Gujarat crime file । સગી જનેતા અને પરીવારે ૩૨ દિવસની મિષ્ઠીનું ગળું ઘોંટી એને મોતને ઘાટ ઉતારી

 

 

Gujarat crime file । મિષ્ઠી તરફડી રહી હતી પણ એની સગી જનેતાનું રૂંવાડું ય ના ફરક્યું. । હત્યાનો કેસ અકસ્માતમાં ખપી ગયો અને પરિવાર આબાદ છટકી ગયો.

Gujarat crime file । વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનાની ૨૨મી તારીખ હતી. રીનાબહેનને વેણ ઉપડ્યું હતું. એમના પતિ હાર્દિકભાઈ, સાસુ નીતાબહેન અને સસરા ઉપેન્દ્રભાઈને આશા હતી કે આ વખત તો દીકરો જ આવશે. તાત્કાલિક રીનાબહેનને હોસ્પીટલ લઈ જવામાં આવ્યા. રીનાબહેન લેબર રૂમમાં હતા ત્યારે બધા જ દીકરો આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. એમના હૈયા જોર જોરથી ધડકી રહ્યાં હતા. પણ બે કલાક પછી ડોક્ટરે આવીને સમાચાર આપ્યા એ સાંભળીને એમના હૈયા પર બુલડોઝર ફરી વળ્યું. રીનાબહેને દીકરાને નહીં પણ દીકરીને જન્મ આપ્યો હતો. પરીવારના સૌના ચહેરા પડી ગયા.

હાર્દિકભાઈએ દીકરીનું મોં પણ ના જોયું. દાદા – દાદી પણ સીધા ઘરે આવીને ઉંઘી ગયા. ત્યાં સુધી તો ઠીક પણ દીકરીની સગી જનેતા પણ દીકરીને જોવા રાજી નહોતી. માંડ માંડ કમને એણે એને ધવરાવી.

રીનાબહેન ઘરે આવ્યા. લક્ષ્મીનું આગમન થયું હતું છતાં પણ ઘરમાં શોક છવાયેલો હતો. રીનાબહેનને ચાર વર્ષ પહેલાં પણ એક દીકરી જન્મી હતી. એનું નામ રાખ્યુ હતું કેયા. પણ આ આખો પરિવાર દીકરાની ઘેલછામાં પાગલ થયેલો હતો. રીનાબહેન અને એમના સાસુ સ્ત્રી હોવા છતાં તેમને દીકરીની કોઈ કિંમત નહોતી. છતાં સમાજના રીવાજ પ્રમાણે નવી જન્મેલી દીકરીની છઠ્ઠી પણ થઈ અને નામ પણ રાખવામાં આવ્યું. મિષ્ઠી.

સમય પસાર થવા લાગ્યો. મિષ્ઠીને જોઈને ઘરના લોકોના ચહેરા પડી જતાં. આમને આમ એક મહિનો વીતી ગયો. પરિવાર આ બે બે દિકરીઓથી કંટાળી ગયો હતો. એટલે એક રાત્રે બધાએ મળીને નક્કી કર્યુ કે મિષ્ઠીને જ મારી નાંખવી. નિર્ણય થયાના બે દિવસ બાદ એ ઘરમાં રહેતા માણસોએ રાક્ષસોનું રૂપ ધારણ કર્યુ. સગી દીકરીને ખતમ કરી નાંખવા માટેનું ષડયંત્ર ગોઠવાઈ ગયું હતું. ઘરના દરવાજા પણ બંદ કરી દેવામાં આવ્યા. બધા લોકો મિષ્ઠી ઉંઘી હતી એ ઓરડામાં આવ્યા. બધાએ એકબીજા સામે જોયું. આંખમાંથી ખુન્નસ અને દીકરાની લાલસા ટપકી રહી. અચાનક એક વ્યક્તિએ મિષ્ઠીનું ગળુ જોરથી દબાવી દીધું. માસુમ મિષ્ઠી તરફડવા માંડી. એની નાની નાની પગલીઓ પલંગ પર પછડાવા લાગી. એના મોં માંથી ફીણ અને જીણી ચીસ નીકળવા લાગી, પણ સામે ઉભેલી સગી જનેતાનું હૃદય સ્હેજ પણ ના દ્રવ્યું. એનું રૂંવાડું ય ના ફરક્યું. થોડી જ વારમાં માત્ર ૩૨ દિવસની માસુમ મિષ્ઠીએ દમ તોડી દીધો.

પરિવાર બહું શાતિર હતો. કોઈને શંકા ના જાય એટલે તરત જ મિષ્ઠીને લઈને દવાખાને પહોંચી ગયા. પિતા હાર્દિકભાઈએ ડોક્ટરને કહ્યુ કે, ‘સાહેબ, મારી દીકરીને કંઈક થઈ ગયું છે. મહેરબાની કંઈક કરો. એ બોલતી નથી.’

હાજર તબીબે મિષ્ઠીને તપાસી. મિષ્ઠીના ગળા પર લાલ ચકામા દેખાતા એમને શંકા ગઈ એટલે એમણે કડી પોલીસને જાણ કરી. પોલીસે અને ડોક્ટરે એ નિશાન બાબતે પરિવારની પૂછપરછ કરી. મિષ્ઠીની માતાએ કહ્યુ, ‘સાહેબ, એને ઘણીવાર ધાવણના દૂધનું ઈન્ફેક્શન આવી જાય છે.’

ડોક્ટરે એ વખતે એમની વાત માની લીધી અને કહ્યુ, ‘બહેન, ઈન્ફેક્શન વધી ગયું લાગે છે. બાળકી મરી ગઈ છે. મારે એને પોસ્ટ મોર્ટમ માટે મોકલવી પડશે.’

દીકરીના મોતના સમાચાર સાંભળીને માતા, પિતા અને પરીવારજનોએ મગરના આંસુ સાર્યા. કલાક સુધી ખોટે ખોટું આક્રંદ કર્યું. એમાં પણ ચાલાકી કરી અને ડોક્ટરને કહ્યુ, ‘સાહેબ, આવડી નાની બાળકીનો દેહ પોસ્ટમોર્ટમમાં ચિરાઈ જશે અને એ જોઈને અમારા હૃદય પણ ચિરાઈ જશે. મહેરબાની કરીને એવું ના કરશો.’

ડોક્ટરે કહ્યુ, ‘બહેન આપની વાત હું સમજું છું. પણ મારે મારી ફરજ નિભાવવી જ પડશે.’

આમ પોલીસે ૭૭/૧૯થી સીઆરપીસીની કલમ ૧૭૪ અન્વયે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો. ડોક્ટરના રેફરન્સથી મિષ્ઠીનો મૃતદેહ કડીની સરકારી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. જેમાં ડોક્ટરોને આ બાળકીની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હોવાની શંકા ગઈ હતી. આથી મિષ્ઠીની લાશને પેનલ ડોક્ટરો પાસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવી.

આ બધું બન્યુ એટલે પરિવારજનોનો પરસેવો બેવડાઈ ગયો હતો. પણ કદાચ એમને બુરા કર્મો માટે હજુ વધારે સમય મળવાનો હતો. બાળકીના ટેસ્ટ તો તાત્કાલિક થઈ ગયા પરંતું ફોરેન્સિક રિપોર્ટમાં સ્વાભાવિક જ વાર લાગે તેમ હતું. આથી પરીવારજનોને મિષ્ઠીની લાશ સોંપી દેવામાં આવી, એ વખતે માત્ર અકસ્માતે મોત થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું.

મિષ્ઠીની હત્યા કરી હોવાની ખબર કોઈને ન પડતાં પરીવારજનોને હાશકારો થયો. તેમણે મિષ્ઠીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા અને શાંતિથી જીવવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો. રીનાબહેન, હાર્દિકભાઈ, નીતાબહેન અને ઉપેન્દ્રભાઈ કદાચ ગુનો કરીને છટકી ગયા હોવાનું અનુભવી રહ્યાં હતા. એક વર્ષ પસાર થઈ ગયું. એ પછી તો એમને એમ થઈ ગયું હતું કે રાત, ગઈ અને બાત ગઈ. પોતાના લોહિયાળ હાથ સુધી હવે કોઈ હાથ પહોંચી નહીં શકે. પણ ઉપરવાળાના હાથ કેટલાં લાંબા હોય છે એ આ પરિવારને કદાચ ખબર જ નહોતી.

***

૨૨મી ડિસેમ્બર- ૨૦૧૯ના રોજ માસુમ મિષ્ઠીની હત્યા થઈ હતી. અત્યારે ચાલી રહ્યો હતો માર્ચ -૨૦૨૧. પરીવારજનો તો મિષ્ઠીની પીડા, દર્દ, ચીસો, તરફડાટ બધું જ ભુલી ગયા હતા. પણ ઈશ્વર નહોતો ભુલ્યો. ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવી ગયો હતો. એમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે એક વર્ષ પહેલાં કડીની જે બાળકીનું અકસ્માતે મોત થયું હોવાનું નોંધ્યુ હતું એ હકિકતમાં મર્ડર હતું. મિષ્ઠી નામની એ ૩૨ દિવસની બાળકીની ગળુ ઘોંટીને હત્યા કરવામાં આવી હતી. આ રીપોર્ટ મળતા જ સજાગ ડોક્ટરે તાત્કાલિક મહેસાણાના એસ.પીને રીપોર્ટ મોકલી આપ્યો અને વિગતવાર વાત કરી. પોલીસ ટૂકડીએ તાત્કાલિક મિટીંગ કરી. રિપોર્ટ જોઈને સૌ ચોંકી ગયા. આ દંપતિ પોલીસને પણ ઉલ્લુ બનાવી ગયું હતું. પોલીસને પુરેપુરી શંકા ગઈ કે બાળકીની હત્યા એના માતા – પિતા અથવા દાદા-દાદીમાંથી કોઈકે અથવા સૌએ ભેગા મળીને કરી હશે. આથી મહેસાણાના ડીવાયએસપી આર.આર. આહીરે પોતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી કે, ‘કડીના કરણનગર રોડ પર આવેલા રાજભૂમિ ફ્લેટમાં , ૪૧૨ નંબરમાં રહેતા માતા રીનાબહેન હાર્દિકભાઈ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ, દાદી નીતાબહેન ઉપેન્દ્રભાઈ તથા દાદા ઉપેન્દ્રભાઈએ પૂર્વયોજીત કાવતરું કરીને પોતાની જ ૩૨ દિવસની માસુમ દીકરીનું ગળું ઘોંટીને હત્યા કરી દીધી છે. અને આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો ખોટો પ્રયાસ કર્યો છે.’

ફરિયાદ બાદ પોલીસે તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી, પરંતું સમાચારની જાણ પરિવારજનોને થતાં જ એ લોકો ઘરે તાળુ મારીને ક્યાંક ભાગી ગયા છે. આ લખાઈ રહ્યું ત્યારે એટલે કે ૧૯ માર્ચ -૨૦૨૧ સુધી એમનો કોઈ પતો નથી. પણ ઉપરવાળાના ઘરમાં દેર છે અંધેર નહીં. માસુમ મિષ્ઠીની ચીસોને ન્યાય જરૂર મળશે, એના ગુનેગારોને સજા જરૂર મળશે.

***

આ ઘટના માતા – પિતા, દાદા-દાદી જેવા પવિત્ર સંબંધો પર લાંછન લગાડનારી છે. દીકરાની ઘેલછામાં કેટલાંક માણસો એટલા વિકૃત થઈ જાય છે કે તમામ હદો પાર કરી જાય છે.

આ ક્રાઈમ કથા બેટી બચાવવાની અને નારીનું સન્માન કરવાની અપીલ કરે છે. અને આપણી આસપાસ આવા કોઈ વિકૃત માનવીઓ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવા વિનંતી કરે છે. સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી ( Gujjulogy ) વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

***

( Gujarat crime file । આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના તમામ નામો અને સંવાદો કાલ્પનિક છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *