Dark Suspense । પ્રકરણ – ૧ । વોર્ડ નંબર – ૧૩ । રાજ ભાસ્કર

 

Dark Suspense । ward no 13 | શહેરની સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નંબર – ૧૩માં દર ગુરૂવારે એક નિશ્ચિત સમયે મોત થતુ હતુ. શું અહીં ભુત હતું? વાંચો એક સસ્પેન્સ કથા…

Dark Suspense

‘માનો ના માનો માલતીની આત્માં ત્યાં ભટકે છે અને એ જ આ બધી હત્યાઓ કરી રહી છે. તમારે કોઈ જ્યોતિષીને
બોલાવીને એની આત્માને ત્યાંથી કાઢવી પડશે. ’

ગુરુવારનો દિવસ હતો. રાતના દસ વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ હતી. શહેરની સિવિલ હોસ્પિટલનો માહોલ આજે બહું તંગ હતો. હોસ્પિટલના પાંચ ચીફ ડોક્ટર્સની ટુકડી ત્રીજા માળે આવેલા વોર્ડ નંબર – ૧૩ ના મોટા ઓરડામાં ઉભા ઉભા ધડકતા હૃદયે આવનારા સમયની રાહ જોઈ રહ્યાં હતા. આખા ઓરડામાં પીન ડ્રોપ સાઈલેન્સ હતું. ઘડિયાલની ટીક ટીક પણ ઘોંઘાટ જેવી લાગી રહી હતી. જોકે આખો મદાર આ ઘડિયાલ અને એની ટીક ટીક પર જ હતો. બધાની નજર ઘડિયાલના કાંટાઓ પર હતી.

આ વોર્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમની ફેસેલિટિઝ ધરાવતો સ્પેશિયલ રૂમ હતો. ક્રિટિકલ કંડિશન ધરાવતા પેશન્ટને અહીં દાખલ કરવામાં આવતો હતો. અત્યારે પણ એક પેશન્ટ અહીં સુતો હતો. એની તબિયત ઘણી સારી હતી પણ છતાંયે ઉપસ્થિત તમામે તમામ ડોકટરોને લાગી રહ્યું હતું કે જાણે યમરાજ આ ઓરડામાં પ્રવેશી ચુક્યા છે અને એને ઉપાડે એટલી જ વાર છે.

સાત મિનિટ હેમેખેમે પસાર થઈ ગઈ. દસ વાગીને બાવન મિનિટ થઈ ગઈ હતી. હવે માત્ર ત્રણ મિનિટનો ખેલ હતો. સાત મિનિટમાં કોઈએ ઘડિયાલના કાંટાઓ પરથી નજર હટાવી નહોતી.

હવે માત્ર બે મિનિટ હતી. ત્યાંજ શી ખબર ક્યાંથી એક કાળી બિલાડી કુદીને પેશન્ટ રામજીભાઈના ખાટલા નીચે ઘુસી ગઈ. ડોક્ટરોને થયું પત્યુ, કાળ એનો ખેલ ખેલી ગયો. એમણે અન્ય ડોકટર સામે પ્રશ્ન સૂચક દ્રષ્ટીએ જોયુ. ડોકટરે જવાબ આપ્યો, ‘સર, કોઈ પ્રોબ્લેમ નથી. પેશન્ટ એકદમ નોર્મલ છે. અને હવે પછીની મીનીટો તો શું પણ દિવસો સુધી એને કંઈ થાય એવી શક્યતા નથી.’

ડોક્ટર્સની નજર પાછી ઘડિયાલ પર ચોંટી ગઈ હતી. હવે માત્ર એક જ મિનિટની વાર હતી. બરાબર એ જ વખતે હોસ્પીટલના ટોપ ફ્લોરના ટેરેસ પરની ટાંકી પર બેઠેલું એક ઘુવડ ઉડતું ઉડતું ત્રીજા માળના વોર્ડ નંબર – ૧૩ની બારી પર આવ્યુ અને બેસી ગયું. ત્યાંજ રામજીભાઈના બેડ આગળ ઉભેલા ડો. હિમાંશુંએ રાડ પાડી, ‘સર, પેશન્ટને કંઈ થઈ ગયું છે.!’

પાંચે પાંચ ચીફ ડોક્ટર્સ ત્યાંજ ઉભા હતા. હોસ્પિટલના ચીફ ડોક્ટર એમ.એન. ભાટિયા સાહેબે પેશન્ટની વેઈન પકડીને પલ્સ તપાસી. અને બીજી જ ક્ષણે એમના હાથમાંથી પેશન્ટનો હાથ પડી ગયો. પેશન્ટના ધબકારા બંધ થઈ ગયા હતા અને એમના ધબકારા તેજ. એ ધીમા પણ ફાટેલા અવાજે બોલ્યા, ‘ઓહ…. માય ગોડ! હિ ઈઝ ડેડ….’

એમનો અવાજ અવાજ મટીને એટમ બોમ્બ બની ગયો. ત્યાં હાજર તમામે તમામની ચીસ ફાટી ગઈ, ‘વ્હોટ?’

ચીસ પડી અને સમી એટલા ગાળામાં બારીમાં બેઠેલું ઘુવડ ઉડીને આકાશના અંધારામાં ગાયબ થઈ ગયું હતું અને પેલી કાળી બીલાડી પણ ક્યાંય દેખાતી નહોતી.

 

***

શહેરની સિવિલ હોસ્પિટલમાં બરાબર એક મહિનાથી એક ગજબની ઘટના ઘટી રહી હતી. હોસ્પિટલના ત્રીજા માળના વોર્ડ નંબર – ૧૩માં દર ગુરુવારે એક મૃત્યુ થતું હતું. અને એ પણ ચોક્કસ સમયગાળા વચ્ચે જ. દર ગુરુવારે રાત્રે દસ વાગીને પિસ્તાલીસ મિનિટથી દસ વાગીને પંચાવન મિનિટ સુધીની દસ મિનિટમાં એક પેશન્ટ ગુજરી જતો. પહેલો પેશન્ટ ગુજર્યો ત્યારે કોઈએ આ વાતની નોંધ નહોતી લીધી. પણ બીજા ગુરુવારે રાત્રે દસ વાગીને પચાસ મીનિટે જ્યારે બીજો પેશન્ટ મૃત્યુ પામ્યો ત્યારે વોર્ડમાં કાનાકુસી થવા લાગી હતી. એકદમ નોર્મલ પેશન્ટ કંઈ પણ કારણ વગર ગુજરી જાય એ વાત જ શંકાસ્પદ હતી. ત્રીજા ગુરુવારે પણ એવું જ થયું. બરાબર દસ વાગીને બાવન મિનિટે વોર્ડ નંબર – ૧૩માં એડમિટ અને એકદમ નોર્મલ કંડિશન ધરાવતા એક પેશન્ટનું મૃત્યુ થઈ ગયું.

એક સાથે ત્રણ ત્રણ ગુરુવારે ચોક્કસ સમયે, ચોક્કસ વોર્ડમાં પેશન્ટનું મૃત્યુ થાય એ સામાન્ય વાત નહોતી. વાત આખી હોસ્પિટલ માટે ચર્ચાનો વિષય બની ગઈ. આખરે હોસ્પિટલના ચીફ ડોક્ટરે સ્ટાફના ડોક્ટરોની એક મીટિંગ બોલાવી અને નક્કી થયું કે આ ગુરુવારે પાંચે પાંચ ચીફ ડોક્ટરો સહિત અન્ય ડોકરર્સ સાથે વોર્ડ નંબર – ૧૩માં હાજર રહેવું. જોઈએ કે કેવી રીતે મરે છે પેશન્ટ.

ગુરુવાર આવી ગયો. રાત્રે સાડા દસ વાગ્યાથી ડોકટરો આવી ગયા હતા. ચીફ ડોકટરોએ જાતે રામજીભાઈ નામના પેશન્ટને ચેક કર્યા. રામજીભાઈ એકદમ નોર્મલ હતા. મૃત્યુની કોઈ શક્યતા જ નહોતી. પણ બરાબર દસ વાગીને પંચાવન મિનિટે રામજીભાઈ કોઈ પણ દેખીતા કારણ વગર મૃત્યુ પામ્યા. ડોકટરો હચમચી ગયા. સમજાતું નહોતું કે એક નોર્મલ કંડિશનનો માણસ આમ અચાનક કેમ મરી જાય? એમની આંખો ફાટી ગઈ હતી, મગજ સન્ન થઈ ગયું હતું. સમજાતું નહોતું કે આ કેવી રીતે શક્ય છે?

***

હોસ્પિટલના ચીફ ડોકટરે સામે બેઠલા બીજા ડોક્ટર્સને ઉદેશીને વાત શરૂ કરી, ‘માય ડિયર ફ્રેન્ડસ, ઘટના બહું મોટી છે. ચારે ચાર પેશન્ટના પોસ્ટમોર્ટમ રિપોર્ટ નોર્મલ છે. ઝેર, જંતું જેવું કશું જ નહોતું. ચારે ચારનું નોર્મલ ડેથ હતું. સમજાતું નથી શું થઈ રહ્યુ છે. આખી હોસ્પિટલમાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. આપણી હોસ્પિટલ સરકારી હોસ્પીટલ છે. હજ્જારો લોકોની સારવાર આપણા ત્યાં થાય છે. જો કંઈ આડી અવળી વાત વહેતી થઈ ગઈ તો આપણી હોસ્પીટલનું નામ ખરડાઈ જશે. અને લોકો સારવાર માટે આવતા ડરશે. આજે હું અહીં પાંચ ડોકટરોની એક ટુકડી એપોઈન્ટ કરું છું. આજે શુક્રવાર થયો છે. આવતા ગુરુવાર સુધીમાં એ ટુકડી સાથે મળીને આપણે સૌએ શોધી કાઢવાનું છે કે આખરે આવું થાય છે શા માટે? આવતા ગુરુવારે કોઈ પેશન્ટનું મૃત્યુ ના થવું જાેઈએ એ જવાબદારી આપણા સૌની છે. ઘરની વાત ઘરમાં એમ હોસ્પિટલની વાત હોસ્પિટલમાં જ રહે એવું હું ઈચ્છુ છું. એટલે જ આપણે આ બધું કામ અંદરખાને કરવાનું છે, ઓ.કે… ’

‘સર, આ બધું યોગાનું યોગ છે. એમાં આપણે ટેન્શન લેવાની જરૂર નથી. હોસ્પીટલ છે, મૃત્યુ તો થાય જ!’ ડોકટર કાપડિયાએ કહ્યુ.
હોસ્પિટલ ચીફ ડો. ભાટિયાએ એમની સામે જાેઈને કહ્યુ, ‘ડોકટર તમારી વાત સાચી છે કે પણ મૃત્યુ એના નોર્મલ કોર્સમાં થાય તો જ વાજબી છે. પણ અહીં જે થઈ રહ્યું છે એ નોર્મલ નથી. ’

‘યુ આર રાઈટ સર! ’ ડો. વિનાયકે સાહેબની વાતમાં સૂર પુરાવ્યો, ‘ આ મૃત્યુઓ નોર્મલ નથી. જે ચાર પેશન્ટો મૃત્યુ પામ્યા એમનુ મૃત્યુ થવાનું કોઈ કારણ નહોતું. અને તમે કહ્યુ એમ મૃત્યુ વોર્ડ નંબર- ૧૩માં જ, ગુરુવારના દિવસે અને દસ પિસ્તાલીસથી દસ પંચાવન સુધીમાં થાય છે. એટલે વાતમાં કંઈક તો ડાર્ક છે જ.’

‘સાહેબ, કંઈક નહીં. બધું જ કાળુ છે.’ ખૂણામાં બેઠેલા ડો. ભાનુશંકર જાેશીએ કહ્યુ, ‘મને લાગે છે કે આ મૃત્યુનું કારણ સાયન્ટિફિક નથી પણ બીજુ જ કંઈક છે. હું ડોક્ટર ઉઠીને આવી વાત કરું છું એટલે તમને મારી વાત પર હસવું આવશે. પણ મને એમ લાગે છે કે આ બધા મૃત્યુ પાછળ કોઈ કાળી શક્તિનો હાથ છે. મારુ માનો તો એ ઓરડામાં એક સત્યનારાયણ દેવની કથા અને હવન કરાવી દો. બધી જ બલાઓ દૂર થઈ જશે.’

ડોક્ટર કાપડિયાની વાત સાંભળીને અડધા ડોકટરો હસી પડ્યા અને અડધા ડોકટરોએ જીણી આંખ કરી હકારના સૂરમાં માથુ ધુણાવ્યુ. ડો. એમ.એન. ભાટિયાએ એ વાત પર કોઈ ટિપ્પણી ના કરી, એ મુખ્ય વાત પર પાછા ફર્યા, ‘ઓ.કે એ તો જે હોય તે હવે અઠવાડિયામાં જ સામે આવી જશે. આજે આ પાંચ જણની ટુકડીમાં ડો. મનિષ તિવારી, ડો. જીતેશ મકવાણા, ડો. સંજય પટેલ, ડો. ચિરાગ મોદી તથા ડો. કાત્ની સાંગાણીની નિમણુક કરીએ છીએ. હવે આપણે બે દિવસ પછી મળીશું. ત્યારે ચર્ચા કરીશું. યાદ રહે કે વાત બહાર ના જાય. ઓ.કે ગુડ નાઈટ.’

મિટિંગ પુરી થઈ ત્યારે રાતના પોણા બાર થયા હતા. ડો. એમ. એન. ભાટિયા. પાર્કિંગમાં જઈ રહ્યાં હતા ત્યારે અચાનક એમની નજર ત્રીજા માળના વોર્ડ નંબર-૧૩ની બારી પર પડી. એમણે જાેયું કે એક ઘુવડ એ બારી પર બેઠું બેઠું પાંખો ફફડાવી રહ્યું હતું. એમને ડો. ભાનુશંકરની કાળી શક્તિવાળી વાત યાદ આવી ગઈ.

ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો અને પાછળ બેઠેલા ડો. એમ.એને ભાટીયા આ આશ્ચર્યજનક ઘટનાના વિચારોમાં ખોવાયેલા હતા.
‘સાહેબ એક વાત કહું?’ અચાનક ડ્રાઈવરનો અવાજ કાને પડતા એ ચોંક્યા અને બોલ્યા, ‘હા, કહે બાબું! ’

‘સાહેબ, નાનું મોં. મોટી વાત પણ વોર્ડ નંબર -૧૩માં જે કંઈ થઈ રહ્યું છે એમાં મને તો પેલી માલતીનું કારસ્તાન લાગે છે.’

‘કઈ માલતી?’ ડોકટરે આશ્ચર્યથી પુછ્યુ.

‘પેલી ગયા વર્ષે ગુજરી ગઈ એ… ’

‘ગાંડો થઈ ગયો છે તું. મરી ગયેલી માલતીને અને આ મૃત્યુને શું સંબંધ?’

‘છે, સંબંધ છે સાહેબ! તમે ભુલી ગયા હશો પણ મને યાદ છે સાહેબ કે માલતી વોર્ડ નંબર -૧૩માં જ દાખલ હતી અને ત્યાંજ મરી હતી….. ’ બાબુ બોલ્યો એ સાથે જ ડો. એમ.એન. ભાટિયાને માલતીનો ચહેરો યાદ આવી ગયો. માલતિ કેન્સરની પેશન્ટ હતી અને એને વોર્ડ નંબર -૧૩માં દાખલ કરવામાં આવી હતી. છેલ્લા સ્ટેજના કેન્સરથી એ પીડાતી હતી. એનાથુી વેદના સહન નહોતી થતી. અને નાના નાના બાળકોમાં ભરાયેલો જીવ જતો પણ નહોતો. આખરે એક દિવસ એણે વોર્ડ નંબર -૧૩માં જ એની જાતને આગ ચાંપી દીધી હતી. એણે એની જાતને આગ ચાંપી ત્યારે ભાટીયા સાહેબ ત્યાં હાજર જ હતા. એની ચીસો હજુ એમના કાનમાં ગુંજતી હતી, ‘સાહેબ, બચાવી લો મને… સાહેબ! મારે મરવું નથી. મારા દિકરાઓ રઝળી પડશે…. મારે આ દુનિયા નથી છોડવી..’ આખી હોસ્પીટલમાં હાહાકાર મચી ગયો. આ કિસ્સો અખબારમાં પણ ચમક્યો હતો. ડ્રાઈવરને યાદ હતો પણ પોતે ભુલી ગયા હતા.

‘સાહેબ, યાદ આવ્યુ કે નહીં?’ સાહેબને ચૂપ થઈ ગયેલા જાેઈને ડ્રાઈવર બાબુએ કહ્યુ. ભાટિયા સાહેબ થોડા ગભરાઈ ગયા હતા. પણ એ બને એટલી સ્વસ્થતાથી બોલ્યા, ‘હા, યાદ આવ્યુ. પણ એમ તો એ વોર્ડમાં બીજા પણ કેટલાય પેશન્ટો મરી ગયા છે.’

‘પણ સાહેબ, બીજા પેશન્ટો કુદરતી રીતે મૃત્યુ પામ્યા હશે. માલતીનું તો અપમૃત્યુ થયું છે. એને જીવવું હતું. એનો જીવ એના છોકરાઓમાં ભરાઈ રહ્યો છે. અને તમે એ પણ ભુલી ગયા લાગો છો કે માલતીએ ગુરુવારના દિવસે પોણા અગિયાર વાગે જ આપઘાત કર્યો હતો. અને આ બધા મૃત્યુ પણ ગુરુવારે એ જ સમયની આપસપાસ થયા છે. માનો ના માનો માલતીની આત્માં ત્યાં ભટકે છે અને એની આત્મા જ આ બધી હત્યાઓ કરી રહી છે. તમારે કોઈ જ્યોતિષીને બોલાવીને એની આત્માને ત્યાંથી કાઢવી પડશે. ’

ડો. ભાટિયા સાહેબને પરસેવો વળી ગયો. એ કંઈ બોલ્યા નહીં. ગાડી એમના બંગલાના પોર્ચમાં પ્રવેશી. ભાટીયા સાહેબ નીચે ઉતર્યા અને કંઈ પણ બોલ્યા વગર અંદર ચાલ્યા ગયા. બાબુએ ખડખડાટ હસતા હસતા ગાડી વાળી લીધી. એ ઘરે જઈને શાંતિથી ઉંઘી ગયો પણ ડો. ભાટિયાની ઉંઘ હરામ થઈ ગઈ. આંખો મીંચે અને સળગતી માલતી એમની આંખો સામે તરવરી ઉઠતી.

***

સવારના સાડા ચાર વાગ્યા હતા. ઘેલાણી ભર ઉંઘમાં હતા. ત્યાંજ એમનો ચાઈનિઝ મોબાઈલ રણકી ઉઠ્યો. જોર જોરથી વાગતી રીંગથી એમનો આખો બેડરૂમ ધણધણી ઉઠ્યો. એમણે કાને ઓશિકુ દાબતા બાજુમાં સૂતેલી પત્નીને કહ્યુ, ‘અરે, જ રમા! બહાર જાેતો ખરી આ સવાર સવારમાં કોણ બુલ્ડોઝર લઈને આવ્યુ છે સોસાયટીમાં?’

એમના પત્ની પણ ઉંઘમાં હતા. ખીચડીની સિરિયલની હંસાની બીજી આવૃતી જેવી એમની પ્રકૃતિ હતી. એમણે બંને હાથ કાન પર દાબતા કહ્યુ, ‘તમે તો સાવ ડોબાને ડોબા જ રહ્યાં. બુલડોઝર નથી કુકડો બોલે છે. સૂઈ જાવ છાનામાના….’

લગભગ પંદર મીનિટ સુધી રીંગ વાગતી રહી એ પછી ઈન્સપેકટર ઘેલાણી ઉઠ્યા. ત્યારે એમને ખબર પડી કે નહોતુ બુલડોઝર આવ્યુ કે નહોતો કુકડો બોલતો પણ એમનો ફોન રણકી રહ્યો હતો.

એમણે ફોન ઉપાડ્યો અને ઉંઘરેટા અવાજમાં કહ્યુ, ‘હલ્લો… કોણ છે સવારમાં સવારમાં!’

‘ઘેલાણી…. કેમ ફોન નથી ઉપાડતા? નંબર પણ સેવ નથી રાખતા કે શું? હું કમીશનર પી. કે. પંડ્યા બોલું છુ?’

‘બોલો… બોલો સાહેબ! ગુડ મોર્નિગ!’

‘સાંભળો, સિવિલ હોસ્પીટલના ગાર્ડ અને એક પત્રકાર વચ્ચે મોટી તકરાર થઈ છે. તમે તાત્કાલિક ત્યાં પહોંચી જાવ!’

‘પણ સર આટલી વહેલી સવારે? અને આમ પણ અત્યારે ઈન્સપેકટર ઝાલાની ડ્યુટી છે. હું ઘેર છું સર!’

‘ઝાલાને મેં એક અંગત કામે બહાર મોકલ્યા છે. તમે મને ડ્યુટી ના સમજાવો. પોલીસવાળાની ચોવીસ કલાકની ડ્યુટી હોય છે સમજ્યા. હરી અપ… અને નાથુને પણ સાથે લઈ જજો. ઈટ્સ માય ઓર્ડર..’

‘યેસ…સર! જય હિન્દ..’ ઘેલાણીએ ધીમેથી કહ્યુ અને ફોન મુકી દીધો. એ પછીના અડધા કલાક પછી સિવિલ હોસ્પિટલ જવા માટે ઉપડી ગયા હતા. જ્યા એમના જીવનનો એક મોટો કેસ, એક મોટી ઘટના એમની કાગડોળે રાહ જોઈ રહી હતી.

 

(દર ગુરુવારે ચોક્કસ વોર્ડમાં ચોક્કસ સમયે થતા મૃત્યુનું રહસ્ય શું છે? શું ખરેખર ત્યાં માલતીની આત્મા ભટકે છે કે પછી બીજી જ કોઈ વાત છે? માત્ર ગાર્ડ અને પત્રકારની તકરારના નિવારણ માટે ગયેલા ઘેલાણીના હાથમાં આ કિસ્સો આવશે? શું એ આ રિઅલ ડાર્ક સિક્રેટ્સ પરથી પરદો ઉંચકી શકશે? વાંચો ભાગ – ૨)

***

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *