આઈનસ્ટાઈન ( Einstein ) ની સફળતાનું રાજ આ શક્તિમાં હતું જે તેમણે સ્વીકાર્યુ પણ છે

 

 

આજે આખુ વિશ્વ આઈનસ્ટાઈન ( Einstein ) ના નામથી પરિચિત છે. મહાન વૈજ્ઞાનિકોમાં તેમની ગણતરી થાય છે.

આઈનસ્ટાઈન સમજણા થયા ત્યારથી એમના મનમાં કંઈક નોખું-અનોખું સંશોધન કરવાની કલ્પનાઓનો પવન ફુંકાતો હતો. તેઓ ૧૬ વર્ષના હતા ત્યારે તેમણે એવી કલ્પના કરી કે, ‘જો આપણે પ્રકાશની ગતિથી દુનિયાનું પરિભ્રમણ કરીએ તો દુનિયા કેવી દેખાય?’ આ માત્ર કલ્પના હતી. આવી કલ્પના કરીને એ બેસી ના રહ્યાં. એ કલ્પના માટે એ કામ કરવા માંડ્યા. માણસ થાકી જાય, હારી જાય, તૂટી જાય એવી હદ સુધી એમણે ડગ્યા વિના કામ કર્યુ. એક કે બે નહીં, પૂરા નવ વર્ષ સુધી તેમણે પોતાની આ કલ્પનાને અનુરૂપ કામ અને સંશોધનો કર્યા.

કલ્પનાશક્તિ ( Imaginepower ) ના માધ્યમથી મનમાં ને મનમાં પોતાની શોધોના પરિણામોનું માનસિક ચિત્રિકરણ કર્યુ. એમણે મનમાં બધા જ આકારો ઉપસાવ્યા. આ એવા પ્રયોગો હતા જે માત્ર પ્રયોગશાળામાં ના થઈ શકે, એ માટે ખુલ્લી આંખે, વિશાળ હૃદયે કલ્પનાશાળામાં જવું પડે. અને આખરે એમને જે જોઈતું હતું એ મળ્યુ. એ જિત્યા. એમની કલ્પનાને એમણે એક વખત સાકાર કરી. સાપેક્ષતાના સિદ્ધાંતથી જગતને એમણે હચમચાવી દીધું.

એમની સફળતા બાદ એક ઈન્ટરવ્યુમાં તેમણે સફળતાનું રાજ ખોલતાં કહ્યુ, ‘મે મારી વિચાર પ્રક્રિયાઓ અને મારી જાતને પારખી ત્યારે મને સમજાયુ કે હકારાત્મક જ્ઞાનને શીખવાની મારી ક્ષમતાની તુલનામાં મારી કલ્પનાશક્તિ ( Imaginepower ) ની ભેંટ મારી સફળતા માટે વધારે મહત્વની હતી.’

વિચાર કરો. દુનિયાનો શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પણ એની સફળતાનું શ્રેય કલ્પનાશક્તિને આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *