Kutch Tourism । ગુજરાત રાજ્યનો ૨૩.૨૮% હિસ્સો કચ્છના ભાગે વારસામાં મળ્યો છે. રાજ્યના કુલ ૨૮ સંરક્ષિત ક્ષેત્રમાંથી ૪ અભયારણ્ય અને ૧ સંરક્ષિત ક્ષેત્ર કચ્છના ભાગે આવ્યાં છે. ત્યારે આવો ટૂંકમાં તેને જાણીએ….

ઘુડખર અભયારણ્ય
આ અભયારણ્ય ન માત્ર કચ્છ બલકે, સુરેન્દ્રનગર, પાટણ, રાજકોટ અને બનાસકાંઠા સહિતના પાંચ જિલ્લાઓની જમીની ભાગીદારી સાથે ૪૯૫૩.૭૦ કિ.મી.માં વિસ્તરેલું ભારતનું ચોથા ક્રમનું સૌથી મોટું અભયારણ્ય છે, જેના નામ પરથી આ વિસ્તાર જાણીતો છે તે જંગલી ગધેડા (ઘુડખર)નું ભારતમાં આ એકમાત્ર રહેણાંક છે. ૨૦૧૫ની વસ્તીગણતરી મુજબ હાલ ૪૪૫૧ ઘુડખર નોંધાયાં છે, જે ૨૦૦૯ની વસ્તી ગણતરી મુજબ ૪૦૩૮ હતાં. અહીં ૩૩ જાતનાં સ્તનધારી પ્રાણીઓ વસે છે. અહીં ૨૯ જાતનાં સરીસૃપોને આ જમીન આશરો આપે છે, જેમાં ૧૪ પ્રકારની ગરોળીઓ અને ૧૨ પ્રકારના સાપનો સમાવેશ થાય છે. સાથે સાથે વિવિધ પ્રકારનાં ૧૭૮ પક્ષીઓનું માનીતું ઘર છે!

કચ્છ રણ અભયારણ્ય
ગ્રેટર રણ ઓફ કચ્છ એટલે મોટા રણમાં ૭૫૦૬.૨૨ ચો.કિ.મી. વિસ્તાર સાથે તે રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય છે. ફેબ્રુઆરી ૧૯૮૬માં સંરક્ષિત વિસ્તાર તરીકે આ ક્ષેત્ર જાહેર થયું. એશિયાની એકમાત્ર વિશ્ર્વપ્રખ્યાત ફ્લેમિંગો સીટી અહીં આવેલી છે, જે સુરખાબનું પ્રજનનસ્થાન છે. આ અભયારણ્ય જાહેર કરવા પાછળ મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાનો હતો. અહીં લાખોની સંખ્યામાં સુરખાબ દર વર્ષે આવે છે. અહીં સુરખાબના માળાનું પ્રથમ નિરીક્ષણ ૧૮૮૩માં સ્વર્ગસ્થ મહારાવ ખેંગારજી દ્વારા થયું હતું.

ધોરાડ અભયારણ્ય, નલિયા
આ અભયારણ્યની સ્થાપના ૧૯૯૨માં થઈ. જખૌ અને બુડિયાના વિસ્તારને આવરતા ૨ કિલોમીટરના વિસ્તાર માત્રમાં તે સીમિત છે. નલિયાથી ૧૫ કિ.મી. અને ભુજથી ૧૧૦ કિ.મી. દૂર આવેલ આ અભયારણ્યમાં ગુજરાતમાં માત્ર ધોરાડ અહીંયાં જ જોવા મળે છે. ધોરાડએ એક અત્યંત સંકટગ્રસ્ત પક્ષીની પ્રજાતિ છે અને ઈંઞઈગ છયમ કશતિં દ્વારા ૨૦૧૧ના તેને ‘વિલુપ્તિના આરે’ આવેલી પ્રજાતિ જાહેર કરાઈ છે. આ ઉપરાંત તેને ભારતીય વન્યજીવન અધિનિયમન ૧૯૭૨માં તેને અનુસૂચિ ૧માં મૂકવામાં આવેલું છે. ભૂતકાળમાં ભારતમાં ૧૧ રાજ્યમાં ૧૨૬૦ જેટલાં ધોરાડ હતાં, જે હાલ ૩૦૦થી પણ ઓછાં બચ્યાં છે, જેમાંથી ૩૦થી પણ ઓછાં હવે અબડાસામાં છે.

નારાયણ સરોવર અભયારણ્ય
૪૪૪.૨૩ ચો.કિ.મી. વિસ્તાર ધરાવતા આ અભયારણ્યની જાહેરાત ઈ.સ. ૧૯૮૧માં કરી હતી, અહીં ૧૫ ભયગ્રસ્ત વન્યજીવન સંપદા ૧૮૪ પક્ષી પ્રજાતિઓ અને ૧૯ શિકારી પક્ષીઓનું નિવાસસ્થાન છે. સામાન્યત: અહીં જોવા મળતું પ્રાણી ચિંકારા છે. આ ઉપરાંત અહીં ૨૫૨ પ્રકારના ફૂલના છોડની વૈવિધ્યતા પણ જોવા મળે છે. હેણોત્રો માત્ર આ વિસ્તારમાં જોવા મળે છે.

છારીઢંઢ સંરક્ષણ ક્ષેત્ર
છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર બન્યું, જે બન્ની અને ભુજ વચ્ચે આવેલું છે. આ વિસ્તારમાં છીછરાં તળાવો છે, અહીંનું તાપમાન ૬થી ૪૭ ડિગ્રી સુધી ઋતુ પ્રમાણે બદલાતું રહે છે, જેથી જૈવ વૈવિધ્યતા વધુ છે. આ વેટલેન્ડ ૨૨૭ ચો.કિ.મી.ના વિસ્તારમાં સંરક્ષિત છે. આ વિસ્તાર પ્રવાસી પક્ષીઓ અને શિકારી પક્ષીઓના માળાઓ અને રહેણાંક માટે અતિ ઉત્તમ છે.
કચ્છ : એશિયાનું એકમાત્ર સુરખાબનું પ્રજનન સ્થળ ધોરાડનું ઘર
કચ્છમાં ૩૫૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ છે. ૯૬૫થી વધુ પ્રકારની વનસ્પતિઓ છે. ૨૬થી વધુ પ્રકારનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ અને ૩૦થી વધુ સરીસૃપ જીવસંપદા વસવાટ કરી રહી છે.
ભારતમાં જોવા મળતાં દુર્લભ પક્ષીઓ અને કચ્છની વાત કરીએ તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (ધોરાડ) ગુજરાતમાં માત્ર અબડાસામાં જ જોવા મળે છે. લાખોની સંખ્યામાં સુરખાબ મોટા રણમાં પ્રજનન કરવા આવે છે, જે એશિયાનું એકમાત્ર પ્રજનન કેન્દ્ર છે, મસ્કતી લટારો માત્ર કચ્છમાં જોવા મળે છે. મળતાવળી ટીટોડીનો કાયમી રેકોર્ડ માત્ર કચ્છનો જ છે. લાલ પગવાળો બાજ, ટપકી માખીમાર, લાલ પુંછ રોબીન, લાલ પીઠ લટારો સ્થળાંતરિત થતા મુલાકાત લેતા પ્રવાસી પક્ષીઓ છે. રવાઈડો ઘુવડ, નાનો હંજ, રૂપેરી પેણ, કલકલિયો, હુદહુદ, કુંજ, નવરંગ, બાજ, સર્પગ્રીવ, નીલશીર બતક, વાબગલીઓ, ધોમડો, લટોરા, કોશી, પીદ્દા, વૈયા, તારોડિયું, બુલબુલ, લેલા, દિવાડીઘોડા, ચકલી, સુઘરી, ગંદમ, ગાજહંસ જેવા અનેકવિધ પક્ષીઓ અહીં મુક્તપણે વિચરતાં જોવા મળે છે. ૧૯૯૮ના કંડલાના વાવાઝોડા સુધી કચ્છમાં ગીધની વસ્તી હજારોમાં હતી જે હાલના તબક્કે ઘટીને માત્ર ૯૦ જેટલાં જ બચ્યાં છે.
વન્યજીવોમાં હેણોત્રો એકમાત્ર કચ્છમાં જોવા મળતું સસ્તન વર્ગનું પ્રાણી છે. આ ઉપરાંત જરખ, ચિંકારા, વરુ, શિયાળ, લોમડી, દીપડો, ઘુડખર, નીલગાય સહિત વન્યસંપદા ધરબાયેલી છે. ઉપરાંત સેવરો, સાંઢો, પૂંછડીવાળાં સસલાં, નોળિયા સહિતની પ્રજાતિઓનું નિવાસસ્થાન કચ્છ છે.