
સમયનો ઉપયોગ કરો, સમય અમૂલ્ય છે કારણ કે જીવન સમયનું બનેલું છે… એટલે જ સમયને દુનિયાની સૌથી મૂલ્યવાન સંપત્તિ હકેવાય છે. વિતેલો સમય પાછો આવતો નથી. ભગવાને બધાને ૨૪ કલાકનો જ દિવસ આપ્યો છે. છાતા કેટલાંક લોકો આ ૨૪ કલાકનો ઉપયોગ કરી સફળ થઈ જાય છે, આગળ નીકળી જાય છે અને બાકીના લોકો માત્ર દોડધામમાં જ રહી જાય છે. શું તમે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું છે કે તમારો સમય ક્યાં જઈ રહ્યો છે? ઘણીવાર આપણને લાગે છે કે જ્યારે આપણે કંઈ નથી કરતા ત્યારે જ સમય બગડે છે, પણ હકીકતમાં કેટલાંક બીજા કારાણો પણ છે. અહીં એવા ૬ મુખ્ય કારણો છે જે તમારો કિંમતી સમય બગાડી રહ્યા છે. તેને સમજો અને સમયનો ઉપયોગ કરો…Master Your Time, Master Your Life
૧. બીજા લોકો શું વિચારશે તેની ચિંતા કરવી
મોટાભાગના લોકો નવું કામ શરૂ કરતા પહેલા એ વિચારીને જ અટકી જાય છે કે ‘લોકો શું કહેશે?’. આ દુનિયાનો સૌથી મોટો રોગ છે. જ્યારે તમે બીજાના મંતવ્યોને આધારે તમારા નિર્ણયો લો છો, ત્યારે તમે તમારો સમય અને ઉર્જા બીજાને ખુશ કરવામાં વેડફો છો. યાદ રાખજો, જે દિવસે તમે સફળ થશો ત્યારે આ જ લોકો તમારી પ્રશંસા કરવા માટે લાઈનમાં ઊભા હશે. ચાર લોકોનું ન વિચારો, જે કરવું હોય તે કરો. બાકી વિચારવામાં સમય જ બગડશે…
૨. દરેક બાબતે ફરિયાદ કરવી
ફરિયાદ કરીને સમય ન વેડફો, ફરિયાદથી કઈ થવાનું નથી. ફરિયાદ કરવાની આદત એ નકારાત્મકતાનું એક એવું ચક્ર છે જેમાં માણસ ફસાતો જ જાય છે. જ્યારે આપણે પરિસ્થિતિ, સરકાર કે નસીબનો વાંક કાઢીએ છીએ, ત્યારે આપણું મન ઉકેલ શોધવાને બદલે માત્ર સમસ્યામાં જ અટવાયેલું રહે છે. ફરિયાદ કરવાથી સમસ્યા હલ નથી થતી, પણ જે સમયમાં તમે મહેનત કરીને આગળ વધી શક્યા હોત, તે સમય ચોક્કસ વેડફાય છે. ફરિયાદ નહી કામ કરો…
૩. દરેકને ખુશ રાખવાનો પ્રયાસ
એક કડવું સત્ય સ્વીકારી લો—તમે દરેક વ્યક્તિને ક્યારેય ખુશ કરી શકતા નથી. જ્યારે તમે બધાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો અતિશય પ્રયત્ન કરો છો, ત્યારે તમે તમારી પોતાની પ્રાથમિકતાઓ અને લક્ષ્યો ભૂલી જાઓ છો. સમય બચાવવા માટે અને જીવનમાં સ્પષ્ટતા લાવવા માટે ‘ના’ કહેતા શીખવું એ સૌથી મોટું અને જરૂરી કૌશલ્ય છે.
૪. પરફેક્શનિસ્ટ બનવાનો આગ્રહ
ઘણાને એવું લાગે છે કે ‘પરફેક્શનિઝમ’ એક સારી બાબત છે, પણ વાસ્તવમાં તે કામમાં વિલંબ કરવાનું એક બહાનું છે. કોઈ પણ કામ પહેલી જ વારમાં ક્યારેય પરફેક્ટ નથી હોતું. બધું જ સો ટકા બરાબર થશે એવી રાહ જોવામાં આપણે ક્યારેય શરૂઆત જ નથી કરી શકતા. તેના બદલે, ‘અપૂર્ણ શરૂઆત’ કરવાની હિંમત કરો અને કામ કરતાં કરતાં અનુભવથી તેને સુધારો.
૫. એકની એક ભૂલ વારંવાર કરવી
ભૂલ કરવી એ કોઈ ગુનો નથી, પણ એ ભૂલમાંથી કંઈ પણ શીખ્યા વગર તેને વારંવાર દોહરાવવી એ સમયનો સૌથી મોટો બગાડ છે. જ્યારે આપણે આપણી નિષ્ફળતાઓનું વિશ્લેષણ નથી કરતા, ત્યારે આપણે ફરી એ જ જૂના રસ્તે ચાલીએ છીએ જે આપણને ક્યાંય નથી લઈ જતું. સ્માર્ટ વ્યક્તિ એ છે જે પોતાની અને બીજાની ભૂલોમાંથી બોધપાઠ લઈને આગળ વધે છે.
૬. નિષ્ફળતાનો ડર
નિષ્ફળ જવાનો ડર આપણને નવા સાહસો અને પ્રયોગો કરતા રોકે છે. આ ડરને કારણે આપણે એક્શન લેવાને બદલે કલાકો સુધી નકામું વિચાર્યા કરીએ છીએ. યાદ રાખો, કંઈ પણ કર્યા વગર બેસી રહેવા કરતા નિષ્ફળ જવું સો ગણું સારું છે, કારણ કે નિષ્ફળતા તમને અનુભવનું ભાથું આપે છે, જ્યારે ડર માત્ર પસ્તાવો અને ખાલીપો આપે છે.

સમય બચાવવા માટેના આટલું કરો….Master Your Time, Master Your Life
અહીં ઉપર સમય બગાડતા કેટલાંક તથ્યોની વાત થઈ. આ સમસ્યા છે હવે તેનો ઉપાય પણ વાંચો. માત્ર સમસ્યાઓ જાણવી પૂરતી નથી, તેને દૂર કરવા માટે અમુક પગલાં લેવા પણ જરૂરી છે…સમય બચાવવા આટલું કરો…
દિવસનું ઓડિટ કરો: આગામી ૩ દિવસ સુધી તમે દર ૧૫ મિનિટે શું કર્યું તેનો સાચો હિસાબ ડાયરીમાં લખો. તમે પોતે એ જોઈને ચોંકી જશો કે ઉપર જણાવેલા ૬ કારણોમાં તમારો કેટલો મોટો હિસ્સો વેડફાઈ રહ્યો છે. લખશો તો સમજાશે કે ક્યાં અને કેટલો સમય વેડફાઈ રહ્યો છે.
શેડ્યૂલ બનાવો: તમારા મહત્વના કામોને ચોક્કસ સમય આપો. ફાલતું કામોને દૂર રાખો, તેનાથી દૂર રહો. જેમ કે આરામના નામે આપણે મોબાઈલમાં રીલ જોવા લાગીએ છીએ. પાંચ મિનિટની ૬૦ મિનિટ થઈ જાય છે તે આપણને ખબર જ પડતી નથી. આનાથી દૂર રહો. શું કરવાનું નથી તેનું લિસ્ટ બનાવો અને તેનાથી દૂર જ રહો…
તરત શરૂ કરો: ‘યોગ્ય સમય’ કે પરફેક્ટ ક્ષણની ક્યારેય રાહ ન જુઓ. જે વિચાર્યું છે તે શરૂ જ કરી દો…આવતિકાલ કદી આવતી જ નથી. જે કામ તમે કાલ કરવાના છો એ આજે કરવામાં શું વાંધો છે. આ આળસ છે. તેને ઓળખો. જો તમે આજે ફાલતું બેસી રહેશો અને કામ નહીં કરો તો કાલે પણ તે કામ થવાનું નથી. આજનો વર્તમાનનો ઉપયોગ કરો. સમય બચાવવાનો આ જ સાચો માર્ગ છે.
અને છેલ્લે…
Master Your Time, Master Your Life | તમારો સમય એ જ તમારી જિંદગી છે. આ ૬ અદ્રશ્ય દુશ્મનોને આજે જ ઓળખો, તેમને તમારા જીવનમાંથી ડિલિટ કરી દો અને જે બાબતો તમારા માટે મહત્વની છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તેને સમય ફાળવો. તમારી ભવિષ્યની સફળતાનો આધાર માત્ર એ વાત પર છે કે તમે તમારા આજના સમયનો કેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરો છો. માટે બહાના બંધ કરો કાર્ય કરો અને સમયનો સદઉપયોગ કરો…