આજે જલારામ બાપા (Jalaram bapa) ની ૨૨૧મી જન્મજયંતી ખૂબ સાદાઈથી ઉજવાઈ રહી છે…વીરપુર આવ્યા વગર પોતાના ઘરે જ જલારામ બાપાની જન્મજયંતી ઉજવવાની અપીલ કરવામાં આવી છે…
ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી લગભગ બાવન કિ.મી. દૂર આવેલું વીરપુર આમ તો નાનકડુ ગામ છે, પરંતુ તે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર. દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ અહીં જલારામ બાપાનાં દર્શનાર્થે આવે છે. અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાનું કાર્યસ્થળ હતું એટલે કે ખરેખર તો આ એક ઘર જ છે, જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા. આ ઘરમાં તેમના જીવનકાળ સાથે સંકળાયેલી ચીજોનો સંગ્રહ છે, સાથે શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજીની અને હનુમાનજીની પ્રતિમાઓ છે. લોકવાયકામાં ભગવાન દ્વારા આપવામાં આવેલી ઝોળી અને દડની જે વાત આવે છે તે પણ અહીં સચવાયેલાં છે. આ મંદિરના મુખ્ય આકર્ષણમાં પૂ. શ્રી સંત જલારામ બાપાનો શ્વેત-શ્યામ ફોટો છે, જે તેમના પરલોકગમનના એક વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો. વીરપુર સિવાય પણ ગુજરાતમાં સંત શ્રી જલારામ બાપાનાં સેંકડો મંદિરો આવેલાં છે. વિદેશોમાં પણ સંત શ્રી જલારામ બાપાના મહિમાને ઉજાગર કરતાં અનેક મંદિરો આવેલાં છે. વિશેષ કરીને પૂર્વ આફ્રિકા, બ્રિટન, અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં તેમના મંદિર જોવા મળે છે. જલારામ બાપાનાં આ મંદિરોમાં જલારામ બાપાની પ્રતિમા હોય છે. હસમુખી, સફેદ પાઘડી, કુર્તા અને ધોતિયું, એક હાથમાં દડો અને એક હાથમાં માળા ધરેલી પ્રતિમાઓ પ્રસ્થાપિત હોય છે. સાથે તેમના પૂજનીય એવા ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાજીની પ્રતિમાઓ પણ હોય છે. જલારામ બાપાની જન્મજયંતીના દિવસે જગતભરના મંદિરોમાં ઉત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે ભક્તસમૂહો પ્રસાદરૂપે લોકોને ભોજન ખવડાવે છે. વીરપુરમાં આ દિવસનું ખાસ્સું મહત્ત્વ છે. સ્થાનિક લોકો માટે જલારામ જયંતી જાણે કે નવું વર્ષ હોય છે. આ દિવસે અહીં મોટો મેળો ભરાય છે અને લાખો શ્રદ્ધાળુઓને ભોજનમાં ખીચડી અને બુંદી, ગાંઠિયાનો પ્રસાદ પીરસવામાં આવે છે.
દાન લીધા વગર પીરસાય છે હજારો લોકોને ભોજન
સેવા અને ધર્મનો વારસો પૂ. શ્રી જલારામ બાપાને ગળથૂથીમાંથી જ મળેલો હતો. સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું, જે આજે ૨૦૧ વર્ષ બાદ પણ અવિરત ચાલે છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામના મંત્ર સાથે શરૂ થયેલ આ સદાવ્રતમાં આજે રોજના પાંચથી છ હજાર શ્રદ્ધાળુઓને ભોજન પીરસાય છે. તહેવાર અને રજાના દિવસોમાં તો આ આંકડો અનેકગણો વધી જાય છે. આજે આ સદાવ્રતની સૌથી મહત્ત્વની વાત એ છે કે, અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ અને ગરીબોને ભોજન પીરસાતું હોવા છતાં જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી.
દાન લીધા વગર કેવી રીતે ચાલે છે આટલું મોટુ રસોડુ ?
જલારામ મંદિરમાં તમને ક્યાંય દાનપેટી જોવા નહીં મળે, છતાં કોઈ જાણતાં-અજાણતાં પણ જો મંદિરમાં ક્યાંય દાન મૂકતા દેખાઈ જાય તો તેમને વિનમ્રતાપૂર્વક રોકવા મંદિરના સેવકો ખડે પગે હાજર હોય છે. ત્યારે એવો પ્રશ્ન જરૂર થાય કે, કોઈપણ પ્રકારનું દાન કે ભેટસોગાદ લીધા વગર રોજના હજારો લોકોની ભૂખ ભાંગતું જલારામ મંદિર અને તેનું સદાવ્રત આખરે ચાલે છે કેવી રીતે ? કહેવાય છે કે (ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ વીરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું. અગાઉ મંદિરમાં રોકડ, અનાજ સહિતનું દાન સ્વીકારવામાં આવતું હતું, પરંતુ જલારામ બાપાનાં વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોની સાથે ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું. દાન ન સ્વીકારવાનાં કારણમાં મંદિર જોડે પૂરતું દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનાર ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે એમ કહેવાય છે.