ભાગ – ૧ | રાવણ | એ રાવણ જે રામથી હારતો નથી…

એ રાવણ જે રામથી હારતો નથી, બાણથી મરતો નથી,
આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી.

અકોલીના આંગણામાં બીજા નોરતાંની રાત રુમઝુમ કરતી ઉતરી આવી હતી. પંચ્યાસી વર્ષના ગૌરીશંકર બાપાએ માતાજીના ગોખમાં દીવો પેટાવ્યો. પવિત્ર અજવાળમાં જગદમ્બાનો ચહેરો સૂરજ જેમ ઝળહળી ઉઠ્યો. મૂર્તિને વંદન કરીને ગૌરીશંકર બાપાએ પાંચ દીવાની આરતી પેટાવી અને યજમાન ભાનુપ્રસાદ શેઠના હાથમાં આપી. બહારથી એક પડછંદ અવાજ જય જયકાર બનીને માતાજીના ચરણે વધેરાયો, ‘બોલો શ્રી અંબે માતકી જય….’

ચોકમાં ઉભેલા ભક્તોએ જય જયકારને જીલી લીધો અને આરતી શરૂ થઈ.

અડધા કલાકે આરતી પૂરી થઈ ત્યારે લાગતું હતું જાણે માતાજીએ હવાની ધરતી પર પોતાના કુમકુમ પગલાં પાડી દીધા છે. ગારીશંકર બાપાએ બધાને આશકા આપી અને ગરબા શરૂ થયા.

ઢોલ પર દાંડી વિંઝાઈ, ડ્રમ્સ ધમધમવા માંડ્યા, અને વિહવળ બનીને પગની પાનીઓમાં પુરાયેલો થનગનાટ ચોકમાં પડછડાયો. થોડી જ વારમાં ગરબાની રમઝટ બોલી ગઈ, ગરબા ક્વીન ફાલ્ગુની રાઠોેડે એક પછી એક ગરબા ઉપાડવા માંડ્યા, ‘હું…. તો ગઈ તી મેળે….’, ‘બહુચરમાંના ડેલા પાછળ કુકડે કુક બોલે… કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે..’, ‘ચરર ચરર મારુ ચકડોળ ચાલે… આજે રોકડાંને ઉધાર કાલે…’

એક એકથી ચડિયાતી યુવતીઓ રાસમાં જોડાઈ હતી. પણ એમા સૌથી ખુબસુરત હતી જાનકી. મોગરાની દાંડલીમાંથી કોતરી કાઢી હોય એવી કાયા, ગુલાબની પાંદડીમાં ઉગતા સુરજની લાલાશ મીક્ષ કરી હોય એવી ત્વચા અને કટારીની ધાર જેવી પાપણો પર ટકટકી રહેલી આંખો. જે જાેતો એ બસ જોતો જ રહી જતો.

એક પુરુષના ચકળવકળ ડોળા ગરબે ઘુમતી જાનકી સાથે સાથે ગોળ ગોળ ઘુમી રહ્યાં હતા. પુરૂષની કાળી નજર ચણીયાચોળીમાં પેક થયેલા જાનકી થરકતા બદન પર રાસ રમી રહી હતી. આગળ, પાછળ, ઉપર, નીચે એમ શ્વાસોશ્વાસ અને નજરની ઉછળકુદ ચાલી રહી હતી.

રાસની રમઝટ એની ચરમ સીમા પર હતી, ઢોલ ફાડી નાંખવાનો હોય, ત્રીંબાલી તોડી નાંખવાની હોય, કી-બોર્ડનો કચ્ચરઘાણ વાળી નાંખવાનો હોય એમ સાંજિંદાઓ એના પર તૂટી પડ્યા હતા અને ધરતી ફાડીને બહાર આવેલી રામની જાનકી જેમ ધરતી ફાડીને અંદર પ્રેવેશી જવાનું હોય એમ આ જાનકી રમતે ચડી હતી. એના પગની પાનીની થાપથી ધરતી ફાટુ ફાટુ થઈ રહી હતી.

ત્યા જ અચાનક લાઈટ ગઈ. થોડીવાર હોહા થઈ ગઈ. ખૈલૈયાઓ થંભી ગયા. આસપાસ કાળુ ડિબાંગ અંધારુ હતું. વૈદેહી હાથમાં દાંડીયા પકડીને એના સ્થાને ઉભી હતી. અચાનક કોઈએ એના મોંએ ડુચો માર્યો અને એને દૂર ઘસડી ગયો. થોડે દૂર લઈ જઈ એને એક વાહનમાં બેસાડી અને વાહન રવાના થઈ ગયુ. લગભગ કલાક પછી એણે જાનકીના મોં પરનો ડુચો દૂર કર્યો એ સાથે જ એ ચીખી ઉઠી, ‘કોણ છે… કોણ છે તું? છોડી દે મને.’

જવાબમાં છાતીના પાટીયા બેસી જાય એવું એક અટહાસ્ય પડઘાયુ અને ફરીવાર એના મોંએ ડૂચો મારી દેવાયો. એક પુરુષે લાઈટર કરી એના અને જાનકીના ચહેરા વચ્ચે અજવાળુ પાથર્યુ અને ખંધા અવાજમાં બોલ્યો, ‘રાવણ …! રાવણ છું હું….! એ રાવણ જે રામથી હારતો નથી, બાણથી મરતો નથી, આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી.’

***

 

શોધખોળ ચાલી પણ જાનકી ક્યાંય ના મળી. આખરે કોઈનું ધ્યાન માતાજીના મંદીરના ઓટલા પાસે મુકેલી આરતીની થાળી નીચે પડેલા કાગળ પર ગયુ. એણે એ કાગળ ઉઠાવ્યો અને વાંચ્યુ, ‘રામ ભક્તો મેં જાનકીનું હરણ કર્યુ છે. એ હવે મારી વાટીકામાં રહેશે… લિ. રાવણ.

આયોજકોએ તપાસ કરતા ખબર પડી કે લાઈટની મેઈન સ્વીચ ઓફ થઈ ગઈ હતી. એમણે ફરી લાઈટ ચાલુ કરી. ચોકમાં ફરી ઉજાસ પથરાઈ ગયો. પણ માલતીબહેનના ચહેરે હજુ ઉદાસીનું અંધારું જ હતું. એમની દીકરી જાનકી ક્યાંય દેખાતી નહોતી. ધીમે ધીમે વાત આખા ચોકમાં ફરી વળી. ચારે તરફ હાહાકાર થઈ ગયો. શોધખોળ ચાલી પણ જાનકી ક્યાંય ના મળી. આખરે કોઈનું ધ્યાન માતાજીના મંદીરના ઓટલા પાસે મુકેલી આરતીની થાળી નીચે પડેલા કાગળ પર ગયુ. એણે એ કાગળ ઉઠાવ્યો અને વાંચ્યુ, ‘રામ ભક્તો મેં જાનકીનું હરણ કર્યુ છે. એ હવે મારી વાટીકામાં રહેશે… લિ. રાવણ. એ રાવણ જે રામથી હારતો નથી, બાણથી મરતો નથી, આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી. હા…હા…હા.. ’

***

અકોલી વિસ્તારમાં નવરાત્રીનું સ્થાન અચાનક કાળરાત્રીએ લઈ લીધું. વિસ્તારના ખ્યાતનામ શેઠ ધનશ્યામભાઈ અને માલતીબહેનની એકની એક દિકરી જાનકીનું અપહરણ થઈ ગયુ હતું. આ વિસ્તાર ઘેલાણીનો જ હતો. નાથુસાથે એ ઘટના સ્થળ પર આવ્યા. રાવણની ચીઠ્ઠી વાંચીને એમણે નાથુને આપી, નાથુબોલ્યો, ‘ફિકર નોટ સાહેબ! મૈં હું ના! આવા તો કેટલાંય રાવણોને મેં વગર બાણે વિંધ્યા છે. … જાનકી મળી જશે.’

‘નાથુ! ઈટ્‌સ નોટ અ જાેક.’ ઘેલાણી તાડુક્યા, ‘મામલો સિરિયસ છે. આ કેસ બહું પેચીદો લાગે છે. અને એને પકડવો એના કરતા પણ વધારે પેચીદો. પેલા રાવણનું તો ઠેકાણું પણ હતું કે એ લંકામાં રહેતો હતો. પણ આ રાવણનું તો ઠેકાણું પણ શોધવાનું છે અને એને પણ. તું ફટાફટ કોલ કરીને બધા જ વિસ્તારો સીલ કરી દે. એક પણ વાહન ચેકીંગ વિના શહેરની બહાર ના જવું જાેઈએ સમજ્યો. અને અહીંથી પણ કોઈ બહાર ના જાય એ પણ ધ્યાન રાખજે.’

‘વાહન તો ચેક કરાવી લઉં છું સર! પણ તમે કહો છો એ શક્ય નથી.’

‘અહીં લગભગ બેથી ત્રણ હજાર માણસો હતા. આખા અકોલી વિસ્તારના સૌથી મોટા ગરબાનું આયોજન અહીં થાય છે. આપણે આવીએ એટલીવારમાં તો કેટલાંય લોકો અહીંથી ચાલ્યા ગયા છે અને અત્યારે પણ અવરજવર ચાલું જ છે. એક એક માણસની તપાસ અને એમને રોકવા અશક્ય છે. ’

‘હા, સર વાત સાચી છે. ’ ઘેલાણીની આસપાસ બેઠેલા પાંચ છ માણસોમાંથી એક જણ બોલ્યો. ઘેલાણીએ એમની સામે જાેયુ, ‘આ બધુ આયોજન તમે જ કર્યુ છે રાઈટ?’

‘હા, સર! મારુ નામ મનસુખ પટેલ…… એકચ્યુલી સર….’

‘એક મિનીટ…’ ઘેલાણીએ એમને અટકાવ્યા અને નાથુને કહ્યુ, ‘નાથુ, તું તાત્કાલિક શહેરના બધા જ પોલીસ સ્ટેશનો પર ફોન કરી દે. અને પંદર વીસ માણસોની ટુકડીને તપાસના કામે લગાડી દે. અત્યારેને અત્યારે આ આખો વિસ્તાર ફેંદી મારે.’

‘ઠીક છે સર!’ કહી નાથુકામે લાગી ગયો. એ પછી ઘેલાણીએ મનસુખ ભાઈ સામે જાેયુ. મનસુખભાઈએ ફરી બોલવાનું શરૂ કર્યુ, ‘સાહેબ મારુ નામ મનસુખભાઈ પટેલ, અને મારી સાથે ધીરજભાઈ શુક્લા, જીવરાજભાઈ ગોર, વિનોદભાઈ તથા અરણજભાઈ છેે. છેલ્લાં પાંચેક વર્ષથી અમે જ અહીં ગરબાનું આયોજન કરીએ છીએ.’

ઘેલાણીએ એક પછી એક પાંચે પાંચ આયોજકોના ચહેરાને તાગી લીધા. એ પછી જાનકીના માતા પિતા અને બીજા પણ અન્ય લોકોની પૂછપરછ કરી થોડીક નોંધ ટપકાવી. રાતના અંધારાને કારણે ઘટના સ્થળની બહુ તપાસ ના થઈ એટલે સવારે ફરી તપાસ કરી. ગરબાનું આયોજન એક મોટા મેદાનમાં કરવામાં આવ્યુ હતું. એની પાછળનો રસ્તો અવાવરૂ અને જંગલ જેવો હતો. ત્યાંથી એમને એક વાનના ટાયરના નિશાન પણ મળ્યા. જેના દ્વારા અપહરણકારે જાનકીનું અપહરણ કર્યાની શંકા હતી. પણ ટાયરના નિશાન અને પુરાવાઓ ટીબીના પેશન્ટ જેમ થોડે દૂર જઈને જ દમ તોડી દેતા હતા. ઘેલાણી સમજી ગયા કે ગુનેગારને ખબર હશે કે ઘટના બને પછી વાહન સઘન વાહન ચેકીંગ થશે. એટલે એણે જાનકીને અહીં આસપાસમાં જ ગોંધી રાખી હશે. એ પછી ઘેલાણીએ બીજી રીતે તપાસ આદરી.

 

ગરબાનું આયોજન એક મોટા મેદાનમાં કરવામાં આવ્યુ હતું. એની પાછળનો રસ્તો અવાવરૂ અને જંગલ જેવો હતો. ત્યાંથી એમને એક વાનના ટાયરના નિશાન પણ મળ્યા. જેના દ્વારા અપહરણકારે જાનકીનું અપહરણ કર્યાની શંકા હતી. પણ ટાયરના નિશાન અને પુરાવાઓ ટીબીના પેશન્ટ જેમ થોડે દૂર જઈને જ દમ તોડી દેતા હતા.

***

જાનકીને ગુમ થયાને ચોવીસ કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો હતો. ઘેલાણી નર્મદાના ડેમમાંથી ખાબકતા જળ ધોધ જેવો પરસેવો પાડીને એને શોધી રહ્યાં હતા. તપાસ પૂરજાેશમાં ચાલું હતી. રાતના સડાબાર થયા હતા. ઘેલાણી અને નાથુબે દિવસથી ઘેર નહોતા ગયા. ફાંદ પર હાથ ફેરવતા ફેરવતા એ ખૂરશીમાં જ કલાકેકની ઉંઘ ખેંચી લેતા અને પછી કામે લાગી જતા.

બીજો દિવસ અને ત્રીજુ નોરતું. ઘડિયાલના કાંટા સાડાબારના સમય સાથે સાથે એક ઘટનાને પણ આકાર આપી રહ્યાં હતા. અકોલી પોલીસ સ્ટેશનથી ઘણે દૂર નવરંગ પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ ચાલુ હતી. ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘુમી રહ્યાં હતા. બધાનું ધ્યાન ગરબા જાેવામાં અને ગરબા રમવામાં હતું. માત્ર એક જણ એની કાળી નજર એક યુવતી પર ટકાવીને એની આસપાસ ઘુમી રહ્યો હતો. એ છોકરીનું નામ હતું વૈદેહી. પુરુષને એ પણ ખબર હતી કે વૈદેહીના મમ્મી અને પપ્પા બહાર પાર્કિંગ પાસે બેઠા હતા. એ લાગ જાેઈને વૈદેહી પાસે આવ્યો, કાનના પરદા ફાડી નાંએ એવા ગરબાના ધમધમાટ વચ્ચે એણે વૈદેહીની નજીક જઈને કહ્યુ, ‘વૈદેહી, ત્યાં પાર્કિંગ પાસે તારા ડેડીને એટેક આવ્યો છે, જલ્દી ચાલ.’

વૈદેહી એ જ ક્ષણે એની સાથે દોડી ગઈ. એ એને એક ગાડી પાસે લઈ ગયો અને કહ્યુ, તારા પિતા અંદર બેઠા છે ચાલ બેસી જા. જેવી વૈદેહી ગાડીમાં બેઠી કે એણે એના મોં પર રૂમાલ દાબી દીધો. કલાકે વૈદેહી ભાનમાં આવી ત્યારે એક ખંધો પુરુષ હાથમાં લાઈટર લઈ લાળવાળા ચહેરે એને તાકી રહ્યો હતો. એણે રાડ પાડી, ‘ક……ક….ક…. કોણ છો તમે?’

પેલાએ જીભ લપકારતા કહ્યુ, ‘રાવણ …. રાવણ છું હું…. એ રાવણ જે રામથી હારતો નથી, બાણથી મરતો નથી, આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી.’

***

રાવણે આખુ શહેર માથે લીધું હતું. બીજાથી લઈને આઠમાં નોરતાં સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રોજ એક લેખે સાત છોકરીઓનું અપહરણ થયું હતું. ચારે તરફ હાહાકાર હતો. આ આધુનિક રાવણ પોલીસનું નાક વાઢીને આઠ દિવસમાં આઠ છોકરીઓ ઉઠાવી ગયો હતો. અને જતા જતા જાણે ભગવાન અને પોલીસને પડકાર ફેંકતો હોય એમ દરેક મંદીરે એક ચીઠ્ઠી મુકી જતો, ‘રાવણ…. રાવણ છું હું… એ રાવણ જે રામથી હારતો નથી, બાણથી મરતો નથી, આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી….હા..હા…હા….’
વાતાવરણમાં ખૌફ હતો. લોકો ફફડી પણ રહ્યાં હતા અને ગુસ્સે પણ હતા. પોલીસ પર માછલા ધોવાઈ રહ્યાં હતા. છોકરીઓ સમી સાંજે જ ઘરમાં પુરાઈ જતી હતી. શહેરમાં આયોજિત મોટાભાગના ગરબાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.

પોલીસ કમિશ્નરે એક મહત્વની મીટીંગ બોલાવી હતી. આમ તો દરેકે દરેક વિસ્તારના પોલીસ અધિકારીઓ એમના વિસ્તારની તપાસ કરી રહ્યાં હતા. પણ હવે એમ લોકલ તપાસથી કંઈ વળે એમ નહોતું. આ પ્રશ્ન હવે આખા શહેરનો અને આખી પોલીસજાતના નાકનો થઈ ગયો હતો. કમિશ્નર સાહેબે વીસ સક્ષમ પોલીસ અધિકારીઓની એક ટુકડી બનાવી હતી. અને એમાં પાંચ ફોરેન્સિક લેબના સભ્યો પણ હતા. આ આખી ટુકડીના ચીફ હતા ઈન્સપેક્ટર ઘેલાણી. અને એમને સાથ આપવા માટે નાથુ.

ઘેલાણીએ જ્યારે કમિશ્નર સાહેબના મોંએ આ વાત સાંભળી ત્યારે એ રાજી થઈ ગયા. એમણે નાથુને કોણી મારતા કહ્યુ, ‘નાથુ, લાગે છે કે સાહેબ હવે અંદર અંદર પસ્તાઈ રહ્યાં છે. આપણને ચીફ બનાવીને એમણે આપણા પ્રત્યેનો પ્રેમ દર્શાવી દીધો છે. આ રાવણ આપણા હાથમાં જશરેખા લઈને આવ્યો લાગે છે…. ’

ઘેલાણી અને નાથુવાત કરી રહ્યાં હતા એ વખતે એક જણે હળવેકથી કમિશ્નર સાહેબને કહ્યુ, ‘સાહેબ, આ શું કર્યુ? કોઈ નહીં ને ઈન્સપેક્ટર ઘેલાણીને તમે ચીફ બનાવ્યા?’

કમિશ્નર સાહેબે ચોપાટ પર ફેંકાતા પાસા જેવું હાસ્ય વેર્યુ અને બોલ્યા, ‘તમને ખબર ના પડે! એ ડોબો છે. અને આ કેસ બહું ભયંકર છે. લગભગ તો રાવણ પકડાવાનો નથી એટલે બધો અપજશ છેલ્લે એના માથે નાંખી દઈશ… અને કદાચ પકાડાઈ જશે તો આપણને ક્યાં જશ ખાંટતા નથી આવડતું? હેં.! શું સમજ્યા?’

***

કમિશ્નર સાહેબે પીવરાવેલી વિશ્વાસ નામની દવાના ઘેનમાં સરી રહેલા ઘેલાણી અને નાથુરાવણને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યાં હતા. જે જે વિસ્તારોમાંથી છોકરીઓ ગાયબ થઈ હતી એમના સહિત આખા શહેરના ગુંડા મવાલીઓને અંદર કરીને એમની ચામડી ઉતરડાઈ જાય ત્યાં સુધી એમના રીમાન્ડ લીધા હતા પણ એમાંનો એકય રાવણ હતો પણ નહીં અને રાવણ વિશે કંઈ જાણતો પણ નહોતો. ગરબામાં આવનારા મહત્વના પરિવારો, ગરબાના આયોજકો, ઓરકેસ્ટ્રાવાળા, સ્ટોલ્સવાળા, મંડપવાળા, ગાયકો, વોચમેનો અને સફાઈ કામદારો સુધી એકે એક વ્યક્તિની કડકમાં કડક પૂછપરછ કરવામાં આવી હતી. એમના પર વોચ પણ રાખવામાં આવી હતી પણ એકેય વ્યક્તિ, એકેય ચહેરો રાવણ સાથે મેચ નહોતો થતો.

જે જે છોકરીઓ ગુમ થઈ એમના પરિવાર, એમના સગા – વ્હાલાની પણ તપાસ થઈ અને એ છોકરીઓની કોલેજ, એમના બોય ફ્રેન્ડસ, એમના લવર્સની પણ પૂછપરછ થઈ. પણ ત્યાંથી પણ રાવણનું અટહાસ્ય ના સંભળાયુ. ઘેલાણી એન્ડ ટુકડીએ આખુ શહેર ઉપર તળે કરી નાંખ્યુ હતુ પણ ક્યાંય રાવણનો પછડાયો સુદ્ધા પકડાયો નહીં. નવમાં નોરતાની સાંજે તો આખી ટુકડી થાકીને બેસી ગઈ. બધાના ચહેરા પરથી પરસેવા સાથે સાથે પ્રશ્ન પણ ટપકતો હતો, ‘આખરે આ રાવણ છે કોણ? અને છુપાયો છે ક્યાં?’

***

એ ગરબાના સ્થળથી થોડે જ દૂર હતી ત્યાંજ અંધારામાં અચાનક એની સામે કોઈક આવીને ઉભુ રહ્યુ અને એનો હાથ પક્ડયો, સીતાએ એના દેશી લહેકામાં હિંમતથી પૂછ્યુ, ‘કુણ સ અલ્યા?’

 

નવમું નોરતું હતું. શહેરભરના પાર્ટી પ્લોટ્‌સ બંદ કરી દેવામાં આવ્યા હતા. માત્ર પરા વિસ્તાર નાની નાની સોસાયટીઓમાં ક્યાંક ક્યાંક નાના પાયે ગરબાનું આયોજન થયુ હતું. શહેરના છેવાડે આવેલા રાજીવનગરની વસ્તીમાં એવા જ નાનાકડાં ગરબા ચાલી રહ્યાં હતા. આસપાસની વસ્તીના પચાસ સાઈઠ લોકો ભેગા મળીને ગરબાની ડીવીડીના તાલે ગરબા રમી રહ્યાં હતા. ગરીબ વર્ગની યુવતીઓ વર્ષો જુની ફેશનની ચણિયાચોળી પહેરીને રાસ રમી રહી હતી તો પણ એક આગવું સૌંદર્ય છલકાતું હતું. સ્પીકરમાંથી ખાબકતા હેમંત ચૌહાણના સ્વર પર રાસની છેલ્લી રમઝટ ચાલુ હતી. જુના દર્પણિયા આભલા ટાંકેલો સીતાનો ઘેરદાર ઘાઘરો હવામાં ગોળ ગોળ ઘુમી રહ્યો હતો અને ચુંદડી હવા સાથે પકડદાવ રમી રહી હતી. લગભગ એક કલાકથી સીતા રાસ રમી રહી હતી. થાક એની ત્વચા પરથી પરસેવો બનીને નીતરી રહ્યો હતો અને છાતી પરથી હાફ બનીને ઉલેચાઈ રહ્યો હતો. એના ગળામાં સોસ પડી રહ્યો હતો. એ રમતા રમતા બહાર નીકળી અને પાણી પીવા એના છાપરા તરફ ચાલી. એ છાપરામાં ગઈ પાણી પીધું, ઘર આડુ કર્યુ અને પાછી ગરબાના સ્થળ તરફ ચાલી…
એ ગરબાના સ્થળથી થોડે જ દૂર હતી ત્યાંજ અંધારામાં અચાનક એની સામે કોઈક આવીને ઉભુ રહ્યુ અને એનો હાથ પક્ડયો, સીતાએ એના દેશી લહેકામાં હિંમતથી પૂછ્યુ, ‘કુણ સ અલ્યા?’

અને જવાબમાં એના મોં પર રૂમાલનો ડુચો મારી એક પુરુષે લાઈટર ચાલુ કર્યુ. સીતાની કુમળી કીકીમાં એની અંગારા જેવી આંખનો ભાલો ભોંકતા બોલ્યો, ‘રાવણ …. રાવણ છું હું! એ રાવણ જે રામથી હારતો નથી, બાણથી મરતો નથી, આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી. ’

***

રાવણ સીતાનું હરણ કરીને ચાલ્યો ગયો. રાજીવ નગરમાં હાહાકાર થઈ ગયો. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. ઘેલાણીના માથામાં આ સમાચાર ઘણનો ઘા બનીને વિંઝાયા….એ તાત્કાલિક એમની ટુકડી સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા. તપાસમાં એમને ત્યાંથી એમના વઢાયેલા નાક જેવી ચીઠ્ઠી મળી, ‘રાવણ…! રાવણ છું હું… અને હવે રામને મારવાનો છુ. મને ખબર છે કે તમે કોઈ મને પકડી નથી શકવાના. માટે આવતી કાલે દશેરાના દિવસે હું તમારી સામે આવીશ. ફુટબોલ ગ્રાઉન્ડ, કાંકરિયા. જ્યાં દર વર્ષે તમે રાવણને હણો છો ત્યાં આ વરસે રામ હણાશે. રાવણ દહનના સ્થાને હું આવીશ અને રામને હણીશ… હા…હા….હા…. પકડી શકો તો પકડી લો અને રોકી શકતો તો રોકી લો… લિ. રાવણ….. એ રાવણ જે રામથી હારતો નથી, બાણથી મરતો નથી, આગથી બળતો નથી અને હનુમાનથી ડરતો નથી. ’

ક્રમશઃ

 

(કોણ હશે રાવણ? શા માટે એ છોકરીઓના અપહરણ કરતો હશે? ઘેલાણી પાસે હવે ગણતરીના કલાકો જ બાકી છે. શું આ દશેરાએ ઘેલાણી ખરેખર રાવણને હણી શકશે કે રાવણ જ રામને હણી જશે. વાંચીશું દશેરાના દિવસે…)

One thought on “ભાગ – ૧ | રાવણ | એ રાવણ જે રામથી હારતો નથી…

  1. Again ravan back on dashehra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *