Dark Suspense । પ્રકરણ – ૨ । વોર્ડ નંબર – ૧૩ । રાજ ભાસ્કર

 

‘મેં એને આ શીશીમાં પુરી દીધી છે. હવે આ ઓરડામાં કોઈનું મોત નહીં થાય… આવતા ગુરુવારે જોજો… કોઈનો વાળ પણ વાંકો નહીં થાય.. અને થાય તો તમારું જુતુ અને મારુ માથુ..’

 

રીકેપ

(સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર- ૧૩માં દર ગુરુવારે દસ વાગીને પિસ્તાલીસ મિનિટથી દસ વાગીને પંચાવન મિનિટના દસ મિનિટના ગાળામાં એક પેશન્ટનું મૃત્યુ થાય છે. બે ગુરુવાર પછી ત્રીજા ગુરુવારે તો હોસ્પિટલના ચીફ ડોકટર્સની હાજરીમાં આ ઘટના ઘટે છે. કોઈને કંઈ સમજાતું નથી કે આ મોત કેવી રીતે થાય છે. લોકો તરેહ તરેહની વાતો કરે છે. ડો. ભાટિયાનો ડ્રાઈવર કહે છે કે વર્ષ પહેલા મૃત્યુ પામેલી માલતીએ પણ ગુરુવારે એજ સમયે ત્યાં આત્મહત્યા કરી હતી એટલે એનું ત્યાં ભુત થાય છે.
આવામાં એક પત્રકારને અને સિવિલ હોસ્પિટલના ગાર્ડને કંઈક માથાકુટ થાય છે અને કમિશ્નર સાહેબ ઈન્સપેકટર ઘેલાણીને અને નાથુને ત્યાં મોકલે છે. હવે આગળ…..)

***

 

raj bhaskar

સવારના પહોરમાં ટ્રાફિક બહું ઓછો હતો. ઈન્સપેકટર ઘેલાણી અને નાથુની જીપ પુરપાટ વેગે શહેરની સિવિલ હોસ્પિટલ તરફ આગળ વધી રહી હતી. ઘેલાણી હજુ બગાસા ખાઈ રહ્યાં હતા. ‘નાથુ, કમિશ્નર સાહેબ પણ ભારે પક્ષપાતી છે. જેની ડ્યુટી છે એ ઝાલાને એમણે અંગત કામે મોકલ્યો છે અને આપણે એનું કામ કરવા જવું પડે છે.’ ઘેલાણીએ કંટાળા અને ગુસ્સાના બેવડા ભાવ સાથે કહ્યુ.

‘હોય, સાહેબ! કાગડા બધે કાળા જ હોય. એ વાત જવા દો અને એ કહો કે થયું છે શું?’

‘શી ખબર! સાહેબ કહેતા હતા કે કોઈ પત્રકાર અને સિવિલ હોસ્પિટલના ગાર્ડ વચ્ચે માથાકુટ થઈ છે. બાકી તો ત્યાં જઈએ એટલે ખબર પડે.’

‘હોસ્પીટલથી યાદ આવ્યુ સાહેબ! હમણા મારા એક પાડોશી દવાખાને ગયા. ડોકટરને ફરિયાદ કરી કે, સાહેબ! હું વાત કરતો હોઉં છું ત્યારે મને કંઈ દેખાતું નથી! ડોકટરે પૂછ્યુ, આવું ક્યારે ક્યારે થાય છે? તો મહાશયે જવાબ આપ્યો કે, જ્યારે જ્યારે હું ફોન પર વાત કરતો હોઉં ત્યારે ત્યારે આવું થાય છેે.’

ઘેલાણી ખડખડાટ હસી પડ્યા. એમને ખબર હતી કે નાથુએ એમનું મુડ હળવું કરવા જ આ જાેક કીધી છે. એમણે નાથુની પીઠમાં ઘબ્બો માર્યો, ‘તું યે યાર મજાનો માણસ છે. પણ આ કમિશ્નરનું ટેન્શન છે.’

નાથુએ જવાબમાં એનો તકિયા કલામ ફટકારી દીધો, ‘ફિકર નોટ સાહેબ! મૈ હું ના!’

વાતો વાતોમાં સિવિલ હોસ્પિટલ આવી ગઈ. બહાર ગેટ પર ભારે ભીડ હતી. પોલીસની ગાડી જાેઈને ભીડ આધી પાછી થઈ ગઈ. જીપ ગેટમાં પ્રવેશી. અંદરનું દૃશ્ય જોઈને ઘેલાણી ડઘાઈ ગયા. કમિશ્નર સાહેબે તો માત્ર એક પત્રકાર અને ગાર્ડ વચ્ચેના ઝઘડાની વાત કરી હતી. અહીં તો અડધું મિડિયા હાજર હતું.

પ્રેસની ભીડને ચીરતા એ આગળ વધી રહ્યાં હતા ત્યાંજ એક યુવાન એમની સામે આવીને ઉભો રહી ગયો, ‘ગુડ મોર્નિગ સર! ’
ઘેલાણીએ સામે જાેયું. સવાર સમાચારનો પત્રકાર જીગર પટેલ સામે ઉભો હતો, એ તરત જ જીગરને સાઈડમાં લઈ ગયા, ‘જીગર શું છે આ બધું? કયા પત્રકારને ગાર્ડ જાેડે બબાલ થઈ છે? અને આટલી બધી ભીડ કેમ છે? આ બધી ચેનલો વાળા કેમ ભેગા થયા છે?’
‘સર, મારે જ અહીંના ગાર્ડ જોડે માથાકુટ થઈ છે. અને વાત એમ છે કે મને મારા સુત્રો દ્વારા માહિતી મળી છે કે આ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા વોર્ડ નંબર -૧૩માં છેલ્લા એકાદ મહિનાથુી દર ગુરુવારે રાત્રે દસ પિસ્તાલિસથી દસ પંચાવન સુધીના ગાળામાં એક વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ થાય છે. મેં સાંભળ્યુ કે આ વખતે તો ચીફ ડોક્ટરોની ટુકડી પણ હાજર હતી છતાં, બધાની નજર હેઠળ એક માણસ એજ સમયે મરી ગયો. દાળમાં કંઈક કાળું છે. અમુક લોકો કહે છે કે અહીં ભુત થાય છે. અમુક કહે છે કે જોગાનું જોગ છે. હું તપાસ કરવા માટે જ અહીં આવ્યો હતો. એમાં ગાર્ડ જોડે માથાકુટ થઈ ગઈ. એણે મને ડંડો માર્યો અને મારો પિતો છટકી ગયો. મેં મિડિયાને જ અહીં બોલાવી લીધું. ’

‘એવું ના કરાય ભાઈ! એ બિચારો એની ડ્યુટી નિભાવી રહ્યો હતો…..’ ઘેલાણી જીગરને સમજાવી રહ્યાં હતા ત્યાંજ એમનો મોબાઈલ રણક્યો. કમિશ્નર સાહેબનો ફોન હતો. ફોન ઉપાડતા જ કમિશ્નર તાડુક્યા, ‘ઘેલાણી ક્યાં છો તમે? ત્યાં સિવિલમાં તમાશો થઈ રહ્યો છે.’
‘સાહેબ, હું હોસ્પિટલ પર જ છું. બસ હાલ જ પહોંચ્યો.’

‘તો ગમે તેમ કરીને ભીડને અને મિડિયાને વિખેરો. મામલો બહું ગંભીર છે. વાત બહું લીક ના થવી જાેઈએ. મારા પર ઉપરથી ફોન આવી રહ્યાં છે. જરૂર પડે તો બીજી પોલીસ ફોર્સ મંગાવી લો. અને હા, આજથી તમારે અને નાથુએ ત્યાંજ ડ્યુટી કરવાની છે. કંઈ જ ગરબડ ના થાય એનું ધ્યાન રાખજો.’

‘ઓ.કે સર જય હિન્દ!’

***

આખરે ઘેલાણીએ બીજી પોલીસ ફોર્સ બોલાવી ત્યારે માંડ થોડી ભીડ કાબુ થઈ. પણ વાત તો લીક થઈ જ ગઈ હતી. જાેકે હોસ્પિટલની વગને કારણે હજુ લોકલ ચેનલોમાં જ વાત વહેતી થઈ હતી એટલું સારુ હતું. હોસ્પીટલના ચીફ ડોક્ટર્સની હાલત બહું ખરાબ હતી. હોસ્પીટલ ચીફ એન. એમ. ભાટિયા અને બીજા ચાર પાંચ ડોક્ટરો મીટીંગ રૂમમાં બેઠા હતા. ઘેલાણી પણ એમની સાથે હતા. પૂછપરછ દરમિયાન ડો. ભાટિયોએ પહેલા ગુરુવારે થયેલા મૃત્યુથી લઈને ગઈ કાલે જ થયેલા ત્રીજા મૃત્યુ સુધીની તમામ ઘટના ઘેલાણીને સમજાવી દીધી હતી.

ઘેલાણીને વાતમાં રસ પડી રહ્યો હતો. એમણે ડો. ભાટિયાને પૂછ્યુ, ‘શું લાગે છે તમને? શું કારણ હોઈ શકે?’

‘અરે સાહેબ, કારણ ખબર હોત તો આ મૃત્યુ થોડા થાત. પેશન્ટ એકદમ ઓકે હોય છે અને ગુરુવારે જ એ દસ મિનિટમાં શી ખબર શું થાય છે કે એ મરી જાય છે?’

‘ઈન્ટરેસ્ટીંગ….’ ઘેલાણીએ માથુ ઘુણાવ્યુ.

‘સાહેબ, લોકો તરેહ તરેહની વાતો કરે છે. ગઈ કાલે જ મારા ડ્રાઈવરે મને કહ્યુ કે ત્યાં માલતીનું ભુત થતું હશે?’

‘કોણ માલતી?’

‘એક વર્ષ પહેલા માલતી નામની કેન્સર પીડીત સ્ત્રીએ એજ વોર્ડમાં આત્મહત્યા કરી હતી. એ દિવસે ગુરુવાર હતો અને સમય પણ દસ પિસ્તાલીસથી દસ પંચાવન વચ્ચેનો જ હતો.’

‘ઓહ… વેરી ઈન્ટેરેસ્ટીંગ….’ ઘેલાણીનું આશ્ચર્ય બેવડાયુ.

‘સાહેબ, અમે રહ્યાં વિજ્ઞાનના માણસ. આ બધામાં માનતા નથી. આ તો ફક્ત તમારી જાણ ખાતર વાત કરું છું!’ ડો. ભાટીયાએ કહ્યુ. પણ ત્યાં જ ડો. ભાનુશંકર જાેશી તાડુક્યા, ‘નથી કેમ માનતા માનવું પડે. ત્યાં નક્કી માલતીની આત્મા છે. એ જ બધાને મારે છે. આપણે એક જ્યોતિષીને બોલાવીને ત્યાં વીધી કરાવીએ. પછી ત્યાં એક પણ મોત નહીં થાય એ નક્કી છે.’ બીજા ડોકટરઓએ પણ ડો. ભાનુશંકરનો સાથ આપ્યો. મીટિંગ રૂમમાં પણ અફરા તફરી મચી ગઈ. ઘેલાણીએ માંડ માંડ એમને શાંત પાડ્યા, ‘તમે લોકો ચિંતા ના કરો… હું મૃત્યુનો ભેદ ઉકેલીને જ રહીશ…… ’

***

રાતના સાડા બાર થયા હતા. સિવિલ હોસ્પીટલના ત્રીજા માળે આવેલા વોર્ડ નંબર -૧૩ની બારીમાંથી ધુમાડો નીકળીને રાતના અંધારાના આગોશમાં સમાઈ રહ્યો હતો. બહારની તરફ ઉઘડેલી કાચની બારીઓ પર પડતા આગની જ્વાળાઓના પ્રતિબિંબ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે અંદર કંઈક ચાલી રહ્યું છે.

નીચે ગ્રાઉન્ડમાં જીપ પાસે બેઠેલા નાથુની નજર બારી તરફ હતી. ઘુમાડો જોઈને એણે હસતા હસતા ઘેલાણીને કહ્યુ, ‘સાહેબ, આ વિજ્ઞાનના માણસો શું ધતિંગ કરવા માંડ્યા છે. તમે એમને રોક્યા નહીં?’

‘મેં તો ઘણું કહ્યું નાથુ. પણ ડો. ભાટિયા પણ મજબુર છે બિચારા. હોસ્પિટલના મોટાભાગના ડોકટરો એમ માને છે કે વોર્ડ નંબર -૧૩માં માલતીનું ભુત થાય છે. અને એટલે જ આ બધા મૃત્યુ થાય છે. બધાની જીદ હતી એટલે એક જ્યોતિષ પાસે અત્યારે એ લોકો વિધી કરાવી રહ્યાં છે. ડો. ભાટિયાએ મને પણ હાજર રહેવાનું કહ્યું હતું. પણ મને આ બધી વાતોમાં રસ નથી. એટલે હું હાજર ના રહ્યો. ’ ઘેલાણી બોલ્યા ત્યાંજ એક કાળી બિલાડી જીપ પર ઠેકડો મારતી એમના માથમા પર પડી. એ હડબડાઈ ગયા. બિલાડી કુદકો મારીને મ્યાંઉ… મ્યાઉં કરતી અંધારામાં ગાયબ થઈ ગઈ.

નાથુઅને ઘેલાણી આશ્ચર્યથી એક બીજા સામે જાેઈ રહ્યા.

***

રાતનો દોઢ વાગ્યો હતો. એક જ્યોતિષ ‘ઓમ ઐં હિં ક્લીં કાલકાયે નમઃ …… ઓમ ઐં હિં ક્લીં કાલકાયે નમઃ ના જાપ કરતો કરતો એક મોટા વાસણમાં લોબાન બાળીને વોર્ડ નંબર -૧૩માં ઘુમી રહ્યો હતો. ચારે દિશામાં ઘુમીને એ નીચે બેઠો. નીચે બેસી એણે એક શીશીનું બુચ ખોલ્યુ અને હવનની રાખ લઈ એમાં નાંખીને બુચ બંધ કરી દીધુ. પછી એક લીંબુ અને એક કાળી ઢીંગલીને નાડાછડીથી બાંધીને મંત્ર બોલતા બોલતા ખાટલાના પાયે બાંધી દીધી. ફર્શ પરથી ઉભો થઈ એ ખડખડાટ હસતા બોલ્યો, ‘હા… હા… હા… વંતરી બહું નાટક કરતી હતી. પણ હું કોણ, પંડિત દુર્ગાશંકર. આવી તો કંઈક માલતીને મારી પાનીએ બાંધીને ફરું છુ. હા… હા…હા…. પણ હવે તમે ચિંતા ના કરો ડોકટર સાહેબ. મેં એને આ શીશીમાં પુરી દીધી છે. હવે આ ઓરડામાં કોઈનું મોત નહીં થાય… આવતા ગુરુવારે જોજો… કોઈનો વાળ પણ વાંકો નહીં થાય.. અને થાય તો તમારું જુતુ અને મારુ માથુ…… અરે મારુ ધુણવું લાજે સાહેબ….’ ઓરડામાં ઉભેલા ડોકટરોને હાશકારો થયો.

***

ગુરુવારનો દિવસ હતો. હોસ્પિટલનો માહોલ આજે બહું ગંભીર હતો. સમગ્ર સ્ટાફની નજર ઘડિયાલ પર હતી. બધા રાતનો ઈન્તજાર કરી રહ્યાં હતા. જે ડોકટરોએ ભેગા મળીને દુર્ગાશંકર જ્યોતિષ પાસે વિધી કરાવી હતી એ બધા આનંદમાં હતા. અને આવનારા સમયની રાહ જોઈ રહ્યાં હતા. એ સાબિતી માટે કે પોતે સાચા છે. આ જગતમાં ભુત હોય છે. જ્યારે જે ડોકટરો આ બધી વાતમાં નહોતા માનતા એ અંધશ્રદ્ધાળું ડોકટરોને ક્યારે અવળા હાથની પડે છે એનો ઈન્તજાર કરી રહ્યાં હતા.

રાતના નવ વાગ્યાથી જ ન્યુઝ ચેનલો વાળા આવી ગયા હતા. પોલીસ બંદોબસ્ત સખત હતો. કોઈને ૧૩ નંબરના વોર્ડ સુધી ન જવા દેવા એવો ઓર્ડર હતો. બધા જ હોસ્પિટલના પ્રાંગણમાં ઉભા હતા. ડો. ભાટિયા એમની કેબિનમાં ઉભા ઉભા ઘડિયાલ તરફ તાકી રહ્યાં હતા. એમના મનમાં ભારે અજંપો હતો. એ ઈચ્છતા હતા કે ભલે અંધશ્રદ્ધા સાચી ઠરે પણ હવે કોઈનું મૃત્યુ ના થવું જોઈએ. એમને બીજી એક એ વાતનો પણ અજંપો હતો કે મોહન નામનો જે પેશન્ટ વોર્ડ નંબર-૧૩માં એડમિટ હતો એને આ બાબત અંગે કંઈ ખ્યાલ જ નહોતો. એ અને એની પત્ની બીચારા ગઈ કાલે જ ગામડેથી આવ્યા હતા. અભણ હતા. મોહનની હાલત થોડી ગંભીર હતી એટલે એને લાઈફ સપોર્ટ સિસ્ટમ હેઠળ વોર્ડ નંબર -૧૩માં દાખલ કર્યો હતો.

આ ઘટનાથુી વાકેફ હોય એવો કોઈ દર્દી વોર્ડ નંબર -૧૩માં દાખલ થવા તૈયાર નહોતો. અને જ્યોતિષની વિધી કર્યા બાદ શું થાય છે એ જાેવા એક પેશન્ટ દાખલ કરવો પડે એમ જ હતો. એટલે મોહનને દાખલ કરાયો હતો. ડો. ભાટિયાને એમની જાત પર નફરત થતી હતી કે એમણે એક નિર્દોષ પેશન્ટનો જીવ જાેખમમાં મુક્યો હતો. પણ એમની પાસે બીજાે કોઈ રસ્તો પણ નહોતો.

સાડા દસ વાગી ગયા હતા. ઈન્સપેક્ટર ઘેલાણી અને નાથુપણ ભારે ઉત્સુક હતા. ડોકટરો એમનું કામ કરી રહ્યાં હતા. ઘેલાણીની ટીમે એમનું પ્લાનીંગ કરી રાખ્યુ હતું. વોર્ડ નંબર -૧૩ની અંદર પાંચ સી.સી.ટી.વી કેમેરા લગાવી દીધા હતા. એના દરવાજા પર , બહારની આખી ગેલેરીમાં, બારી પર, અને બહારની સાઈડની દીવાલો પર પણ બીજા કેમેરા ગોઠવાયા હતા. સિવિલ ડ્રેસમાં સજ્જ પોલીસો પણ હોસ્પિટલમાં ઘુમી રહ્યાં હતા.

બરાબર દસ વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ. પાંચેય ડોકટરો સતર્ક થઈ ગયા. વોર્ડ નંબર-૧૩માં સૂતેલા મોહનનું ચેક અપ કરવામાં આવ્યુ. પરિસ્થિતી એકદમ નોર્મલ હતી. ઘેલાણી અને નાથુપણ ત્યાંજ ઉભા હતા.

ક્ષણો પહાડ જેવી ભારેખમ વીતી રહી હતી. એક એક મિનિટે દર્દીનું ચેકઅપ થઈ રહ્યુ હતું. દસ સુડતાલીસ, દસ અડતાલીસ, દસ ઓગણસપચાસ. ઘડિયાલનો કાંટો આગળ વધી રહ્યો હતો. ડો. ભાટિયાના ચહેરે સૌથી વધારે પરસેવો હતો. આજે જો કંઈ થઈ ગયું તો ….? વિચાર માત્રથી એ થથરી ગયા.

નવ મિનિટ પસાર થઈ ચુકી હતી. મોહન નોર્મલ જ હતો. ડોકટરોના ચહેરા પર થોડુંક હાસ્ય આવ્યુ. ઘેલાણી અને નાથું પણ રોમાંચિત થઈ ગયા હતા. હવે માત્ર એક મિનિટ બાકી હતી. બસ એક મિનિટ પસાર થઈ જાય એટલે વાત પુરી….

હવે નજર સેકન્ડ કાંટા પર હતી. અડધી મિનિટ થઈ પસાર થઈ ગઈ. છ પર આવેલો સેકન્ડ કાંટો એનો રાઉન્ડ પૂરો કરવા આગળ વધ્યો એ સાથે જ પલંગ પર સુતેલા મોહનની ડોક એક તરફ નમી પડી. એની વેન ડોકટર ભાટિયાના હાથમાં જ હતી. એમણે તરત જ ચીસ પાડી, ‘ઓહ માય ગોડ…. હી ઈઝ ગોન…. આ તો મરી ગયો….’ આખા ઓરડામાં એક સોપો પડી ગયો. હાજર રહેલા સૌની આંખો પહોળી થઈ ગઈ. એ વખતે જ બારીમાં કંઈક પડવાનો અવાજ આવ્યો. બધાની નજર બારી તરફ ગઈ. સી.સી.ટી.વી કેમેરો પડી ગયો હતો. અને એક ઘુવડ અંધારામાં વિલીન થઈ રહ્યું હતું. બધાના ચેહરા વિલાઈ ગયા હતા.

ક્રમશઃ

 

(આટલા બધા ડોકટરો અને પોલીસની હાજરીમાં. સી.સી.ટી.વી કેમેરા હોવા છતા, જ્યોતિષી વિધી કરાવી હોવા છતા ચોથુ મૃત્યુ થઈ ગયુ. શું ઘેલાણી આ અગોચર મૃત્યુનું ગુંચળું ઉકેલી શકશે. જોઈશું આવતા ભાગમાં)

 

DARK SECRETS
Dark Suspense । પ્રકરણ – ૧ । વોર્ડ નંબર – ૧૩ । રાજ ભાસ્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *