નવરાત્રી Navaratri ના આ ૯ રહસ્યો આપ નહીં જાણતા હો…!

આજે જાેઈએ નવરાત્રી Navaratri ના અનેક ધાર્મિક અને આધ્યાત્મિક રહસ્યો સાથે સંકળાયેલાએ ૯ રહસ્યો જે કદાચ આપ નહીં જાણતા હો…!

પ્રતિકાત્મક તસવીર


નવરાત્રી એટલે માતા દુર્ગાની પૂજા કરવાનો હિન્દુઓનો પવિત્ર ઉત્સવ. આ ઉત્સવ અબાલ-વૃદ્ધ સૌને પ્રિય. પરંતું સામાન્ય રીતે ધીમે ધીમે નવરાત્રીનું મુળ મહત્વ વિસરાતું ગયું અને માત્ર પાર્ટી-પ્લોટમાં થતાં ગરબા પુરતું જ સિમિત રહી ગયું. ગરબા પણ ગોળને બદલે નાના-નાના ગ્રુપમાં થવા લાગ્યા. પરંતું ખરેખર નવરાત્રી માત્ર ગરબે ઘુમવાનું જ નહીં પરંતું પૂજા-સાધના-સિદ્ધિ અને ભજન કરવાનું અનોખું પર્વ છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એના વિશેષ મહત્વની ચર્ચા કરવામાં આવી છે. નવરાત્રીના આ મહાપર્વની આમ તો ઘણી બધી જ બાજુઓ છે. અનેક ધાર્મિક અને આધ્યાત્મિક રહસ્યો તેની સાથે સંકળાયેલા છે. પરંતું આજે જાેઈએ નવરાત્રીના એ ૯ રહસ્યો જે કદાચ આપ નહીં જાણતા હો…!

(૧) પ્રથમ રહસ્ય.


સામાન્ય રીતે આપણે સૌ આસો માસની નવરાત્રી, જે દુર્ગામાતા દ્વારા મહિસાસૂરના વધ સાથે જોડાયેલી છે તેને વિશે જ જાણીએ છીએ અને વધારે ઉજવીએ છીએ, ગરબા ગાઈએ છીએ, આરતી કરીએ છીએ અને શહેરમાં ચારે તરફ ઉત્સાહનું વાતાવરણ હોય છે. પણ રહસ્યની વાત એ છે કે સમગ્ર હિન્દુ વર્ષમાં કુલ નવ નહીં પરંતું ચાર નવરાત્રીઓ એટલે કે કુલ ૩૬ રાત્રીઓ આવે છે. ચાર મહિના એવા છે જેમાં નવરાત્રી આવતી હોય છે. વર્ષના ચૈત્ર, અષાઢ, આસો અને પોષ મહિનામાં નવરાત્રીઓ આવતી હોય છે. ચૈત્ર માસમાં જે આવે એને વસંત નવરાત્રી કે ચૈત્રી નવરાત્રી કહેવાય છે. અષાઢ અને પોષ મહિનામાં જે નવરાત્રી આવે છે એને ગુપ્ત નવરાત્રી કહેવાય છે. એની સાથે પણ અનેક રહસ્યો છૂપાયેલા છે. આસો મહિનામાં જે નવરાત્રી આવે એને શારદીય નવરાત્રી કહે છે. આ આસો મહિનાની નવરાત્રી મોટા ભાગે જોરશોરથી ઉજવાય છે અને તેના દસમાં દિવસે રાવણ દહન કરવામાં આવે છે.

(૨) બીજું રહસ્ય


અનેક લોકો એ રહસ્ય જાણતા નથી કે નવ રાત્રીનું રહસ્ય નવ દુર્ગા સાથે સંકળાયેલું છે. મહિષાસુર નામના એક શક્તિમાન અસુરનો વધ કરવા માટે નવે નવ રાત્રીઓએ નવ જુદા જુદા માતાજી પ્રકટ થયા હતા અને એ અસૂર સાથે યુદ્ધ કર્યુ હતું. આ નવરાત્રીના નવ માતાજીના નામ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે. આ નવે નવ દુર્ગાઓએ મળીને મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષ એટલે ભેંસ અને અસૂર એટલે રાક્ષસ. મહિસાસુરના પિતાના ભેંસ સાથેના સંબંધથી પેદા થયેલો અસુર એટલે મહિષાસુર. એના કારણે એનું મસ્તક ભેંસ જેવું શિંગડાવાળુ અને શરીર માનવી જેવું હતું. એણે દેવોને ખૂબ જ રંજાડ્યા હતા, તે કોઈથી હણાતો નહોતો તેથી માતાજીએ જુદા જુદા નવ સ્વરૂપો લઈને નવ રાતો સુધી યુદ્ધ કરીને તેનો વધ કર્યો હતો. તેને કારણે જ આપણે આસોની નવરાત્રી ઉજવીએ છીએ.

(૩) ત્રીજુ રહસ્ય.


નવરાત્રી મહત્વ ૯ ના અંક સાથે સંકળાયેલી છે. જેમ આરાધનાની રાત્રો નવ છે અને શક્તિના નવ સ્વરૂપો દ્વારા અસુરનો વધ થયો હતો એવી જ રીતે આ નવરાત્રીને આપણા શરીર સાથે પણ જાેડાણ છે. રહસ્યની વાત એ છે કે આપણા શરીરમાં પણ ૯ છીદ્રો આવેલા છે. બે આંખ, બે કાન, નાકના બે છીદ્રો અને બે ગુપ્તાંગ અને એક મુખનું છીદ્ર. નવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય એ સંદેશ આપે છે કે માનવી જાે એના ઉપરોક્ત ૯ અંગોને શુદ્ધ રાખે તો તેનું મન એકદમ નિર્મળ બની જશે અને તેની છઠ્ઠી ઈન્દ્રીયને જાગ્રત કરશે. આપણે જ્યારે ઉંઘમાં હોઈએ છીએ ત્યારે આપણા શરીરના નવે નવ છીદ્રો બંઘ-લુપ્ત થઈ જતાં હોય છે અને કેવળ મન જ કામ કરતું હોય છે. વર્ષની ચારે ચાર નવરાત્રીનું રહસ્ય એ છે કે આ દિવસોમાં ઉપવાસ કરવામાં આવે તો માનવીના નવે નવ છીદ્રો એકદમ શુદ્ધ બની જાય છે.

(૪) ચોથુ રહસ્ય.


નવરાત્રી દરમિયાન માનવીએ મન અને તનથી શુદ્ધ રહેવાનું હોય છે. આ દિવસોમાં મદ્યપાન, માંસ-ભક્ષણ અને સ્ત્રી સાથેનું શયન વર્જીત માનવામાં આવે છે. જે વ્યક્તિ નવરાત્રીના પવિત્ર દિવસોમાં આ અપરાધ કરે છે તે માતાજીનું ખૂબ મોટુ અપમાન કરે છે અને તેમના પ્રત્યે અસન્માન કરીને તે પાપી બને છે. રહસ્યની વાત એ છે કે જે વ્યક્તિ આ દિવસોમાં ઉપરોક્ત બાબતોથી દૂર રહે છે અને ઉપવાસ કરે છે તે વ્યક્તિમાં કેટલીક વિશેષ શક્તિઓ જાગ્રત થાય છે અને તે માતાજીની કૃપાનો સદ્‌ભાગી બને છે.

(૫) પાચમું રહસ્ય.


નવરાત્રી શબ્દ ‘નવ- અહોરાત્ર’ શબ્દ પરથી આવ્યો છે. નવરાત્રી અર્થાત વિશેષ રાત્રીનો બોધ. નવરાત્રીની રાત્રીઓમાં પ્રકૃતિના અનેક અવરોધો ખતમ થઈ જતાં હોય છે. દિવસના મુકાબલે રાત્રે આપણે અવાજ કરીએ તો દૂર સુધી સંભળાતો હોય છે. એમાંય નવરાત્રીનું રહસ્ય તો એ છે કે આ રાત્રીઓમાં આપણે માતાજી સક્ષમ જે કંઈ પણ અરજ કરીએ એ તેઓ જલ્દી સાંભળતા હોય છે. આ નવ રાત્રીઓ દરમિયાન જે કોઈ પણ સાધના કરવામાં આવે કે શુભ સંકલ્પ કરવામાં આવે એ સો ટકા સફળ બનતા હોય છે.

(૬) છઠ્ઠુ રહસ્ય.


નવરાત્રીનું રહસ્ય સ્વાસ્થ્ય સાથે પણ છે. નવે નવ રાત્રીની શક્તિઓ, માતાજી કોઈને કોઈ ઔષધમાં બિરાજમાન છે. માતા શૈલપુત્રી હરડેમાં બિરાજન છે, જે પાચન સુધારે છે. માતા બ્રહ્મચારિણી દૂધ-દહી અને બ્રાહ્મી ઔષધીમાં બિરાજમાન છે, જે રક્તવિકારો દૂર કરે છે અને નાડીઓને પુષ્ટ બનાવે છે. માતા ચંદ્રઘટા ચંદ્રસુરમાં બિરાજમાન છે, જે કોથમીર જેવો છોડ હોય છે અને શરીરની ચરબી ઓછી કરે છે.માતા કુષ્માંડા કોળામાં બીરાજમાન છે, જે શરીરને અનેક રીતે પુષ્ટ બનાવે છે અને માનસિક રોગો પણ દૂર કરે છે. સ્કંદમાતા અળસીમાં બિરાજમાન છે, જે પિત્ત, વાત અને કફનો ત્રિદોષ દૂર કરે છે. કાત્યાયની માતા મોઈયા નામની ઔષધીમાં બિરાજમાન છે જે આપણા શરીરને સર્વ રોગોથી મુક્ત રાખે છે. કાલરાત્રીમાતા કાળા મરી અને નાગદૌનમાં બિરાજમાન છે, આ ઔષધીથી સર્વે કષ્ટોનું નિવારણ થાય છે. માતા મહાગૌરી તુલસીમાં બિરાજમાન છે. તુલસી હૃદયરોગમાં, કફમાં અને બીજી અનેક રીતે ફાયદાકારક છે. માતા સિદ્ધિદાત્રી આંબળા અને શતાવરીમાં બિરાજમાન છે. આ ઔષધી આપણને બળ અને બુદ્ધિ પ્રદાન કરે છે.

(૭) સાતમુ રહસ્ય.


શું આપ જાણો છો કે નવરાત્રીના જેમ નવ માતાઓ છે તેવી જ રીતે તે નવે નવ માતાઓમાં અન્ય શક્તિઓનો પણ વાસ છે. દેવીઓમાં ત્રિદેવી, નવદુર્ગા, દશ મહાવિદ્યા અને ચોસઠ યોગિનીઓનો સમાવેશ થાય છે. આદિ શક્તિ અંબિકા આ બધામાં શ્રેષ્ઠ છે અને એના અનેક રૂપો છે. સતી, પાર્વતી, ઉમા, કાલીકા વગેરે ભગવાન શંકરની પત્નીઓ છે. આથી જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે માત્ર નવરાત્રીનું પૂજન જ તમારા પર અનેક શક્તિઓની કૃપા વરસાવી શકે છે.

(૮) આઠમું રહસ્ય.


નવરાત્રીનું અન્ય એક મોટુ રહસ્ય છે દસ મહાવિદ્યા. આપણે નવદુર્ગાની પૂજા કરીને દસ મહાવિદ્યાઓ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ દસ મહાવિદ્યાઓની દેવીઓના નામ છે. તારા, કાલી, છિન્નમસ્તા, ષોડશી, ભુવનેશ્વરી, ત્રિપુરભૈરવી, ઘૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા. નવરાત્રીમાં ઉપવાસ કરનાર અને તમામ સંયમોનું પાલન કરનારને આ દસ મહાવિદ્યાના આશિર્વાદ પણ પ્રાપ્ત થતાં હોય છે.

(૯) નવમું રહસ્ય.


નવરાત્રીના અનેક રહસ્યોમાં નવે નવ માતાજીના વાહનોનું પણ રહસ્ય છે. જેમકે અષ્ઠભૂજાધારી દુર્ગામાતા અને કાત્યાયની દેવી સિંહ પર સવાર છે. માતા પાર્વતી, ચંદ્રઘટા અને કુષ્માંડા વાઘ પર બિરાજમાન છે, માતા શૈલપુત્રી અને મહાગૌરી વૃષભ પર સવાર છે, માતા કાલરાત્રી ગધેડા પર સવાર છે અને માતા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે. આમ આ તમામ દેવીની પૂજા કરવાથી તેમના વાહનો હોય તે પ્રાણીઓ અને ફુલ પણ આપણા પર કૃપા વરસાવતા હોય છે. દાખલા તરીકે દુર્ગામાતા અને કાત્યાયની દેવીની પૂજાથી વનરાજ સિંહની કૃપા આપણા પર ઉતરે છે.


તો નવરાત્રીના આ રહસ્યો જાણી, સમજી! તેનો ઉપયોગ કરીને રહસ્યમય જીવનને વધારે સુખી બનાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *