Dark Suspense Raj Bhaskar | ઘટનાઓ રિવાઈન્ડ થતા જ ઘેલાણીને એક સંવાદ યાદ આવ્યો અને એ ખુરશીમાંથી ઉભા થઈને જોરથી બોલી ઉઠ્યા, ‘યેસ, એજ છે… એણે જ કિડનેપ કરાવ્યુ છે… ’’
રીકેપ – Dark Suspense
(રસીક ગજ્જરના છોકરાનું અપહરણ થઈ જાય છે. ઘેલાણી અને નાથુને ખબર પડતા એ લોકો ત્યાં જાય છે. પણ રસીક ફરિયાદ કરતો જ નથી. ઘેલાણી એમની રીતે તપાસ કરતા હોય છે ત્યાંજ પાંચમાં દિવસે ખબર આવે છે કે રસીકે પૈસા આપી સમીરને છોડાવી લીધો છે. ઘેલાણીને આ કેસમાં કંઈક રંધાઈ રહ્યુ હોવાની ગંધ આવે છે. એ નક્કી કરે છે કે સમીર ભલે છુટી ગયો પણ એ કિડનેપરને પકડીને રહેશે. હવે જાેઈએ ઘેલાણી કિડનેપરને શોધી શકે છે કે નહીં.)
***
Dark Suspense Raj Bhaskar
‘ નાથુ, જરા એક ચા કહેજેને! અને હા એને કહેજે થોડી કડક બનાવે.’ રાતના આઠ વાગ્યા હતા. જ્યારથી ઘેલાણીએ જાણ્યુ હતું કે સમીર હેમખેમ છુટી ગયો ત્યારથી એમની શાંતિ હણાઈ ગઈ હતી. ત્રણ કલાકમાં એ આઠ ચા પી ગયા હતા અને નવમી મંગાવી રહ્યાં હતા.
‘ના, સાહેબ! હવે હું ચા કહેવા નહીં જાઉં!…બહું થઈ ગઈ ચા આજે….’
‘તું જા નાથું! મારે વિચારવા માટે ચાની જરૂર પડે છે. મારી તબિયતની ચિંતા ના કર!’
‘લો, બોલો! તમને કોણે કહ્યુ કે હું તમારી તબિયતની ચિંતા કરું છું. મને તો સાહેબ ચાના બિલની ચીંતા છે. અને હા તમે ગમે એટલી ચા પીવો. મગજ એમ કંઈ થોડું ચાલે છે. તમે કોઈ દિવસ સાંભળ્યુ છે કે પ્રેટ્રોલથી આખી ટાંકી ફુલ કરાવી દઈએ એટલે ખોટકાઈ પડેલી ગાડી ચાલવા લાગે?’
‘ ના, મેં તો એવું નથી સાંભળ્યુ. પણ તારે મારા મોઢાનુ કંઈ સાંભળવું લાગે છે.’
નાથું ચુપચાપ ચા કહેવા ચાલ્યો ગયો. ઘેલાણીના મગજમાં ફરીવાર ધમધમાટ શરૂ થઈ ગયો. એમની સિક્સ્થ સેન્સ કહી રહી હતી કે સમીરના અપહરણ પાછળ કોઈ મોટી રમત રમાઈ છે. એમના મનમાં અનેક પ્રશ્નો રમી રહ્યાં હતા. કોઈ સાવ ગરીબ એવા એક સુથારના દિકરાનું અપહરણ કરે જ શા માટે? રસીકે કેસ કેમ ના કર્યો? નીલેશભાઈ એ દિવસે અચાનક કેમ સમીરના ઘરે આવી ગયા હતા?
નીલેશભાઈ યાદ આવતા જ એમના મનમાં એક ઝબકારો થયો. ત્યાંજ નાથુઅંદર પ્રવેશ્યો. એમણે નાથુને પુછ્યુ,‘ નાથુતે પેલા નીલેશભાઈનું ઘર જાેયું છે?’
‘હા, સર! ’
‘ તો ચાલ ફટાફટ! આપણે અત્યારે જ ત્યાં જવું પડશે?’
‘ પણ કેમ આટલી અરજન્ટ!’
‘ તુ મારો સાહેબ નથી. હું તારો સાહેબ છું. વધારે પ્રશ્નો ના કર! ચાલ ઉભો થા.’
‘પણ સાહેબ, ચા આવે જ છે. ચાનું નામ લીધું છે તો પીને નીકળો. નાહકના અપશુકન થશે?’
‘ તે એકવાર કીધું તું ને કે બીલાડી મારી આડી ઉતરે તો અપશુકન એને થાય. તો અત્યારેય અપશુકન ચા વાળાને થશે. ચાલ મોડુ ના કર….’
અડધા કલાક પછી ઈન્સપેકટર ઘેલાણી અને નાથુનવયુગ સ્કુલના ટ્રસ્ટી નીલેશભાઈના ઘરે બેઠા હતા. ઘેલાણી પૂછી રહ્યાં હતા, ‘ સાહેબ, આ રસીકે સમીરને છોડાવ્યો એ બાબતે તમે શું શું જાણો છો?’
નિલેશભાઈએ ભોળા ચહેરે જવાબ આપ્યો,‘કંઈ નહીં સાહેબ! રસીકે કોઈને ખબર જ નહોતી થવા દીધી. બસ ધનરાજ શેઠે પૈસા આપ્યા અને એ અને ધનરાજ શેઠ બંને જઈને કિડનેપરને પૈસા આપીને સમીરને છોડાવી લાવ્યા. આ બધું પણ મેં સાંભળ્યુ છે.’
‘ કંઈ ગરબડ જેવું નથી લાગતું તમને?’
‘ના, આમા શેની ગરબડ. તમને કહીશ તો ખોટું લાગશે. પણ પોલીસો પૈસા નહીં આપવાની લ્હાયમાં ઘણીવાર માણસ જીવ ગુમાવે ત્યાં સુધી કેસ ચુંથ્યા કરતી હોય છે. જે થયું એ સારુ જ થયું છે. પૈસા ગયા પણ સમીર બચી ગયો. સારુ થયું ધનરાજ શેઠે પૈસા આપી એની મદદ કરી. એમણે તો રસીકને કહી દીધું છે કે પૈસા પાછા આપવાની વાત ના કરતો . સમીર મારો જ દિકરો હતો એમ સમજજે. ’
‘ પણ ધનરાજ શેઠે એક અજાણ્યા છોકરા માટે આટલા બધા રૂપિયા શા માટે આપ્યા?’
‘અરે, સાહેબ! એમને પૈસાનો ક્યાં તુટો છે. વર્ષે દહાડે અમારી શાળામાંય પચ્ચીસ-ત્રીસ લાખનું દાન આપે છે. આશ્રમોમાં, મંદીરોમાંય લાખ્ખો રૂપિયાનું દાન આપે છે.’
‘ તમે જે કહો એ! મને તો આમાં કંઈક ખોટું થયું હોય એવી ગંધ આવે છે.’
‘ સાહેબ, સમીર સહિસલામત છે એ બહું નથી? અને તમે ખોટુ થયાની વાત કરતા હો તો એક જ વસ્તુ ખોટી થઈ છે કે એક ગરીબ છોકરો નાસાની સ્કોલરશીપ લઈને અમેરિકા જતા જતા રહી ગયો.’
‘ એ તો બરાબર! ’ ઘેલાણીએ કહ્યુ, ‘ પણ હવે સમીરને મોકલી શકાય એમ નથી?’
‘ ના, મેં તમને કહ્યુ તો હતું કે પાંચ દિવસમાં બધું પુરુ કરવાનું છે. પાંચમાં દિવસે તો ફ્લાઈટ હતી. પછી મારે સમીર પછી જેનું નામ હતું એને મોકલવો પડ્યો. અલબત નાસા તરફથી એ ઓપ્શન હતો જ. નાસા તરફથી સ્કોલરશીપ માટે પસંદગી થઈ એમાં બંનેના નામ હતા. પહેલી પસંદ સમીર હતો પણ જાે સમીર ના જઈ શકે એમ હોય, અથવા એની ઈચ્છા ના હોય તો મનન. એ છોકરો પણ સમીર જેટલો જ બ્રિલિયન્ટ છે. પછી સમીર ન જઈ શક્યો એટલે અમે એને મોકલ્યો.’
‘ઓહ આઈ સી…’ ઘેલાણીએ આંખ જીણી કરી અને પુછ્યુ, ‘નીલેશભાઈ તમને વાંધો ના હોય તો મને એ છોકરાનું પુરુ નામ અને સરનામુ આપશો પ્લીઝ?’
‘ વ્હાય નોટ! લખો….’
નીલેશભાઈએ ઘેલાણીને એ છોકરાનું નામ અને સરનામું લખાવ્યુ. ઘેલાણી અને નાથુએમનો આભાર માનીને વિદાય થયા.
***
બપોરના સાડા બાર થયા હતા. ગઈકાલ સાંજે નીલેશભાઈને મળ્યા પછી ઘેલાણી સાવ ચુપ થઈ ગયા હતા. એ ચૂપચાપ એમની રીતે તપાસ ચલાવી રહ્યાં હતા. નાથુચુપચાપ બેસી રહ્યો. ઘેલાણી કપાળે હાથ મુકી ઉંડા વિચારમાં ડુબી ગયા હતા. એમણે ફરી વખત સમીરના અપહરણથી લઈને અત્યાર સુધીની તમામ ઘટનાઓ એમના મગજના ડીવીડી પ્લેયર પર રિવાઈન્ડ કરી. એક પછી એક દૃશ્યો આવતા ગયા, એક પછી એક પાત્રો આવતા ગયા. રસીક, જ્યોત્સના, નીલેશભાઈ, ઘનરાજ શેઠ, નાથુઅને એ પોતે. એમના મનમાં ક્યારનો એક શક રમી રહ્યો હતો. પણ એ કન્ફર્મ કરવા માંગતા હતા. ઘટનાઓ રિવાઈન્ડ થતા જ એમને એક સંવાદ યાદ આવ્યો અને એ ખુરશીમાંથી ઉભા થઈને જાેરથી બોલી ઉઠ્યા, ‘યેસ, એજ છે… એણે જ કિડનેપ કરાવ્યુ છે… ’
સાહેબને આ રીતે અચાનક બોલતા જોઈ નાથુચોંકી ઉઠ્યો, ‘અરે, સાહેબ શું થયું અચાનક? કોણ છે કિડનેપર? તમને આમ ખૂરશીમાં બેઠા બેઠા વિચારતા વિચારતા જ ખબર પડી ગઈ!’
‘ હા, એનું જ નામ તર્ક. ’ ઘેલાણીની છાતીના ભાગની વર્દી જરા ઉપસી રહી હતી.
‘કોણ છે એ કિડનેપર? મને નામ તો કહો!’
‘નામની ક્યાં વાત કરે છે તને આખો ને આખો માણસ જ બતાવી દઉં પછી શું છે. ચાલ જીપ નીકાળ એની ઘરપકડ કરવી પડશે..’
‘ પણ વોરંટ વગર!’
‘વોરંટ જ છે હવે… તું ચાલ તમતમારે… એક કાગળીયુ હાથમાં રાખવાનું. દૂરથી બતાવીને કહેવાનું કે તમારા નામનું વોરંટ છે અને પછી તરત જ ખિસ્સામાં મુકી દેવાનું.હા.હા..હા..’ ઘેલાણી હસ્યા. જવાબમાં નાથુપણ હસ્યો, અને બહુ દિવસે બંનેની ફાંદ પણ હસી..‘હા… હા … હા….’
બપોરના અઢી વાગી રહ્યાં હતા. ઘેલાણી અને નાથુશહેરના એક મોટા બંગલાના પોર્ચમાં દાખલ થઈને કોતરણી વાળા મોટ્ટા દરવાજા આગળ ઉભા રહ્યા. બે ત્રણ વાર ડોરબેલ વગાડી ત્યારે માંડ નોકરે દરવાજો ખોલ્યો. ઘેલાણી તરત જ એને હડસેલતા અંદર ઘુસી ગયા,
‘ક્યાં છે તારા સાહેબ?’ નાથુએમની જોડા જોડ અંદર દાખલ થયો. સાહેબ ડ્રોઈંગ રૂમમાં જ ટીવી જોતા બેઠા હતા. આમ અચાનક પોલીસને જોઈને સાહેબ ચોંકી ઉઠ્યા. પણ એમનાથુી પણ વધારે ચોંકી ઉઠ્યો નાથુ. એનાથુી બોલી જવાયુ, ‘ અરે, સાહેબ! આ તો ધનરાજ શેઠ છે. એમણે જ તો પૈસા આપીને સમીરને છોડાવ્યો છે. એ જ કિડનેપર કેવી રીતે હોઈ શકે? અશક્ય..તમે ઉંઘમાં તો નથી ને?’
‘ ગુનાખોરીની દુનિયામાં બધું જ શક્ય છે માય ડિયર નાથુ! પણ એ બધું તને પછી સમજાવીશ. પહેલા તું વોરંટ કાઢ!’ ઘેલાણીએ ધીમેથી કહ્યુ.
નાથુએ તરત જ સ્વસ્થતા ધારણ કરી લીધી અને હાથમાંનો એ ફોર સાઈઝનો કંઈક લખેલો કાગળ દૂર ઉભા ઉભા જ ઉંચો કર્યો, ‘ મિ. ધનરાજ! તમારી ઘરપકડનું વોરંટ છે. ચાલો આમારી સાથે.’
‘ પણ શેના માટે?’ ધનરાજ શેઠ ધ્રુજી ઉઠ્યા. એ એટલા ગભરાઈ ગયા હતા કે વોરંટ જોવાની પણ એમને હોંશ નહોતી.
‘ સમીરના અપહરણના ગુનામાં! ચાલો ભેરુ સાસરે!’ ઘેલાણીએ આગળ વધી એમના હાથમાં હાથકડીઓ પહેરાવી દીધી. અને એને લઈને બહાર ચાલી નીકળ્યા. ધનરાજ જાેરથી બબડતા હતા, ‘ઈન્સપેકટર મેં કોઈનું અપહરણ નથી કર્યુ. છોડી દો મને! તમે મને ઓળખતા નથી. તમે મારું કંઈજ નહીં બગાડી શકો… આઈ વોર્ન યુ…તમને આ મોંધું પડશે…..’
‘ વોર્ન વાળી ચાલ છાની માની…’ નાથુએ ફોર્મમાં આવી જઈ ઘનરાજને ધક્કો મારી જીપમાં બેસાડ્યા.
***
ઘેલાણી અને નાથુધનરાજ વસાવડાની સામે ઉભો હતા,‘મિ. ધનરાજ તમારો ખેલ ખતમ થઈ ગયો છે. કબુલી લો કે તમે જ સમીરનું અપહરણ કરાવ્યુ હતું.’
‘ના, હું શા માટે એવું કરું?’
‘ તમારા દિકરા માટે! હા, મિ.ધનરાજ તમે તમારા દિકરા માટે સમીરનું અપહરણ કરાવ્યુ હતું.’
‘મારા દિકરાને અને આ અપહરણને કોઈ લેવાદેવા નથી. તમે ગાંડા જેવી વાત કરો છો?’ હજુ ધનરાજ ઢીલો નહોતો પડતો.
ઘેલાણી હસ્યા,‘ સારુ તો હવે મારે જ કહેવું પડશે કે તમે શા માટે સમીરનું અપહરણ કરાવ્યુ.’ સાહેબે બોલવાનું શરૂ કર્યુ એટલે નાથુપણ એક કાન થઈ ગયો. એને પણ આ ઘટના પાછળનું રાઝ જાણવામાં રસ હતો. ઘેલાણી બોલી રહ્યાં હતા,‘ મિ. ધનરાજ. તમારો દિકરો મનન અને સમીર એક જ શાળામાં એક જ ક્લાસમાં ભણે છે. નાસા તરફથી સ્કોલરશીપ માટે અમેરિકા જવાનું આમંત્રણ મળ્યુ એમાં પહેલો ચાન્સ સમીરનો હતો અને બીજાે તમારા દિકરા મનનનો. જો કોઈ કારણસર સમીર ના જાય તો તમારા દિકરાનો નંબર લાગે એમ હતો એ તમે સારી રીતે જાણતા હતા. અને જો એવું થાય તો તમારા સમાજમાં તમારી વાહ વાહ થઈ જાય. અને એટલે જ તમે એનું અપહરણ કરાવ્યુ. ખોટા ફોન કરાવ્યા. રસીકને પોલીસ કેસ ન કરવા ભડકાવ્યો. પૈસા આપવાની લાલચ આપી અને આખરે જ્યારે ચોથા દિવસે તમારો દીકરો અમેરિકા જવા માટે ઉપડી ગયો એ પછી પાંચમાં દીવસે તમે સમીરને પૈસા આપી છોડાવી લાવ્યાનું નાટક કર્યું. હા, એ બધું નાટક જ હતું. જે તમારા ભાડુતી ગુંડાઓ કરતા હતા. પૈસા તો તમારા ગયા જ નથી પણ દિકરો અમેરિકા ભેગો થઈ નાસાની સ્કોલરશીપ લેતો થઈ ગયો. બોલો સાચી વાત કે ખોટી….’
નાથુઅવાચક હતો અને ધનરાજ સ્તબ્ધ. એની પાસે કોઈ ચારો નહોતો. એણે ગુનો કબુલી લીધો.
***
‘સાહેબ! જક્કાસ હોં, કહેવું પડે. તમેં તો ડિટેકટીવનાયે બાપ નીકળ્યા!’ સાહેબ મોટ્ટી ફાંદ ફેલાવી રૂઆબથી ખૂરશીમાં બેઠા હતા અને નાથુએમના વખાણ કરી રહ્યો હતો,‘ પણ સાહેબ, એ તો કહો તમને ધનરાજ પર શક કેવી રીતે ગયો.’
‘નિરિક્ષણ માય ડિયર નાથુ, નિરિક્ષણ! ’ ઘેલાણીએ અભિમાનથી કહ્યુ. નીલેશભાઈએ જ્યારે મને કહ્યુ કે સમીરના બદલે ધનરાજ શેઠનો છોકરો અમેરિકા ગયો છે ત્યારથી મને એના પર શક ગયો હતો. પછી મેં સમીરના અપહરણથી લઈને છેક સુધીની ઘટના અને સંવાદો રિવાઈન્ડ કરી જોયા. ત્યારે મને યાદ આવ્યુ કે ઘનરાજ જ્યારે રસીકના ઘરે આવ્યા અને રસીકે એમને સમીરના અપહરણની વાત કરી ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે,‘ ચિંતા ના કર, રસીક! હું પચાસ લાખ રૂપરડી માટે તારા દિકરાને ગુમાવવા નહીં દઉં. ’ મને યાદ આવ્યુ કે હકિકતમાં તો આપણે કોઈએ આંકડાનો ફોડ પાડ્યો જ નહોતો. કોઈએ એમને કહ્યુ જ નહોતું કે કિડનેપર પચાસ લાખ રૂપિયા માગે છે. તો પછી ધનરાજને ક્યાંથી ખબર પડી કે પચાસ લાખ જ માગ્યા છે? એનો અર્થ એવો થાય કે કિડનેપ એના દ્વારા જ થયું છે.’
‘ અરે વાહ, આ તો બહું સરળ છે સાહેબ.’
‘હા, હવે કેસ ઉકેલાઈ ગયો એટલે તને બધું સરળ જ લાગશે. ચાલ કમિશ્નર સાહેબને ફોન લગાવી દે. હવે આપણો મેડલ પાક્કો સમજી લે… ’
નાથુટેલિફોનના ડબલા તરફ આગળ વધ્યો ત્યાંજ ટેલિફોનની રીંગ વાગી. નાથુએ ફોન ઉપાડ્યો. સામે કમિશ્નર સાહેબ જ હતા. નાથુએ તરત જ ઘેલાણીને ફોન આપી દીધો. ઘેલાણીએ ફોન ઉપાડતા જ જુસ્સાથી કહ્યુ, ‘ ગુડ ઈવનિંગ સર! હું તમને જ ફોન કરતો હતો. મેં એક મોટો કેસ સોલ્વ કર્યો છે.’
‘એ બધું પછી. પહેલા મને જવાબ આપો કે તમે કોઈ ફરિયાદ કે વોરંટ વગર ઘનરાજ શેઠની ઘરપકડ શા માટે કરી? એના ઘરેથી ફોન હતો. વર્ષે દહાડે કરોડ રૂપિયાનું દાન આપે છે એ સજ્જન. અને તમે બસ એમને એમ પકડી લીધા. ’
‘ સર… મારી વાત તો સાંભળો.. એમણે એક ગરીબ છોકરાનું અપહરણ કરાવીને એની જિંદગી હરામ કરી દીધી છે…’
‘ શટ અપ! મારે કશું નથી. સાંભળવું.. છોડી મુકો એને નહીંતર સસ્પેન્ડ કરી મુકીશ..’ કમિશનર સાહેબે ફોન કાપી નાંખ્યો. ઘેલાણી મનમાં બબડ્યા. મને તો લાગે છે ધનરાજ દર વર્ષે કમિશનર સાહેબના ઘેર પણ દાન મોકલાવતા હશે. પણ એમ બબડે શું ફાયદો. આખરે જે થવાનું હતું એ જ થયું. કલાક પછી ધનરાજ એના બંગલામાં આરામ ફરમાવી રહ્યો હતો અને ઘેલાણી અને નાથુવીલે મોઢે ખખડધજ પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા નિસાસા નાંખી રહ્યા હતા, ‘ સાલુ, આપણા હાથમાં જશ રેખા જ નથી.’
સમાપ્ત
Dark Suspense | Crime File | પ્રકરણ – ૧ | એક ગરીબ છોકરાનું અપહરણ થયુ અને પછી…
Dark Suspense | પ્રકરણ – ૨ | એક ગરીબ છોકરાનું અપહરણ થયુ અને પછી…