દુનિયાની અદ્ભુત ચીજ | નેપાળની બાળ લોકકથા । Nepal Balkatha

ગોપાલ પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. રમતાં રમતાં તે નદીકિનારે જઈ પહોંચ્યો. દૂર સુધી નદીની રેત પથરાયેલી હતી. ગોપાલે રેતમાં રમતાં રમતાં ઘર બનાવવાનું શરૂ કર્યું. બીજા દોસ્તો પણ રેતીનાં ઘર બનાવવા લાગ્યા. રેતમાં રમતી વખતે ગોપાલને એક ચમકતી વસ્તુ દેખાઈ. તેણે હાથમાં લઈને ઉપરની રેતી સાફ કરી તો તે વસ્તુ ઝગમગ ચમકવા લાગી.
ગોપાલ એ વસ્તુ લઈને ઘરે આવ્યો અને તેના પિતાને બતાવી. પિતાની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં. અરે, આ તો સોનામહોર છે. આપણે તેમાંથી એક ઘેટું ખરીદીશું અને તે મોટું થાય એટલે તેના ઊનમાંથી આપણને ઘણા પૈસા મળશે.
ગોપાલની મા બાજુમાં જ બેઠી હતી. તે બધું સાંભળી રહી હતી. તે બોલી, ‘સાંભળો, ઘેટું તો તમે પછી ખરીદજો. ઘરમાં ખાવા અનાજનો એક દાણો પણ નથી. જઈને બજારમાંથી અનાજ લઈ આવો.’
ગોપાલની બહેનો પણ બાજુમાં બેઠી હતી. માની વાત સાંભળીને તેઓ કહેવા લાગી, ‘મા, આપણે કેટલીક મરઘીઓ પણ ખરીદવી જોઈએ. મરઘીઓ ઈંડાંઓ આપશે તેમાંથી આપણને ઘણા પૈસા મળશે.’
ગોપાલ બધાની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
તેણે કહ્યું, ‘આ સોનાથી હું દુનિયાની સૌથી અદ્ભુત ચીજ ખરીદીશ. આખરે આ સોનામહોર તો મને જડી છે.’
ગોપાલની વાત સાંભળીને બધાં ચૂપ થઈ ગયાં.
સોનામહોર લઈને ગોપાલ દુનિયાની અદ્ભુત ચીજ ખરીદવા નીકળી પડ્યો. તે એક પછી એક દુકાને જઈને દુનિયાની સૌથી અદ્ભુત વસ્તુ માગવા લાગ્યો. દુકાનદાર તેની વાત સાંભળીને હસી પડતા અને તેને આગળ જવા માટે કહેતા.
ગોપાલ આખા શહેરમાં ફરી વળ્યો, પણ દુનિયાની સૌથી અદ્ભુત વસ્તુ તેને ક્યાંય મળી નહીં. ત્યાં ગોપાલે જોયું કે કેટલાંક લોકો ટોળે મળીને કંઈક જોઈ રહ્યા હતા. ગોપાલ તેમની પાસે પહોંચ્યો. તેણે જોયું તો એક મદારી વાંદરાને લઈને તેનો ખેલ બતાવી રહ્યો હતો. ગોપાલને આ રમતિયાળ વાંદરું ખૂબ ગમી ગયું. ખેલ પૂરો થયો એટલે ગોપાલ મદારી પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘શું તમે મને આ વાંદરું આપશો ? તેના બદલામાં હું એક સોનામહોર આપીશ.’
મદારીએ સોનામહોરના બદલામાં વાંદરું ગોપાલને આપ્યું. વાંદરું લઈને ગોપાલ ઘરે આવ્યો. તેના ગળામાં સરસ પટ્ટો બાંધેલો હતો. વાંદરાને જોઈને ઘરના લોકો નારાજ થયા. એક તો ઘરમાં ખાવાનું નથીને એક મહેમાન ઓર વધી ગયો.
દિવસે દિવસે વાંદરાનાં તોફાન પણ વધવા લાગ્યાં. ક્યારેક તે ઘરની છત પર ચઢી જાય, તો ક્યારેક રસ્તા પર ચાલ્યું જાય. એક દિવસ આ વાંદરું ભાગીને દૂર ચાલ્યું ગયું અને દોડતું દોડતું એક રાક્ષસની ગુફામાં જઈ પહોંચ્યું.
વાંદરાએ જોયું તો ગુફામાં બેઠેલો રાક્ષસ હીરામોતી અને સોનામહોરો ગણી રહ્યો હતો. વાંદરો પાછળથી જઈને સોનામહોરોની એક મૂઠી ભરી લઈને ભાગીને બહાર આવતો રહ્યો.
તે લઈને ઘરે આવ્યો. ગોપાલે વાંદરાના હાથમાં સોનામહોરો જોઈ તો તેના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. ઘરનાં બધાંને નવાઈ લાગી કે આ તોફાની ક્યાંથી સોનામહોરો ઉઠાવી લાવ્યો છે.
બીજા દિવસે પણ વાંદરો સોનામહોરો લઈ આવ્યો. ઘરવાળાં બધાં ખુશ થયાં. હાશ, હવે આપણી ગરીબી દૂર થઈ જશે. હવે આપણને કોઈ વાતની કમી રહેશે નહીં.
આ બાજુ ગુફાનો રાક્ષસ પણ પરેશાન થઈ ગયો. ન જાણે ક્યાંથી વાંદરો આવીને સોનામહોરો લઈ જાય છે. આજે બેટમજીને આવતા દે, તેને છોડીશ નહીં.
રોજની જેમ વાંદરો રાક્ષસની ગુફા પાસે આવ્યો. રાક્ષસ ઊંઘવાનું નાટક કરતાં નીચે સૂઈ રહ્યો હતો. જેઓ વાંદરો સોનામહોરોની મુઠ્ઠી ભરીને દોડવા લાગ્યો કે રાક્ષસે તેની પૂંછડી પકડી લીધી. વાંદરો એકદમ ગભરાઈ ગયો. પણ સ્વસ્થ થઈને કહેવા લાગ્યો, ‘જુઓ, હું ખૂબ દૂરથી આવું છું. તમે તો સગપણમાં મારા મામા થાઓ છો. માએ જ મને તમારી પાસે મોકલ્યો હતો. તેણે તમારા માટે એક સુંદર વહુ શોધી રાખી છે. હું અહીંથી જે લઈ જાઉં છું તે વહુને આપી દઉં છું. તે ખૂબ ખુશ થાય છે. ટૂંક સમયમાં જ તમારી સાથે તેનાં લગન થઈ જશે.
રાક્ષસને વાંદરાની વાતમાં વિશ્ર્વાસ પડ્યો. તેણે જતાં જતાં થોડી બીજી સોનામહોરો પણ ઉઠાવી લીધી અને કહ્યું, ‘જુઓ મામા, આ સોનામહોરો મામીને આપીશ. તેનાં લગન માટે નવાં કપડાં પણ ખરીદવાનાં છે ને ?’
રાક્ષસ ખુશ થઈ ગયો. તેને સુંદર વહુના વિચારો આવવા લાગ્યા. તેણે વાંદરાને કહ્યું, ‘તું કાલે પણ જરૂર આવજે અને કંઈક નવા સમાચાર લાવજે.’
વાંદરો સોનામહોર લઈ ઘરે આવ્યો. ગોપાલના હાથમાં સોનામહોરો મૂકતાં કહ્યું, ‘જુઓ, આજે પણ હું સોનામહોરો લાવ્યો છું પણ આ વખતે હું રાક્ષસને તેના લગ્નની લાલચ આપીને આવ્યો છું. હવે મારે કાલે પણ જવાનું છે આપણે એક યોજના બનાવીએ ઘાસમાંથી એક સુંદર ક્ધયા બનાવીએ અને તેનાં લગ્ન રાક્ષસ સાથે કરાવી દઈએ.’
શરૂમાં તો ગોપાલને કંઈ સમજાયું નહીં. પરંતુ વાંદરો જેમ કહેતો ગયો, ગોપાલ તેમ કરતો ગયો. થોડા દિવસમાં સૂકા ઘાસની સુંદર ક્ધયા બનાવી તેના પર સરસ સાડી પહેરાવી. કન્યાને લઈને વાંદરો રાક્ષસની ગુફા પાસે આવ્યો. ગુફામાં કન્યાને મૂકતાં વાંદરો બોલ્યો, ‘જુઓ, હું તમારા માટે સુંદર મામી લઈ આવ્યો છું. પણ જુઓ રાક્ષસમામા, આજકાલ ગ્રહો સારા નથી. એટલે ઘૂંઘટ ઉઠાવીને મામીને જોતા નહીં. જો તમે જોશો તો તે ઘાસની પૂતળી બની જશે.
રાક્ષસ તો ઘરમાં વહુ આવવાથી ખુશ થઈ ગયો. આજ નહીં તો કાલે તેને જોઈશ. એમ કહી તેણે વાંદરાને ઘણી બધી સોનામહોરો ભેટમાં આપી. તે લઈને વાંદરો ઘરે આવ્યો. ગોપાલ અઢળક સોનામહોરો જોઈ ખૂબ રાજી થયો. ઘરનાં બધાં પણ કહેવા લાગ્યાં, ખરેખર આ વાનર દુનિયાની અદ્ભુત ચીજ છે. આ બાજુ ગુફામાં રાક્ષસથી વહુને જોયા વિના રહેવાયું નહીં. તેણે ઘૂંઘટ ઉઠાવ્યો તો તેમાં ઘાસની પૂતળી હતી. હવે તે કરે પણ શું ? તેને રહી રહીને વાંદરાની વાત યાદ આવવા લાગી. બીજા દિવસે તે વાંદરાની રાહ જોવા લાગ્યો પણ આવે એ બીજા.