Dark Secrets | પ્રકરણ – ૨ | જ્વેલરી શોપ | અચાનક ઘેલાણીની નજર ખેતરો વચ્ચેથી પસાર થતા રફ રસ્તા પર પડી.

 

Dark Secrets | અચાનક ઘેલાણીની નજર ખેતરો વચ્ચેથી પસાર થતા રફ રસ્તા પર પડી. એક યુગલ બાઈક પર સવાર થઈને એ રસ્તા પર ઝડપથી આગળ વધી રહ્યુ હતું. ઘેલાણી હસ્યા અને ડ્રાઈવરને સૂચના આપી, ‘ સુરેશ, ગાડી ધીમી પાડ. આપણો શિકાર મળી ગયો.’

 

 

રીકેપ

                (અજય જ્વેલરી શોપના માલિક જીગ્નેશભાઈ સવારે આવીને દુકાને બેઠા હોય છે ત્યાંજ એક યુગલ ખરીદી માટે આવે છે. યુવતીનું નામ ધરતી છે અને યુવકનું નામ ભરત. ધરતી ચેનચાળા કરતી જાય છે અને જાત જાતના નેકલેસ જાેતી જાય છે. દુકાનના માલિક જીગ્નેશભાઈ એના રૂપથી એટલા બધા અંજાઈ જાય છે  કે એમને ખબર જ નથી રહેતી કે શું થઈ રહ્યું છે. ભરત બાઈકની ડેકીમાં રહેલા પૈસા લેવા બહાર જાય છે. તરત ધરતીને બુમ પાડે છે. ધરતી બહાર જાય છે અને તરત જ ભરતની બાઈક પર બેસીને રફુચક્કર થઈ જાય છે. પછી જીગ્નેશભાઈને ખ્યાલ આવે છે કે ધરતીના ગળામાં એક સવા લાખનો નેકલેસ પહેરેલો હતો અને બીજા બે નેકસલેસ એના હાથમાં હતા. એ રોતા કકળતા ઈન્સપેકટર ઘેલાણીના શરણે પહોંચે છે. હવે આગળ…..)

                ઘેલાણી એમની ખૂરશીમાં બેઠા હતા. જીગ્નેશભાઈ તો ચાલ્યા ગયા હતા પણ એમની ઉંઘ ચોરતા ગયા હતા. જીગ્નેશભાઈએ વર્ણવેલા એક એક દૃશ્યો એમની આંખ સામે તરવરતા હતા. એમણે ક્યાંય સુધી આખી ઘટના પર વિચાર કર્યો અને પછી નાથુને કહ્યુ, ‘ નાથુ, આવી જ મોડસ ઓપરેન્ડીથી હમણા હમણા બહું લુંટ થાય છે. તું એક કામ કર. આ પ્રકારની ઘટનાઓ ક્યારે ક્યારે બની છે એની તપાસ કર અને જલ્દીથી મને લીસ્ટ આપ.’

                ‘ચોક્કસ સર! પણ મારું કહેવું એમ છે કે આપણે બધા નાકા સીલ કરી દેવા જાેઈએ. કદાચ એ લોકો પકડાઈ  જાય.’

                ‘નાથુ, ઘટનાને ખાસ્સો સમય થઈ ગયો છે. અને આ લોકો એમ નાકા સિલ કરવાથી પકડાય એટલા મુર્ખ તો ન જ હોય. એ તો અત્યારે ક્યાંક છુપાઈને બેઠા હશે. તું મને લીસ્ટ આપ. હું એમને ખોળી કાઢીશ.’

                નાથુએ બીજા જ દિવસે આવી જ મોડસ ઓપરેન્ડીથી જ્વેલરી શોપ પર થયેલી લુંટના કિસ્સાઓનું એક લાંબુ લચ્ચ લીસ્ટ એમની સમક્ષ રજુ કરી દીધું. ઘેલાણીએ લીસ્ટ પર નજર ફેરવી. ૩ જુલાઈના રોજ અસલાલી હાઈવે પર આવેલા જ્વેલરી શોપ પરથી, ૧૦મી જુલાઈના રોજ નારોલ હાઈવે પરના જ્વેલરી શોપ પરથી. પછી  ઓગસ્ટ મહિનામાં ૬ઠ્ઠી ઓગસ્ટના રોજ દહેગામ હાઈવે પરથી, ૧૩મી ઓગસ્ટના રોજ નરોડા રીંગ રોડ પરથી અને  ૨૦મી ઓગસ્ટના રોજ મોટા ચિલોડા હાઈવે પરથી. સપ્ટેમ્બર મહિનામાં ૬ઠી સપ્ટેમ્બરે ગાંધીનગર -મહુડી હાઈવે પરથી અને છેલ્લે એસ.જી.હાઈવે પરના જીગ્નેશભાઈના અજય જ્વેલરી શોપ પર ૧૩મી સપ્ટેમ્બરના રોજ આ પ્રકારની લુટ થઈ હતી.

                ઘેલાણીએ વારંવાર આ લીસ્ટ વાંચ્યુ. પછી નાથુને પુછ્યુ, ‘નાથુતે આ લીસ્ટ વાંચ્યુ?’

                ‘હા, સાહેબ બે વખત!’

                ‘તો કહે આ બધી ઘટનાઓમાં તને કોઈ સામ્યતા દેખાઈ છે ખરી?

                “ ના સર, મને આમા ખાસ કોઈ બાબત નજરે નથી ચઢતી.” નાથુએ ભોળા ભાવે કહ્યુ.

                જવાબમાં ઘેલાણી હસ્યા, “ હા..હા.. હા…! મને ખબર જ હતી. તને કંઈ નહીં દેખાય. ઈન્વેસ્ટીગેશન કરતી વખતે દિમાગની બધી જ બારીઓ ખુલ્લી  રાખવી પડે. પણ તારે નથી દિમાગ કે નથી બારી એટલે એમાં તારો કોઈ વાંક નથી.” ઘેલાણી છાતી બહાર કાઢીને બોલ્યા, ‘ જાે હું તને સમજાવું. આ ઘટનાઓમાં ખાસ વાત એ છે કે દરેક ઘટનાને અંજામ આપનાર યુગલ છે . રપ-ર૬ વર્ષની યુવતી અને ૩૦ની આસપાસનો યુવક. દરેક વખતે ફાંદેબાજી લગભગ દસથી સાડા દસના સમય વચ્ચે અને હાઈવે ટચ જ્વેલર્સની દુકાનોમાં જ થઈ છે. જેથી એ લોકોને ભાગવામાં સરળતા રહે. મહત્વની વાત એ કે બે ઘટનાઓ વચ્ચે લગભગ અઠવાડીયાનું જ અંતર રહે છે અને આ લોકો જે હાઈવે પર ત્રાટકે એ જ હાઈવે પર અઠવાડિયા પછી ફરી ત્રાટકે છે. જેમકે ૩ જુલાઈના રોજ અસલાલી હાઈવે પર આ લોકોએ લુટ ચાલાવી અને પછી તરતજ અઠવાડિયા પછી ૧૦મી જુલાઈએ નારોલ હાઈવે પર ત્રાટક્યા. ઓગસ્ટ મહિનામાં ૬ઠ્ઠી ઓગસ્ટના રોજ દહેગામ હાઈવે પર અને બીજા અઠવાડિયે ૧૩મી ઓગસ્ટે નરોડા રીંગ રોડ પર.

                દરેક વખતે આવું જ થયું છે.  હવે મારુ દિમાગ અને મારી તર્ક શક્તિ કહે છે કે જીગ્નેશભાઈને ત્યાં એસ.જી.હાઈવે પર  ગઈ કાલે એટલે કે ૧૩મી સપ્ટેમ્બરે લુંટ થઈ એટલે હવે વીસમી સપ્ટેમ્બર એ લોકો એસ. જી. હાઈવે પરની જ કોઈક જ્વેલરી શોપ પર ત્રાટકશે. માટે આપણી પાસે જાળ બીછાવવા માટે હજુ પુરતા દિવસો છે. ”

                “ વાહ સર, યુ આર ગ્રેટ સર!”

                “ તો તું પણ ગ્રેટ થઈ જા. હાઈવે ટચના બધા જ્વેલર્સને મળીને આ જાણકારી આપી દે. એમને ચેતવણી આપીને કહી દે કે આ પ્રકારનું કોઈ પણ યુગલ આવે એટલે તરત જ મારા અને તારા નંબર પર એસ.એમ. એસથી જાણ કરી દે.”

                નાથુએનું કામ કરવામાં ચપળ હતો. એણે હાઈવે પરના એકે એક જ્વેલરી શોપ પર આ સૂચના પહોંચાડી દીધી.

***

                અઠવાડિયુ હવાની પાંખ પર સવાર થઈને ફટાફટ પસાર થઈ ગયુ. આખરે વીસમી સપ્ટેમ્બરનો દિવસ આવી ગયો. ઘેલાણીએ જડબેસલાક જાળ બિછાવી દીધી હતી. સવારથી જ એરિયાના દરેક હાઈવે પર પોલીસ ગોઠવાઈ ગઈ હતી. એરિયાના જ્વેલરી શોપ પર પણ સાદા ડ્રેસમાં ફરતી પોલીસની નજર હતી. લગભગ બાર વાગવા આવ્યા હતા પણ ન તો કોઈ જ્વેલરી શો રૂમ તરફથી મેસેજ આવ્યો હતો કે ન તો હાઈવે પરથી કોઈ શંકાસ્પદ કપલ નીકળ્યુ હતું.  ઘેલાણી મુંઝાઈ રહ્યાં હતા. ક્યાંક એમનો તર્ક ખોટો તો નહીં પડે ને! પણ ત્યાંજ અચાનક એમના મોબાઈલ પર એક એસ.એમ.એસ આવ્યો. ‘ સર, અહીં એક યુગલ આવ્યુ છે. નયન જ્વેલરી શોપ… એસ.જી.હાઈવે.. ગુરુદ્વારા સામે.’ ઘેલાણી નજીકમાં જ હતા. એમણે નાથુને લઈને તરત જ જીપ નયન જ્વેલરી શોપ તરફ દોડાવી દીધ.

                ઈ.ઘેલાણી અને નાથુનયન જ્વેલરી શોપમાં દાખલ થયા. પણ એમને કોઈ કપલ દેખાયુ નહીં. એમણે પુછ્યુ,                           ‘ક્યાં છે કપલ?’

                ‘ સર, એ લોકો તો ચાલ્યા ગયા!’ દુકાનના માલિક સુધીરભાઈએ જવાબ આપ્યો.

                ‘ ઓહ્‌…શીટ… કંઈ લઈને તો નથી ગયાને?’

                ‘ના, સર! મને એવું લાગ્યુ કે અમારી સતર્કતા જાેઈને એ લોકો ચેતી ગયા હતા. એમણે પ્રયત્ન તો ખુબ કર્યો પણ એમની દાળ ના ગળી એટલે તરજ ડિઝાઈન નથી ગમતી એમ કરીને ઉભા થઈ ગયા અને ચાલ્યા ગયા. કંઈ બન્યુ નહોતું એટલે એમને રોકવા પણ મારા માટે મુશ્કેલ હતા.’

                ‘કશો વાંધો નહીં. તમે એસ.એમ.એસ. કરીને અમને ઘણો સહકાર આપ્યો છે? થેંકસ.’ ઘેલાણીએ સુધીરભાઈનો આભાર માન્યો અને પછી પુછ્યુ, ‘ એ લોકોને નીકળ્યા કેટલી વાર થઈ? ’

                ‘ જસ્ટ બે મીનીટ સર! કદાચ તમે એમને ક્રોસ પણ થયા હશો.’

                ‘ઓકે એ કહો કે એ લોકો કઈ તરફ ગયા છે? કંઈ ધ્યાન રાખ્યુ છે ખરુ?’

                ‘ કેમ નહીં, સર! મેં તરત જ બહાર નીકળીને જાેયું હતું. એ લોકો ગાંધીનગર તરફ ગયા છે. એમનો બાઈક નંબર પણ નોંધ્યો છે. આ રહ્યો એ નંબર. જી.જે.સેવન….’ સુધીરભાઈએ નંબર નોંધાવ્યો,

                ‘ થેંક યુ સુધીર ભાઈ . આ નંબર આમ તો ખોટો જ હશે. પણ અત્યારે એમને આંતરવા માટે ખુબ ઉપયોગી થશે.’ એ તરજ બહાર નીકળતા બોલ્યા, ‘નાથુ, ડ્રાઈવરને કહે કે ફટાફટ જીપ કાઢે અને ગાંધીનગર તરફ ભગાવે.

                થોડી જ વારમાં ઘેલાણીની જીપ ગાંધીનગર તરફ આગળ વધી રહી હતી. એમની નજર ચારે કોર ફરી રહી હતી. નાથુપણ એની તેજ નજરનું બુલ્ડોઝર ફેરવી રહ્યો હતો. અચાનક ઘેલાણીની નજર ખેતરો વચ્ચેથી પસાર થતા રફ રસ્તા પર પડી. એક યુગલ બાઈક પર સવાર થઈને એ રસ્તા પર ઝડપથી આગળ વધી રહ્યુ હતું. ઘેલાણી હસ્યા અને ડ્રાઈવરને સૂચના આપી, ‘ સુરેશ, ગાડી ધીમી પાડ. આપણો શિકાર મળી ગયો. ફટાફટ પેલા ખેતરના રફ રસ્તા પર લઈ લે.’’

                ઘેલાણીની જીપ હવે ખેતરના રસ્તે આગળ વધી રહી હતી. આગળ બાઈક હતી અને પાછળ જીપ. પાછળથી જીપનો અવાજ આવતા એના પર જઈ રહેલું કપલ ચેતી ગયુ. બાઈક સવારે અચાનક સ્પીડ વધારી અને ખેતરો વચ્ચે બાઈક ચલાવવા લાગ્યો. ઘેલાણીએ જીપ પણ એની પાછળો પાછળ લીધી. ક્યાંય સુધી ઘેલાણી એનો પીછો કરતા રહ્યાં. આગળ જતા બાઈક એક નાનકડી ગલીમાં વળી ગઈ.

                ઘેલાણીએ મજબુરીથી જીપ ત્યાંજ ઉભી રખાવવી પડી. નાથુએ તરત જ નિસાસો નાંખ્યો, ‘ઓહ..શીટ..હાથમાં આવેલો શિકાર છટકી ગયો.’

                 ઘેલાણી હસ્યા, ‘નાથુ, શિકાર છટક્યો નથી. જાળમાં ભરાઈ પડ્યો છે. આ ગલીનો રસ્તો આગળથી બંદ છે. ચાલ નીચે ઉતર આપણે એમને પકડી પાડીએ. પણ સાવધાન રહેજે. એ લોકો પાસે રિવોલ્વર પણ હોઈ શકે છે. તારી રિવોલ્વર તું હાથમાં જ રાખજે.’

                ઘેલાણી અને નાથુધીમે ધીમે ગલીમાં આગળ વધ્યા. ગલીનો રસ્તો પુરો થાય ત્યાં સામે જ એ કપલ ઉભુ હતું. એમના હાથમાં કશું જ નહોતું. એ બંને નીચી મુંડી અને ઉંચા હાથ કરી ઉભા હતા. ઘેલાણીએ તરત જ એમને ગિરફ્તાર કરી લીધા.

                                                                                                ***

                એ દિવસે તો એ યુગલે કોઈ ચોરી કે લૂંટ નહોતી કરી. પણ ઘેલાણીએ જિગ્નેશભાઈને બોલાવ્યા એટલે એમણે બંનેને ઓળખી બતાવ્યા. એમની દુકાનેથી સાડા ત્રણ લાખની લુંટ કરનાર કપલ એ જ હતું. પછી તો ઘેલાણીના ડંડાએ એનો કમાલ બતાવી દીધો. પોલીસ રીમાન્ડમાં બંનેએ બધા જ ગુના કબુલી લીધા. યુવકનું નામ હતુ જેકી હતું અને યુવતીનું નામ હતું મીના. બંને પતિ-પત્ની હતા.  જેકી બાઈક મિકેનિક હતો. આવક મર્યાદિત હતી અને સપના મોટા. મીનાને પણ ભૌતિક સુખ સુવિધા તરફ વધારે ખેંચાણ હતું. એક દિવસ બંને એ એક ફિલ્મમાં જાેયુ કે એક યુવતી પોતાના અંગપ્રદર્શન દ્વારા રૂપની માળાજાળ દેખાડીને ચારિત્ર્યના હલકા લોકોને લૂંટી લેતી હતી. બસ ત્યારથી એ બંને એ પણ આ જ ધંધો કરવાનું નક્કી કરી લીધું. પહેલી વાર થોડો ડર લાગ્યો પણ પકડાયા નહીં એટલે ડર ગાયબ થઈ ગયો. આ યુગલે એ પણ કબુલી લીધું કે શહેરમાં છેલ્લાં ઘણા સમયથી ચાલતા જ્વેલરી શોપના તમામ ગુનાઓને એમણે જ અંજામ આપ્યો હતો અને હજુ એમના પ્લાનમાં અનેક દુકાનો હતી. પણ આ વખતે એ ઘેલાણીની ઝપટે ચડી ગયા એટલે પતિ ગયા.

                પૂછપરછ બાદ ઘેલાણી બહાર નીકળ્યા ત્યારે નાથુએ કહ્યુ, ‘ સર, ગજબ મગજ છે તમારું હોં. અભિનંદન. તમે ફરી એક વખત શહેરમાં ચાલતા એક મોટા ગુનાનો પર્દાફાશ કર્યો છે. આ વખતે છાપામાં તમારો ફોટો અને ઈનામ પાકુ.’  નાથુની વાત સાંભળી ઘેલાણી ફિક્કુ હસ્યા અને બબડ્યા, ‘ જ્યાં સુધી આ હાથમાં જશ રેખા નહી અંકાય અને આ શહેરના પોલીસ કમિશ્નર નહીં બદલાય ત્યાં સુધી કંઈ થવાનું નથી..’

સમાપ્ત

 

Dark Secrets | પ્રકરણ – ૧ | જ્વેલરી શોપ | ( રૂપની જાળ પાથરીને જીગ્નેશભાઈને લુંટી લેનાર આ યુગલ છે કોણ?

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *