Gujarat crime file – એ માસુમ બાળક એક સ્ત્રી પુરુષને કઢંગી હાલતમાં જાેઈ ગયો અને એની હત્યાનું કાવતરું રચાયું.

Gujarat crime file – છ વર્ષના માસુમ બાળકને અર્ધનગ્ન કરી કોણે માર્યો?
 એ માસુમ બાળક એક સ્ત્રી પુરુષને કઢંગી હાલતમાં જાેઈ ગયો અને એની હત્યાનું કાવતરું રચાયું.
ઘટના પાછળનું કાવતરું જાણીને ગામ લોકો પણ ચોંકી ગયા.

(Gujarat crime file । આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના તમામ નામો અને સંવાદો  કાલ્પનિક છે અને તસવીર પ્રતિકાત્મક છે)

શનીવારનો દિવસ હતો. ૩જી ઓક્ટોબર- ૨૦૨૦ની સાંજે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા મેમદપૂર ગામમાં રહેતા લલિત ઠાકોર સાંજે ઘરની બહાર નીકળ્યા. તેમના છ વર્ષના દીકરાને તેમણે ના જોયો એટલે તરત જ પત્નીને પૂછ્યુ, ‘અરે, મુન્નો ક્યાં ગયો?’
પત્ની કંચને કહ્યુ, ‘અહીં જ તો રમતો હતો હમણા.’

આમ પતિ-પત્ની તરત જ નાના દીકરાને શોધવા લાગ્યા. પણ દીકરો ગામમાં ક્યાંયથી ના મળ્યો. ગામના ચોરે બેસતા એક માણસે કહ્યુ, ‘મેં થોડીવાર પહેલાં એક માણસને ઈકો કાર લઈને જતા જોયો હતો. એણે મોઢે અને માથે કપડું બાંધ્યુ હતું. એના હાથમાં એક પોટલું હતું. બની શકે એમાં તમારો દીકરો હોય…!’

આટલી વાત સાંભળી ત્યાં તો પતિ-પત્નીના હોંશ કોશ ઉડી ગયા. એ પોક મુકીને રડી પડ્યા અને ફરીવાર આમ તેમ શોધ-ખોળ કરવા લાગ્યા.

એ દરમિયાન એક વ્યક્તિ ગામમાં દોડતો દોડતો આવ્યો અને બોલ્યો, ‘લલિતભાઈ, જલ્દી ચાલો! તમારો મુન્નો ત્યાં બાલસાસણ રોડ પર આવેલા ખેતરમાં શીતળા માતાના મંદીર પાસે બેભાન પડ્યો છે.’

લલિત-કંચન અને ગામના લોકો ખેતરમાં ગયા. ત્યાં જઈને જોયું તો તેમનો એકનો એક છ વર્ષનો દીકરો મુન્નો અર્ધનગ્ન હાલતમાં પડ્યો હતો. પિતાએ એને ઢંઢોળ્યો પણ એનામાં જીવ નહોતો. માતા-પિતાએ આભ ફાટી જાય એવું આક્રંદ કરી મુક્યો. ગામ લોકો પણ સ્તબ્ધ બની ગયા હતા. તેમણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે આવીને તપાસ કરી. માસુમ બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ. તેના ચહેરા પર મારના નિશાન હતા અને ગળુ દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાએ આખા મહેસાણામાં ચકચાર મચાવી દીધી. સાંથલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.એચ.રાજપૂતે પોતાની ટીમ અને એલસીબી, એસઓજી સાથે ઈન્વેસ્ટીગેશન શરૂ કર્યુ. ગામમાં અનેક લોકોની પૂછપરછ કરી, દીકરાના પિતા અને માતાની પણ પૂછપરછ કરી. ઈકો ગાડીમાં બાળકનું અપહરણ થયું હોવાની વાતમાં પોલીસને ઘણું તથ્ય દેખાયુ અને ગામના લોકો પાસેથી જે બાતમી મળી હતી એ ચોંકાવનારી હતી. એ બાતમીના આધારે પોલીસે ગામના જ એક યુવક સંજય ઠાકોરની ધરપકડ કરી. ગામ વચ્ચેથી એને હાથકડી પહેરાવીને લઈ ગયા ત્યારે ગામ લોકો પણ અચંબામાં હતા કે સંજયને અને આ બાળકની હત્યાને શું સંબંધ?

પોલીસે સંજયને લઈ જઈને એની પૂછપરછ કરી. સીધો જ સવાલ કર્યો, ‘બોલ, શા માટે માર્યો મુન્નાને?’

‘સાહેબ, હું શું કરવા મારુ? મને કંઈ ખબર નથી….!’ આટલું બોલતા જ પોલીસે ડંડા વડે એને ઝૂડી નાંખ્યો. ઈન્સપેક્ટર બોલ્યા, ‘સંજય, અમને ગામમાંથી વાત મળી છે કે તારે અને મુન્નાની માતા કંચનને લફરું હતું. અને બીજી પણ ઘણી ખબર પડી છે. હવે જો સાચુ નહીં બોલે તો આ ડંડો બરડાં પર નહીં પડે, અંદર ઘુસાડી દઈશ સમજ્યો.’

આખરે સંજય ભાંગી પડ્યો અને એણે હત્યા કર્યુ હોવાનું કબુલી લીધુ. એ રડી પડતા બોલ્યો,‘ હા…હા…. મંં જ માર્યો છે મુન્નાને!’

‘એમ નહીં પૂરેપૂરી વિગતો કહે. એને કેવી રીતે ઉપાડ્યો, કેવી રીતે માર્યો? તારી સાથે આ હત્યાના કાવતરામાં અને મદદમાં કોણ કોણ હતું? અને શા માટે તારે એને મારવો પડ્યો?’

આખરે સંજય બોલવા માંડ્યો, ‘સાહેબ, તમને ગામમાંથી જે માહિતી મળી એ સાચ્ચી છે. મારે અને મુન્નાની મા કંચનને ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો.’

પોલીસે એને અટકાવ્યો, ‘એક જાપટ મારીશ સાલા. પ્રેમ સંબંધ નહીં આડા સંબંધો હતા એમ કહે. વિકૃત સંબંધ કહેવાય આને. ચાલ આગળ બોલ.’

સંજય થરકતા થરકતા બોલ્યો, ‘સાહેબ, અમે ઘણા વખતથી ખેતરમાં મળતા હતા અને શારિરીક આનંદ માણતા હતા. શુક્રવારે કંચન મુન્નાને લઈને ખેતરે આવી હતી. એને એક ઝાડ નીચે બેસાડીને એ મારી પાસે આવી. ખેતરની એક કોટડીમાં અમે સંબંધ બાંધી રહ્યાં હતા ત્યારે મુન્નો રડતો રડતો ત્યાં આવી પહોંચ્યો હતો અને અમને કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. એ જ સાંજે એણે એના પપ્પાને કાલી-ઘેલી ભાષામાં વાત કરી હતી કે મમ્મી સંજયકાકા સાથે રમતી હતી અને મને એકલો મુકીને ચાલી ગઈ હતી. લલિત બરાબર સમજ્યો નહીં એની વાતમાં. પણ અમને ટેન્શન આવી ગયુ હતું. અમે ડરી ગયા હતા કે મુન્નો હજુ જાે એના પપ્પાને વાત કરશે તો એને શંકા જશે અને અમે પકડાઈ જઈશું. આથી મેં અને કંચને મળીને મુન્નાને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો. મારી પાસે મુન્નાના કતલમાં મુન્નાની સગી જનેતાનો જ હાથ છે. પ્લાન મુજબ ગઈકાલે મુન્નો ઘરના આંગણામાં રડતો હતો ત્યારે એને મેં ઉઠાવી લીધો અને એક ગાંસડીમાં બાંધીને ઈકો કારમાં બાલસાસણ રોડ પર શીતળા માતાના મંદીર પાસે લઈ ગયો. ત્યાં એને લાતે ને લાતે ખૂબ માર્યો. પછી ગળા પર પગ મુકી એનું ગળુ દબાવી એની હત્યા કરી નાંખી. કેસને આડે પાટે ચડાવવા માટે મેં એને અર્ધ નગ્ન કરી દીધો અને ત્યાં જ લાશ ફેંકીને ભાગી છૂટ્યો.’

સંજયની વાત પૂરી થઈ. પોલીસે ડંડાઓથી એની ફરીવાર ધુલાઈ કરી. એ જ દિવસે મુન્નાની સગી માતા કંચનની પણ ધરપકડ કરી. ગામ વચ્ચેથી કંચનને લઈને પોલીસ જઈ રહી હતી ત્યારે લોકો એના પર થુંકી રહ્યાં હતા. સગી માતા થઈને માત્ર વાસના માટે એકના એક માસુમ દીકરાની હત્યા કરાવનારી આ સ્ત્રીને કોઈ કાળે માતા ના કહી શકાય. એને ડાકણ જ કહેવાય. લોકો એને ડાકણ કહીને ધુત્કારી રહ્યાં હતા.

પોલીસે ગણતરીના કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો અને સંજય અને કંચનને જેલ ભેગા કરી દીધા. પણ લલિતને ગુનેગારોની ધરપકડના આનંદ કરતાં માસુમ દીકરાને ગુમાવ્યાનું દુઃખ વધારે હતું. એ રડી રડીને પાગલ જેવો થઈ ગયો હતો. પણ કુદરતની કરણી આગળ કોનું ચાલ્યુ છે?

***

માતા અને દીકરાનો સંબંધ તો આ દુનિયાનો પવિત્રમાં પવિત્ર સંબંધ છે. પણ આવી ઘટના બને ત્યારે આપણું મગજ ફાટી જાય. આપણને ઘૃણા થઈ જાય. માતાના સ્વરૂપને લાંછન લગાડનારી આવી સ્ત્રીઓ સમાજ માટે ખરેખર કલંકરૂપ છે. એમને કડકમાં કડક સજા થવી જોઈએ.

આ ક્રાઈમ કથા વાસનાથી તરબતર આવા સ્ત્રી પુરુષો કઈ હદ સુધી જઈ શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આ ઘટના આવા લોકોથી સાવધાન રહેવા માટે જ રજુ કરવામાં આવી છે. સરુક્ષિત રહો… સચેત રહો.

Gujarat crime file – ગુજ્જુલોજી (Gujjulogy) વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

***

(Gujarat crime file । આ ક્રાઈમ કથામાં ગુનેગાર સિવાયના તમામ નામો અને સંવાદો કાલ્પનિક છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *