Dark Suspense | પ્રકરણ – ૨ | એક ગરીબ છોકરાનું અપહરણ થયુ અને પછી…

 

 

Dark Suspense Raj Bhaskar | મારે કોઈ ફરિયાદ નથી કરવી. હું ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને એને બચાવી લઈશ. વ્યાજે લાવીશ, આ ઘર વેચી નાંખીશ. અરે ખુદ હું વેચાઈ જઈશ. પણ સમીરને છોડાવીશ…’

 

 

રીકેપ

(ઈન્સપેકટર ઘેલાણીના પોલીસ સ્ટેશનમાં સમીર ગજ્જર નામના એક સ્કુલ બોય માટે અર્જન્ટ પાસપોર્ટ ઈન્કવાયરી આવે છે. નાથુઈન્કવાયરી માટે ફોન કરે છે પણ ત્યાં તો સમીરનું અપહરણ થઈ ગયું હોય છે. ઘેલાણી અને નાથુતાત્કાલિક સમીરના ઘરે પહોંચે છે. વાતચિત ચાલતી હોય છે ત્યાં બહાર સાઈકલ પર સમીરનો લોહીવાળો શર્ટ નજરે ચડે છે અને બધા સ્તબ્ધ થઈ જાય છે. શું થયું હશે સમીરનું? શું કિડનેપરે એને મારી નાંખ્યો હશે?)

***

સમીરનો લોહી વાળો શર્ટ જોઈને રસીક અને જ્યોત્સના સાવ ભાંગી પડ્યા હતા. ઈન્સપેક્ટર ઘેલાણી અને નાથુને સમજાતું નહોતું કે એમને આશ્વસન કેવી રીતે આપવું. ત્યાંજ ઘરમાં પડેલો મોબાઈલ રણકી ઉઠ્યો. આખું ટોળુ ઘરમાં દોડ્યુ. ઘેલાણીએ રસીકને સ્પીકર ચાલુ કરી વાત કરવાનો ઈશારો કર્યો. રસીકે સ્પીકર ઓન કરી કોલ રીસીવ કર્યો. એ સાથે જ કિંગ કોબ્રાના ફુત્કાર જેવો અવાજ એના કાનમાં ઠલવાયો, ‘ કૈસા હૈ રસીક! તેરે બેટે કા શર્ટ મિલા કિ નહીં…? ’

‘ભાઈ મેં તમને કિધું તું કે તમે મારા સમીરને કાંઈ ના કરતા! તમે કહેશો એ આપીશ. તોય તમે..’ રસીક ફોન પર જ રડવા લાગ્યો. સામેના છેડે કોઈ ખખડાટ હસ્યુ, ‘ હા.. હા.. હા..! અબે, ફટ ગઈ ના તેરી! હમને તેરે બેટેકુ કુછ નહીં કિયા. વો તો બકરે કા ખૂન લગાયા હૈ..લે સૂન ઉસકી આવાજ…’

કિડનેપરે સમીરને ફોન આપ્યો. સમીર રડતા રડતા બોલ્યો, ‘૫પ્પા …પપ્પા, મને અહીં થી લઈ જાવ, મને બહું બીક લાગે છે.’ સમીરનો અવાજ સાંભળી રસીકના હરખનો પાર ના રહ્યો. એણે કહ્યુ, ‘ભાઈ, તમારે શું જોઈએ છે.. હું તમને આપી દઉં.. પણ મારા દિકરાને કંઈ ના કરશો.’

‘ પચાસ લાખ’ સામેથી અવાજ આવ્યો, ‘અગર કલ શામ તક અગર તુને મુજે પચાસ લાખ નહીં દીયે તો તેરા બેટા ગયા સમજ. પૈસે લેકે કહાં આના હૈ, વો મેં બાદમેં બતાઉંગા…. ’

ફોન કટ થઈ ગયો. ઘેલાણીએ તરત જ એ નંબર ટ્રેસ કરવા પોલીસ સ્ટેશનમાં સૂચના આપી દીધી.

ઘેલાણીની એક ટુકડી સમીરના કિડનેપરનો પતો લગાવવા માટે લાગી ગઈ હતી. એ વિચારે ચડ્યા હતા. આવા કિસ્સાઓની એમને ખબર હતી કે જો આવા કેસનો નિકાલ જલ્દી લાવવામાં ના આવે તો એનું પરિણામ બાળકે ભોગવવું પડે છે.એટલે જ એ ઝડપથી આ કેસ સોલ્વ કરવા માંગતા હતા.

એમણે રસીક સામે જોયુ, ‘રસીક ચિંતા ના કરીશ. અમે સમીરને કંઈ જ નહીં થવા દઈએ.’

‘સાહેબ, રસીક ઢીલા અવાજે બોલ્યો, ‘મને તો લાગે છે કે પૈસા આપ્યા સિવાય છુટકો નથી. મારા જેવો પાંચ હજાર રૂપરડી કમાતો માણસ પચાસ લાખ લાવશે ક્યાંથી એ જ મને તો નથી સમજાતું.’

‘બધું જ થઈ જશે. અમે તારી સાથે છીએ, તું એ ચિંતા છોડ અને મારા થોડા પ્રશ્નોના જવાબ આપ. મને એ કહે કે તારા દિકરા માટે તું પાસપોર્ટ શા માટે કઢાવી રહ્યો છે. પરદેશ મોકલી શકાય એવી તારી આર્થિક પરિસ્થિતી તો જણાતી નથી. તો આમ અર્જન્ટ પાસપોર્ટ કઢાવવાનું કારણ શું?’

‘સાહેબ એ તો મનેય બહું ખબર નથી. પણ થોડા દિવસ પહેલા એની સ્કુલમાંથી થોડા કાગળો મંગાવ્યા હતા. પછી શાળાના ટ્રસ્ટી નીલેશભાઈ પણ એક દિવસ ઘરે આવી ગયા. એમણે કહ્યુ કે અમેરિકાની સંસ્થા નાસા દ્વારા સમગ્ર ગુજરાતમાંથી સમીરની પસંદગી થઈ છે અને સંસ્થા એના ખર્ચે એને અમેરિકા બોલાવે છે. મારો સમીર આખી શાળામાં સૌથી હોંશિયાર હતો. આજ સુધી ક્યારેય એ પંચાણું ટકાથી ઓછા માર્ક્સ કોઈ પરિક્ષામાં નથી લાવ્યો, સાહેબ! અમે તો બહું ખૂશ હતા કે સમીર એની આટલી નાની ઉંમરમાં અમેરિકા જઈને અમારા કુટુંબનું નામ રોશન કરશે. પણ અચાનક આ બધું થઈ ગયુ….. ’

ઘેલાણીએ બીજાે પ્રશ્ન કર્યો,‘ રસીક, સગા-વ્હાલા, પાડોશીઓ, મિત્રો કે પછી સાથે અન્ય કોઈ સાથે તારે કોઈ જૂની અદાવત ખરી? કોઈ જમીન-મિલકતના કે લેતી-દેતીના ઝઘડા જેવી કોઈ ઘટના?’

‘ના, સાહેબ! મારી મિલકત ગણો કે મુડી બધું જ સમીર છે. મારો સ્વભાવ જ નથી ઝઘડો કરવાનો.’

‘ ઠકી છે અત્યારે હું જાઉં છું. તારી ફરિયાદ નોંધી લઉં છું. અને હા કિડનેપર તરફથી કોઈ પણ હરકત થાય તરત જ મારા મોબાઈલ પર જાણ કરજે. જો કે હું નાથુને તો અહીં મુકુ જ છું.’ ઘેલાણી બોલ્યા ત્યાંજ એમનો મોબાઈલ રણકી ઉઠ્યો. સામેથી કોન્સટેબલ પંડયા વાત કરી રહ્યા હતા,‘સર, તમે આપેલા નંબરો ટ્રેસ કરી જાેયા. ત્રણે કોલ અમદાવાદના જુદા જુદા પબ્લીક બુથ પરથી થયા હતા. અમે સ્થળે પહોંચ્યા ત્યાં સુધી કોલર ભાગી છુટ્યો હતો.’

‘એ તો મને ખ્યાલ જ હોત કે આવું જ થશે.. ઓ.કે બાય!’ ઘેલાણીએ સેલ કટ કર્યો ત્યાંજ રસીકે બે હાથ જાેડી બીતા બીતા કહ્યુ, ‘ સાહેબ, કિડનેપરે ઘમકી આપી છે કે જાે પોલીસ ને કહીશ તો એ લોકો સમીરને મારી નાંખશે. માટે મારે સમીર બાબતે કોઈ ફરિયાદ નથી કરવી. મહેરબાની કરીને તમે મને મારી રીતે જ સમીરને બચાવા દો. હું ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને એને બચાવી લઈશ. વ્યાજે લાવીશ, આ ઘર વેચી નાંખીશ. અરે ખુદ હું વેચાઈ જઈશ. પણ સમીરને છોડાવીશ… બસ તમે મને મારા હાલ પર છોડી દો. ચાલ્યા જાવ અહીંથી. મારે કોઈ કેસ નથી કરવો. ’

‘શું ગાંડા જેવી વાત કરે છે!’ રસીકની વાત સાંભળી નાથુતાડુક્યો, ‘અમે ચાલ્યા જઈશું તો સમીરને કોણ એનો બાપ છોડાવશે.. વાત કરે છે …’

‘હા, એનો બાપ જ છોડાવશે.’ અત્યાર સુધી ચૂપ રહેલી જ્યોત્સનાએ મક્કમતાથી કહ્યુ.

ઘેલાણીએ બધાને શાંત પાડ્યા, ‘રસીક તારી હાલત હું સમજું છું. પણ તું કેસ કરે તો સારુ. અમે તારી સાથે જ છીએ. સમીરનો વાળ પણ વાંકો નહીં થવા દઈએ. લે આ મારુ કાર્ડ. કંઈ અજુગતું થાય તો તરત જ ફોન કરજે.’

રસીકે કંઈ જવાબ ના આપ્યો. ઘેલાણી અને નાથુબહાર નીકળ્યા. ત્યાં જ રસીકના દરવાજે એક સેન્ટ્રો ગાડી આવીને ઉભી રહી. એમાંથી એક રૂઆબદાર વ્યક્તિ નીચે ઉતર્યા. નાથુએમને ઓળખતો હતો. એ સમીરની સ્કુલના ટ્રસ્ટી હતા. નીચે ઉતરતા જ એમણે નાથુસામે સ્મિત વેર્યુ અને ઘેલાણી સાથે શેકહેન્ડ કર્યુ, ‘ગુડ ઈવનિંગ ઈન્સપેકટર સાહેબ! આઈ એમ મિ. નિલેશ પટેલ. ટ્રસ્ટી ઓફ નવયુગ સ્કુલ.’
‘હેલ્લો, મિ. નિલેશ! નાઈસ ટુ મીટ યુ! તમે અહીં ક્યાંથી?’ ઘેલાણીને એમની અહીં હાજરી થોડી અજુગતી લાગી એટલે પૂછી લીધું.

‘ સાહેબ, આ સમીરના ઘરે આવ્યો છું. એને અમેરિકા મોકલવાનો છે એની તૈયારી ચાલી રહી છે. એના પપ્પા સાથે થોડી વાત કરવાની હતી. અરજન્ટ છે અને સમીર પ્રત્યે મને જરા વધારે લાગણી છે એટલે જાતે જ આવી ગયો.’ નિલેશભાઈએ એમના આગમનનું કારણ જણાવ્યુ અને પછી સામો પ્રશ્ન કર્યો, ‘મને લાગે આપ પણ અહીં સમીરના પાસપોર્ટની ઈન્કવાયરી માટે જ આવ્યા લાગો છો. જરા જલ્દી ક્લીયર કરજોને સાહેબ. મારે આવતી આવતી કાલે તો સાંજ સુધીમાં બધાં જ કાગળીયા અમેરિકા રવાના કરી દેવાના છે. ત્રીજા દિવસે મેઈલથી એમનું કન્ફરમેશન આવી જશે અને ચોથા દિવસે તો સમીરને રવાના કરી દેવાનો છે. મોડુ થશે તો એક ગરીબ છોકરાને નાસા જેવી સંસ્થાની સ્કોલરશીપ મળતી અટકી જશે.’ નિલેશભાઈ વિનંતીના સૂરમાં બોલ્યા.

‘ સાહેબ, સમીર જ નથી તો તમે અમેરિકા કોને મોકલશો?’ નાથુએ નિલેશભાઈને માહિતી આપી, ‘કોઈએ સમીરનું અપહરણ કર્યુ છે અને પચાસ લાખ માગે છે. અમે એની ઈન્કવાયરી માટે જ અહીં આવ્યા છીએ, પણ રસીક ફરિયાદ કરવાની ના પાડે છે. ’

આખીયે ઘટના સાંભળ્યા પછી નિલેશભાઈના ચહેરે ચિંતાના વાદળો ઉપસી આવ્યા. છતાં એમણે રસીકને આશ્વસન આપ્યુ, ‘રસીક જો ભાઈ! પોલીસને સાથે રાખવામાં જ આપણી ભલાઈ છે. તું ચિંતા ના કરીશ. તારા સમીરને કંઈજ નહીં થવા દઈએ. હું પણ કંઈક કરું છું.’ નિલેશભાઈ ચૂપચાપ ત્યાંથી

ચાલ્યા ગયા. ઘેલાણી અને નાથુપણ પોલીસ સ્ટેશને પાછા ગયા.

 

***

બીજા દિવસની બપોરનો દોઢ વાગ્યો હતો. સમીરનું અપહરણ થયાને વીસ કલાક થઈ ગયા હતા. હજુ સુધી એનો કોઈ પતો નહોતો લાગ્યો. આજે સાંજે પૈસા લઈને જવાનું હતું પણ હજુ સુધી કિડનેપરનો કોઈ ફોન નહોતો આવ્યો. ઘેલાણી અને નાથુરસીકના ઘરે બેઠા હતા. એને ફરિયાદ માટે સમજાવી રહ્યાં હતા. પણ એ માનતો નહોતો. ઘેલાણી રસીક સાથે સાથે ઔપચારિક વાતો કરતા કરતા અનેક મુદ્દાઓ તારવી રહ્યાં હતા. વાતચિત ચાલતી હતી ત્યાં જ એક પ્રતિભાશાળી વ્યક્તિ હાથમાં ચાવી ઘુમાવતો ઘુમાવતો અંદર દાખલ થયો. એમને જાેતા જ રસીક ઉભો થઈ ગયો. ઘરમાં પોલીસને જાેઈને આવનાર વ્યક્તિ થોડી ધીમી પડી.

‘ આવો શેઠ બેસો..’ રસીકે ઠંડો આવકાર આપ્યો. અને પછી ઈન્સપેકટર સાહેબ સામે ફરતા એણે કહ્યુ, ‘આ ધનરાજ વસાવડા છે. એમના બંગલે હું અત્યારે ફર્નિચરનું કામ કરું છું.’

‘અરે, ભાઈ તું આજે કામે કેમ ના આવ્યો. તને ખબર છે વીસ તારીખે મારા ઘરનું વાસ્તું છે. બહું થોડા દિવસ બાકી છે. ફટાફટ કામ પતાવવું પડશે. તું આમ રજા ના પાડ દોસ્ત! ’

જવાબમાં રસીકના બદલે એની પત્નીએ ડુસકુ મુક્યુ,‘ સાહેબ, હવે કામ કરીને, શું કરવાનું. જ્યારે અમારો વંશ વારસ જ અમારાથી છીનવાઈ ગયો.’

‘શું થયું….? કેમ તમે આમ બોલો છો?’ ધનરાજ શેઠે આશ્ચર્ય અને આધાતથી પૂછયુ. જવાબ ઘેલાણીએ જ આપ્યો, ‘સાહેબ, એમના દિકરા સમીરનું ગઈ કાલે અપહરણ થઈ ગયું છે.’

‘ વ્હોટ? સમીરનું અપહરણ ? શું વાત કરો છો?’

‘ હા, સાહેબ! હું બરબાદ થઈ ગયો. હું ગરીબડો માણસ આટલા બધા રૂપિયા ક્યાંથી લાવીશ એ જ સમજાતું નથી.’

ધનરાજ શેઠે એના ખભે હાથ મુક્યો,‘ ચિંતા ના કર, રસીક! હું તારી સાથે જ છું. પચાસ લાખ રૂપરડી માટે તારા દિકરાને ગુમાવવા નહીં દઉં. હું બેઠો છું… તારો દિકરો એ મારો દિકરો છે.’ પછી એ ઈન્સપેકટર સાહેબ સામે ફર્યા, ‘સાહેબ, ભગવાને મને બધું જ આપ્યુ છે. ગમે ત્યારે મારી જરૂર પડે કહેજો. રૂપિયા લઈને દોડતો આવી જઈશ.’ ઘેલાણીએ જવાબમાં માત્ર માથું ધુણાવ્યુ. નાથુમનોમન વિચારી રહ્યો કે હજુ આ દુનિયામાંથી માનવતા મરી નથી પરવારી. રસીક અને જ્યોત્સના તો એમના પગમાં જ પડી ગયા, ‘તમારા જેવો ભગવાન પણ નહીં સાહેબ! બસ કિડનેપરનો ફોન આવે એટલે વાત પતે અને મારો સમીર મને પાછો મળી જાય.’

***

આજે સમીરનું અપહરણ થયાને ચોથો દીવસ હતો. રસીકે કેસ નહોતો કર્યો એટલે ઘેલાણી કાયદેસર રીતે આ કેસમાં બહું માથુ નહોતા મારી શકતા પણ અંદર ખાને એે એમની પુરેપુરી શક્તિ અને પહોંચથી કિડનેપરને શોધવા માટે પ્રયત્નો કરી રહ્યાં હતા. ધનરાજ શેઠ, નિલેશભાઈ ટ્રસ્ટી, રસીકના સગા-વ્હાલા બધાંને સમીરની ચિંતા સતાવી રહી હતી. જ્યોત્સના બહેનને તો બીજા જ દિવસે હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા હતા. રસીકની હાલત એનાથુી પણ ખરાબ હતી પણ એને ભાંગી પડવું પોસાય એમ નહોતું.

પાંચમા દિવસની સાંજ હતી. અકોલી પોલીસ સ્ટેશનનો માહોલ તંગ હતો. ઘેલાણી પાંચ દિવસથી ઉંધ્યા પણ નહોતા કે ફાંદ પર હાથ પણ નહોતો ફેરવ્યો. સમીરની ચિંતામાં એમને નિદંર નહોતી આવતી. એમના લાખ્ખો પ્રયત્નો છતાં એ સમીર વિશે એક નાનકડો સુરાગ પણ નહોતા મેળવી શક્યા.

એમણે કંટાળાના ભાવ સાથે નાથુને બુમ મારી, ‘ નાથુ, ક્યાં મરી ગ્યો?’

નાથુએ એટલી જ જાેરથી જવાબ આપ્યો, ‘ ક્યાંય નથી મરી ગ્યો સાહેબ! અહીં જ છું. અને તમારું બારમું ખાધા વગર હું મરવાનો પણ નથી.’

‘મજાક છોડ! મને સમીરની ચિંતા થાય છે. રસીક આપણને હવે એના ઘરે તો નહીં જ આવવા દે. પણ તું આસપાસ જઈ તપાસ તો કર કે ત્યાંની શું હાલત છે! ’

‘ ફિકર નોટ સાહેબ! મૈં હું ના! હું આમ ગયો અને આમ આવ્યો.’

નાથુતાત્કાલિક એનો ડંડો ઘુમાવતો પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો. ઘેલાણી ફરી પાછા એમની વિચાર તંદ્રામાં ડુબી ગયા? કોણ હશે કિડનેપર? શા માટે એણે સમીરનું કિડનેપ કર્યુ હશે? પણ હજુ એ વિચારોના વમળમાં ઘેરાય ત્યાંજ નાથુપાછો આવ્યો. એ થોડો ખૂશ હતો અને થોડો મુંઝાયેલો. આવતા વેંત એણે ઘેલાણી સાહેબને માહિતી આપી, ‘સાહેબ, ગજબ થઈ ગયો. રસીકે પૈસા આપીને સમીરને છોડાવી લીધો છે. સમીર અત્યારે એના ઘેર છે અને બધાં એની વાપસીની ઉજાણી કરી રહ્યાં છે.’

‘ વ્હોટ શું વાત કરે છે? કોણ હતું કિડનેપર? રસીક પૈસા ક્યાંથી લાવ્યો? તેં કંઈ પૂછપરછ કરી કે એમને એમ ડેલે હાથ દઈને પાછો આવી ગયો?’

‘ શું વાત કરો છો સાહેબ? મને એટલો કાચો ધાર્યો કે શું? હું બધી જ તપાસ કરીને આવ્યો છું. પેલા ધનરાજ શેઠે રસીકની મદદ કરી છે. એ પણ ત્યાં હતા. કિડનેપર કોણ હતું એ તો ખબર ના પડી પણ એણે આપેલા સરનામે આ લોકો પચાસ લાખ લઈને ગયા. ત્યાં સમીર બંધાયેલી હાલતમાં પડ્યો હતો એને લઈને પાછા આવી ગયા. કોણ હતું? શા માટે અપહરણ થયું હતું ? એ કશી જ કોઈને ખબર નથી? અને કોઈને એ જાણવામાં રસ પણ નથી. એમને તો દીકરો મળી ગયો એટલે ગંગા ન્હાયા.’

ઈન્સપેક્ટર ઘેલાણી ખૂરશીમાંથી ઉભા થઈ ગયા. એમનું દિમાગ કામ નહોતું કરી રહ્યુ. સમીરનો આખોયે કેસ એમની નજર સામે ચક્કર ચક્કર ઘુમી રહ્યો હતો. એમણે આંખ ઝિણી કરીને નાથુને કહ્યુ, ‘નાથુ, સમીરના અપહરણ પાછળ કોઈ મોટી ઘટના ઘટી ગઈ છે. એક ગરીબ છોકરાનું અપહરણ કોઈ કરે જ શા માટે? આ કેસમાં કોઈ બહું મોટી રમત રમી ગયું હોય એમ લાગે છે. બાકી આટલી જલ્દી આ કેસ સોલ્વ થાય એ વાત મારા ગળે જ નથી ઉતરતી. એ લોકોને ભલે એ જાણવામાં રસ ના હોય કે સમીરનું કિડનેપ કોણે અને શા માટે કર્યુ હતું પણ મને રસ છે. અને હું એ જાણીને જ રહીશ.’

ક્રમશઃ

(સમીર સહીસલામત ઘરે આવી ગયો અને કિડનેપર પૈસા લઈને અદૃશ્ય થઈ ગયો. શું ઘેલાણી એને પકડી શકશે? શું સમીરના અપહરણ પાછળ ખરેખર કોઈ મોટી રમત રમાઈ છે? આ બધા જ પ્રશ્નોના જવાબ માટે તમારે આવતા હપ્તા સુધી રાહ જોવી પડશે. ત્યાં સુધી ઘેલાણીને વિચારવા માટે સમય આપીએ..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *