Dark Suspense | Crime File | સાઈકલના સ્ટીયરીંગ પર એક લોહી ભીનો સફેદ શર્ટ લટકતો હતો. ‘ ઓહ માય ગોડ… સાહેબ ત્યાં જુઓ..’ નાથુએ ચીસ સાથે બધાનું ધ્યાન બારી તરફ દોર્યુ. સામેથી કિંગ કોબ્રાના ફુંફાડા જેવો અવાજ એના કાનમાં ઠલવાયો, ‘એય રસીક સૂન! તેરે બેટે સમીરકા હમને કિડનેપ કિયા હૈ. અગર તુ ઉસે જીન્દા દેખના ચાહતા હૈ તો જૈસે મૈં બોલતા હું વૈસા કરના પડેગા.’
સાંજના સાડા પાંચનો સમય હતો. દરિયો અષાઢી વરસાદ બનીને અમદાવાદ પર ખાબકી રહ્યો હતો. બહાર ગયેલો નાથુપોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો ત્યારે ઈન્સપેક્ટર ઘેલાણી બંને હાથ ખૂરશી પર ટેકવીને નસકોરાં બોલાવી રહ્યાં હતા. નાકમાંથી વછુટેલો ઉચ્છવાસ ફાંદ પર વેરણ – છેરણ થઈ રહ્યો હતો. એમને જાેઈને નાથુને લાફિંગ બુદ્ધા યાદ આવી ગયા. એના ઘરમાં પણ એક આવી જ ફાંદાળી મુર્તી હતી પણ નિર્જીવ અને નાની.
ભીની છત્રીને ખીંટીએ ટીંગાડતા નાથુબોલ્યો,‘સાહેબ, ગુડ મોર્નિગ’ એ એટલું જોરથી બોલ્યો હતો કે ઘેલાણી જબકીને જાગી ગયા. એ બગાસુ ખાતા ખાતા બોલ્યા, ‘નાથુએક ચા કહી આવને જરા!’
‘ કહી આવું સાહેબ, પણ એ પહેલા એક સારા સમાચાર આપી દઉં!’
‘ તું પ્રેગનેન્ટ છે કે શું? ’
‘ સાહેબ કદીક તો સિરિયસ થાવ! ખરેખર સારા સમાચાર છે. હમણા હું સેન્ટ્રલ જેલમાંથી છુટેલા એક કેદીને મળ્યો. મેં એને પુછ્યુ કે જેલમાં કેવી હાલત છે? તો એણે જવાબ આપ્યો કે,સાડા ચાર હજારના બેઝિક પગારમાં પોલીસવાળાઓની જિંદગી નરક બની ગઈ છે. તેઓની પત્નીથી લઈને બાળકોના ભણતર સુધીના ખર્ચા કેદીઓને આપેલા ધર્માદા અથવા છુટી-છવાઈ લાંચમાંથી પૂરા થાય છે. હું બહાર આવીને આ અંગે કંઈક નક્કર કરવા માંગુ છુ.’
ઘેલાણીએ ગુસ્સાથી એની સામે જાેયુ અને જાેરથી બોલ્યા,‘ નાથુ, તારી બુદ્ધિનું પ્રદર્શન ના કર. મારુ માથુ દુખે છે. જા જલ્દી જઈને ચા કહી આવ!’
‘ ફિકર નોટ સાહેબ ! મૈ હું ના! બસ ચુટકીમાં ચા આવી સમજાે.’ નાથુપાછો વળીને ચાલવા લાગ્યો. ત્યાંજ એને કંઈક યાદ આવ્યુ, એ પાછો ફર્યો અને બોલ્યો, ‘ અરે, હા સાહેબ યાદ આવ્યુ. એક અરજન્ટ પાસપોર્ટ ઈન્કવાયરી છે. કોઈ વિદ્યાર્થીનો પાસપોર્ટ છે. સમીર ગજ્જર નામ છે. અહીં પાસેના ગજ્જરવાસનું જ સરનામુ છે. નવયુગ સ્કુલના ટ્રસ્ટી નીલેશભાઈ પટેલનો ફોન હતો સવારે…’
‘ કરીશું.. હવે તો એજ કરવાનુંને… પાસપોર્ટની ઈન્કવાયરીઓ કરવાની, કોઈના ખોવાયેલા મોબાઈલો શોધવાના, કોઈની ખોવાયેલી સર્ટીફિકેટની થેલીઓ શોધવાની કે કોઈનું ખોવાયેલું ખખડધજ સ્કુટર શોધવાનું. બાકી આપણા હાથમાં એવો કોઈ કેસ ક્યાં આવે છે કે આપણી વર્દી પર નેઈમ પ્લેટની સાથે એકાદ બે મેડલ પણ લાગે.’ ઈન્સપેકટરે નિસાસો નાંખતા કહ્યુ.
નાથુએ ફરી પાછુ બુદ્ધિનું પ્રદર્શન કરતા કહ્યુ, ‘ ફિકર નોટ સાહેબ! જે દીવસે મેડલો બજારમાં મળતા થઈ જશે એ દિવસે તમારી વર્દી પર પણ લાગી જશે.’
પણ સાહેબ મજાકના મુડમાં નહોતા. એમણે બીજો મોટો નિસાસો નાંખ્યો, ‘ નાથુતારી વાત ખોટી છે. અત્યારે મેડલો ખરીદી પણ શકાય છે અને ખૂંચવી પણ શકાય છે. જોને, લઠ્ઠાકાંડનો કેસ સોલ્વ કરવા માટે જે મેડલ મળવાનો હતો એ આપણા સાહેબે આપણી પાસેથી ખૂંચવી ના લીધો? પણ છોડ એ બધું. જા જલ્દી જઈને ચા લઈ આવ. શાંતિથી પીએ. પછી પેલુ પાસપોર્ટની ઈન્કવાયરીનું કામ પૂરુ કરીએ.. ’
‘ સરજી, આપ કહીં ભી મત જાઈયેગા. હમ અભી ગયે ઔર અભી આયે.’ નાથુઅમિતાભની સ્ટાઈલમાં બોલતો બોલતો ચાની કીટલી તરફ ચાલી નીકળ્યો.
***
નાથુચાની કીટલીએ પહોંચ્યો એજ સમયે અકોલી પોલીસ સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા એક બંગલામાં રસીક ફર્નિચરનું કામ કરી રહ્યો હતો. ભીના પ્લાયવુડ પર કરવત ફેરવીને એ એની મધ્યમવર્ગીય જિંદગીનો પથ કાપી રહ્યો હતો. ખરબચડા લાકડા પર રંધો ફેરવીને એ એની પત્ની અને પુત્રની જિંદગીને સુંવાળી કરવાની કોશીશ કરી રહ્યો હતો. અચાનક એનું ધ્યાન ઘડિયાલમાં ગયુ. એને યાદ આવ્યુ કે આજે એણે એના દિકરા સમીરને વહેલા ઘરે આવવાનું વચન આપ્યુ હતું. દિકરો એને બહું વ્હાલો હતો. એણે તરત જ રંધો સાઈડમાં મુકી દીધો. ફટાફટ બધો સામાન ગોઠવી દીધો અને ટીફીન લઈને બહાર નીકળી ગયો.
બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. ટીફન સાઈકલ સાથે લટકાવીને એણે ફટાફટ સાઈકલ ઘર તરફ મારી મુકી. વરસાદ સાથે સાથે એ વિચારોમાં પણ ભીંજાઈ રહ્યો હતો. ‘ સમીર સ્કુલેથી આવી ગયો હશે. રાહ જાેતો હશે. એણે મકાઈ ડોડો મંગાવ્યો છે. સાલી જિંદગી પણ જાણે દોડતી ટ્રેન બની ગઈ છે. બે છેડા ભેગા કરવાની લ્હાયમાં ઈચ્છા છતાં દીકરા માટે સમય નથી ફાળવી શકાતો.’
રસ્તામાં મકાઈની લારી જોતા જ એની વિચાર તંદ્રા તૂટી. એ સમીર માટે મકાઈ લેવા ઉભો રહ્યોેે. મકાઈ વાળાએ ગરમા ગરમ મકાઈ પર લીંબુ મસાલો લગાવીને એક પ્લાસ્ટીકની થેલીમાં મકાઈ બાંધી આપી જેથી વરસાદમાં એ પલળે નહીં. મકાઈના પૈસા ચૂકવી રસીક પાછો સાઈકલ પર સવાર થઈ ગયો.
ફરી પાછો એ વિચારે ચડી ગયો, આખુ વેકેશન ગયુ પણ પોતે કામ આડે સમીરને ક્યાંય ફરવા નહોતો લઈ જઈ શક્યો એનો વસવસો એની છાતીમાં નીતરવા લાગ્યો. એણે મનોમન ગણતરી માંડી. આજે અષાઢ મહીનાની તેરસ છે. બે દિવસ પછી અષાઢ વદ પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમા. બસ આ વખત તો સમીરને ગુરુપુર્ણિમાના મેળામાં લઈ જ જવો છે. ભલે એક રજા પડે.’
વિચારોમાં ને વિચારોમાં ઘર આવી ગયુ. એને એમ કે રોજ દસ અગિયાર વાગ્યે ઘરે આવતા પપ્પાને વહેલા આવેલા જોઈને સમીર ઉત્સાહથી એને વળગી પડશે. એણે બારણામાંથી જ બુમ પાડી, ‘બેટા, સમીર!’ પણ કોઈ પ્રતિભાવ ના આવ્યો. એ અંદર ગયો. એની પત્ની જ્યોત્સના શાક સમારી રહી હતી. સમીર ક્યાંય દેખાયો નહીં.
‘ સમીર ક્યાં છે? ’ રસીકે પૂછ્યુ.
‘ એ હજુ સ્કુલેથી આવ્યો નથી…’ પત્નીએ શાકની થાળી બાજુમાં મુકતા કહ્યુ.
‘ રોજ તો સાડા પાંચે સ્કુલેથી આવી જાય છે. આજે કેમ આટલી બધી વાર થઈ…?’
‘ હજુ છ વાગે છે. કદાચ ભાઈબંધો સાથે ક્યાંક ગયો હશે.’ જ્યોત્સનાબહેને પાણી આપતા કહ્યુ. રસીકે કપડાં બદલ્યા. થેલીમાંથી સમીર માટે લાવેલો મકાઈનો ડોડો કાઢયો અને બારણે નજર ખોડીને ખૂરશીમાં ગોઠવાઈ ગયો. સમય એનું કામ કરી રહ્યો હતો. સાડા છ થઈ ગયા હતા. રોજ સાડા પાંચે આવતો સમીર હજુ નહોતો આવ્યો. સેકન્ડે સેકન્ડે રસીક અને એની પત્નીની ચિંતા વધી રહી હતી.
‘ જ્યોત્સના, મને ચિંતા થઈ રહી છે. સમીર હજુ કેમ નહીં આવ્યો હોય? એક તો વરસાદ ખૂબ છે. અને શહેરમાં ખાડાઓનો પાર નથી. કંઈક અજુગતું તો નહીં બની ગયું હોય ને! આ છોકરો સાયકલ જરા વધારે પડતી ફાસ્ટ ચલાવે છે.’
‘શું તમેય સંધ્યા ટાણે આવું બોલતા હશો… કદાચ એના મિત્રને ત્યાં ગયો હોય એમ પણ બને અથવા તો વરસાદ બંધ થવાની રાહ જોતો હશે..’
‘ તોયે મારું મન ગભરાય છે. તું બેસ હું એની સ્કુલે અને ભાઈબંધોના ઘરે તપાસ કરતો આવું.’ રસીક ચિંતા ગ્રસ્ત મન અને તન લઈને ઉભો થયો. દીવાલ પર લટકાવેલી સાઈકલની ચાવી હાથમાં લીધી અને બહાર જવા માટે પગ ઉપાડ્યા ત્યાંજ એના ઘરના મોબાઈલની રીંગ વાગી. રસીકે ઝડપથી કોલ રિસીવ કર્યો, ‘ હેલ્લો, કોણ બોલો છો?’
અને જવાબમાં જાણે વિજળીનો કડાકો થયો અને એના કાનના પરદાને ફાડી ગયો, ‘ પપ્પા, પપ્પા મને બચાવી લો. આ લોકો મને ક્યાંક લઈ જઈ રહ્યાં છે.’ રડતા સમીરનો અવાજ એના કાનમાં ઠલવાયો એ સાથે જ રસીકે ચીસ પાડી, ‘ બેટા, સમીર ક્યાં છે તું? કોણ લઈ ગયુ છે તને..’ પણ ચીસ બનીને નીકળેલા એના શબ્દો પુરા થાય એ પહેલા જ ફોન કટ થઈ ગયો. સમીરના હાથમાંથી ફોન પડી ગયો અને એ ત્યાં જ ફસડાઈ પડ્યો, ‘ હે.. ભગવાન મારો સમીર….’
જ્યોત્સના પતિ તરફ દોડી, ‘ શું થયુ તમને? કોનો ફોન હતો? સમીરને તો કંઈ નથી થયુ ને?’
‘ ફોન પર સમીર જ હતો. એ રડતા રડતા કહી રહ્યો હતો કે કોઈ એને ક્યાંક લઈ જઈ રહ્યુ છે.’
રસીકે ભીના અવાજે કહ્યુ એ સાથે જ એની પત્નીએ પોક મુકી, ‘ હે.. ભગવાન આ શું થઈ ગયું. કોણ લઈ ગયુ મારા સમીરને… હું લુંટાઈ ગઈ ભગવાન….’
થોડીવારમાં તો ઘરમાં રોકકળ મચી ગઈ. રસીકને પણ પોક મુકવાનું મન થઈ રહ્યુ હતું પણ એને એ પાલવે એમ નહોતું. એટલે એણે પત્નીને જ શાંત પાડી, ‘ જ્યોત્સના રડવાનું બંધ કર.. કદાચ સમીર એના ભાઈબંધો સાથે મળીને આપણી સાથે મજાક કરી રહ્યો હોય એમ પણ બને.’ પણ એ બોલ્યો એની બીજી જ ક્ષણે એનો એ તર્ક પણ ખોટો સાબિત થઈ ગયો.
એ પત્નીને સમજાવી રહ્યો હતો ત્યાંજ ફરી મોબાઈલ રણકી ઉઠ્યો, રસીકે ઝડપથી કોલ રીસીવ કર્યો. સામેથી કિંગ કોબ્રાના ફુંફાડા જેવો અવાજ એના કાનમાં ઠલવાયો, ‘ એય રસીક સૂન! તેરે બેટે સમીરકા હમને કિડનેપ કિયા હૈ. અગર તુ ઉસે જીન્દા દેખના ચાહતા હૈ તો જૈસે મૈં બોલતા હું વૈસા કરના પડેગા. મેં તુજકો બાદ મેં ફોન કરતા હું. તબ તક તું ઘર પર હી રહેના. કહીં પરભી ઉસકી તલાશી કી યા પુલીસ કો બતાયા તો સમજના તેરે બેટી કી લાશ કે સિવા કુછ હાથ નહીં આયેગા.’
‘ તમે કોણ બોલો છો ભાઈ! તમે મારી વાત તો સાંભળો .. તમે કહો એમ ….’ રસીક બોલતો હતો. પણ ફોન કટ થઈ ચુક્યો હતો. અને રસીક વઢાઈ ચુક્યો હતો. હવે એને લાગ્યુ કે પોક મુક્યા વગર નહીં રહેવાય. એ બાજુમાં ઉભેલી પત્નીને વળગીને રડી પડ્યો, ‘ જ્યોત્સના! આપણા સમીરને કોઈ ઉઠાવી ગયુ! શી ખબર મારા લાલની એ શુ હાલત કરશે..’
***
‘ અલ્યા નાથુ! આપણે તો ચામાં ને ચામાં દોઢ – બે કલાક કાઢી નાંખ્યા.’ અચાનક ઘડિયાલ સામે નજર જતા ઘેલાણી બોલ્યા, ‘ ચાલ હવે કંઈક કામ કરીએ. તું પેલા પાસપોર્ટ ઈન્કવાયરીનું કહેતો હતો એનું પતાવી દઈએ. નંબર છે તારી પાસે એ છોકરાના ઘરનો?’
‘ ફિકર નોટ સાહેબ! મૈં હું ના ! તમ તમારે ચા પીધા કરો. બધા કામ હું પતાવી દઈશ. અને તમે તો જાણો જ છો ચા અને ચાહ ચીજ જ એવી છે કે બસ પીધા જ કરીએ. પીધા જ કરીએ…’
‘ હા પણ બંનેનો અતિરેક થાય તો એ નુકસાન કરે. આપણે પાંચ ચા પીધી છે. હવે બસ. તું ફટાફટ પેલા સમીર ગજ્જરના ઘરે ફોન કર અને કહે કે કાલે સમીરને લઈને એના પિતા અહીં આવી જાય.’
‘ ભલે સાહેબ! ’ બોલીને નાથુએ સમીરના ઘરનો મોબાઈલ ડબલામાંથી ડાયલ કર્યો. એક જ રીંગે ફોન ઉપડી ગયો અને નાથુકંઈ બોલે એ પહેલા જ સામેથી અવાજ આવ્યો, ‘ સાહેબ, હું તમને પગે લાગું છું. મહેરબાની કરીને મારા સમીરને કંઈ ના કરતા. હું પોલીસને કે બીજા કોઈને આ વીશે જાણ નહીં કરું. અને તમે કહેશો એમ જ કરીશ. તમે કહેશો એ બધું જ આપી દઈશ પણ મારા દિકરાને કાંઈ ના કરતા. સમીર મારો જીવ છે સાહેબ! પ્લીઝ…. ’
ફોનના ડાયલમાંથી નાથુના કાનમાં પ્રવેશેલા અવાજે જાણે એના મગજમાં બુદ્ધિનો સંચાર કર્યો. એણે કંઈ પણ બોલ્યા વગર ફોન મુકી દીધો. ઘેલાણી પ્રશ્નાર્થ ભરી દૃષ્ટીએ એની સામે જોઈ રહ્યાં હતા. નાથુસ્હેજ ટટ્ટાર થયો અને બોલ્યો, ‘ સાહેબ મારી સામે જોવો. આજે તમારી સામે બીજાે એક શેરલોક હોમ્સ ઉભો છે. એના જેવી જ તર્ક શક્તિથી મેં એક જબદસ્ત ઘટના શોધી કાઢી છે.’
ઈ. ઘેલાણી હસ્યા,‘ પહેલા તું સીધો ઉભો રહેતા શીખ. આ અદામાં તું શેરલોક હોમ્સ જેવો નહીં આગાથા ક્રિસ્ટીની મીસ મેપલ જેવો લાગે છે.’
નાથુનો ઉત્સાહ મરી ગયો. પણ સાહેબને કીધા વગર ચાલે એમ નહોતું એટલે બોલ્યો, ‘ સાહેબ, આ તો તમારા ફાયદાની વાત છે. મેડલ મળે એવો એક કેસ હાથમાં આવ્યો છે. મેં સમીરના ઘરે ફોન કર્યો તો એનો બાપ ફોન ઉઠાવીને તરત જ બોલવા લાગ્યો કે, સાહેબ, હું તમારા પગે લાગુ છું… મારા સમીરને કંઈ ના કરતા. હું પોલીસને.. આ વીશે જાણ નહીં કરું. તમે કહેશો એ બધું જ આપી દઈશ…’
‘ વ્હોટ! ’ ઘેલાણી ખૂરશીમાંથી ઉભા થઈ ગયા.
‘ હા, સાહેબ! સમીરનું અપહરણ થઈ ગયુ લાગે છે. આપણે હવે પાસપોર્ટ ઈન્કવાયરી પછી કરીશું પહેલા સમીરની ઈન્કવાયરી કરવી પડશે. ચાલો એના ઘરે… મારી પાસે સરનામું છે.’
ઘેલાણી તરત જ ઉભા થયા. કંઈ બોલ્યા નહીં પણ નાથુની પીઠ થપથપાવી એને સોરી અને થેંકસ બંને કહી દીધા અને તરત જ જીપની ચાવી હાથમાં લીધી.
દસ જ મીનીટમાં ઈન્સપેકટર અને નાથુરસીકના ઘરમાં હતા. પોલીસને જોઈને બંને પતિ-પત્નીના પેટમાં ફાળ પડી. બંને આંસુ રોકી સ્વસ્થ હોવાનો અભિનય કરવા લાગ્યા. બંનેના મનમાં અત્યારે પ્રશ્ન રમી રહ્યો હતો કે આપણે તો પોલીસને કહ્યુ નથી. તો પછી હંમેશાં મોડી પહોંચતી પોલીસ આજે સમય કરતા પણ વહેલી કેવી રીતે આવી ગઈ? પણ પોલીસને તે કંઈ પુછાતું હશે? એ વિચારે બંને ચૂપ જ રહ્યાં.
લગભગ દસેક મીનીટ સુધી રસીકે ગલ્લા તલ્લા કર્યા પછી એણે સ્વીકારવું જ પડ્યુ કે સમીરનું અપહરણ થઈ ગયું છે. બે વખત આવેલા ફોન કોલની વાત સાંભળી ઈન્સપેકટર ઘેલાણીએ તરત જ રસીકના ઘરનો મોબાઈલ લીધો અને લાસ્ટ બંને રીસીવ્ડ કોલ જોયા. બંને નંબર અમદાવાદના હતા અને લેન્ડ લાઈન નંબર હતા. ઘેલાણીએ તરત જ કંટ્રોલ રૂમમાં આ નંબર જણાવ્યા અને પોલીસની એક ટુકડીને જે તે સ્થળે તપાસ માટે મોકલી આપી.
જ્યોત્સના હજુ રડી રહી હતી, ‘ સાહેબ, મારા સમીરને કંઈ થઈ જશે તો હું જીવી નહીં શકું?’
‘ બહેન તું ચિંતા ના કર સમીરને કંઈ જ નહીં થાય.’ ઘેલાણીએ આશ્વસન આપ્યુ. ત્યાંજ નાથુની નજર બારીમાંથી બહાર ગઈ. રસીકના ઘર બહાર વરંડામાં પડેલી સાઈકલના સ્ટીયરીંગ પર એક લોહી ભીનો સફેદ શર્ટ લટકતો હતો. ‘ ઓહ માય ગોડ… સાહેબ ત્યાં જુઓ..’ નાથુએ ચીસ સાથે બધાનું ધ્યાન બારી તરફ દોર્યુ. રસીક અને જ્યોત્સનાની નજર પેલા શર્ટ પર પડતા જ બંને બહાર દોડી ગયા અને લોહીવાળુ શર્ટ હાથમાં લેતા જ જમીન પર ફસડાઈ પડ્યા. જ્યોત્સનાએ પોક મુકી, ‘સાહેબ, આ શર્ટ તો મારા સમીરનો છે. એ લોકોએ એને…. હે ભગવાન…!!!’
ઈન્સપેકટર ઘેલાણી અને નાથુપણ એ રક્ત રંજીત શર્ટ જોઈ સ્તબ્ધ થઈ ગયા. હવે એમની પાસે આશ્વસન આપવા જેટલાયે શબ્દો નહોતા.
ક્રમશઃ
(કોણે કર્યુ હશે સમીરનું અપહરણ ? શા માટે? શું સમીરને એમણે મારી નાંખ્યો હશે? એ પ્રશ્નોના ઉતર ભાગમાં…)