Dark Secrets | એમનું ધ્યાન નેકલેસને બદલે ધરતીના સુરાહી જેવા ગળા પરથી લસરીને ઉંડે ઉતરતું જતું હતું.માંડ માંડ ધ્યાનને પાછુ વાળીને એમણે ધરતીને એક નેકલેસનું સજેશન આપ્યુ.’
અજય જ્વેલર્સના માલિક જીગ્નેશભાઈ પટેલની દુકાન એસ.જી.હાઈવે પર હતી. ધંધો જામેલો હતો. રોજ સવારે જીગ્નેશભાઈ અને એમના બે નોકરો કિરણ અને ભુપેન્દ્ર દુકાને પહોંચી જતા. કામવાળી બાઈ કચરા પોતા કરતી, પછી જીગ્નેશભાઈ પૂજા કરતા અને રાઈટ સાડા દસ વાગ્યે એમની ખુરશીમાં ગોઠવાઈ જતાં.
આજે પણ એવું જ થયું. જીગ્નેશભાઈ પૂજા કરીને ખુરશીમાં ગોઠવાયા એ સાથે જ એક યુગલ દુકાનમાં પ્રવેશ્યુ. યુવતી લગભગ પચ્ચીસ છવ્વીસ વર્ષની હતી અને યુવક ત્રીસની આસપાસનો. દેખાવ પરથી જ એ લોકો ગર્ભ શ્રીમંત લાગતા હતા.જીગ્નેશભાઈ ખૂશ થઈ ગયા, થડા પર બેસતા વેંત ગ્રાહક આવી ગયા હતા. આજે સવાર સવારમાં જ બોણી થઈ જશે. એમણે યુગલને આવકાર્યુ, “ પધારો પધારો, હું તમારી શું સેવા કરી શકું.?”
બંને ખુરશીમાં ગોઠવાયા. યુવકે જિન્સ – ટીશર્ટ અને યુવતીએ એકદમ લુઝ ટોપ અને સીલ્કનુ સ્કર્ટ પહેર્યુ હતુ. જીગ્નેશભાઈની નજર એના પર પડી તે પડી જ રહી. એનુ અનુપમ સૌદર્ય જોઈને એ આભા બની ગયા હતા. એમના નોકર કિરણ અને ભુપેન્દ્ર પણ મોં વકાસીને એને તાકી રહ્યાં હતા. જીગ્નેશભાઈની નજર એના ચહેરા પરથી સરકતી સરકતી આખાયા બદન પર ફરી વળી. અનાયાસે એમના હોઠ પર જીભ ફરી વળી. એ જાણે એના સૌદર્યના ઘનઘોર જંગલમાં ખોવાઈ ગયા હતા.
આખરે યુવતીએ છાતી પરના ટચુકડા દુપટ્ટાને ઉંચો કરીને પાછળ ફંગોળતા કહ્યુ,
“ શેઠજી ક્યાં ખોવાઈ ગયા? મારે નેકલેસ જોઈએ છીએ. બતાવશો પ્લીઝ?”
“ જી… હાં… હાં … કેમ નહિં….” જીગ્નેશભાઈ ગોખલાઈ ગયા. એમણે નજરને એની છાતી પર જ ખોડેલી રાખતાં નોકરને કહ્યુ,“ કિરણ, નેક્લેશના બોક્સ લાવ તો જરા.”
લગભગ ચાર પાંચ નેકલેસ જોયા પછી. યુવતી કાચના કાઉન્ટર પર કોણીઓ ટેકવીને કાંતિભાઈના મોં સુધી ઝુકી ગઈ. અને મોઢું મચકોડતા બોલી, “ આ તો બધી જુની ડિઝાઈન્સ છે. લાગે છે તમને સુંદર ચીજો પસંદ નથી એટલે જ હજું આ જુનો માલ બતાવો છો. કાંઈક નવો માલ બતાવો તો જોનારાને પણ મજા આવે. મારા બિઝનેસમાં હું હંમેશા ગ્રાહકને ફ્રેશ માલ જ બતાવું છુ. એને જોતા વેંત જ ગમી જાય. ના જ ના પાડી શકે.”
જીગ્નેશભાઈ મનમાં બોલ્યા તમારા માલ આગળ અમારા માલનું શું ગજું? પછી યુવતી સામે ધંધાદારી સ્મીત રેલાવતા બોલ્યા,“ અરે , એ શું બોલ્યા! હું હમણા જ તમને લેટેસ્ટ ફેશનના ફ્રેશ નેકલેસ બતાવું છું”
તરત જ કિરણે બીજા આઠ દસ બોક્સ પેલી યુવતી પાસે મુકી દીધા. ધ્યાન યુવતી પર જ ચોંટેલું હોવાથી એ પાછો વળતા પડ્યો પણ ખરો. બોક્સમાંથી એક પછી એક નેકલેસ કાઢીને જીગ્નેશભાઈ યુવતીને બતાવતા ગયા.નેકલેસ જોઈને યુવતી ગાંડી ગાંડી થઈ ગઈ. “ વાઉ શું ડિઝાઈન છે! તમે તો છૂપા રુસ્તમ નીકળ્યા.” એ એક પછી એક નેકલેસને પોતાના ગળામાં સજાવીને અરીસામાં જાેવા લાગી. એમાંથી બે નેકલેસ એણે સાઈડમાં કર્યા અને પછી એના પતિને પૂછ્યુ,“ ભરત, આ બેમાંથી કયો નેકલેસ વધારે સારો લાગે છે?”
“ તને જે ગમતો હોય એ લઈ લે. તારા રૂપ આગળ મને તો આ બધા નેકલેસ ફિક્કા લાગે છે. તુ પહેરે પછી નેકલેસની વેલ્યુ વધે છે, યુ નો!”
“શું તમેય! જરા શરમ રાખો હવે. કોઈ આજુબાજુ હોય ત્યારેય ભાન નથી રાખતા.” ધરતીએ એના પતિને મીઠો ઠપકો આપ્યો. પછી જીગ્નેશભાઈ તરફ એક મારકણું સ્મિત રેલાવતા બોલી,“ બહું રોમેન્ટીક છે. એ કહેશે જ નહીં કે કયો નેકલેસ ગમે છે. હવે તમે જ કહો મારા પર કયો નેકલેસ વધારે જચે છે.”
એણે એક નેકલેસ લીધો, ફરીવાર ગળામાં પહેર્યો અને છાતી પરથી દુપટ્ટાને સાવ દુર કરીને શેઠ સામે ઉભી રહી ગઈ. શેઠ હક્કા બક્કા થઈ ગયા. એમનું ધ્યાન નેકલેસને બદલે ધરતીના સુરાહી જેવા ગળા પરથી લસરીને ઉંડે ઉતરતું જતું હતું.માંડ માંડ ધ્યાનને પાછુ વાળીને એમણે ધરતીને એક નેકલેસનું સજેશન આપ્યુ.
ધરતીએ એ નેકલેસ રાખી લીધો. પછી એના પતિ સામે જોઈને કહ્યું, “ સજેશન ના આપ્યુ તો કાંઈ નહિં પૈસા તો આપો.”
“ આપું છું હવે! ” ભરતે ધરતી પર નજર કરી શેઠ તરફ જોતા પૂછ્યુ, “ બોલો શેઠ કેટલા થાય છે આ નેકલેસના?”
“ બસ એક લાખ પચ્ચીસ હજાર ”
“ ઓકે, હું પૈસા લેતો આવું.”
“ કેમ ક્યાં છે પૈસા?” ધરતીએ આશ્ચર્યથી પૂછ્યુ.
“ બહાર, બાઈકની ડિકીમાં છે. બે મિનિટમાં લઈ આવું”
“ શું તમેય તે આટલી મોટી રકમ બાઈકની ડિકીમાં મુકાતી હશે? જાવ જલ્દી લઈ આવો. અત્યારે ચોર લોકોને ડિકીના તાળા તોડતા વાર નથી લાગતી” ધરતીએ છણકો કરતા કહ્યુ. ભરત ઝડપથી બહાર દોડી ગયો. ધરતી એની પીઠ તાકી રહી હતી. જેવો ભરત કાચનો દરવાજો ખોલી બહાર ગયો કે તરત જ ધરતી ઉભી થઈ ફરીવાર શેઠ તરફ ઝુકી,“સાવ મુડી માણસ છે. મુલ્યવાન વસ્તુની કાંઈ કદર જ નથી.” એનું ઢીલુ ટોપ નીચે લબડી પડ્યુ, જીગ્નેશભાઈને પરસેવો વળી ગયો. ધરતીનું સૌદર્ય એમના રૂંવે રૂવે આગ લગાડી રહ્યું હતું.
“ શેઠ તમે ખોવાઈ બહું જાવ છો. એકવાર મારી પાસે આવજો. આવી એબશન્સ માઈન્ડની બિમારીનો એક સારો ઈલાજ છે મારી પાસે. લો આ મારો મોબાઈલ નંબર. પણ ભરત આવે તો એને આ બધું ના કહેતા. તમને મુલ્યવાન વસ્તુઓની કદર છે એવું લાગે છે. બાકી ભરત તો સાવ બેકદર છે. એની પાસે પૈસા સિવાય કંઈ નથી,સમજ પણ નહીં અને શક્તિ પણ નહીં. એટલે તમને કહું છું. તમે સમજો છો ને હું શું કહેવા માગું છુ? ” ધરતીએ આંખ મીંચકારીને જીગ્નેશભાઈ સામે ઈશારો કરતા કહ્યું.
એટલી વારમાં બાઈકના હોર્નનો અવાજ અંદર પ્રવેશ્યો. જીગ્નેશભાઈ અને ધરતીએ બહાર જોયુ. ભરત ઈશારાથી એને કાંઈક કહી રહ્યો હતો. ધરતીએ જોરથી કહ્યુ, “ જે કહેવું હોય એ અંદર આવીને કહો.” પણ કાચના દરવાજાને કારણે ના તો ભરતનો અવાજ અંદર આવતો હતો ના તો ધરતીનો અવાજ બહાર જતો હતો. દૂર ઉભેલો ભરત કાંઈક ઈશારા કરી રહ્યો હતો. આખરે ધરતી ઉભી થઈ કાચનું ડોર જરાક હડસેલીને બોલી,“ શું છે?”
ભરત શું બોલ્યો એ કાંઈ જીગ્નેશભાઈને ના સંભળાયુ. પણ તરત જ સુનિતા બોલી,“ કાંઈક કામ છે. મને બહાર બોલાવે છે. તમારી પરવાનગી હોય તો બે મીનીટ જઈ આવું , પ્લીઝ…..” ધરતીના કાતિલ ‘પ્લીઝે’ જીગ્નેશભાઈ પર કરવત ચલાવી દીધી. એમની નજર સુનિતાની અધખુલ્લી પીઠ પર હતી. એમણે એની પીઠથી નીચે નજરનુ રોલર ફેરવતા હા પાડી દીધી. એ કાચની આરપારથી ધરતીની મલપતિ ચાલને માણી રહ્યાં હતા. ધરતી ધીમે પગલે એના પતિ પાસે પહોંચી. ભરતનું બાઈક ચાલું જ હતું. એની પાસે પહોંચતા જ એનામાં અજબની સ્ફુર્તી આવી ગઈ. એ ઝડપથી બાઈક પર બેસી ગઈ અને બંદુકમાંથી ગોળી છુટે એમ બાઈક છૂટી.
જીગ્નેશભાઈને જાણે કોઈએ વીજળીનો શોક આપ્યો હોય એમ એ ઝાટકો ખાઈ ગયા.ધરતી બાઈક પર બેઠી અને બાઈક હવામાં ઉડવા લાગી એ સાથે જ એમને ખ્યાલ આવ્યો કે સુનિતાના ગળામાં રૂપિયા એક લાખ અને પચ્ચીસ હજારનો નેકલેસ હતો અને હાથમાં પણ લગભગ સીતેર હજાર અને દોઢ લાખના બે નેકલેસ હતા. એ પકડો પકડોની બુમો પાડતા બહાર આવ્યા. કિરણ અને ભુપેન્દ્ર પણ એમની પાછળ જ બહાર આવ્યા હતા. જીગ્નેશભાઈએ તરત જ પોતાની બાઈક સ્ટાર્ટ કરી અને એ લોકોની પાછળ મારી મૂકી. પણ એમના નસીબ ખરાબ હતા. એ એમનો બહું પીછો ના કરી શક્યા.થોડીવાર સુધી ભરતની બાઈક દેખાઈ. પછી હાઈવે આવતા જ બાઈકને જાણે પાંખો ફુટી હોય એમ એ હવામાં અદૃશ્ય થઈ ગઈ.
***
ઈન્સપેકટર ઘેલાણી હજુ હમણા જ પોલીસ સ્ટેશને આવ્યા હતા. ખૂરશીમાં બેસતા વેંત એમણે બગાસુ ખાધુ.
ત્યાંજ નાથુદાખલ થયો, ‘ અરે, મારા સાહેબ જરા તો શરમ કરો! હજુ ઓફિસમાં આવ્યા અને ખૂરશીમાં બેઠા એ ભેગા જ બગાસા ખાવા લાગ્યા. સવારમાં તો માણસ કેટલો ફ્રેશ હોય યુનો!’
‘અરે, નાથુ! એવું નથી. ગઈ રાત્રે માત્ર એક જ કલાક ઉંધ્યો છું. મારા એક જુના મિત્ર ઘરે આવ્યા હતા. ભુતકાળની વાતોમાં એવા સરી પડ્યાકે સવારના સાડા પાંચ થઈ ગયા. છ વાગે સૂતા અને સાત વાગે તો ઉઠી ગયા. બોલ પછી બગાસા આવે કે ના આવે.’
‘આવેને કેમ ના આવે!’ નાથુબોલ્યો, ‘ પણ ફિકર નોટ સાહેબ! મૈ હું ના ! હું હમણા જ એક કડક મીઠી ચા લઈ આવું છું. તમારી ઉંઘ અને બગાસા બધુંય ગાયબ.’
ચાનો સબડકો મારતા મારતા ઘેલાણી બોલ્યા, ‘ નાથુ, આજે કાંઈ કામ નથી કરવું. બસ આરામ કરવો છે…’
‘ સૂઈ જાવ તમ તમારે ! મૈં હું ના . સબ કુછ સંભાલ લુંગા…’ નાથુબોલીને રહ્યો ત્યાંજ બે વ્યક્તિઓ હાંફળા ફાંફળા અંદર દાખલ થયા. એમને જાેઈને જ ઘેલાણી સમજી ગયા કે આજની ઉંઘ ગઈ.
‘ સાહેબ, મારે ફરિયાદ કરવી છે. બહું અરજન્ટ છે.’ આવનાર વ્યક્તિએ ઉતાવળીયા અવાજે કહ્યુ.
‘ભાઈ, આગ લાગી છે ક્યાંય તે આટલી બધી ઉતાવળ કરો છો! જે કહેવું હોય તે શાંતિથી બેસીને કહો.’
આવનાર વ્યક્તિ ઘેલાણીની અને નાથુસામે ગોઠવાયો, ‘ સાહેબ મારુ નામ જિગ્નેશ છે. એસ.જી. હાઈવે પર મારી જ્વેલરી શોપ છે. આજે હમણા થોડી વાર પહેલા જ મારી દુકાનમાં ચોરી થઈ છે.’
‘સવારમાં ચોરી?’
‘ હા, સાહેબ એક છોકરો અને છોકરી સવારે મારી દુકાને આવ્યા હતા……..’ જિગ્નેશભાઈએ પછી આખીયે ઘટના ઘેલાણી અને નાથુસમક્ષ રજુ કરી દીધી. એમની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં એમની આંખોમાં પાણી આવી ગયા હતા. એ બોલ્યા, ‘ સાહેબ, પૂરા સાડા ત્રણ લાખનો ચૂનો લગાવી ગયા એ બંને મને. પ્લીઝ કંઈક કરો.”
એમની વાત સાંભળીને ઘેલાણી ગુસ્સાથી તાડુક્યા. “ હું શું કામ તમારી મદદ કરું. તમારા જેવા ચારિત્ર્યના હલકા લોકો માટે આ જ બરાબર છે. સ્ત્રીએ જરાક ઘાંસ નાખ્યુ ત્યાં તો ભાનશાન ગુમાવી બેસો છો. તમારી જેવા લોકો અનેકવાર લૂંટાય છે. છતા એમાંથી સબક નથી લેતા.” ઘેલાણીએ ક્યાંય સુધી એમને ખખડાવ્યા પછી ફરિયાદ લખી.
જીગ્નેશભાઈ અને એમનો નોકર કિરણ તો ચાલ્યા ગયા. પણ હવે ઘેલાણીની ઉંઘ હરામ થઈ ગઈ હતી.
ક્રમશઃ
( Dark Secrets | રૂપની જાળ પાથરીને જીગ્નેશભાઈને લુંટી લેનાર આ યુગલ છે કોણ? અત્યારે એ લોકો ક્યાં હશે? શું ઈન્સપેકટર ઘેલાણી એ યુગલને પકડી શકશે? અને પકડી શકશે તો કેવી રીતે? એ જાણીશું આવતા અઠવાડિયે)
Dark Secrets । ડાર્ક સિક્રેટ્સના અન્ય લેખો વાંચવા અહીં ક્લિક કરો