Dark Secrets | પ્રકરણ – 2 | ટ્રીપલ મર્ડર કેસ | Crime Stories in Gujarati

 

Dark Secrets | Crime Stories in Gujarati | ઘેલાણી ત્રણેયને અદૃશ્ય થતા જોઈ રહ્યાં હતા. એમનું ધ્યાન હજુ અજયના હાથ પર જ હતું. અને અચાનક એ લોકો પોલીસ સ્ટેશનનો દરવાજો પાર કરે એ પહેલા જ એમના મનમાં એક ઝબકારો થયો. એમણે તરત જ નાથુને બુમ મારી, ‘નાથુ, પેલા ત્રણેને પાછા બોલવા .. જવા ના દેતો.’

 

 

રીકેપ

 

(અજય એક રાત્રે બહાર નીકળ્યો હોય છે. રસ્તામાં એની બાઈકનું નાનકડું એકસીડેન્ટ થાય છે. એ તરત જ ઘરે ફોન કરે છે. પણ કોઈ રીસીવ કરતું નથી. એ વારાફરતી એની પત્ની તથા મમ્મી પપ્પાના મોબાઈલ પર પણ કોલ કરે છે પણ કોઈ ફોન રીસીવ નથી કરતું. એને ચિંતા થાય છે અને એ બાજુની સોસાયટીમાં જ રહેતા એના કાકા વિજયભાઈને ફોન કેર છે અને ઘરે તપાસ કરવા મોકલે છે. એના કાકા ઘરે જાય છે. થોડી જ વારમાં અજય પણ ઘરે પહોંચે છે. પણ ત્યાં સુધીમાં તો બધો ખેલ ખતમ થઈ ગયો હોય છે. અજયના માતા-પિતા અને એની સગર્ભા પત્નીનું કોઈએ બેરહેમીથી ખૂન કરી નાંખ્યુ હોય છે. અજય ફસડાઈ પડે છે.

તાત્કાલિક પોલીસને બોલાવવા માં આવે છે. ઈન્સપેકટર ઘેલાણી પણ આ ઘાતકી હત્યા જોઈ વિચલિત થઈ જાય છે અને ગાંઠ વાળે છે કે ગમે તે થાય એ આ ઘાતકી હત્યારાને શોધીને જ રહેશે…. હવે આગળ….)

 

***

ઘટના ઉપરથી પંદર દિવસ વિતી ગયા હતા. વિનોદ, પુષ્પા અને પૂજાની ચિતાઓ ક્યારનીયે ઠંડી પડી ગઈ હતી. પણ અકોલી પોલીસ સ્ટેશનના ઈન્સપેકટર ઘેલાણીની છાતીની આગ કેમેય કરીને બુઝાતી નહોતી. આજ સુધી આનાથુી પણ ભયંકર ખુન એમણે જોયા હતા, આનાથી પણ બિહામણી લાશોના ખડકલા વચ્ચેથી એ પસાર થયા હતા પણ ક્યારેય એમનુ રુંવાડુયે નહોતું ફરક્યું. પણ પૂજાની લાશ એ કેમેય કરીને નહોતા ભૂલી શકતા. એ કારમુ દૃશ્ય વારંવાર એમની આંખ સામે આવીને ખડું થઈ જતું હતું. એ નરાધમે પૂજાના પેટમાં રહેલા છ માસના એક જીવનુ પણ કતલ કર્યુ હતુ. એક એવા જીવનુ કતલ જેણે આ આ જિંદગી જોઈ પણ નહોતી. એમણે મનોમન ગાંઠ વાળી લીધી હતી કે ગમે તે થાય ખૂનીને છોડવો નથી. એને કડકમાં કડક સજા કરાવે પછી જ એમના હૃદયની આગ ઠંડી પડવાની હતી.

તપાસ ચાલુ જ હતી. વિનોદ કુમારના બંને ભાઈઓ અને અજયની રૂટીન પુછપરછ પણ થઈ ગઈ હતી. શકની કોઈ ગુંજાઈશ જ નહોતી , વિનોદભાઈના બંને ભાઈઓ વિજયભાઈ અને રાજેશભાઈ એમના ઘરે જ હોવાના પુરાવા મળી ગયા હતા અને અજયનો એજ રાતે અકસ્માત થયો હતો એટલે એ પણ બહાર હતો એ સાબિતી મળી ગઈ હતી.

‘સાહેબ, નથી ચોરીનો મામલો, નથી જૂની અદાવત કે નથી કૌટુંબિક ઝઘડા. તો પછી આ ખૂન પાછળનો ઉદેશ શું હોઈ શકે… ’ ખૂરશી પર બેસીને આ જ કિસ્સાના તાણાવાણા ઉકેલતા ઘેલાણીને નાથુએ પુછ્યુ.

‘નાથુ, આ બધા કતલો સંબંધોના કારણે થયેલા છે. મામલો મનીનો નથી મગજનો છે. સંપતિનો નથી સંબંધનો છે.’

બંને વાતો કરતા હતા ત્યાંજ અજય એના બંને કાકાઓ વિજયભાઈ અને રાજેશભાઈ સાથે પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. ત્રણેની આંખોમાં હજુ ઉજડી ગયેલા આશિયાનાનો કાટમાળ દેખાઈ રહ્યો હતો. ત્રણે ઈન્સપેકટર ઘેલાણીની સામે પડેલી ખૂરશીમાં બેઠા. ઈ.ઘેલાણીએ પ્રશ્નસૂચક આંખે ત્રણેની સામે જોયુ.

અજય બોલ્યો, ‘ સાહેબ, કંઈ પતો લાગ્યો! કોણે મારો હસતો ખેલતો પરિવાર રહેંસી નાંખ્યો?’ બોલતા બોલતા એની આંખોમાં ભીનાશ તરી આવી, ‘ આવતી કાલે બા, બાપુજી અને પૂજાના અસ્થીઓ તર્પણ કરવા માટે હરદ્વાર જાઉં છું. એટલે થયુ તમને મળતો જાઉં. ’
‘ તપાસ ચાલુ છે. કંઈ ખબર મળશે એટલે તમને ચોક્કસ જણાવી દઈશું. ’ ઈ. ઘેલાણીનું મગજ ગુનાના તાણાવાણા ઉકેલવામાં બરાબર જામ્યુ હતું ત્યાંજ આ ત્રણે આવી ગયા એટલે એમને ગમ્યુ નહોતું. એના કારણે જ એમણે પોલીસને છાજે એવો જ રૂખો જવાબ આપ્યો.
પણ અજય આગળ ને આગળ બોલતો જતો હતો. એણે બંને હાથે માથુ પકડી લીધું હતું. લગભગ પોક મુકી હોય એવી રીતે એ રડી પડ્યો હતો, ‘ સાહેબ, એકવાર એકવાર એને મારી સામે લાવો. ભલે મને ફાંસી થાય પણ હું એને જીવતો નહીં છોડુ. મારી આખી જિંદગી એણે ખરાબ કરી નાંખી…. સાહેબ… ! બરબાદ કરી નાંખ્યો મને…’ બોલીને એણે એના બંને હાથ ટેબલ પર પછાડ્યા. એના હાથ જોતા જ ઘેલાણીની આંખમાં કંઈક ખુંચ્યુ. પણ કળાયુ નહીં કે એ શું હતું.

એ ક્યાંય સુધી રડતો રહ્યો. પછી એના કાકાઓએ એને સમજાવ્યો અને ત્રણેય ત્યાંથી વિદાઈ થયા. ઘેલાણી હજુ ચુપ જ હતા. એ ત્રણેયને અદૃશ્ય થતા જાેઈ રહ્યાં હતા. એમનું ધ્યાન હજુ અજયના હાથ પર જ હતું. અને અચાનક એ લોકો પોલીસ સ્ટેશનનો દરવાજાે પાર કરે એ પહેલા જ એમના મનમાં એક ઝબકારો થયો. એમણે તરત જ નાથુને બુમ મારી, ‘નાથુ, પેલા ત્રણેને પાછા બોલવા .. જવા ના દેતો.
નાથુત્રણેને પાછા બોલાવી લાગ્યો. ત્રણેય સાહેબ સામે ઉભા હતા. ઘેલાણીએ ત્રણેય ઉપર વારાફરતી નજર દોડાવી રહ્યાં હતા. પહેલા એમણે વિજયભાઈને જાેયા, પછી રાજેશભાઈને અને પછી અજય પર નજર મારી. અજયના હાથે કોણીના ભાગે હજુ પાટો હતો. ઢીંચણે પણ પાટો હશે એવું અનુમાન એના ઉપસેલા પેન્ટ પરથી એમણે લગાવ્યુ. એમણે અજયને પૂછ્યુ, ‘ ભાઈ, તારા ઘેર કતલ થયા ત્યારે તારો અકસ્માત થયેલો રાઈટ?’

‘હાં, સાાહેબ! જુઓને હજુ પાટા છે.’

‘તે દિવસે તો તારા ઘરે કોઈ ફોન નહોતું ઉઠાવતું એટલે તું ચિંતાના કારણે દવાખાને જવાના બદલે સીધો ઘરે જ ગયેલો. પછી તે કયા ડોક્ટર પાસે આ પાટાપીંડી કરાવ્યા.’

‘મારા ઘર પાસે જ એક ડોક્ટર રહે છે. ડો. જનક પંડ્યા. મેં એમની પાસેથી દવા લીધી છે, સાહેબ! પણ તમે અત્યારે મને આ બધું કેમ પૂછી રહ્યાં છો. ’

‘ભાઈ, સાહેબ પુછે એનો માત્ર જવાબ આપવાનો. સામા પ્રશ્નો નહીં પૂછવાના સમજ્યો!’ નાથુએ ડોળા કાઢતા અજયને કહ્યુ.
અજય ચૂપચાપ ઘેલાણી સામે જાેઈ રહ્યો. ઘેલાણીએ એની પાસેથી ડો. જનકનો નંબર લીધો અને નાથુને કહ્યુ, ‘નાથુ, ડો. જનકને કહી દે જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી જાય. ’

નાથુએ તરત જ ડો.જનકને ફોન કરીને બોલાવી લીધા. પોલીસ સ્ટેશનેથી ફોન આવતા જ ડો. જનક હાંફળા પોલસ સ્ટેશને દોડી આવ્યા. એ આવ્યા ત્યાં સુધી ઘેલાણીએ એ પેલા ત્રણેને એમને એમ જ ત્યાં બેસાડી રાખ્યા હતા.

ડો. જનક આવ્યા અને ઘેલાણી સામે ગોઠવાયા. ઘેલાણીએ એમને આવકાર્યા, ‘આવો આવો ડોક્ટર સાહેબ! પધારો.’

ડોક્ટરે બે હાથ જોડીને કહ્યુ, ‘અરે, સાહેબ ! કોઈ ભુલ થઈ કે શુ અમારાથી?’

‘અરે ના ભાઈ ના! આ તો રૂટીન પૂછપરછ માટે તમને અહીં બોલાવ્યા છે. પણ એ પહેલા મારે જરા અજયને એક વાત પૂછવી છે.’ એમ કહીને ઘેલાણી અજય તરફ ફર્યા અને બોલ્યા, ‘અજય તારા હાથ બતાવ જાેઉં!’

અજયે આશ્ચર્યથી એના બંને હાથ સાહેબ તરફ લંબાવ્યા. ઘેલાણીએ એની બંને હથેળીઓ પોતાના હાથમાં લીધી અને ધ્યાનથી જોવા લાગ્યા. એની હથેળીમાં ચાર પાંચ કાપાઓ હતા. થોડીવાર પહેલા એમને આ જ વસ્તુ ધ્યાનમાં આવી હતી એટલે એમને રોક્યા હતા.
હથેળી પર પડેલા કાપાઓને થોડીવાર જોઈ રહ્યાં બાદ એમણે અજયને પુછ્યુ, ‘અરે, ભાઈ આ શું થયુ? આ કાપા શાના છે?’

‘સાહેબ, તમને ખબર તો છે કે મારો અકસ્માત થયો હતો!’ અજયે ગભરાતા ગભારાતા જવાબ આપ્યો, ‘ એ દિવસે મને આ વાગ્યુ છે?’
‘ઓહો.. એમ!’ ઘેલાણી વ્યંગમાં બોલ્યા અને પછી ડો. જનકને બોલાવીને કહ્યુ, ‘ડોકટર સાહેબ જરા જુઓ તો બાઈક પરથી માણસ પડી જાય તો આ પ્રકારના કાપા થાય ખરા?’

ડો.જનકે હથેળી જોતાં વેંત કહી દીધુ, ‘ના, સાહેબ! આ તો કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા છે. અજય જે દિવસે દવા લેવા આવ્યો ત્યારે જ મેં એને કહેલુ કે આ રીતે અકસ્માતમાં વાગે જ નહીં.’

ઘેલાણી હસ્યા અને અજય સામે ફર્યા, ‘દોસ્ત, તારી ગેઈમ પૂરી થાય છે. આ તારા ઘરમાં થયેલા બધા જ કતલ તે કર્યા છે. ’

‘ કેવી વાત કરો છો તમે! હું શું કરવા મારા જ પરિવારના ખૂન કરુ!’ અજય તાડુક્યો. એ માથુ ઝાટકીને બોલ્યો એ સાથે જ કપાળ પર વળેલો પરસેવો નીચે ટપકી પડ્યો.

‘તું કતલ કરે કારણ કે તું એમનો સગો દિકરો નહોતો. અને મેં પાડોશીઓ પાસેથી બધુ જાણી લીધું છે કે તારે તારા ઘરવાળાઓ સાથે અવાર નવાર ઝધડાઓ થતા હતા. ’

‘ઝઘડાઓ તો બધાને ઘેર થાય. કોઈ ઠોસ કારણ આપો!’

‘તો પછી તારી હથેળી પર કાપાઓ શેના છે એ કહે ?’

અજયે ઘણા ગલ્લાં તલ્લાં કર્યા. પણ ઘેલાણીની કડકાઈ આગળ એનું કશું જ ના ચાલ્યુ. ઘેલાણીનો તર્ક સાચો હતો. થોડી કડકાઈ અને થોડી ડંડે બાજી કરી એટલે અજયે ગુનો કબુલી લીધો. એણે સ્વીકારી લીધું કે એના માતા-પિતા અને પત્ની બધાના ખૂન એણે જ કર્યા છે.
અજયની કબુલાત સાંભળી એના બંને કાકાઓ ડઘાઈ ગયા. રાજેશ ભાઈએ તો એનો કોલર પકડી લીધો, ‘ નરાધમ, મારા ભાઈએ તારા પર કરેલા ઉપકારનો બદલો તેં આવી રીતે વાળ્યો. હું તને જીવતો નહીં છોડુ.’

પણ નાથુએ એમને શાંત પાડ્યા અને બાજુમાં બેસાડ્યા.

ઘેલાણીએ ધારીને અજય સામે જોયુ અને કહ્યુ, ‘ચાલ હવે ફટાફટ બોલવા માંડ કે આ બધું તેં શું કામ કર્યુ. એવી તે કઈ બાબત હતી કે તારે તારા માતા-પિતાને અને સગર્ભા પત્નીની હત્યા કરવી પડી.’

અજયે ક્યાંય સુધી પોક મુકીને રડ્યા કર્યુ પછી બોલવાનું શરુ કર્યુ, ‘ સર, મારા માતા – પિતા મને ખુબ ચાહતા હતા પણ લગ્ન પછી મારા ઘરમાં મારુ માન ખુબ ઘટી ગયેલું. કેમકે મારા ઘરમાં મારા કરતા પૂજાનુ માન વધારે હતું. મારા માતા – પિતા પૂજાને મારા કરતા પણ વધારે સાચવતા હતા. જ્યારે જ્યારે પણ અમારા બંને વચ્ચે ઝઘડો થાય ત્યારે એ લોકો પૂજાનો જ પક્ષ લેતા અને મારુ અપમાન કરતા. જોકે એ વાત અલગ હતી કે દર વખતે મારો જ વાંક રહેતો હતો, પૂજા તો બિચારી બહું ભલી હતી. પણ મને પહેલેથી જ હારવાનુ પસંદ નહોતું. ધીમે ધીમે મને પૂજા અને મારા માતા પિતા પ્રત્યે નફરત થવા લાગી. એમા અધુરામાં પૂરુ મારા જીવનમાં એક છોકરી પ્રવેશી. બાજુમાં જ રહેતી સુનીતા સાથે મારે પ્રેમ સંબંધ બંધાઈ ગયેલો. સુનીતા મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી. એણે કહ્યુ હતુ કે તુ પૂજાને છૂટાછેડા આપી દે એટલે આપણે પરણી જઈએ.સમય જતા આ વાતની મારા ઘરમાં પણ ખબર પડી ગઈ. પછી તો જીવવુ હરામ થઈ ગયુ. ઘરમાં પગ મુકુ કે તરત જ મારા મમ્મી પપ્પા મને જેમતેમ બોલવા માંડતા અને બેડરુમમાં પગ મુકુ તરત જ પૂજા ઉધડો લેવા માંડતી. આ જ કારણે મારા મમ્મી-પપ્પાએ એમની તમામ મિલકતો પૂજાના નામે કરી દીધી. મારુ દિમાગ ફાટી ગયું. મે એમને ફરીયાદ કરી તો કહે તું તો રખડું છે, ઐયાશ છે. તારા જેવાને તો અમે ચાર આનાય નહીં આપીએ. બસ ત્યારે જ મે નક્કી કરી લીધું હતું કે આ બધું પૂજાના જ કારણે થયું છે માટે હવે ન તો પૂજા રહેશે ન આ પ્રોબ્લેમ. જાેઉં છું કોણ રોકે છે મને આ સંપતિનો માલીક બનવાથી. હું બરાબરનો કંટાળી ગયો હતો.કતલની રાતે પણ એવુ જ થયુ. લગભગ દસ વાગે હું ઘરે પહોંચ્યો. મમ્મી પપ્પા ઉંઘી ગયા હતા પણ પૂજા જાગતી હતી.

 

બેડરુમમાં પગ મૂકતા જ પૂજાએ એનો બડબડાટ ચાલુ કરી દીધો. આમ પણ ઘણા દિવસથી મારા મગજ પર ખૂન સવાર હતું. એ રાતે હું મારા પર કાબુ ના કરી શક્યો. પૂજા બડબડાટ કરતી રહી અને હું રસોડામાં જઈને એક તેજ ચપ્પૂ લઈ આવ્યો અને પૂજા પર તૂટી પડ્યો. એની છાતી અને પેટમાં ચાલીસ વાર કર્યા. રાડારાડ સાંભળી મારા મમ્મી અને પપ્પા દોડી આવ્યા. મે એમને પણ વેતરી નાંખ્યા. ત્યાર પછી હું બાઈક લઈને બહાર નીકળી ગયો. દ્વારકા રોડ પર હાથે કરીને એક કાર સાથે અથડાયો. જેથી ખૂન વખતે મારા બહાર હોવાના પુરાવા મળી રહે. પછી મે મારા કાકાને ફોન કરીને ઘરે મોકલ્યા જેથી કોઈને મારા પર શક ના જાય. બસ પછી તો તમને બધી ખબર છે. મને હતું કે હું છટકી જઈ શકીશ પણ આખરે મારુ પાપ છાપરે ચડીને પોકાર્યું.’

* * *

ઈન્સપેકટર ઘેલાણી, નાથુઅને અજયના બંને કાકાઓ અજયની ક્રુરતાથી દિગ્મૂઢ હતું. જેણે એને અનાથુઆશ્રમના અંધારાથી ઉગારીને પરીવારના પ્રકાશમાં બેસાડ્યો હતો એજ મા-બાપને એણે મોતને ઘાટ ઉતારી દીધા. ઉપકારના બદલામાં લોકો પોતાનું માથું ઉતારી આપતા હોય છે ,પણ આ નરાધમે તો માથુ ઉતારી લીધું. ઘેલાણી અને નાથુનું મન ઉદ્વીગન્ થઈ ગયુ હતું. કેસ તો મોટો સોલ્વ કર્યો હતો પણ કોણ જાણે કેમ આજે એમને જશ ખાંટવાનો જરાય મુડ નહોતો. એમણે અજયના કાકાઓને વિદાય કર્યા અને અજયની ધરપકડ કરી કોર્ટ કાર્યવાહી માટેની તૈયારીઓ કરી….

સમાપ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *