શ્રીરામે લક્ષ્મણ પાસે યુદ્ધ પહેલાં ભિક્ષા કેમ મંગાવી? જાણો મેઘનાદના વધ પાછળનું અદ્ભુત રહસ્ય! Ramayana prasang

ધર્મયુદ્ધમાં વિનમ્રતાનું મહત્ત્વ | Ramayana prasang

રામાયણનું યુદ્ધ ચરમ પર હતું. મેઘનાદ અને લક્ષ્મણ વચ્ચે અંતિમ યુદ્ધ થવા જઈ રહ્યું હતું. મેઘનાદ એક અજેય યોદ્ધો હતો. તેની પાસે તમામ પ્રકારનાં દિવ્યાસ્ત્ર હતાં. યુદ્ધ પહેલાંની સવારે લક્ષ્મણ, ભગવાન શ્રી રામના આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને ભિક્ષાપાત્ર આપતાં કહ્યું, આ પાત્ર લો અને જે પણ વ્યક્તિ સૌથી પહેલાં મળે એની પાસેથી ભિક્ષારૂપે થોડું અન્ન લઈ આવો. આ સાંભળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા કે પ્રભુ શ્રીરામ લક્ષ્મણને આશીર્વાદને બદલે ભિક્ષાપાત્ર કેમ આપી રહ્યા છે?

 

લક્ષ્મણ જ્યારે ભિક્ષા માંગવા નીકળ્યા ત્યારે સૌથી પહેલો તેમનો ભેટો રાવણના જ એક સૈનિક સાથે થઈ ગયો. શ્રી રામની આજ્ઞા અનુસાર લક્ષ્મણે સૈનિકને સાદર નમસ્કાર કરી ભિક્ષા માગી. સૈનિકે પણ તેમને ભિક્ષારૂપે થોડું અન્ન આપ્યું. લક્ષ્મણજીએ તે અન્ન ભગવાન શ્રીરામને અર્પણ કર્યું. ત્યારબાદ ભગવાન શ્રીરામે તેમને `વિજયી ભવ’ના આશીર્વાદ આપ્યા. જોકે ભિક્ષા મંગાવવાનો મર્મ હજી સુધી કોઈની સમજમાં ન આવ્યો.

 

ત્યારબાદ મેઘનાદ અને લક્ષ્મણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. મેઘનાદે ત્રિલોકનાં બ્રહ્માસ્ર, પાશુપતાસ્ત્ર જેવાં સૌથી શક્તિશાળી શસ્ત્રો થકી લક્ષ્મણજી પર પ્રહાર કર્યો. લક્ષ્મણજીએ શીશ નમાવી આ શસ્ત્રોને પ્રણામ કર્યાં. પરિણામે આ તમામ શસ્ત્રો આશીર્વાદ આપી પરત ચાલ્યાં ગયાં. ત્યારબાદ રામનું નામ લઈ લક્ષ્મણે મેઘનાદ પર બાણ ચલાવ્યું. મેઘનાદ અભિમાનપૂર્વક અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. તેનું મસ્તક ધડથી અલગ થઈ ગયું.

 

યુદ્ધ બાદ હનુમાનજીએ પ્રભુ શ્રીરામને લક્ષ્મણ પાસે ભિક્ષા મંગાવવાનો મર્મ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે ભગવાન શ્રીરામે જણાવ્યું. `હું લક્ષ્મણને જાણું છું. તે ખૂબ જ ક્રોધિત છે, જ્યારે યુદ્ધમાં ખૂબ જ વિનમ્રતાની જરૂર પડે છે. વિજયી તે જ થાય છે જે વિનમ્ર હોય છે. હું જાણતો હતો કે મેઘનાદ બ્રહ્માંડની ચિંતા નહિ કરે અને યુદ્ધ જીતવા માટે તમામ મહાવિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરશે. ત્યારે તે અમોઘ શસ્ત્રો સામે માત્ર વિનમ્રતા જ કામ આવી શકે તેમ હતી. માટે જ સવારે લક્ષ્મણને ઝૂકવાનું શીખવ્યું. એક વીર શક્તિશાળી જ્યારે ભીક્ષા માંગે છે ત્યારે તેનામાં વિનમ્રતા આપોઆપ પ્રવાહિત થાય છે. લક્ષ્મણે મારા નામનું બાણ ચલાવ્યું હતું. જો મેઘનાદ પણ લક્ષ્મણની જેમ તેની સામે વિનમ્રતા દાખવત તો હું તેને પણ ક્ષમા કરી દેત.’

 

યુદ્ધકાળમાં વિનમ્રતા શક્તિસંચયનું કામ કરે છે અને વિનમ્રતા વીરપુરુષની શોભા હોય છે. માટે કોઈ મોટું ધર્મયુદ્ધ લડાતું હોય ત્યારે તેમાં વિજયી થવા માટે વિનમ્રતા સાથેનું શૌર્ય હોવું ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *