૩૧ ઓક્ટોબર એટલે સરદાર પટેલ ( Sardar Patel )નો જન્મદિવસ ત્યારે આવો Sardar Patel ના જીવનનાં ( Sardar Patel Biography ) કેટલક પ્રેરણાત્મક પ્રંસગો જાણીએ
વલ્લભભાઈ વિલાયતમાં જ્યાં રહેતા ત્યાંથી મિડલ ટેમ્પલ 11 માઇલ છેટું હતું. દરરોજ સવારે 11 માઇલ ચાલીને વલ્લભભાઈ લાયબ્રેરીએ જતા અને છેક ટેમ્પલની લાયબ્રેરી બંધ થાય, બધા ચાલ્યા જાય ત્યાં સુધી વલ્લભભાઈ એકલા વાંચતા હોય. પટાવાળો આવીને કહે : ‘સાહેબ ! બધા ગયા, ઊઠો’ ત્યારે તેઓ ઊઠે ! બપોરે દૂધ અને બ્રેડ મંગાવીને ત્યાં ને ત્યાં જ બેઠા બેઠા ખાઈ લે અને અભ્યાસ કરે. આ દિવસોમાં એમણે રોજ સત્તર સત્તર કલાક વાંચ્યું અને પરીક્ષામાં પહેલા વર્ગમાં પાસ થઈ 50 પાઉન્ડની સ્કાલરશીપ મેળવી અને ચાર ટર્મની ફી માફી મેળવી.
સરદાર પટેલ દરેક કામ માટે જે શ્રેષ્ઠ પુરુષ હોય તેને જ તે માટે પસંદ કરતા. એચ. એમ. પટેલ લખે છે કે, ‘‘એક અગત્યના કમિશન માટે સરદારે સર સી. પી. રામસ્વામી અય્યરને પસંદ કર્યા, તેથી ઘણા નવાઈ પામ્યા. કોઈએ સરદારને કહ્યું, ‘તે તો ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર કરવા માગતા હતા !’ સરદારે સામો પ્રશ્ર્ન કર્યો, ‘‘આ કાર્ય માટે સર સી. પી. ઉત્તમ વ્યક્તિ છે તે ખરું ને ?’’ બધાએ હા કહી, ત્યારે સરદાર બોલ્યા, ‘‘આવી ગૌરવશાળી વ્યક્તિ દેશને મળતી હોય તો તેની સેવા શા માટે ન લેવી ?’’ અને સરદારે સર. સી. પી.ને કમિશનના ચરમન નીમ્યા.
આ પ્રસંગ પરથી, લિંકને સેક્રેટરી તરીકે એમનાં સખત ટીકાકારને રાખ્યા હતા. એ ઘટના યાદ આવે છે.
પ્રસિદ્ધ પત્રકાર અને લેખક ખુશવંતસિંહે ‘Truth love and a little malice’ પુસ્તકમાં સરદારના ક્રાંતિકારી જીવનની ઝલક દર્શાવતો એક સુંદર પ્રસંગ આ લેખ્યો છે. એને ખુશવંતસિંહના શબ્દોમાં જ માણીએ.
‘મને સરદાર પટેલના ઘેર મળવા માટે સમય આપવામાં આવ્યો હતો. તેમના સચિવે મને બહારના રૂમમાં બેસાડીને કહ્યું, ‘પ્રધાનશ્રી બીઝી છે.’ થોડી પળમાં ઇન્દોરના મહારાજાની મોટી રોલ્સરોઈસ કાર આવી પહોંચી. એક નૌ સૈનિકે કારનો દરવાજો ખોલ્યો અને મહારાજા નીચે ઊતર્યા. પ્રધાનના સચિવે તેમનું સ્વાગત કર્યું અને તેમને ડ્રોઇંગ રૂમમાં લઈ ગયા. અંદર શું ચાલી રહ્યું છે તે હું જોઈ શકતો હતો. સરદાર ગંભીર વદને કક્ષમાં દાખલ થયા અને મહારાજાને બેસવાનું કહ્યું. તેમણે મહારાજા સાથે હાથ તો ન જ મિલાવ્યા.
મહારાજા ઇંગ્લિશમાં ઝડપથી બોલી રહ્યા હતા. સરદારની નજર પોતાના ચંપલ ઉપર સ્થિર થયેલી હતી. આ મહારાજા ભોપાલના નવાબ સાથે મળીને ઇન્ડિયન ગવર્નમેન્ટના નિર્ણય સામે બીજા રાજાઓને એકઠા કરીને વિરોધ કરી રહ્યા હતા. મહારાજાઓને સાલિયાણાં બાંધી આપવાનું વિચારાઈ રહ્યું હતું. ગૃહપ્રધાન તરીકે સરદારના માથે આ મહારાજાઓની જોડાણખત ઉપર સહીઓ લેવાની જવાબદારી આવી પડી હતી. મહારાજા જે બોલી રહ્યા હતા તે થોડું થોડું મને સંભળાતું હતું. તેઓ પોતાના ઉપર થઈ રહેલા આક્ષેપો જુઠ્ઠા છે તેવું કંઈ કહી રહ્યા હતા. સરદારે તેમને પોતાનો ઊભરો ઠાલવી દેવા દીધો. નજર ઉપર કરી જ નહીં. પછી સરદાર ઊભા થયા અને હું સાંભળી શકું તેટલા મોટા અવાજે બોલ્યા :’You are a damned liar’ તમે તદ્દન જૂઠા છો. આટલું કહીને સડસડાટ ચાલ્યા ગયા. ઝંખવાણા પડી ગયેલા મહારાજા પોતાના એડીસી સાથે સીધા રોલ્સરોઈસ તરફ દોડી ગયા. સરદાર પટેલના સેક્રેટરીએ મને કહ્યું કે તેઓ અત્યારે મારી સાથે વાતચીત કરવાના મૂડમાં નથી.’
ગુજરાતમાં હરિપુરામાં કાઁગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું. કંઈ કેટલાય હજાર પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા. તેની વ્યવસ્થા માટે સરદાર અને ગાંધીજી ચર્ચા કરતા હતા. એક તબક્કે મહાત્મા ગાંધીજીએ કહ્યું, ‘‘અધિવેશનમાં આવેલા સભ્યોને દૂધ તો ગાયોનું જ આપવાનું.’’
સરદારને લાગ્યું આવડી મોટી સંખ્યાના પ્રતિનિધિઓને ગાયનું દૂધ કેવી રીતે અપાય ! એટલે તેમણે ગાંધીજીને કહ્યું, ‘‘ખેડા જિલ્લામાં ઘણી ભેંસો છે. તેમને સફેદો મારીને ગાયો બનાવી દઈશું.’’ મહાત્મા ગાંધી ચમક્યા. તેમણે તો ગાયોના દૂધનો જ આગ્રહ રાખ્યો.
સરદારને લાગ્યું કે ગૌશાળા ઊભી કરવી પડશે અને અશક્યને શક્ય કરવાના પ્રયત્નો શરૂ કર્યા. તેમણે કાંકરેજથી 200 ગાયો મગાવી. ગિરનારમાંથી પાંચસો ગાયો મગાવી, બીજી પણ સેંકડો ગાયો એકઠી કરીને ગૌશાળા ઊભી કરી. ગાંધીજીની ગૌશાળાના નિષ્ણાત પણીકરની આગેવાની નીચે સેંકડો ગોવાળોને પણ બોલાવ્યા. પ્રતિનિધિઓને ત્રણ દિવસ ગાયનું દૂધ પીવડાવ્યું.
તેમણે બારડોલીના ખેડૂતોને બોલાવ્યા અને ગાયો પાળવા વહેંચી. ખેડૂતના ઘેરઘેર ગાયો આવી ગઈ.
સરદારે પણ ગાયનું દૂધ જ પીવાનું વ્રત રાખ્યું અને આજીવન પાળ્યું.
સરદાર ધૂમ્રપાનના ભારે શોખીન. તેઓ બીડી સિગરેટના બંધાણી. જેલમાં એક પોલીસ અધિકારીએ તેમની સામે સિગરેટ ધરી. સરદારે તે લેવા હાથ લંબાવ્યો અને પછી કાંઈક વિચાર આવતાં હાથ પાછો ખેંચી લીધો એટલે પોલીસ આફિસરે કહ્યું, ‘‘તમે તો સિગરેટના શોખીન છો ?’’
સરદારે જવાબ આપ્યો. ‘‘તમારી વાત સાચી પણ તમે મને જેલની બરાકમાં બીડી – સિગારેટ ક્યાં આપવાના છો ?’’
અને સરદારે કદીય ધૂમ્રપાન ન કરવાનો નક્કમ નિર્ણય કર્યો.
સરદાર પટેલે દેશ આઝાદ થયા પછી રજવાડાંઓને ભારતમાં વિલીન થવા સ્વેચ્છાએ આગળ આવવા અપીલ કરી.
ભાવનગર દેશનું સૌથી પહેલું રાજ્ય હતું જે ભારત સંઘમાં વિલીન થયું.
1939માં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક પ્રજા પરિષદ બોલાવેલી તેમાં સરદાર પટેલે પણ ભાગ લીધો. સરદારના માનમાં સરઘસ નીકળ્યું. સરઘસ ખારગેટ પાસે પહોંચ્યું ત્યારે નગીના મસ્જિદમાંથી કેટલાકે સરદાર પર ગોળીઓ છોડી. શ્રી જાદવજીભાઈ મોદી અને શ્રી બચુભાઈ પટેલ વચ્ચે આવી ગયા. બચુભાઈને ગોળી વાગી અને શહીદ થયા. ભાવનગરના દીવાન શ્રી અનંતરાય પટણીએ તપાસના હુકમો આપ્યા અને ગુનેગારોને ભારે નશ્યત આપી.
શહીદ થયેલા બચુભાઈની પ્રતિમા આજે પણ ખારગેટના ચોકમાં ઊભી છે.
સરદારના નિકટના સંપર્કમાં રહેલા એક ગૃહસ્થે પરદેશી યંત્ર-સ્પેરપાટ્ર્સ હિંદમાં વેચવાની એજન્સી રાખી અને સંસ્થાનું ઉદ્ઘાટન કરવા સરદારને આમંત્રણ આપ્યું. સરદારે કહ્યું, ‘તમે વેપાર કરો તેમાં મારું નામ વટાવી ખાવાની આશા ન રાખશો.’ સરદારે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો. આ સદ્ગૃહસ્થ પોતે જાહેર કાર્યકર હતા અને કાઁગ્રેસને આર્થિક મદદ પણ કરતા હતા, છતાં સરદાર, પોતે નિર્માણ કરેલા કર્તવ્યક્ષેત્રમાં અંગત લાગણી કે સંબંધનો કદી વચ્ચે આવવા ન દેતા.
સરદારે કરેલા ઇન્કાર પછી પેલા ગૃહસ્થની સંસ્થાનું ઉદ્ઘાટન એ સમયના મોટા પદે રહેલા જાણીતા નેતાએ કર્યું હતું.
જુલાઈ 27, ઝંઝાવાતી તોફાનનો દિવસ. સાત-સાત દહાડાની હેલીમાં અમદાવાદ ડૂબી રહ્યું હતું અને સતત થપાટો ખાતું રહ્યું હતું. સુધરાઈના પ્રમુખ હતા વલ્લભભાઈ. રાતના બાર વાગે એકલા-એકલા એ આવા તોફાનમાં નીકળી પડ્યા. રસ્તામાં પોતાના એક બહાદુર મિત્રને સાથે લીધો ને આખી રાત શહેરમાં ઘૂમી વળ્યા. પછી ત્યાંથી સીધા પહોંચ્યા એન્જિનિયરને ઘેર. એન્જિનિયર પણ આવા તોફાનમાં ખુદ પ્રમુખ સાહેબને પોતાને ઘેર આવેલા જોઈને ચોંકી ઊઠ્યો. એને સાથે લઈને એ પાછા બહાર નીકળી પડ્યા.
ચાર દિવસ અને ચાર રાત. તોફાન એવાં ને એવાં ઉગ્રતાપૂર્ણ ચાલતાં રહ્યાં ને શહેરને થપાટો વાગતી જ રહી અને પ્રમુખ સાહેબ (આપણા વલ્લભભાઈ) પણ શ્ર્વાસ લીધા વગર પાણીનો નિકાલ કરવાના જાત-જાતના નુસખા કરતા રહ્યા, જાનની બાજી લગાડીને લાગેલા રહ્યા. એમને આમ મહેનત કરતા રહેલા જોઈને મજૂરોએ પણ જાનની બાજી લગાવી, ને પાણીને શહેરની બહાર કાઢ્યું. એ વખતે જો પાણી શહેરની બહાર ના કાઢ્યું હોત તો અમદાવાદની શી દશા થઈ હોત એની કોને ખબર? આવી હતી એમની ફરજનિષ્ઠા!
એકવાર કિશોરાવસ્થા દરમિયાન વલ્લભભાઈને બગલગાંઠ નીકળેલી. ગાંઠ પર કાપો મૂકાવવા માટે વાળંદને બોલાવ્યો. કિશોર વલ્લભભાઈની ગાંઠ પર ધગધગતો સળિયો મૂકતા વાળંદનો હાથ પણ ધ્રુજી રહ્યો હતો ત્યારે તેમણે જાતે જ સળિયો લઈ ગાંઠ પર ચાંપી દીધો.
આવી જ રીતે તેઓ વિલાયતમાં રહેતા હતા ત્યારે એક વખત એમને પગે વાળા નીકળ્યા. ઘણા સર્જનને એની ખબર પણ નહિ. બે – ત્રણ વખત આપરેશન કરાવવું પડ્યું. આપરેશન વખતે ‘એનેસ્થેટિક્સ’ (પીડાશામક) વાપરવાની ડાક્ટરે સૂચના આપી, પણ ડાક્ટરોને વલ્લભભાઈએ આગ્રહ કર્યો કે ગમે તેટલું દુ:ખ થાય તે સહન કરીશ, પણ ક્લોરોફોર્મ નહીં વાપરવા દઉં. ડાક્ટરો તાજ્જુબ થયા, પણ તેના આગ્રહને વશ થવાની ના પાડી. ‘આવો દરદી અમને પહેલી વાર મળ્યો છે,’ આવા નીડર હતા વલ્લભભાઈ.
નાયબ વડાપ્રધાન તરીકે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સરદાર પટેલ ઓરંગઝેબ રોડ પર નં. 1 બંગલામાં રહેવાને ગયા. મોભા પ્રમાણે સરકારી ખર્ચે ફર્નિચર વસાવવા વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ સાદગીના આગ્રહી સરદાર ફર્નિચરમાં વધુ પડતો ખર્ચ કરે છે એવો આક્ષેપ ન થાય તે માટે સરદારે વધારાનું ફર્નિચર સરકારમાં પાછું મોકલી દીધું અને થોડું ફર્નિચર રાખી બંગલામાં રહેવા લાગ્યા. એક મિત્રને ખબર પડતાં તેણે પોતાના ખર્ચે ફર્નિચર મોકલવાનું કહ્યું. પણ સરદારે ઇન્કાર કર્યો. છેવટે બહુ આગ્રહ કરી પોતાનું જૂનું કાઢી નાખવા જેવું ફર્નિચર સરદારના બંગલામાં મુકાવ્યું. પોતાની જરૂરિયાતો પર છૂટથી પૈસા ખરચતા આજના પ્રધાનો સરદારનું આ વર્તન ધ્યાનમાં રાખશે ખરા?
કેટલીક ખોટી માહિતીના આધારે જામસાહેબ પાકિસ્તાનમાં જોડાવા ઉત્સુક હતા. આ હેતુ માટે તેઓએ જિન્હાને મળવાનું નક્કી કર્યંુ હતું અને ખાનગી વિમાનમાં દિલ્હીથી કરાંચી જવાનો કાર્યક્રમ પણ ગોઠવી દીધો હતો, પરંતુ તેઓ કરાંચી જવા ઊપડે તે પહેલાં જ સરદારશ્રીને આ અંગે માહિતી મળી ગઈ. સરદારે તાબડતોબ જામસાહેબના નાના ભાઈ મેજર જનરલ હિંમતસિંહને બોલાવ્યા.
હિંમતસિંહ સરદારને મળ્યાની પાંચ જ મિનિટમાં દિલ્હી અરપાર્ટ જવા રવાના થયાં. તેઓ પાછા આવ્યાં ત્યારે તેમની પાસે જામ સાહેબ પણ હતાં. સરદાર તેઓને એક કમરામાં લઈ ગયાં અને અડધો કલાક તેમની સાથે ગુફ્તેગુ કરી, સરદાર અને જામની એ અડધો કલાકની ચર્ચાએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતનો નકશો પલટાવી દીધો. જો જામસાહેબ પાકિસ્તાનમાં જોડાયા હોત તો તેમની દોરવણીથી અન્ય અનેક રજવાડાઓ પાકિસ્તાનમાં જોડાયા હોત, પરંતુ સરદાર પટેલની ત્વરિત નિર્ણયશક્તિએ જામનગરને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું.
]]>