મહાજ્ઞાની રાવણ પાસે લક્ષ્મણજી રાજનીતિના પાઠ ભણવા ગયા…!! અને રાવણે માત્ર એક લીટીમાં આ જ્ઞાન આપ્યુ…!! Ravan Laxman Samvad

રાવણનો માત્ર એક લીટીનો સંદેશ | Ravan Laxman Samvad | મહાજ્ઞાની રાવણે માત્ર એક લીટીમાં લક્ષ્મણજીને જે સંદેશ આપ્યો તે કળયુગમાં દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે
ભગવાન શ્રી રામ અને રાવણનું યુદ્ધ થયું. રાવણ હણાયો અને શ્રી રામનો વિજય થયો.
શ્રી રામે એમની છાવણીમાં આવીને લક્ષ્મણને સૂચના આપી, ‘ભાઈ, રાવણ એના આખરી શ્વાસ ગણી રહ્યો છે. એની આ છેલ્લી ઘડી છે. હવે એની પાસે સમય ખૂબ ઓછો છે. એ ભલે આપણો શત્રુ હોય પણ એનું જ્ઞાન વંદન યોગ્ય છે. રાવણ પાસે રાજનીતિનું અદ્‌ભુત જ્ઞાન છે. તું અત્યારે જ એની પાસે જા અને રાજનીતિના મહત્વના પાઠ અને રાજાના કર્તવ્યો વિશે એની પાસેથી શીખી લે. એ ના નહીં પાડે એની મને ખાતરી છે.’
લક્ષ્મણજી તરત જ રાવણ પાસે ગયા. બે હાથ જોડી એમને વંદન કર્યા અને કહ્યુ, ‘આપને વંદન. આપનું જ્ઞાન અભૂતપૂર્વ છે. હું આપની પાસેથી રાજનીતિનું જ્ઞાન લેવા આવ્યો છું. મહેરબાની કરી આપ મને જ્ઞાન આપો.’
રાવણનો શ્વાસ લથડી રહ્યો હતો. એણે તૂટક તૂટક અવાજે કહ્યુ, ‘ભાઈ, હવે તો મારાથી સરખું બોલતાનું પણ નથી. અને રાજનીતિ વિષય ખૂબ જ ઉંડો છે. હું આપને શું કહું?’
‘કંઈક જ્ઞાન તો આપો!’
‘તો સાંભળ, હું જીવનનું મહત્વનું જ્ઞાન તને આપું છું. ચાહે સંબંધો હોય, રાજનીતિ હોય કે જીવનનું બીજું કોઈ પાસુ. વર્તમાન સમય ક્યારેય બગાડશો નહીં. આજની ઘડી સૌથી મુલ્યવાન હોય છે. આજનો ઉપયોગ કરજો. આજે થઈ શકે એવું કોઈ પણ કામ ક્યારેય કાલ પર મુલતવી ના રાખશો. આજનું કામ આજે જ પુરું કરજો, નહીંતર જીવન પુરું થઈ જશે.
હું તને મારી જ વાત કરું. મારી પાસે અદ્‌ભુત શક્તિ અને જ્ઞાન હતા. પણ મેં આજની ઘડીનો ઉપયોગ ના કર્યો. દરેક કામ હું પાછું ઠેલતો ગયો એના કારણે મારા વિચારેલા કોઈ કાર્યો પૂર્ણ થયા નહીં. મારે ખારા વખ સમુદ્રને મીઠો કરવો હતો અને ઢીંચણ સમાણો કરવો હતો. મારે જગતમાંથી નરક અને એની યાતનાઓ દૂર કરવી હતી. હું બધું જ કરવા શક્તિમાન પણ હતો. અને એના કારણે જ મેં એવું વિચાર્યુ કે, થશે બધું. આજે શું ઉતાવળ છે, આવતીકાલે કરીશ. પણ એ આવતીકાલ કદી આવી જ નહીં. આમ આવતીકાલની રાહ જોતા જોતા બધી જ ‘આજ’ વેડફાઈ ગઈ. મેં આજનો ઉપયોગ ન કરીને સમય જ નહીં મારી જિંદગી પણ બગાડી નાંખી. હવે જ્યારે હું મરવા પડ્યો છું ત્યારે મને ખૂબ જ પસ્તાવો થાય છે. માટે હું પણ તને એક જ સલાહ આપું છું કે વર્તમાન સમયને બગાડશો નહીં. જો તમને આજની ઘડીનો ઉપયોગ કરતા આવડી જશે તો જીવનના દરેક ક્ષેત્રમાં તમારો વિજય થશે. ’
રાવણ પાસેથી રાજનીતિનું જ નહીં પણ જીવનનું અમુલ્ય જ્ઞાન લઈને લક્ષમણજી પરત ફર્યા. એમણે જિંદગીભર રાવણની શિખામણનું પાલન કર્યુ. આજે થઈ શકે એવું કોઈ કામ આવતીકાલ પર મુલતવી ના રાખ્યુ. અને તેઓ જીવનને જીતી ગયા.
આપણે પણ મહાજ્ઞાની રાવણની આ શીખામણ ધ્યાનમાં રાખીએ અને આજના બધા જ કાર્યો આજે જ કરીએ. અને જીવનને ઉજ્જવળ બનાવીએ.
ભવિષ્ય સુધારવું હોય તો આજ,  એટલે કે વર્તમાન ન બગાડશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *