Dark Secrets – ભાગ – ૨ ‘ ઓત્તારી… આ તો પેલી લાશ છે..!’ – ઈન્સપેક્ટર

 

Dark Secrets – આજે શહેરમાંથી ચાર એકસો આઠ એમ્બ્યુલેન્સો ચોરાઈ છે અને બે-ત્રણ પોલીસ જીપો ચોરવાના પ્રયત્નો થયા છે.

 

રીકેપ

(અકોલી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર ઘેલાણીને કમિશ્નર સાહેબનો ફોન આવે છે કે કોઈ પણ ભોગે પોલીસ સ્ટેશન છોડવું નહીં. હવાલદાર નાથુસાથે એ ચા પીવા જાય છે ત્યાં એક માણસ આવીને ઢળી પડે છે.એકસો આઠના ડોક્ટર એને મૃત જાહેર કરે છે અને લઈને ચાલતા થાય છે. એ માણસની લાશ પાસેથી ઘેલાણીને એક પાકિટ મળે છે જેમાં એમના અને હવાલદાર નાથુના નામ સરનામા સાથેની ડિટેઈલ્સ છે.તેમના સરનામા નીચે બે પાંત્રીસ અને બે પીસ્તાલીસનો સમય પણ લખેલો છે. આ જોઈને બંને આશ્ચર્ય અને આધાતમાં સરી પડે છે. કોણ હશે આ માણસ? એના પાકિટમાં એમના સરનામા શા માટે ?)

***

લોકોને પરસેવો વાળી દેનાર ઘેલાણી અને નાથુઆજે ખુદ પરસેવે રેબઝેબ હતા. લાશ પાસેથી મળેલો કાગળ એમના હાથમાં હતો. આટલા વર્ષની નોકરીમાં આજે પહેલીવાર બંનેને થોડો ડર લાગી રહ્યો હતો. ઘેલાણી બોલ્યા, ‘ નાથુ, આ શું થઈ રહ્યું છે એ કંઈ સમજ નથી પડતી! ’
‘ સાહેબ, રોજ સવારે શિર્ષાસન કરવાનું રાખો, ખબર પડવા માંડશે.’ નાથુઆવી કંડિશનમાં પણ એના સ્વભાવ પર ગયા વગર ના રહ્યો.
ઘેલાણીએ એને ખખડાવ્યો, ‘ બી સિરિસય નાથું! કંઈક મોટી રમત રમાઈ રહી હોય એવું લાગે છે.’

‘પણ સાહેબ, કોઈ આપણી સાથે એવું શું કામ કરે?’

‘વાત તો તારી સાચી છે નાથુ! આપણે આજ સુધી કોઈ મોટા ગુનેગારને પકડ્યો નથી. કોઈ એવી મોટી દુશ્મની પણ નથી. કોઈ ગેંગને અંદર કરી નથી તો પછી કોઈ આપણી સાથે આવું શું કામ કરે?’

ઈન્સપેક્ટરનો હાથ ફાંદ પર જવાનું ભુલીને લમણા પર જ ટક્યો હતો. થોડીવાર કંઈક વિચારીને એ બોલ્યા,‘નાથુ, આપણી કોઈ સાથે દુશ્મની નથી એ વાત સાચી. પણ પેલા મરી ગયેલા માણસને મેં ક્યાંક જાેયો છે? એના ગાલ પરનો મસો મને યાદ છે. પણ એ યાદ નથી આવતું કે ક્યાં જોયો છે?’

‘સાહેબ, એને ક્યાં જોયો છે એ વાત છોડો. પણ એનું વિચારો કે એના કાગળમાં આપણા સરનામાઓ નીચે બે પાંત્રીસ અને બે પિસ્તાલીસનો સમય લખેલો છે. આપણા ઘર પર જાેખમ છે,સાહેબ!’

‘ અરે હા, યાર!’ ઘેલાણીના કપાળ પરનો પરસેવો બેવડાઈ ગયો.‘આ કોઈ આંતકવાદી સંગઠન હોય એમ પણ બને. કદાચ આપણા ઘેર બોમ્બ મુક્યા હોય અને એટલા વાગે ફુટવાના હોય, કદાચ એ સમયે આપણા ઘર પર હુમલો થવાનો હોય, કદાચ ચોરી થવાની હોય. કેટલુંયે બની શકે? શું કહેવું છે તારું?’

‘અરે, સાહેબ! ભાભી ઘરે એકલા હોય છે. કારણો બીજા પણ હોઈ શકે.’ નાથુથી બોલતા બોલાઈ ગયું.

ઘેલાણીએ ડોળા કાઢ્યા,‘ ડોબા, કદીક તો સિરિયસ થા. મારુ લોહી ઉકળે છે અને તને મજાક સુજે છે.’

‘અરે, ફિકર નોટ સાહેબ! મૈં હું ના! હજુ બે વાગી રહ્યાં છે. આપણે બંને ફટાફટ આપણા ઘેર પહોંચી જઈએ. જીપ લઈને જઈશું તો ટ્રાફિકના લીધે વાર લાગશે. હું મારું બાઈક લઈ લઉં છું, ચાલો!’

‘પણ કમિશ્નર સાહેબે પોલીસ સ્ટેશન ન છોડવાનો હુકમ આપ્યો છે. આપણે ક્યારના બહાર છીએ.’

‘અરે, સાહેબ પરિવાર હૈ તો જહાંન હૈ. તમારે આવવું હોય તો આવો. હું તો જાઉં છું.’ નાથુચાલવા લાગ્યો. ઘેલાણી પણ એમની પાછળ પાછળ દોરવાયા, ‘અલ્યા, ઉભો રે, હું પણ આવું છું.’

બરાબર એ જ વખતે ખૂણામાં ઉભો રહીને ક્યારનો આ બંને પોલીસ કર્મીઓ પર નજર રાખી રહેલો માણસ ચોકન્નો થયો. એ એમના જવાની જ રાહ જાેઈ રહ્યો હતો. એ ગયા તરત એણે એનું કામ શરૂ કરી દીધું.

પાર્કિંગ છેક પોલીસ સ્ટેશનની પાછળ હતું. આ બંને પાર્કીંગમાંથી બાઈક લઈને આવે એટલી વારમાં એનું કામ પતિ જાય એમ હતું. પણ એના નસીબ ખરાબ હતા. પાર્કિંગમાં ઘુસતા જ નાથુને યાદ આવ્યુ. અરે સાહેબ, બાઈકની ચાવી તો ગાડીમાં જ રહી ગઈ છે. ચાલો પાછી લેતા આવીએ.

બંને તરત જ બહાર આવ્યા. બહાર આવતા જ એમની નજર જીપ પર પડી. એ સાથે જ નાથુચીખી ઉઠ્યો, ‘ ઓ બાપ રે, ભુત… ભુત….ભુત…..’

‘અલ્યા શું થયું કેમ રાડો નાંખે છે?’

‘સાહેબ, ત્યાં જુઓ, પેલો હમણા અહીં મરી ગયો હતો એ માણસ આપણી જીપમાં કંઈક કરી રહ્યો છે.’
ઈન્સપેક્ટરે જીપ તરફ જાેયુ, એ પણ ચીખી ઉઠ્યા, ‘ ઓત્તારી… આ તો પેલી લાશ છે…’

ઘેલાણી અને નાથુનો શોરબકોર સાંભળી પેલા માણસનું ધ્યાન એમના પર ગયું. એ ભાગવા લાગ્યો, ઘેલાણીએ બુમ પાડી, ‘ એય, સાલા! ઉભો રે… ભાગે છે ક્યાં..’ અને પછી સડક થઈને ઉભા રહી ગયેલા નાથુને કહ્યુ, ‘ અલ્યા, નાથુ! દોડ! એ ભુત નથી.. જીવતો જાગતો માણસ છે.’

આગળ પેલો માણસ અને પાછળ આ બંને ફાંદધારી ઈન્સપેક્ટર અને હવાલદાર.પેલો પાતળો હતો અને આ બિચારા જાડિયા. નાથુબુમો પાડતો રહ્યો,‘એ ભાઈ ધીમે દોડો યાર! આટલું બધું દોડશો તો અમે તમને કઈ રીતે પકડી શકીશું.’ પણ એનું કોણ સાંભળે? પેલો તો પવનની ઝડપે દોડે જતો હતો અને બંને વચ્ચેનું અંતર વધતું જતું હતું. બંને એ એમના ગજા મુજબ પીછો કર્યો પણ આગળ જતા જ એક જણ બાઈક લઈને આવ્યો અને પેલો માણસ એની પાછળ બેસીને ભીડમાં અદૃશ્ય થઈ ગયોે. ઘેલાણી અને હવાલદાર પોતપોતાની ફાંદને દોષ દેતા ત્યાંજ ઉભા રહી ગયા,‘ સાલો છટકી ગયો… આ તો!’

***

ઘેલાણી એમની ખૂરશીમાં બેઠા હતા. હજુ એ ગુનેગાર છટકી ગયાનો અફસોસ કરતા હતા. નાથુએ કહ્યુ,‘ ફિકર નોટ સાહેબ, મૈં હું ના! પણ સાહેબ ગુનેગારની ચિંતા છોડો અને ઘરની કરો. સવા બે થઈ ગયા છે. આપણે હવે ઘરે જઈ શકીએ તેમ નથી. ફટાફટ ઘરે ફોન કરી દઈએ કે ઘરના બધા જ ફટાફટ બહાર નીકળી જાય. કોઈ સંબંધીના ઘરે સેઈફ જગ્યાએ પહોંચી જાય. જે હશે એ ફરી જોઈ લઈશું’

ઘેલાણીને નાથુની વાત ગમી. ફટાફટ બંનેએ ઘરે ફોન કરી દીધો અને પરિવારજનોને તાત્કાલિક બીજે ચાલ્યા જવાની સૂચના આપી દીધી.

ફરી પાછા બેય વાતે વળગ્યા, ‘ નાથુ, બધું ગજબનું થઈ રહ્યુ છે યાર! એ માણસે પહેલા મરવાનું નાટક કર્યુ અને પછી અહીં શું કામ આવ્યો હશે? મને આમાંથી કોઈક મોટા ષડયંત્રની ગંધ આવી રહી છે.’

‘અરે, સાહેબ! મને તો એ જ નથી સમજાતુ કે જાે એ મરવાનું નાટક જ કરતો હતો તો એકસો આઠ વાળા ડોક્ટરે શા માટે એને મરેલો જાહેર કર્યો? દાળમાં કોકમ સિવાય પણ કંઈક કાળુ છે ખરું!’

‘મારુ તો મગજ કામ નથી કરતું!’ ઘેલાણીએ માથે હાથ મુકતા કહ્યુ.

નાથુની જીભ ફરી લપસી ગઈ,‘આમેય કયા દિવસે કરે છે!’ પણ ઘેલાણીએ એની વાત પર ધ્યાન ના આપ્યુ. થોડીવાર વિચારી એમણે નાથુને સૂચના આપી,‘ નાથુતું આપણા વિસ્તારની એકસો આઠની હેડ ઓફિસે ફોન કર અને તપાસ કર કે હમણા અહીં જે એમ્યુલેન્સ આવી હતી એ પેસન્ટને લઈને ક્યાં ગઈ હતી. એનું શું થયું?’

‘ઓ.કે.. સર!’ બોલીને નાથુફોનનું રિસીવર ઉપાડવા ગયો ત્યાંજ રીંગ વાગી. ઘેલાણીએ જ ફોન ઉપાડ્યોે. એમના હાવભાવ પરથી નાથુસમજી ગયો કે કમિશનર સાહેબનો જ ફોન હતો. ફોન પૂરો થયો ત્યાં તો ઘેલાણી લેવાઈ ગયા હતા. એમનો ચહેરો ઉતરી ગયો હતો અને ચિંતા વધી ગઈ હતી.

‘શું થયું સાહેબ! આટલા ગંભીર કેમ બની ગયા?’

ઘેલાણીએ મરેલા અવાજે જવાબ આપ્યો,‘કમિશનર સાહેબ કહેતા હતા કે આજે શહેરમાંથી ચાર એકસો આઠ એમ્બ્યુલેન્સો ચોરાઈ છે અને બે-ત્રણ પોલીસ જીપો ચોરવાના પ્રયત્નો થયા છે. શહેરમાં કંઈક ભયંકર જાળ બિછાવાઈ છે, નાથુ. અને એના ટાર્ગેટ આપણે હોઈએ એવું લાગે છે.’

વાત સાંભળીને નાથુપણ ટેન્શનમાં આવી ગયો, ‘એનો અર્થ એમ થયો કે સવારે જે એકસો આઠ આવી હતી એ ચોરાયેલી હતી. પેલો માણસ અને ડોક્ટર બધા જ એક જ ટોળકીના સભ્યો હતા. અને નાટક કરી રહ્યાં હતા.’

‘હા, એમજ! અને પેલો માણસ ફરીવાર આપણી જીપ ચોરવા જ આવ્યો હતો..’

‘સાહેબ, તમે સાચા છો.આ શહેરમા નક્કી કંઈક કાળી રમત રમાઈ રહી છે. મને તો લાગે છે કે આપણે એમને નહીં પકડી પાડીએ તો શહેરમાં કાળો કેર થઈ જશે. ’

જવાબમાં નાથુનો જ તકિયા કલામ ઘેલાણીએ વાપર્યો, ‘ ફિકર નોટ નાથુ! મૈ હું ના!’

***

સાંજ પડી ગઈ હતી. ઘેલાણી અને નાથુનો પરિવાર સેઈફ હતો એટલે ચિંતા નહોતી. બંને પોલીસ સ્ટેશનમાં વીલે મોંએ બેઠા હતા. આખીયે ઘટના કેટલીયે વાર એમના માનસમાં ભજવાઈ ચુકી હતી. બંનેના શકની સૂઈ અનેક ચહેરાઓ પર ફરી રહી હતી. ઘેલાણી ઘટનાના મુળમાં ઉંડે ને ઉંડે જ ઉતરતા જતા હતા. એમને યકીન હતું કે એ મસાવાળા માણસને એમણે ક્યાંક જોયો હતો. જો એ કોણ હતો એ યાદ આવી જાયતો આખીયે ઘટના પરથી પરદો ઉઠી જાય. પણ સાલુ યાદ આવે તો ને?

નાથુપણ એના મગજ પાસેથી એના ગજા બહારનું કામ લઈ રહ્યો હતો. બે ત્રણ કલાકથી બંને ઘટનાનો તાગ મેળવવા મગજ કસી રહ્યાં હતા. નાથુની નજર ઘટના પરથી ફરતી ફરતી પોલીસ સ્ટેશનમાં ઘુમવા લાગી. ટેબલ, ખુરશી, કબાટો અને ટેલીફોન પરથી ફરતી ફરતી નજર ઈન્સપેક્ટર સાહેબના ટેબલ પર મુકેલા પેલા માણસના પાકિટ પર સ્થિર થઈ. પાકિટ નાથુને જાણીતું લાગ્યુ. એ ઉભો થયો અને પાકિટ હાથમાં લીધુ. બે ત્રણ વાર ઘુમાવીને જાેયુ અને જાેરથી બોલ્યો,‘ સાહેબ, આ પાકીટને તો હું ઓળખું છુ.’

નાથુની બુમથી ઘેલાણી ચોંકી ગયા. તંદ્રામાંથી બહાર આવીને નાથુસામે જોઈને બોલ્યા,

‘હેં… પાકિટને ઓળખે છે. ક્યાં રહે છે એ?’

‘અરે, એમ નહીં સાહેબ આ પાકીટ બનાવનારને હું ઓળખું છું. દરેક ગુનેગાર એક સબુત તો છોડી જ જાય છે. આ ગુનેગાર ભલે ગમે તેટલો ચાલાક હોય પણ આ પાકિટ એની કમજોર કડી છે. આ પાકિટ મુકીને એણે ભુલ કરી છે. આ પાકિટ પરથી જ એ પકડાવાનો જો જો.’

‘ એવું તે શું છે આ પાકીટમાં?’ ઘેલાણીને નાથુની વાતમાં રસ પડ્યો. એ ખુરશીમાંથી અડધા બેઠા થઈ ગયા.
નાથુએ એમની સામે પાકીટ ધર્યુ અને બોલ્યો,‘ જુઓ સાહેબ, આ પાકિટ તમને દેખાય છે?’
‘હા, મને તો દેખાય છે! તને નથી દેખાતું કે શું?’

‘ અરે, સાહેબ! કદી તો સિરિયસ થાવ.’ નાથુએ સાહેબનો તકિયા કલામ વાપરી એનો બદલો વાળી દીધો, પછી બોલ્યો, ‘… સાહેબ મારો કહેવાનો મતલબ એમ છે કે આ પાકિટ બનાવનારને હું ઓળખું છું. આ જુઓ આના પર જે ફુમતું છે એવા ખાસ ફુમતાવાળા મુલાયમ ચામડાના પર્સ આખા શહેરમાં ફક્ત એક જ જણ બનાવે છે. આ ફુમતું જ એનો ટ્રેડમાર્ક છે. એ બનાવનાર માણસનું નામ ગફુર છે. એ જુહાપુરામાં રહે છે. અને બહાર રોડ પર જ એની દુકાન છે. મેં એની દુકાન જોઈ છે. એને મળીશું એટલે આપણો પચાસ ટકા કેસ સોલ્વ થઈ જશે… ’

ઘેલાણી ખુશ થઈ ગયા. એમણે નાથુને શાબ્બાશી આપી, ‘ વાહ, નાથુ! તારુ મગજ આમ ભલે બંદ પડ્યુ રહેતું હોય પણ વરસને વચલે દાડે ચાલે ત્યારે જબરૂ ચાલે છે હોં..!’

‘ સાહેબ, તમારા પર ગયુ છે! ચાલો હવે…. નહીંતર ગફુર પણ છટકી જશે..’

અને બંને કમિશ્નર સાહેબના હુકમની પરવા કર્યા વગર ગુફરુ પાસે ચાલી નીકળ્યા.

ક્રમશઃ

( શું ગફુર પાસેથી એ માણસની કોઈ જાણકારી મળશે ખરી? માહિતી મળશે તો એ માણસ પકડાશે ખરો? આવતા અઠવાડિયે આ તમામ રહસ્યો પરથી પરદો ઉઠી જશે. )

ભાગ – ૧ વાંચવા અહીં  ક્લિક કરો

Dark Secrets ; સર, આ તો મરી ગયો છે. લાશ છે આ લાશ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *