુ. આ દારૂડિયા બાબુનો એક કરોડ રૂપિયાનો વીમો છે.’

નાથુની વાત સાંભળી ઘેલાણી ચોંકી તો ગયા જ પણ પછી તરત જ એ સ્વસ્થ થઈ ગયા. એમણે માથે પહેરેલી કેપને શેરલોકની અદાથી ત્રાંસી કરી અને બોલ્યા, ‘ નાથુ, મેં તને કહ્યુ હતું ને કે કંઈક ગંભીર બાબત છે. આ દારૂમાં કંઈક કાળુ છે અને એ કાળુ શું છે એ હું શોધને જ રહીશ….’

‘ફિકર નોટ સાહેબ! મૈં હું ના! બાબુ ભાનમા આવે એટલે આ આખાયે ખેલ પરથી પરદો હટી જશે. આપણે બંને સાથે મળીને એ કાળુ અને કાળમુખો બંને શોધી કાઢીશુ..’

ત્યાંજ અંદરથી એક નર્સ દોડતી બહાર આવી અને બોલી, ‘ઈન્સપેકટર સાહેબ, તમને ડોક્ટર અંદર બોલાવે છે.’

‘કેમ શુ થયુ?’

‘ચોક્કસ તો ખબર નથી. પણ કદાચ બાબુ ગુજરી ગયો.’ અને નર્સ અંદર દોડી ગઈ. ઈન્સપેકટર ધેલાણી પણ હાંફળા ફાંફળા એની પાછળ દોડયા.’

 

ક્રમશઃ

દારૂડિયા બાબુનો વીમો કોણે ઉતરાવ્યો? ખુદ બાબુએ કે પછી બીજા કોઈએ? બાબુ મરી જશે તો પછી આ રહસ્યો પરથી પરદો કેવી રીતે દૂર થશે? આ બધા પ્રશ્નોનો જવાબ બીજા ભાગમાં…..
Dark Secrets । Raj Bhaskar । Inspector Ghelani । Constable Nathu । Part 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *