ગુજરાત Gujarat ના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ( Keshubhai Patel ) હવે આપણી વચ્ચે રહ્યા નથી. કેશુભાઈ પટેલનું આજે 92ની વયે નિધન થયું છે. તેમનું જીવન સાદગીમય અને પ્રેરણાત્મક રહ્યું છે. તેઓ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતના વિકાસ માટે વિઝન સાથે કે કાર્યો કર્યા તેનું ફળ આજે આપણને મળી રહ્યું છે. ગુજરાત માટે તેમનું વિઝન સ્પષ્ટ હતું. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે “ગુજરાત ટાઇમ્સ”માં “મારા સપનાનું ગુજરાત” પર એક લેખ લખ્યો હતો. આ લેખમાં તેમનું ગુજરાત માટેનું વિઝન સ્પષ્ટ જોવા મળે છે. અહીં તેમાના લેખના કેટલાંક અંશો ટૂંકાવી રજૂ કર્યા છે….
ગુજરાત એટલે શું? શું અંબાજીથી વાપી કે કચ્છ-કોટેશ્વરથી શામળાજીનો ભૌગોલિક પશ્ચિમી ભારતનો પ્રેદેશ માત્ર?
ગાંધીજી-સરદાર સાહેબ જેવા રાષ્ટ્રીય સપૂતો-વિભૂતિઓનું વારસો ધરાવતું ગુજરાત-એની આગવી ઓળખ શું હોય?
હું કહું કે વિરોધાભાષની વિશિષ્ટતા ગુજરાતની જ હોય શેકે તો જરા આંચકો લાગે? પણ એની ભૂમિકા તો તર્કબંધ છે….
અહિંસા
અહિંસા ગુજરાતની ઓળખ છે એમ હું સમજુ છું. આ એ ગુજરાત છે જેની ભૂમિ ઉપર ગાંધીજી જન્મ્યા. આઝાદી અપાવવા, ગુલામીની ઝંઝીરોમાં જકડાયેલા ભારતને સ્વતંત્રતાના સગ્રામ માટે, સમગ્ર સમાજને પ્રેરિત કર્યો. આઝાદીની આ લડાઇનું શસ્ત્ર હતું અહિંસા. જેનાથી આખી દુનિયા ચકિત થઈ ગઈ. આઝાદીએ અહિંસક લડતની ભેટ આપી.
પછી ગુજરાત રચાયું. એના સ્વાભિમાન સ્વમાન માટે અને જયારે અન્યાય-ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી ત્યારે ગુજરાતની જનતાએ હિંસાનો છોછ રાખ્યો નહી- નવનિર્માણનું આંદોલન. આ ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે – આ વિરોધાભાસની વિશિષ્ટતા…
સાહસિકતા અને સાણપણ
ગુજરાતની પ્રજામાં સાહસિકતા અને શાણપણ-કુશળતાના સંસ્કાર લોહીમાં વણાયેલા છે. સદીઓ પૂર્વે ગુજરાતી સાહસિક વેપારી, સાત સમંદરો ખૂંદતો, તોફાની દરિયો ખેડવા વેપાર-વણજની ખેપ લઈને દરિયાપાર ઉતર્યો. એની સાહસિકતા અને આપ બળે. દેશી નાવડામાં દરિયો કેટલાયને ગળી ગયો પણ ગુજરાતી સાહસિકતાને ડગાવી શક્યો નહી. આજે દુનિયા આખીમાં ગુજરાતી પથરાઈ ગયા છે.
આ આપણું ગુજરાત
ભરતની પશ્ચિમે આવેલ એક ભૌગોલિક પ્રદેશ તરીકે એની ઓળખ તો ભૌતિક કહેવાય. ગુજરાત જેવો ૧૬૦૦ કિલોમીટરની લંબાઈ ધરાવતો દરિયા કિનારો બીજે છે ક્યાં? ગુજરાતની ધરતીની ભૂતળમાં ધરબાયેલી ખનીજો જેવી કુદરતી સંપત્તિનો અઢળક ખજાનો હજી તો કઈ કેટલોય વણવપરાયેલો છે.
બૌદ્ધિક સંપત્તિ અને કુદરતી સંપત્તિ ગુજરાતની પોતાની સંપદા છે. આ ક્ષમતા ગુજરાતને સમૃધ્ધિનું પ્રવેશ દ્વાર બનાવી શકે એટલી સંગીન છે એમ હું સમજુ છું.
મારી આલોચના કરનાર કહે છે કે કેશુભાઇ સપના જુવે છે. ગોકુલ ગ્રામ યોજના હોય કે ગ્લોબલ ગુજરાત મારી વિભાવના સાફ છે. હું કબૂલ કરું છું કે હું સપના જોવ છું પણ માત્ર સપનામાં રાચતો નથી.
સંઘર્ષવાળું જીવન જીવતા રહીને જાહેર જીવના આ વર્ષો વિતાવતા, વાસ્તવિકતાનું હાડોહાડ વ્યવહારૂં વલણ હું અપનાવતો રહ્યો છું.
મારા સપનાનું ગુજરાત
મારા સપનાનું ગુજરાત કેવું હોય એવું મને કોઇ પુછે ત્યારે હું કહું કે મારા સપનાનું ગુજરાત ગ્લોબલ ગુજરાત. એની ગુજરાતની બૌદ્ધિક અને કુદરતી સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરી જ્યારે ગુજરાત પોતાની ક્ષમતાને સર્વોચ્ચ શિખરે વિશ્વની હરોળમાં ઊભું રહીને તેની અનુભૂતિ કરાવશે. અને આ શક્ય છે. આ સપનું એવું નથી જે સાકાર ન થઈ શકે. આપણો સંકલ્પ હોવો જોઇએ. નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન…
ગુજરાતને આધુનિકતામાં હવે પાછળ રહેવું પરવડે એમ નથી. માત્ર ભૌતિક વિકાસ નહી પણ માનવ સંપત્તિનો વિકાસ પણ જરૂરી છે. અને ગુજરાત તેમા પાછળ રહી જાય એ પાલવે તેમ નથી અને અમે તેની કાળજી લીધી છે.
એકવીસમી સદીનું આગમન
તમે ૨૧મી સદીને વધાવવા પશ્ચિમી ઢબે નાચ-ગાન ઉત્સવ કરશો નહી તો શું એકવીસમી સદી ઉંબરે આવીને થંભી જશે? કહેવાનું તાત્પર્ય એ છે કે નવી સદીના પ્રવેશ માટેની ક્ષમતા આપણે કેળવવી પડશે. એકવીસમી સદી તો બૌદ્ધિક સર્વોપરિતાની સદી છે, એમા શ્રેષ્ઠાનો આંક નહી અપનાવીએ તો આપણે પાછળ રહી જશું અને જે પાછળ રહી જાય છે એનું શોષણ દુનિયા કરે છે.
આપણા સપનાનું ગુજરાત
આ મારા સપનાનું ગુજરાત તમારા સપનાનું ગુજરાત પણ કેમ ન હોય શકે?
આ તો આપણા સૌના એકેએક ગુજરાતવાસીના સપનાનું ગુજરાત. એ છેવાડાના ગામડાનો હોય કે શહેરીજન હોય, દેશામાં વસતો હોય કે વિદેશમાં વસતો પોતાની પ્રતિષ્ઠાના આપબળે કમાયેલા સંસ્કારનો સ્વામિ હોય – ગુજરાતવાસી છે.
મુખ્યમંત્રીકાળ દરમિયાન કુશળ વહીવટકર્તા સાબિત થયા
શ્રી કેશુભાઈ પટેલ 14 માર્ચ, 1995થી 21 આક્ટોબર, 1996 અને 4 માર્ચ, 1998થી 6 આક્ટોબર, 2001 સુધી બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યાં હતાં. તેઓ તેમનાં બંને વખતના મુખ્યમંત્રીકાળ દરમિયાન કુશળ વહીવટકર્તા સાબિત થયા હતાં. તેઓએ રાજ્યમાં ગુંડાગીરી નાબૂદ કરવા ‘પાસા’ (pasa) જેવો કડક કાયદો બનાવ્યો પરિણામે અચ્છા અચ્છા ગુંડાઓ સીધા દોર થઈ ગયા હતાં. તેઓએ ગોકુળગ્રામ યોજના શરૂ કરી તંત્રને ગ્રામલક્ષી બનાવ્યું, જેની નોંધ સમગ્ર દેશમાં એક નવતર પ્રયોગ તરીકે લેવાઈ.
તેઓએ વનવાસી અને બક્ષીપંચની કન્યાઓને મફત સાયકલ આપતી સરસ્વતી સાધના નામની યોજના શરૂ કરી હતી, જેના પરિણામે કન્યા કેળવણીમાં વધારો થયો. તેઓએ વર્ષોથી બંધ કાપડ મિલોનાં કામદારોના બાકી પડતા લેણાં અંગે કેન્દ્ર સરકાર સાથે વાટા-ઘાટો કરી તેમના માટે વળતર રિન્યુઅલ ફન્ડની યોજના તૈયાર કરી તેને અમલી બનાવી અને મિલોના સેંકડો કામદારોને નોકરીના નિવૃત્તિનાં નાણાંકીય લાભો આપ્યાં. નર્મદા યોજના અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં અસરકારક રજૂઆત કરી ચૂકાદો ગુજરાતની તરફેણમાં લેવડાવ્યો. પરિણામે બંધની ઊંચાઈ 85 મીટરથી વધારી 90 મીટર સુધી લઈ જવાની પરવાનગી મળતા નર્મદાના નીર ગુજરાતમાં વહેતાં થયાં.
તેમના શાસનમાં ગુજરાતમાં વિક્રમજનક એક લાખ ચોંત્રીસ હજાર ચેકડેમો બંધાયાં. તેઓએ 25 ટકા લોકફાળાથી રાજ્યભરના 1 હજાર જેટલા જૂના તળાવો ખોદાવી ઊંડા કર્યા, તેઓએ મહી – પરીએજ, કોતરપુર, રાસ્કા, વગેરે પાણી યોજના થકી રાજ્યના આંતરિયાળ ગામો સુધી પાણી પહોંચાડ્યા. તેઓએ ખેડૂતોને હકપત્ર અને નાગરિકોને અધિકાર પત્ર રાહત દરે અનાજ વિતરણની યોજના અમલમાં મૂકી. તેમના શાસનકાળમાં સૌથી મહત્ત્વનું કાર્ય આક્ટ્રોય નાબૂદીનું થયું હતું.